લઘુકથા: પ્રતીક્ષાનો દરિયો ~ પ્રફુલ્લ રાવલ ~ રસદર્શન: રિપલકુમાર પરીખ
પ્રતીક્ષાનો દરિયો
એ વૈશાખની બપોર હતી. સૂર્ય જાણે આગ વરસતો હતો! તોય વિદ્યાર્થીનું આંદોલન વિરામ લેવાનું નામ નહોતું લેતું. મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર સામેનો આક્રોશ શમતો નહોતો. તડકો જાણે વિદ્યાર્થીઓને અડતો નહોતો. નડતો નહોતો.
દરરોજ રાતે નવી સવા૨નો નવો કાર્યક્રમ વિચારાતો. એમાં આકાશ અગ્રેસર રહેતો. આજનો આશ્ચર્યજનક કાર્યક્રમ તો સફળ થયો’તો, પરન્તુ રોજ મૌન રહેતી પોલીસનું રૂપ આજે બદલાયું હતું. લાઠી સજીવ થઈ.
આકાશ દોડતો દોડતો પરિચિત ગલીમાં વળ્યો ત્યારે એનું મન ક્ષણવાર આનંદસરમાં ઉલ્લાસથી સરી રહ્યું હતું. ત્યાં આવી ગયું એ ઘર. ખુલ્લી જાળી ને બારણું વસાઈ ગયાં.
એ ઊભો રહ્યો સ્તબ્ધ થઈને, થોડીવારમાં જાળી ખુલશે એ અપેક્ષાએ. અંદરથી રકઝકનો તારસ્વર સંભળાતો રહ્યો. પણ હવે ઝાઝું રોકાવું એટલે… એને પોલીસની સાઇરન સંભળાઈ. એ દોડ્યો. બંધ જાળી પાછળથી બે આંખો ભીની થતી રહી. આકાશ એક નેળમાંથી સરકી બીજી નેળમાં. વળી નવી નેળમાં સરતો રહ્યો. પછી છેવટે પકડાયો, અને ધકેલાયો જેલમાં.
આકાશનું કોઈ નહોતું. નહોતું એને કોઈ લક્ષ્ય. ઘણીવાર એ જ નેળમાં એણે સાંભળેલું – ‘મારા ખાતર તો છોડ આ.’ પણ એ તો એ જ માહોલમાં વહી જતો. હા, એ સાંભળતો ત્યારે ઘડીભર એના ચહેરા પર ગાંભીર્ય સવા૨ થઈ જતું, પણ એ તો ક્ષણ પૂરતું જ. વળી એ જ ગતિ, એ જ પ્રવૃત્તિ. અન્યાય સામે, શાસક સામે અવાજ એનું જીવિત બની રહ્યું.
અત્યારે જેલમાં એણે સ્વપ્નમાં જોયું કે પેલી વસાઈ ગયેલી જાળી ખુલ્લી છે અને પેલી બે આંખોમાં જાણે પ્રતીક્ષાનો દરિયો ઘૂઘવી રહ્યો છે.
~ પ્રફુલ્લ રાવલ
આકાશની પ્રતીક્ષાનો દરિયો
‘આકાશનું કોઈ નહોતું. નહોતું એને કોઈ લક્ષ્ય.’ આ વાક્ય આકાશનું પાત્રાલેખન સમજાવી જાય છે. માતા-પિતા કે ભાઈ-બહેન કોઈ ન હોવાથી તેનું કોઈ લક્ષ્ય પણ નહોતું. કદાચ તેને થયેલાં કોઈ અન્યાય સામે તેણે હવે મન બનાવી લીધું હતું કે હવે મારું તો કોઈ નથી, પરંતુ સમાજમાં મને જેવો અન્યાય થયો છે તેવો અન્યાય મારાં જેવાં બીજા કોઈની સાથે હું નહીં થવા દઉં.
વિદ્યાર્થી હોવાં છતાં આકાશને જ્યારે શાસન સામે બળવો કરવાની આવી તક મળી ત્યારે તેણે આ તક ઝડપી લીધી.
