પ્રકરણ: ૧ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

સોનેરી કિનારી વાળી મરુન રંગની સાડી, ગળામાં જડતરનો સેટ, હાથે પોંચા ને પગને અંગૂઠે માછલી. એટલું જ નહીં મુખ પર રહી રહીને ઝબકતું સ્મિત!

દીપકના લગ્નમાં લાવણ્ય નખશિખ સજી હતી. એણે પોતાના સંકલ્પથી આજના દિવસને શુભ ઠરાવ્યો હતો.

જાણે એનું પોતાનું લગ્ન ન હોય!

એ બન્નેને ઓળખનાર સહુ કોઈએ ધાર્યું હતું કે એમ જ થશે, પણ દીપક પાછો પડી ગયો. આજે સવિતાને પરણે છે છતાં લાવણ્ય ખુશ છે. એ જોઈને સિંઘસાહેબે એમનાં વિદુષી પત્ની શ્રીદેવીને હમણાં જ કહ્યું: લાવણ્ય એની જાત પર જબરજસ્તી નથી કરી રહી?

દીપકે કરેલી અંચઈની ઝીણી વેદનાને ભૂલવા એણે સંકલ્પપૂર્વક જે સ્મિત ધારણ કર્યું છે એ ભલે અત્યારે આભૂષણરૂપ લાગે, એ ક્યારેક ભારરૂપ પણ બની શકે. એણે આ જોખમ ખેડવાની જરૂર નહોતી. હાં, બીજાં બધાંની જેમ અડધો કલાક આવીને શુભેચ્છા આપી જાય તો એમાં એની મોટાઈ હતી. પણ આ તો સુજનતાનો અતિરેક લાગે છે – એ દંપતીએ ઔપચારિકતા પતાવીને વિદાય લીધી હતી. દીપકના આગ્રહ તરફ ધ્યાન આપ્યું નહોતું.

અજાણ્યાને તો એમ જ લાગે કે આ લગ્નોત્સવ સહુથી વધુ માણી રહી છે લાવણ્ય. એની ચાલમાં જ નહીં, એનાં ઘરેણાંમાં પણ તરલતા હતી. એની પસંદગી એવી હતી કે સુંદર વસ્તુઓ વધુ સુંદર લાગતી હતી.

એ અકારણ ક્યાંય ઊભી નથી રહેતી અને ઊભી રહે ત્યાં દશ્યના કેન્દ્રમાં આવી જાય છે. એ બોલકી કે ચબરાક નથી પણ ચતુર અને હાજરજવાબી છે. એની વાણીમાં માધુર્ય છે.

વિશ્વનાથ નામનો એક પત્રકાર એના સોહામણા વાન અને અંતર્મુખ સ્વભાવનો પ્રશંસક છે. પ્રેમલ નામનો ચિત્રકાર કહે છે કે લાવણ્યનું રેખાંકન દોરવું બહુ સહેલું છે, કેમ કે અગાઉ એણે નવમી સદીની એક શિલ્પશૈલીનો અભ્યાસ કરેલો. એની બહેન વનલતા લાવણ્યની સખી છે. એ લાવણ્ય પાસેથી ઘણુંબધું શીખી છે પણ એના અવાજમાં જે અકળ મોહિની છે એ અનુકરણથી આત્મસાત થાય ખરી?

એની જેમ નૃત્યનો લય ધરાવતી ગતિએ ચાલવા જઈએ તો દેખાડો બની રહે, આંખે ચઢીએ. જ્યારે એની ચાલ જોનારની આંખોને ઠારે છે.

દીપકે આ બધું જ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. અને છતાં એ રાજીખુશીથી સવિતા સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. સગાઈ થઈ એ પહેલાં એણે સવિતા સમક્ષ સાહિત્યિક શૈલીમાં સ્પષ્ટતા કરી હતી:

‘મારા હૃદયે હમણાં સુધી લાવણ્યના રૂપગુણનું સંકીર્તન કર્યું છે. અમારું સાહચર્ય સામાન્ય મૈત્રીથી કંઈક વિશેષ રહ્યું છે. અમે સહજીવનની કલ્પનાથી ચાલ્યાં છીએ. પણ વ્યક્તિગત સ્વાતંત્ર્ય અંગે છેલ્લે થયેલી સ્પષ્ટતાએ અમારી વચ્ચે અંતર ઊભું કર્યું.

