હાશકારો! (વાર્તા) ~ ઉમા પરમાર (સુરત)

‘મમ્મા, આ જો! હાઉ’ઝ ધિસ?’ સવારમાં જ રિયાએ મોબાઈલમાં ડિઝાઇન બતાવતાં માલતીને પૂછ્યું.

‘શું છે આ? કેવી ડિઝાઇન છે, કંઈ સમજાતું નથી. તારે શું કરવું છે?’ માલતીએ સામે પૂછ્યું. એને ઑફિસ જવા માટે મોડું થતું હતું.

‘ઓહ! મમ્મા, આ ટેટૂ ડિઝાઇન છે, મારે કરાવવું છે, તને એટલી ખબર નથી પડતી?’ રિયાએ થોડાં ચિઢાયેલા અવાજે કહ્યું. તને પૂછ્યું જ નકામું, બોલી એ બબડતી ઊભી થઈ ગઈ.

માલતી એને જતાં જોઈ રહી. નાદાન છોકરી… એને સમજાતું તો હતું જ કે રિયા ટેટૂ કરાવવા માટે જ પૂછી રહી હતી, પણ એને ટેટૂ બિલકુલ નહોતું ગમતું. એ એટલું તો જાણતી જ હતી કે એકવાર ત્રોફાઈ ગયેલાં નામને મિટાવવું મુશ્કેલ જ નહીં લગભગ અશક્ય બની જાય છે, તેથી જ તો એ જાણીજોઇને…

‘તું હજુ નાની છે, ને ટેટૂ કરવામાં કેટલી તકલીફ પડે તેની ખબર છે? તું સહન કરીશ?’ માલતીએ ઊંચા સાદે કહ્યું.

‘નોટ અગેઇન મમ્મા… આજકાલ બધાં જ કરે છે, ઈટ’સ અ ટ્રેન્ડ. પણ, રહેવા દે, તું નહીં સમજે, તમારાં જમાનામાં કોઈ કરતું નહોતું ને!’ બોલતી એ ગઈ.

ઑફિસ જતી માલતીની આજુબાજુથી સુપર સૉનિકની ઝડપે વાહનો દોડી રહ્યાં હતાં. એ જાણે વર્ષો પહેલાંનાં સમયમાં અટકી ગઈ હતી. એણે પણ તો છૂંદણું કર્યું હતું… હૈયે! એણે પણ ક્યાં કોઈને પૂછ્યું હતું. તો રિયા કરે તેમાં શું વાંધો?

વાંધો એ જ કે હૈયાં અને હાથમાં ફેર હોય છે. એક દેખાય અને બીજું…  બ્રેક લાગી, વિચાર અને એક્ટિવા બંનેને. હજુ તો પંદરમું ચાલી રહ્યું છે રિયાને. બસ, નવું કંઈ આવ્યું નથી કે તરત એને જોઈએ. આજનાં ટીન-ઍજ બાળકોની જેમ જ એ સોશિયલ મીડિયા પાછળ વધુ સમય ખર્ચતી હતી. જાત-જાતનાં ડેઝ સેલિબ્રેશન, ફેશન અને સ્માર્ટ ફૉન… એ અને રોહન બંને જૉબ કરતાં હતાં છતાં આ મોંઘવારીમાં પૂરું નહોતું થતું.

ઘણીવાર માલતી અને રોહનને થતું હતું કે રિયાને સમજવી મુશ્કેલ છે, આગળ જતાં શું થશે એનું? રિયા સાથે તાલમેલ બેસાડવા તેઓ પૂરી કોશિશ કરતાં હતાં. છતાં ક્યારેક ધીરજ ખૂટી પડતી. રોજની જેમ રંગહીન સવારની સાંજ અને સાંજની રાત અને વળી બીજી સવાર… જાણે સમય સાથે જીવવા માટેની હોડ લાગી હતી.

માલતીને રોજ રાત્રે રેડિયો પર જૂનાં ગીતો સાંભળવાનો શોખ હતો. તે મનપસંદ જૂનાં ગીતો માટે ક્યારેક મોબાઇલમાંની નવી એપ પણ યુઝ કરી લેતી. જૂનાં ગીતો એને કોઈ અલગ જ દુનિયામાં લઈ જતાં. કારણ વગર વીતેલાં વર્ષોમાં લટાર મારવું એને ગમતું.

એ સોનેરી વર્ષો, મિત્રો, સ્કૂલ, કૉલેજ અને ‘એ’… આ બધી યાદો બારમાસી જેવી. જ્યારે એ યાદોનાં જંગલમાં ખોવાતી ત્યારે સવાર જલ્દી થઈ જતી. ફરી એ જ રૂટિન.

‘મમ્મા, આજે મારે નિધિને ત્યાં ‘નાઇટ-આઉટ’ માટે જવાનું છે, બધી ફ્રેન્ડ્સ ત્યાં ભેગી થવાની છે. ડિનર ત્યાં જ કરીશ.’ રિયાએ સ્કૂલે નીકળતાં કહ્યું.

