વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ~ ચાર કાવ્ય : ૧) પ્રતાપસિંહ ડાભી’હાકલ’ ૨) કિરણ જોગીદાસ ‘રોશન’ ૩) જિજ્ઞેશ વાળા ૪) પુષ્કરરાય જોષી

૧. પ્રતાપસિંહ ડાભી’હાકલ’

સદીઓથી દઈ રહી’તી સૌને દીદાર ચકલી
મળતી નથી હવે એ માંગ્યે ઉધાર ચકલી

ટકટક કરીને કાચે બિંબાવતી’તી ખુદને
કરતી’તી શું સમયને બહુ ધારદાર ચકલી?

ભૂલી ન જાય ભીંતે ટાંગેલ એ છબીને
રચતી’તી એટલે ત્યાં જીવતો મિનાર ચકલી

એ આંગણાં અવાચક, એ ઝાડવાં ઝૂરે છે
ભૂલી ગયાં બધાંયે તીણી પુકાર, ચકલી!

જ્યાં વારતા કહું છું ચોખા ને મગને જોડી
સ્વીટુ પૂછે તરત કે, ‘ક્યાં છે બીમાર ચકલી’?

ના છે કશે તણખલાં ના છે સળી બટકણી
આવી ચડે તો રહેશે માળાની બહાર ચકલી

૨. કિરણ જોગીદાસ ‘રોશન’

કોણ આવી આંગણે કલબલ કરે ચકલી વિના?
સાવ સૂનું ઝાડવું કોને સ્મરે ચકલી વિના?

થઈ ગયો છે એકલો ભીંતે લટકતો આયનો
કોણ એકલતા હવે એની ભરે ચકલી વિના

ભરબપોરે શોધતો તડકો વિસામો બે ઘડી
કોણ મીઠી ચીંચયારી પાથરે ચકલી વિના

ગોખલો ને છાજલી ઉજ્જડ અને વેરાન છે
કોઈ કલરવ શું હવે ત્યાં પાંગરે ચકલી વિના!

હોય સુખ કે દુ:ખ પૂરાવે હાજરી ચીં ચીં કરી
શોધવું ક્યાં જઈ એ મીઠું ગાન રે ચકલી વિના

૩. જિજ્ઞેશ વાળા

એક ચકલી ચણ સુધી ગઈ,
એમના આંગણ સુધી ગઈ.

જોઈને આનંદ ઝાઝો,
ઠેઠ પીડા વ્રણ સુધી ગઈ.

ના રહી અંતે સલામત,
ડાઢ પણ ડહાપણ સુધી ગઈ.

તોય સૂક્કું થઈ ગયું છે,
લીલ સામા રણ સુધી ગઈ.

ધર્મ શું તલવાર પાળે?
સોંસરી તે જણ સુધી ગઈ.

૪. પુષ્કરરાય જોષી

અસલી-નકલી

શું અસલી, શું નકલી?
ભેદ પરખવા દર્પણ સામે
કેમ ઝઝૂમે ચકલી?

ચ્હેરા પર કેવી ચીતરી છે
ફૂલ સમી મુસકાન,
કિન્તુ એની ભીતર બેઠો,
શો શાતિર શયતાન!
આજ જમાનો જૂઠનો ભલે
ક્યાંક ફરે છે તકલી

મ્હોરા ઉપર મ્હોરા મૂકી
મોજ કરે છે લોક,
કેવાં અરમાનો છે દિલમાં!
મોર શી ઊંચી ડોક !
ટેવ પડી છે કૈં જન્મોની,
કેમ શકે તે બદલી ?

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ચકલી વિશે ની ચારેય રચના ઓ ખૂબ ગમી. ચયન ગમ્ય રહી. કવિ જનોને વંદન સાથે અભિનંદન. જળ હજી ઓસર્યા નથી. નરેન્દ્ર જોષી સાહેબશ્રી નું પુસ્તક માણ્યું છે. આપે અહીં આવકાર આપ્યો એ ખૂબ જરૂરી જણાયું. આ પુસ્તક ની રચનાઓ જનજીવન સાથે અર્થ એલીમેન્ટ થી જોડાણની અનૂભુતિ કરાવી જાય છે. તત્વ સત્વ સાથે નો સંબંધ પરાપૂર્વથી પ્રવાહિત હતો આજે એમાં ક્યાંક ઓટ વર્તાતી જોવા મળે છે. પ્રકૃતિ સાથે સંસ્કૃતિના સમૃદ્ધ જોડાણો ને ઉજાગર કરતું પુસ્તક વધું આવૃત્તિઓ સાથે બહોળા વાચકવર્ગ માં જાય એવી અપેક્ષાઓ સેવું છું. વંદનમ અસ્તુ શુભ રાત્રી શુભમ અસ્તુ.