ઝેપલીન મ્યુઝિયમ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:28 ~ ઉત્કર્ષ મઝુમદાર
હવે અમારી સવારી જઈ રહી હતી ફૂસેન શહેર ભણી જ્યાં જઈને અમારે ડિઝનીએ વિશ્વવિખ્યાત બનાવી દીધેલો કેસલ જોવો હતો.
“ફ્રાઈબર્ગ ઈન બ્રેઈસગાઉ”થી ફુસેન 272 કિલોમીટરના અંતર પર છે. જો તમે ઑટોબાહન પકડો તો, અને ત્યાં બે કલાકની અંદર પહોંચી જઈએ. અમે લગભગ એ લેવાનું ટાળીએ એટલે અમારા માટે અંતર વધારે થાય પણ અમારે એમ નહોતું કરવું.
વાચક કહેશે કે અમને ખબર છે તમે અંદરના રસ્તા લેવાના જેથી વચમાં આવતા અન્ય રમણીય ઇલાકાને પણ માણી શકાય. સાચી વાત છે તમારી પણ આ વખતે એક બીજું કારણ પણ હતું.
ભારતમાં મેં કરેલા થોડા સંશોધનને લીધે જાણવા મળેલું કે અમે જો થોડુંક ‘ડીટુર’ એટલે કે થોડુંક ફંટાઈને જઈએ તો અમે ફ્રીડરીખશાંફેનમાં આવેલું ઝેપલિન મ્યુઝિયમ જોઈ શકીએ. વળી અમે લેક કોન્સ્ટન્સ થઈને પણ જવા માગતા હતા કારણ આ એક અદ્ભુત ખૂબસુરત પ્રદેશ છે.
આમ ઝેપ્લીન મ્યુઝિયમ અને લેક કોન્સ્ટન્સની મુલાકાત કરી શકાય એ હેતુસર અમે ફંટાઈને ચાલ્યા. એ અંતર 151 કિલોમીટર હતું. અમે આરામથી જવા માંડ્યું.
મને અવારનવાર પૂર્વસંકેત થયા કરતા હોય છે. આ લખતા પણ મને દિમાગમાં કશુંક ઝણઝણ્યું કે વાચકોમાંથી કોઈ બોલી ઉઠશે કે, “ભાઈ આ ઝેપ્લીન એટલે શું એ વિષે તો જરા જણાવો તો સારું. અમે તો આ નામ પણ પહેલી વાર સાંભળ્યું છે.” ભલે તો પહેલા તમને થોડુંક એના વિષે સમજાવું.
માણસજાતના આકાશમાં ઉડવાના અભરખા તો પ્રાચીન કાળથી ચાલી આવતા હતા. જાતજાતના અખતરાઓ કર્યે જતો હતો તે છેક વીસમી સદીની શરૂઆતમાં સફળતા મળી.
ઝેપ્લીન એ ધાતુના ચોકઠાની ઉપર કપડું જડીને બનાવેલું નળાકાર હવાઈ જહાજ છે જેનો આવિષ્કાર જર્મનીમાં થયો. એનું આ નામ ઝેપ્લીન બનાવતી કંપનીના નામ પરથી પડ્યું.
બહુ સુંદર માર્ગ હતો. અમે બ્લેક ફોરેસ્ટમાં આવેલ ટિટિસી સરોવરથી પસાર થયા. પછી અમારી જમણે આવ્યું કોન્સ્ટન્સી સરોવર. કોઈકે મને પૂછ્યું “જરા આ સરોવર વિષે કહેને?” નેકી ઓર પૂછ પૂછ?
જર્મન સ્વિત્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયાના ત્રિભેટે આ સરોવર આવ્યું છે. અહીંના જાણીતા શહેરો છે-કોન્સ્ટન્સ, ફ્રીડરીખશાંફેન, બ્રેગેન્ઝ અને લિંડાઉ. મધ્ય અને પશ્ચિમ યુરોપનું લેક જીનીવા અને લેક બાલાટોન પછીનું આ ત્રીજા નંબરનું મોટામાં મોટું મીઠા જળનું સરોવર છે.
આલ્પ્સના પહાડોની તળેટીમાં આ આવ્યું છે. આ સરોવરમાં દસ ટાપુઓ આવેલા છે. મોટામાં મોટો રાઈસેનાઉં. અહીંયા આવેલા મઠ ને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે. અહીં આવેલા પ્રાચીન મધ્યકાલીન ત્રણ ચર્ચોને લીધે. બીજા નંબરનો ટાપુ છે લિંડાઉ ને ત્રીજા નંબરનો ટાપુ મૈનાઉ ખાનગી માલિકીનો છે.