‘અરે, પણ આમ અચાનક? તું છેક અત્યારે કહે છે? મને કે પપ્પાને પૂછ્યું? બસ, જાતે જ નક્કી કરી લેવું છે બધું. ત્યાં ફ્રેન્ડ્સ કોણ આવવાનાં છે, કાલે સ્કૂલે જવાનું શું કરશે, સીધી જશે કે ઘરે આવીને? આ બધું કંઈ કહેવાનું કે બસ એમ જ ચાલ્યાં જવાનું?’ માલતી બરાબર અકળાઇ.

‘ચિલ મમ્મા, કેમ આટલું ઓવર-રિએક્ટ કરે છે? એમાં પૂછવાનું શું? હું ક્યાં કશે બહાર જાઉં છું? નિધિના ઘરે જ તો છું. અને યસ, સવારે ઘરે આવીને પછી સ્કૂલે જઈશ. પપ્પાને કહી દેજે.’

એ નીકળી ગઈ, કાલની જેમ જ! એની સાથે જ માલતીનું મન પણ ઘરની બહાર, એનાં બાળપણમાં દોડી ગયું.

એ પણ સ્કૂલમાં હતી ત્યારે ‘નાઇટ-આઉટ’ તો કરતી જ હતી ને! ફરક એટલો હતો કે આજની જેમ ત્યારે એ થોડાં-થોડાં સમયે નહોતું થતું. જાગરણ આવે ત્યારે આ રીતે જ બધી બહેનપણીઓ ભેગી થતી હતી. તો પછી હમણાં કેમ એ દીકરીને ટોકી રહી હતી? કદાચ જમાનો બદલાયો હોવાથી એ આમ વિચારી રહી હતી? એનાં વિચારો કેમ બે ડગલાં પાછળ ચાલી રહ્યાં છે? એનાં મને એને ટપારી, માલતી…શાંત થા, આ તો અફૅર્સ, બ્રેક-અપનાં સેલિબ્રેશન અને સેક્સ બીફોર મેરેજનો જમાનો છે.

રિયાએ કીધું તે સાંભળ્યું નહીં? તમારાં જમાનામાં ક્યાં હતું આવું બધું? બસ, એ એક વાત એને પાછલાં વર્ષોમાં ખેંચી ગઈ.

થોડાં વર્ષો પહેલાંની જ તો વાત છે હજુ. માલતીનાં રોહન સાથે અરેંજ મેરેજ હતાં. પપ્પા-મમ્મીએ કીધું ત્યાં ગોઠવાઈ ગઈ. ગોઠવાઈ જવું પડ્યું.  પ્રેમ- કદાચ લગ્ન પછી થાય તો…? માલતીને આવું માનવાથી ક્યાં કોઈ ફરક પડતો હતો.

પ્રેમ એની જિંદગીમાં હતો જ નહીં એ વાત એ સારી રીતે જાણતી હતી. તેથી એવી લાગણી એને લગ્ન પછી થવાની કોઈ આશા નહોતી. જે હતું તે સમાધાન. એ સુખી જિંદગીની ચાવી છે એવું એની મમ્મી કહેતી હતી. જેને એણે લગ્ન સમયથી જ જિંદગીનાં પાલવે ગાંઠ બાંધી લીધી હતી.

હવાની ઠંડી-ધીમી લહેરખીની સાથે એ ધીરે-ધીરે ભૂતકાળમાં સરી રહી હતી. મસમોટી સ્કૂલ. મસ્ત મજાનું ચોગાન. એનો પિરિયડ શરૂ થવાને વાર હતી. દસમા ધોરણમાં ભણતી માલતી અને એની બહેનપણીઓનાં ગણગણાટથી ક્લાસ ઊભરાતો હતો. ત્યાં જ અધવચ્ચે નવું એડમિશન લઈને આવેલો એ છોકરો દાખલ થયો.

મધ્યમ ઊંચાઈ, આછો-પાતળો મૂછનો દોરો ફૂટેલો, દેખાવે સુંદર કહી શકાય એવો એ બારણાં વચ્ચે ઊભો રહી ક્યાં બેસવું એ માટે નજર દોડાવી રહ્યો હતો. છોકરીઓમાં કાનાફૂસી થઈ. દબાતું હાસ્ય નીકળ્યું. એ ઊંચી હતી ને તેથી જ એણે કાયમ છેલ્લી બેન્ચ પર બેસવું પડતું.

પેલો છોકરો હજુ ત્યાં અવઢવમાં જ હતો કે પાછળ ક્લાસ ટીચર આવી ઊભા રહ્યાં. ટીચરની સાથે એ પણ અંદર દાખલ થયો અને ટીચરે ચિંધેલી બેન્ચ એટલે કે માલતીની બાજુની બેન્ચ પર આવી બેઠો. એણે ત્રાંસી નજરે પેલાં સામે જોયું, એને સંકોરાઈને બેઠેલો જોઈ, એ ઝીણું-ઝીણું મરકી રહી. આજુબાજુ બેસવાનો એ પહેલો પ્રસંગ પછી તો કૉલેજનાં છેલ્લાં દિવસ સુધી બની રહ્યો.

