ચાર ગઝલ ~ દિલીપ ધોળકિયા ‘શ્યામ’ (જૂનાગઢ)

કવિ પરિચય:
નામ : દિલીપ ધોળકિયા, ઉપનામ: શ્યામ, અભ્યાસ: બી.એ. વ્યવસાય : ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગમાં જિલ્લા રોજગાર અધિકારી તરીકે અમરેલી જિલ્લા ખાતેથી 39 વર્ષની દીર્ઘ સેવા બજાવી વર્ષ 2021માં નિવૃત્ત થયા. શોખ: સંગીત,ધર્મ, વેદાંત,સાહિત્યનું વાંચન, કવિતા, ગીત અને ગઝલ વાંચન, લેખન, પ્રવાસ,સામાજિક સેવા. 300 જેટલી છંદોબદ્ધ ગઝલ,કાવ્યોની રચના – ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થશે..
રહેઠાણ : મંગલ ધામ -2, બ્લોક નં.5, “આદિત્ય”, બાય પાસ સામે, ટીંબાવાડી, જૂનાગઢ.362 001. મોબાઈલ : 94262 30244 
1. થઈ ગયો

કોઈ કહે છે જીવ એ, આઝાદ થઈ ગયો.
સાચું કહું? માણસ બધેથી, બાદ થઈ ગયો.

નાચીજ ના જાણી શક્યો, જો ઇશ્કનો ઇલમ,
માની ખુદા એને જુઓ, બરબાદ થઈ ગયો.
ઝાકળની સાથે રાત પણ, રોઈ પડી પછી,
દિવસ થતાં ઝરમર નભે, વરસાદ થઈ ગયો.
ત્યાં રાત આવી કે તરત, સૂરજ અહીં હતો,
બસ આટલી તો વાતમાં વિવાદ થઈ  ગયો.
બોલ્યાં વગર વરસો ગયાં, આજે મળી નજર,
આંખો સજલ મલકી અને સંવાદ થઈ ગયો.
જો વિષ મળ્યું, થઈ ચૂપ સૌ, બેસી રહ્યા હતાં,
અમૃત મળ્યું ને દેવ-દાનવ, વિખવાદ થઈ ગયો.
ભણકાર થઈ આભાસ ચોગમ ટળવળે હજુ,
આ બંધ તારાં બારણે બસ સાદ થઈ ગયો.
હસતો પછી ચહેરો અરે પળમાં રડી પડ્યો,
બારી ખુલી ને બંધ થઈ, અવસાદ થઈ ગયો.
અનહદ તણાં સત્ દેશ સાધુ પાંવ જો ધર્યો,
શબ્દો થયાં આહલેક ને બ્રહ્મનાદ થઈ ગયો.
2. ઉજળો અસબાબ આપી દે
ગુમાવી મેં ક્ષણો એનો જરા હિસાબ આપી દે.
નહીં માગું પછી બીજું ફકત ઇન્સાફ આપી દે.
કરમ ખોટાં ઘણાં છે પણ હશે એકાદ પુણ્ય તો,
કરે જ્યાં નોંધ સૌની તે મને કિતાબ આપી દે.
નથી કોઈ શિકાયત, ના કશો અફસોસ જાવાનો,
ભલે લે પ્રાણ પણ આગોતરા અંદાજ આપી દે.
વધારે ના અપેક્ષા છે કશી મારી પ્રભુ તુજથી,
મળે કાંટા નસીબે ત્યાં તું ફૂલની છાબ આપી દે.
મને ગમશે નહીં જો આંખ ખૂલે ને તૂટી જાશે,
ભૂલી હું ના શકું એકાદ એવું ખ્વાબ આપી દે.
મુખેથી નીકળે ત્યાં થાય રણટંકાર મહેફિલમાં,
અનોખો આબરૂવાળો શબદ રૂઆબ આપી દે.
રહ્યો કંગાળ છોને હું, મરણ પર મહેર કરજે તું,
કફનમાં સત્ય કેરો ઉજળો અસબાબ આપી દે
3. પૂછજે
આવ તો મારી જરા તું અવદશા પણ પૂછજે.
પાસ બેસીને પછી મારી વ્યથા પણ પૂછજે.
સાવ જુદી ને નવી, વિષાદ સહ ખુશી તણી,
બાદ તારાં જે રચાઈ એ કથા પણ પૂછજે.
પાનખરની વાત ભૂલી, લઈ વસંતને આવજે,
પર્ણ પર ઝાકળ સવારીની મજા પણ પૂછજે.
હાલ મારાં જોઈને અફસોસ ના કરશો તમે,
ફૂલને સુવાસ વહેંચ્યાની સજા પણ પૂછજે.
એમ તો ભૂલી ગયો છું હું તરસને તે છતાં,
તું હરણને ઝાંઝવે દીધાં દગા પણ પૂછજે.
4. ઘર સામેની બંધ બારી
ઘર સામેની બંધ બારી કોઈ ખોલાવો હવે.
બે ઘડી મુજને ફરી એ ચાંદ દેખાડો હવે.
એક એનાં આગમનની છે તરસ યુગો જૂની,
આ સળગતાં બે નયનને કોઈ બુજાવો હવે.
ક્યાંક હું ભૂલી ગયો છું ખુદને મળવાનું અરે!
કોઈ મુજને જાત સામે બે ઘડી લાવો હવે.
એક રણકારે ફડક નિંદ્રાથી હું જાગી જતો,
એ જ હાકે સાદ પાડી કો’ક બોલાવો હવે.
બાળપણની જિંદગી તો યાદ આવે છે હજુ,
એ વિતી ચૂકી ક્ષણોમાં સ્હેજ જિવાડો હવે.
ઉંબરો એ આંગણું, પનઘટ અને પાદર નદી,
ગોદમાં એની ઘડીભર મુજને બેસાડો હવે.
શ્વાસ થઈને કાયમી જીવ્યાં ભલે મારાં મહીં,
અંતકાળે આપવા દર્શન ઘડી આવો  હવે.
લાગતી ઠોકર અને હૈયે જે સહસા ચાંપતી,
માવડી જેવાં જતનથી સ્હેજ સંભાળો હવે.
આમ તો હું પણ લડ્યો છું જિંદગીના જંગને,
પાળિયા સાથે  મને પણ પાદરે સ્થાપો હવે.
~ દિલીપ ધોળકિયા ‘શ્યામ’
(જૂનાગઢ)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. વાહ, સરસ ગઝલો

    કવિ શ્રી દિલીપભાઈ ધોળકિયા ‘શ્યામ’ ને ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ 💐

  2. વાહ…ખૂબ સુંદર ગઝલો…
    કવિ શ્રી ‘શ્યામ’ને શુભેચ્છાઓ…