અમે ઝેપલિન મ્યુઝિયમ જ્યાં આવેલું છે તે ફ્રીડરીખશાંફેન શહેર પહોંચી ગયા. સદ્નસીબે અહીં ગાડી પાર્ક કરવામાં મુશ્કેલી ન પડી કારણ કે વિશાળ પાર્કિંગ લોટ હતો.
આ મ્યુઝિયમ બરોબર મોકાની જગ્યાએ આવેલું છે. હાર્બર રેલવે સ્ટેશન પણ એકદમ અડીને છે. જળમાર્ગ માટે જેટી પણ એકદમ નજીક છે કારણ કે લેક કોનસ્ટેન્સને એકદમ અડીને છે. એટલે તમે રસ્તા માર્ગે, ટ્રેન માર્ગે ને જળ માર્ગે અહીં પહોંચી શકો.
ઝેપલિન મ્યુઝિયમ જ્યાંથી એણે ઉડાન ભરેલી તે જ નગરમાં બનાવવામાં આવ્યું છે. ઝૅપ્લીનના સિલસિલાબંધ ઇતિહાસને આલેખતું ને ઝેપલીન સાથે સંલગ્ન બધી વસ્તુઓને પણ સમાવતું વિશ્વનું આ મોટામાં મોટું મ્યુઝિયમ છે.
એચ. જી. મેરઝ નામના જર્મન આર્કિટેક્ટે આ પ્રદર્શનની ડિઝાઇન કરી તે નવા રંગ રૂપ સાથે 1996માં હાર્બર રેલવે સ્ટેશન આગળ ફરીથી ખુલ્લું મુકાયું.
અમારી ટોળકીમાંથી કોઈક બોલ્યું, “ઝેપલિન વિષે થોડી ખબર છે કે એ પ્લેનની જેમ હવામાં ઊડતું હતું પણ ઝાઝી ખબર નથી. પણ પહેલા ઝેપલિન આવ્યું કે એરપ્લેન?”
દિલચસ્પ સવાલ હતો મને પણ ખબર ન હતી એટલે ઈન્ટરનેટનો સહારો લીધો.
“ઝેપલિન હવાઈ જહાજ ‘કાઉન્ટ ફર્ડીનાન્ડ ગ્રાફ વોન ઝેપલિન’ જે નિવૃત જર્મન લશ્કરી અધિકારી હતો તેણે 2 જુલાઈ 1900ના રોજ ફ્રેડરિખશાફેનથી આકાશમાં પહેલી ઉડ્ડયન ભરી.
જયારે અમેરિકાના રાઈટ ભાઈઓએ નોર્થ કેરોલિના રાજ્યના કીટી હોક વિસ્તારમાંથી 17 ડિસેમ્બર 1903ના રોજ એમના રાઈટ ફ્લાયર નામના એરોપ્લેનમાં પહેલી ઉડાન ભરી એટલે ઝેપલિન હવામાં ઉડનારું પહેલું હવાઈજહાજ બન્યું.”
વળી પાછું કોઈકે પૂછ્યું, ”મને સમજાતું નથી કે એરોપ્લેન ને આ ઝેપ્લીન માટે ગુજરાતીમાં હવાઈજહાજ શબ્દ કેમ વાપરવામાં આવે છે? દરિયાઈ જહાજમાં તો મુક્ત મને હરીફરી શકાય, આપણી કેબિનમાં જઈને નિરાંતે સૂઈ શકાય, જયારે વિમાનમાં તો એવું કરવું શક્ય જ નથી હોતું.”
મેં ઉત્તર આપવામાં ક્ષણનો વિલંબ કર્યો એ તકનો કેપ્ટને લાભ લીધો ને કહે, “આપો, કલાકાર જવાબ આપો”. તે આપણે જવાબ આપ્યો.
“હવાઈ જહાજ એ એરોપ્લેન યાને વિમાન માટેનો શબ્દ નથી પરંતુ ઝેપ્લીન માટેનો શબ્દ છે કારણકે જે આધુનિક ઝેપ્લીન બન્યા એમાં આવી સગવડો હતી. દરિયાઈ જહાજ જેવી જ બધી સગવડો ઉપલબ્ધ હતી. અલાયદા બાથરૂમની, લખવા માટેના ટેબલ ખુરસીની ઇત્યાદિ સગવડો હોવાથી તેને હવાઈજહાજ કહેવામાં આવ્યું હશે. પણ પછી એ નામ વિમાન માટે પણ વપરાવા લાગ્યું હશે.” લાગ્યું કે મારા આ જવાબથી બધાને સંતોષ થયો.