લાવણ્ય જેવી તેજસ્વી અને સ્વરૂપવાન કન્યા મળે તો ધન્ય થઈ જવાય પણ હું જાણું છું કે એમ થવું શક્ય નથી. તમે એક સંપન્ન અને સંસ્કારી કુટુંબમાંથી આવો છો એ પૂરતું છે. આત્માઓના ઐક્યનો આદર્શ ભલે સિદ્ધ ન થાય, આપણે પ્રસન્ન દામ્પત્યના ધોરણે જીવી શકીશું. તમારા માટે મારી હા છે.’

સવિતાએ લાવણ્યનું વર્ણન સાંભળ્યું ત્યારે એને ઈર્ષા થઈ હતી પણ એને પ્રત્યક્ષ જોઈ ત્યારે નવાઈ પામી. આ છોકરી તો જેટલી રૂપાળી છે એથી વધુ ભલી છે. દીપકે મને પસંદ કરી છે કે મારા બાપની સંપત્તિને?

સવિતાએ સાંભળ્યું હતું કે દીપક તો લાવણ્ય માટે ઘણીબધી બાંધછોડ કરવા તૈયાર હતો પણ એનાં માતાપિતા ‘ગૃહલક્ષ્મી’ની ચોક્કસ કલ્પનાથી જ ચાલવા માગતાં હતાં. એમને ઘરમાં લજ્જાશીલ પુત્રવધૂ જોઈતી હતી, પ્રતિભાશાળી યુવતી નહીં. મરજાદી ગૃહિણી જોઈતી હતી, પોતાની અસ્મિતા પ્રત્યે સભાન કલાવિદ સુંદરી નહીં.

સવિતાના મનમાં સહેજ અવઢવ હતી પણ સગાઈ પછી એ શમી ગઈ. એમાં લાવણ્ય સાથેની બેત્રણ મુલાકાતોનો પણ ફાળો હતો. વિજાતીય ખેંચતાણ વિનાની સહજ મૈત્રી ઊપસી આવતી એણે જોઈ હતી.

લાવણ્ય કે દીપકે કશું છુપાવવા જેવું નહોતું. એને નવાઈ લાગી હતી: આમનો સંબંધ અધવચ્ચે કેમ અટકી ગયો? ભાગ્ય નડ્યું? કોને?

લાવણ્યે કહેલું કે તમારા લગ્ન પછી હું તમારે ત્યાં આટલી જ સ્વાભાવિકતાથી આવીશ. અગાઉ પણ ગયેલી. મૈત્રી હતી અને છે.

દીપક અનાવિલ છે. વલસાડમાં વારસામાં મળેલી આંબા અને ચીકુની વાડી છે. એ વાડી જોઈને લાવણ્યને જાણે કે પરીની પાંખો મળી ગઈ હતી. સૌન્દર્ય જોઈને જાગતી મુગ્ધતા એની આંખોમાંથી તુરત ઓસરતી નથી. અભ્યંતર ઉડ્ડયન લાવણ્યને બરાબર સદી ગયેલું છે.

દીપકનાં માતાપિતાને તે દિવસ તો એમ જ લાગેલું કે આપણે જેની રાહ જોતાં હતાં તે જ આ લાવણ્યરૂપે આવીને ઊભી રહી. વધાવી લઈએ એટલી જ વાર. પણ પછી કુળ અને કુટુંબ વિશે વાત થઈ. લાવણ્યને થયું કે વર્તમાન કરતાં ભૂતકાળ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે.

લાવણ્યના પિતાજી નાગર અને મા લુહાણા વણિક. રાષ્ટ્રીય ચળવળના દિવસોમાં પરિચય અને લગ્ન. આઝાદી પછી એમણે ગ્રામપુનરુત્થાનની પ્રવૃત્તિઓ ઉપાડી, પણ એથી એમનો વિદ્યાવ્યાસંગ ઘટ્યો ન હતો. બે દીકરીઓ, મોટી વિરાજ અને નાની લાવણ્ય, રવીન્દ્રનાથની ‘શેષેર કવિતા’ની નાયિકા.