લઘુકથાની શરુઆત વૈશાખની બળબળતી બપોરથી થાય છે. આવી કાળઝાળ ગરમી પણ આકાશને, જે વિદ્યાર્થી આંદોલનનો નેતા પણ હતો, તેને દઝાડી રહી નહોતી.
‘મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર સામેનો આક્રોશ શમતો નહતો.’ શું આ ત્રણ કારણ જ હશે કે જેણે તેનાં માતાપિતાને તેની પાસેથી છીનવી લીધાં? આકાશનાં તન-મનમાં શાસક પ્રત્યે એટલો બધો આક્રોશ હતો કે તેને ‘તડકો અડતો નહોતો, નડતો નહોતો.’ અંદરની આગ એટલી જલદ હતી કે બહારનો આ તડકો તેને દઝાડતો નહોતો.
આકાશ અચાનક નહીં પરંતુ એક આશાએ જ દોડતો દોડતો તેની પરિચિત ગલીમાં વળ્યો કે તે ઘર તેને બચાવી લેશે. પરંતુ અહીં તો તેને જોતાં જ તે ઘરની ખુલ્લી જાળી અને બારણાં વસાઈ ગયાં. થોડી વાર સુધી તેણે રાહ જોઈ કે કદાચ તેની પ્રતીક્ષા ફળે પરંતુ અહીં તેને તરછોડી દેવાયો. તેને ખબર છે કે બંધ જાળી પાછળ શું થાય છે, તેને ગમતી એ આંખો આ વખતે ચોક્કસ ભીની થઈ હશે.
આંદોલન ઘણાં સમયથી ચાલતું હતું, એ આંખોએ તેને ઘણી વખત કહ્યું હતું કે – ‘મારા ખાતર તો છોડ આ.’ પણ તેને માટે હવે અન્યાય અને શાસક સામે અવાજ ઉઠાવવાની જે તક મળી છે તે આકાશ ગુમાવવા નહોતો ઈચ્છતો.
જ્યારે લઘુકથાનાં અંતે આકાશ જેલમાં સ્વપ્ન જોવે છે કે ‘પેલી વસાઈ ગયેલી જાળી ખુલ્લી છે અને પેલી બે આંખોમાં જાણે પ્રતીક્ષાનો દરિયો ઘૂઘવી રહ્યો છે.’
આ તો તેનું સ્વપ્ન છે કે કદાચ તે આંખો મારી પ્રતીક્ષા કરતી હશે, પરંતુ શું જેલમાંથી બહાર આવ્યા બાદ આ જ પરિસ્થિતિ તેને જોવા મળશે? આશાનું એક કિરણ આકાશની આંખોમાં સેવાઈ રહ્યું છે. પ્રતીક્ષાનો દરિયો તો ખરેખર આકાશની આંખોને ઘૂઘવી રહ્યો છે કે ક્યારે તે બહાર નીકળે અને પેલી આંખોનાં દરિયામાં તે સમાઈ જાય.
~ રિપલકુમાર પરીખ, અમદાવાદ
~ મોબાઈલ: 9601659655
શ્રી પ્રફુલ્લભાઈ ની હૃદયને સ્પર્શી જતી ખૂબ સંવેદના ભરેલી લઘુ કથા… વૈશાખી તડકાનો શરૂઆતી ઉપાડ સુંદર શરૂઆત કરી દે છે.
સરસ લઘુ કથા,કથાનો વ્યાપ વધે છે, નાયક ને સ્વપ્નામાં
જાળી ખુલેલી દેખાય છે એ સૂચક વાત એક આશા જન્માવે છે.જાળી નું ખૂલવું અને કથા નું બંધ થવું ત્યાં સર્જક ની આવડત કાબિલે દાદ છે. એટલું જ વિવેચક
શ્રીનું કામ સૂઝ પૂર્વકનું છે,સર્જક અને વિવેક શ્રીઓ ને સલામ.