મ્યુઝિયમમાં અંદર પ્રવેશીને કાઉંટર પરથી વ્યક્તિદીઠ અગિયાર યુરોની ટિકિટ લઇ અમે પ્રદર્શની નિહાળવા ગયા. કેપ્ટનની ચકોર નજર એક બાજુએ મુકાયેલી કાર પર ગઈ ને એ કારરસિયાએ તરત કહ્યું, “આ મેબેક ગાડી અહીંયા શું કરે છે? ને એના ઉપર મેબેક ઝેપલીન એવું કેમ લખ્યું છે?”
માહિતી સાંપડી કે મેબેક નામની કાર બનાવતી કંપની જે મૂળ ઝેપલીન અને પછી રેલવે માટે ડીઝલ અને પેટ્રોલ એન્જિન બનાવતી હતી તેણે આ લકઝરી કાર માર્કેટમાં મૂકી અને મેબેકની સાથે ઝૅપ્લિનનું નામ પણ જોડી દીધું. ત્રણ હજાર કિલોગ્રામ વજન ધરાવતી આ ગાડીને ચલાવવા ડ્રાઈવરે માલવાહક વાહન ચલાવવાનુ વધારાનું લાઇસન્સ લેવું પડતું.
પ્રદર્શની જોતાં જોતાં ખબર પડી કે ઝેપલીનનો આકાર કેવો હોય. હોટ એર બલૂનથી તો બધા પરિચિત હશો જ. ગોળાકારને નીચેથી ચપટું થઇ જતું ને એની નીચે ઊભા રહેવા માટે લાંબી છાબડી હોય જ્યારે આ ઝેપલિન તરતી મોટી માછલી આકારનું હોય ને એની નીચે પેલી મોટી છાબડીઓ જેવું હોય મુસાફરો માટે.
ઝેપલીનની રિજિડ ફ્રેમ સામાન્યતઃ દુરાલુમીન (એલ્યૂમીનિમ ને કોપર)ની બનતી જેથી એ પેલા એરપ્લેનથી વજનમાં હલકું રહેતું. એના ઉપર કપડું ચઢાવવામાં આવતું. ને એની અંદર જુદી જુદી બેગમાં ગેસ ભરવામાં આવતો. એન્જિનસ ગોન્ડોલામાં રાખવામાં આવતા.
શરૂઆતના ઝૅપ્લીનમાં મુસાફરો માટેની વ્યવસ્થા પણ આવા ગોન્ડોલામાં રહેતી જે પેલી ફ્રેમની નીચે જોડાયેલી રહેતી. આ ગોન્ડોલામાં ગરમાવો માટેની કોઈ વ્યવસ્થા રહેતી નહિ કારણ કે અગ્નિ પેટાવવો ખતરનાક બની રહે આથી નોર્થ એટલાન્ટિક કે સાઇબેરીયન જતાં મુસાફરોના ઠંડીથી હાંજા ગગડી જતા. તેઓ ફર કોટ કે બ્લેન્કેટ્સ ઓઢીને રહેતા.
જો કે હિંડનબર્ગ નામનું મોડેલ આવ્યા પછી ઘણા ફેરફાર થયા. મુસાફરોની કેબિન અંદરના ભાગમાં આવી ગઈ. આગળના એન્જિનોને ઠંડા રાખવાના પાણીના વપરાશને લીધે ઉત્પન્ન થતી ગરમ હવા અહીં ફરતી રહેતી એટલે ઠંડીની સમસ્યા રહી નહિ.
જોકે આનો એક મોટો ગેરફાયદો એ થયો કે એમને બહારના દ્રશ્યો જે પહેલા જોવા મળતા હતા તે બંધ થઇ ગયા, આગળના ઝૅપ્લિનનું આગવું આકર્ષણ જ આ હતું. બહારનું દ્રશ્ય બારીને લીધે જોઈ શકાતું ને બારી ખુલ્લી રાખવી હોય તો ખુલ્લી રાખી શકાતી.
વિચાર કરો કેવો રોમાંચકારી અનુભવ હશે એ. એરોપ્લેનની જેમ અહીંયા હવાના દબાણનો પ્રશ્ન ઉદ્ભવતો ન હતો.
(ક્રમશ:)