બંને પોતાના પગ પર ઊભી રહે એ રીતે કેળવી. લાવણ્ય અનુસ્નાતક શિક્ષણ લઈ રહી હતી ત્યાં છ માસના ગાળામાં જ પહેલાં માએ અને બાપુજીએ દેહને છોડ્યો. હવે વિરાજબેન અને એમના પતિ ચંદ્રકાન્તભાઈ લાવણ્યનાં વાલી ગણાય. પણ ખરું વાલીપણું તો ભોગવે છે એમનો દીકરો શ્યામસુંદર, અને એ પણ જનમ્યો છે ત્યારથી.

લાવણ્યને ફૂલો ખૂબ ગમે અને બાળકો એથી વધુ ગમે. ચંદ્રને તારા ગમે તેમ. એ પોતાનો પરિચય આપતાં કંઈક આવું જ બોલી. દીપકનાં માતાપિતાને એથી પૂરતો જવાબ મળ્યાનો સંતોષ થયો નહોતો. એમને લાગેલું કે છોકરી અધૂરા ઉત્તર આપે છે. ગામ-ઠામ, માલ-મિલકત વગેરે વિશે પૂછતાં એ હસી પડી:

‘બાપુજીને એમના ગામ વિશે કોઈ પૂછે તો એ જવાબ આપતા- “સાત લાખ સેવાગ્રામ.”

અમારા ભાગમાં એટલાં આવ્યાં નહીં, કેમ કે ત્રીજાચોથા ભાગનાં ગામ પાકિસ્તાન પડાવી ગયું. મારી મા પાસે સોનું -રૂપું કશું હતું નહીં. સોનેરી સ્મિત અને રૂપેરી દાંતથી એમનું મોં શોભતું. એમણે પોતાનું મકાન બાંધ્યું ન હતું. સંસ્થા ઊભી કરતાં, એ ઠરીઠામ થાય એ પછી બીજાઓને સોંપી દઈને એ આગળ વધતાં. કશું છોડવાનો એમને રંજ નહોતો કેમ કે નવું સર્જવાનો ઉમંગ હતો.

મને પણ પહેલાં રચનાત્મક પ્રવૃત્તિઓમાં ઘણો રસ હતો. હું શ્રમશિબિરોમાં શોખથી જતી. આખી વેળા કામ કરતી. પણ છેલ્લાં કેટલાંક વરસથી કવિતાની લતે ચઢી ગઈ અને દીપક જેવો પ્રશંસક મળ્યો. પછી જોઈએ શું? સો બોતલોંકા નશા હૈ એક વાહવાહ મેં!’

દીપકનાં મમ્મીએ પૂછેલું: તો તમારા વતન અને કુળ વિશે તો અમારે સૌની આગળ મૌન જ પાળવાનું ખરું ને!

‘ના રે! વતન ભારત અને કુળ માણસ! આઝાદી પછી મારાં માતાપિતાનો આદર્શ અમલમાં આવ્યો હોત તો દેશના ઘણા પ્રશ્નો હલ થઈ ગયા હોત. ખોટું કહું છું?’

એ પછી ગૃહિણીધર્મ અને સ્ત્રીની કૌટુમ્બિક તેમ જ સામાજિક જવાબદારી વિશે ચર્ચા થઈ હતી. એમાં પણ લાવણ્યે બને એરલી ગંભીરતાથી ભાગ લીધો હતો પણ એ પછી પુછાયું: ‘તમારાં મા-બાપ તો રાષ્ટ્રીય રંગે રંગાયાં હતાં. પણ તમારાં મોટાં બહેને આંતરજ્ઞાતીય લગ્ન કેમ કર્યું?’

‘આંતરજ્ઞાતીય એટલે? અમારી કોઈ જ્ઞાતિ જ ક્યાં છે?’

‘કેમ? તમારા પિતાજીની જ્ઞાતિ એ તમારી માની જ્ઞાતિ!’

‘હું એવું નથી માનતી.’ — કહેતાં લાવણ્યે દીપક સામે જોયું હતું. એ અવિચળ રહ્યો એ જોઈને સ્પષ્ટ કહ્યું હતું: ‘દીપક, તું કેમ બોલતો નથી? બધા જવાબ મારે એકલીએ જ આપવાના? મારે વિશે તું શું નથી જાણતો? મારાં સ્વજનોને હું એકલી વખાણું એ સારું કહેવાય?’

 — આમાં વખાણવા જેવું શું છે એ દીપકનાં માબાપને સમજાયું નહોતું. એમણે લાવણ્યને ન સંભળાય એ રીતે દીપકને કહેલું: ‘એક નિરાશ્રિત કુટુંબની કન્યામાં અને લાવણ્યમાં ફેર શો?’ દીપકે જવાબ નહોતો આપ્યો અને લાવણ્યને પ્રશ્નનું હાર્દ સમજાઈ ગયું હતું. એ નારાજ થવાને બદલે વિચારમાં પડી ગઈ હતી.

‘રૂટલેસ કેરેક્ટર્સ’ વિશે એણે વાંચ્યું હતું. એ પૂર્વે ‘અજ્ઞાત-કુલશીલ’ શબ્દ પણ વાંચેલો. એનો અર્થ પોતાને પણ ક્યારેક સ્પર્શી જશે અને અન્ય વ્યક્તિમાં નકારાત્મક પ્રતિભાવ જગવશે એવું એણે ધાર્યું ન હતું. દીપક ત્યારે એ અંગે સભાન થયો ન હતો. વડીલો તો આવું બધું પૂછે. એની પળોજણ શી? એ નચિંત હતો.

એ એકાદ માસ પછી ઘેર ગયો ત્યારે એનાં વડીલો પાસે એકથી વધુ વિકલ્પો હતા. ફોટા તો ઘણા હતા. પિતાશ્રીએ પૂછેલું:

‘તારે તારી પત્નીની ધૂન પૂરી કરવા, એના શોખ સંતોષવા લગ્ન કરવું છે કે એક જવાબદાર ગૃહિણી મેળવવા? પહેલાં સમજી લે કે તારે શું જોઈએ છે? લાવણ્ય તને કલ્પનાના ઘોડે અસવાર થઈને નીકળેલી રાજકુમારી જેવી લાગતી હશે તેથી ખૂબ ગમતી હશે, પણ જીવનમાં કલ્પનાની મૂડીની ખપ નથી લાગતી. આ તો તું એને અમારી પાસે લઈ આવ્યો તેથી કહીએ છીએ. તારે પ્રેમલગ્ન કરવું હતું તો અમને પૂછવાની શી જરૂર હતી? અમે તારો નિર્ણય સ્વીકારી લીધો હોત. અમારી સેવા કરે એવી પુત્રવધૂનું સ્વપ્ન લઈને અમે બેઠાં નથી. હા, એટલું જરૂર ઈચ્છીએ છીએ કે વતનની વાડીને સુકાવા ન દે.’

પણ વાડી તો લાવણ્યને બહુ ગમી હતી. તો? થયું શું?

દીપક ધારતો હતો કે રજાઓમાં લાવણ્ય ફરી વલસાડ આવશે ને ગેરસમજ દૂર થઈ જશે. લાવણ્ય પોતે તો કશી ગેરસમજ કરે એવી છે જ નહીં. દીપકે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું એ માટે નક્કી કર્યું હતું. પણ એ દિવસોમાં લાવણ્યને નવકવિઓ માટેના લેખનશિબિરમાં પ્રવેશ મળ્યો હતો. આબુ જેવું રમણીય સ્થળ હતું.

પરીક્ષા પહેલાં બેએક માસથી લાવણ્યે સંગીતનો રિયાઝ બંધ કર્યો હતો એની યાદ આપીને દીપકે એને લખેલું: ‘સંગીત છોડીને હવે કવિતા પકડી?’

લાવણ્યે ટૂંકો જવાબ આપેલો: ‘ઓગણીસમી સદી સુધી તો કવિતા અને સંગીત જુદાં જ ક્યાં હતાં? કવિઓ કવિતા લખતા ન હતા, ગાતા હતા. તું નરસિંહ, સૂરદાસ કે મીરાં વિશે આટલું ય નથી જાણતો? અનુકૂળતા હોય તો અમારી શિબિરની પૂર્ણાહૂતિના દિવસે આબુ આવી જજે. એકાદ દિવસ સાથે ફરી લઈશું. વળતાં અંબાજી જઈશું. દર્શન કરીશું. અંબામા સામે હાથ જોડીને સાથે ઊભાં રહીશું. બરાબર?’

દીપક આબુ નહોતો જઈ શક્યો. વિચાર કરતો રહેલો તેથી પત્ર પણ નહોતો લખી શક્યો. એને એક પ્રશ્ન થયેલો: સગાઈનું નક્કી કરવા કરતાં કાવ્યશિબિરમાં જવામાં લાવણ્યને વધુ રસ પડ્યો? મારાં વડીલોની લાગણીની એને પડી જ નહીં હોય? એકના એક સંતાન પાસે માબાપની શી અપેક્ષા હોય છે એટલુંય એ સમજતી નહીં હોય?

પછી દીપક માતાપિતાની દષ્ટિએ લાવણ્યના વ્યક્તિત્વને સમજવા પ્રયત્ન કરવા લાગ્યો. અને બીજી બાજુ લાવણ્યનો બચાવ પણ શોધ્યા કરતો હતો. એક દિવસ એને એક ઉમદા વિચાર આવ્યો: જે પ્રેમને પૂજા યોગ્ય માન્યો હોય એના પર લગ્નનું બંધન બાંધીને પૂજારીમાંથી સ્વામી બની બેસવું?

દીપકે આ પ્રકારની દલીલોથી લાવણ્યની તરફેણમાં અને પોતાની વિરુદ્ધ વિચારવાનું શરૂ કર્યું. એ એમ જ માનતો રહ્યો કે પોતે લાવણ્યનો પરમ શુભચિન્તક છે, પણ એની અંદર કંઈક જુદો જ ઘાટ ઘડાઈ રહ્યો હતો.

થોડા માસમાં જ લાવણ્ય સમજી ગઈ: વિકલ્પો સદેહે સામે આવતાં દીપક મૂંઝાયો છે. એણે મોડું થાય એ પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી: ‘જો દીપક, હું સમજું છું ત્યાં સુધી આપણી મૈત્રી બે સહાધ્યાયીઓના સંપર્કનું પરિણામ હતી. એમાં ચોક્કસ ગણતરી ન હતી. એ અશક્ય નહોતું કે આપણી મૈત્રી આજીવન સહવાસમાં પરિણામે.

આપણી બંનેની માનસિક તૈયારી હતી. પરંતુ હું તારે ત્યાં, તારાં વડીલો સમક્ષ જુનવાણી ગૃહલક્ષ્મી તરીકેની યોગ્યતા પુરવાર કરવા નહોતી આવી. વાસ્તવમાં એ પ્રવાસમાં આપણો પરિચય ઠીક ઠીક વધ્યો.

વડીલોના વલણનું મને આશ્ચર્ય નથી. તું તારી ધારણામાંથી પાછો પડી રહ્યો છે એવું તને લાગતું હોય તો મારી સહાનુભૂતિ તારી સાથે છે. આજ સુધી જેવી અને જેટલી મૈત્રી છે એમાંથી કશું બાદ કર્યા વિના આપણે કેમ જીવી ન શકીએ?

સહજતા છીનવી લે એવી અપેક્ષા હું નહીં સેવું. એ ખરું કે આપણા સહાધ્યાયીઓની ધારણા ખોટી પડશે, એ ધારણાને દઢ થવા દેવા જેટલાં આપણે મોડાં પડ્યાં છીએ, પણ હવે નિરુપાય છીએ. આપણે યથાશક્તિ સ્વસ્થ રહી શકીશું.

એના પહેલા પગથિયા તરીકે તારા લગ્ન-સમારંભમાં હું બરાબર સજીને આવીશ.

(ક્રમશ:)

(કાયમી નોંધ: આમ તો નવલકથાના મોટા ભાગના પ્રકરણો દીર્ઘ છે, પણ બ્લોગના દેશ-વિદેશમાં વાચકો મોબાઈલ સ્ક્રીન પર વાંચતા હોવાને કારણે સરળતા માટે અમે પ્રકરણોનું પુન:ગઠન કર્યું છે તથા મોટા ફકરાઓનું પણ વિભાજન કર્યું છે. આ પદ્ધતિ આગામી પ્રકરણોમાં પણ અનુસરવામાં આવશે. – સંપાદક)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. શરુઆત જ એકદમ જાજરમાન! બળકટ કલમનો પરિચય એમના શબ્દોથી પામી શકાય છે.