એ ઝડપથી માલતીનો મિત્ર બની ગયો. એ સ્કૂલનાં દિવસો, ધીમાં છતાં ગાઢ બનતાં જતાં સ્પંદનો, વિરહ, વેકેશન પછી મળવાનો હરખ, પહેલી વાર એની હથેળી સ્પર્શ્યાનો રોમાંચ….

માલતીની રુંવાટી ઊભી થઈ ગઈ હતી, ધબકારા કોને ખબર કેટલી સ્પીડે દોડતાં હતાં. બસ, માલતી સમજી ગઈ એ લાગણીને. સ્કૂલ, પછી કૉલેજ અને એનાં દરેક પ્રોગ્રામ- પછી એ નાટક હોય કે ગાવાનું, બંને સાથે જ હોય. બંનેની જોડી લાગતી પણ સરસ, એકબીજાંનાં સાન્નિધ્યમાં બંને ખીલી ઉઠતાં એની એમને પણ ખબર તો હતી જ. છતાં કદી એકમેકને કંઈ કીધાં વગર જ તેઓ અભિવ્યક્ત થતાં રહેતાં. પ્રેમ હતો જ, એ એમની જાણ બહાર નહોતું. બસ, શબ્દોનાં સહારાની કે કદાચ કોઈ ઔપચરિક એકરારની એમને જરૂર જ નહોતી લાગતી.

એક વખત વળી એણે હિંમત ભેગી કરી હતી એને કહેવા માટે, પણ હોઠ હળવું ફફડીને રહી ગયાં, શબ્દો મોંમાંથી જ ગળાઈ ગયાં પાછાં. આમ ને આમ સમય વીતી રહ્યો, છેલ્લું વર્ષ અને છેલ્લી પરીક્ષા આવી ગઈ. આ પરીક્ષા પતે પછી તો કહી જ દેવું છે એવું માલતીએ નક્કી કરી લીધું હતું.

પણ, ખરી પરીક્ષા હવે શરૂ થતી હતી. જે નસીબે એનાં માટે નક્કી કરી રાખી હતી. અને કૉલજનો એ છેલ્લો દિવસ એમનાં સાથનો પણ છેલ્લો દિવસ બની રહ્યો. એ ગામ ગયો તે ગયો. પાછો ન આવ્યો. માલતીએ બે-ત્રણ કાગળ પણ લખી જોયાં. પ્રતીક્ષા બનીને આંખોની ભીનાશ એ જ ઊંડા કૂવામાં ઊતરી ગઈ.

‘માલતીબેન, સર બોલાવે છે.’ પ્યૂન કહી ગયો. એની તંદ્રા તૂટી. કોઈ અણધાર્યું યાદોનું વાવાઝોડું ફૂકાયું હતું. બૉસની કેબિનમાં દાખલ થઈ, એનાં મોઢા સામે જોઈને એકદમ ચોંકી ઊઠી… આ તો એ… અહીં?

‘માલતીબેન, આ અગત્યનાં લેટર્સ છે ને અર્જન્ટ કરવાનાં છે. સાંજે ઘરે જતાં પહેલાં કામ થઈ જવું જોઈએ.’ બૉસે ડ્રાફ્ટ પેપર એને આપતાં કહ્યું. એ મનોમન છોભીલી પડી ગઈ.

ચૂપચાપ આવીને ટેબલ પર બેઠી. મનમાં તો ઘમાસાણ ચાલતું હતું. આજે આટલાં વર્ષે એ કેમ યાદ આવે છે? તે પણ આવી રીતે? વર્ષો પહેલાં કાળની ગર્તામાં જેને દફન કરી દીધો હતો એ, આમ અચાનક કેમ…? વર્ષો સુધી કોઈ ભાળ સુધ્ધાં મેળવવાની કોશિશ નહીં, જેને એ આજીવન યાદ નહીં જ કરે એવી ખાતરી હતી, છતાં…? ક્યાં હશે એ?

એની કંકોત્રી મળી ત્યારે ખબર હતી કે એ પરણીને અમેરિકા જઈ રહ્યો છે. અરે! જવાની જાણ સુધ્ધાં નહોતી કરી. આખી કૉલેજ એવું માનતી હતી કે ગ્રેજ્યુએટ થઈને બંને પરણી જ જવાનાં છે.

અનાયાસે એની નજર ઘડિયાળ તરફ ગઈ. એ ફટાફટ લેટર લખવાં લાગી. કોમ્પ્યુટર સ્ક્રીન પર શબ્દોની જગ્યાએ એનો ચહેરો દેખાવાં લાગ્યો. જોકે પાછલાં વર્ષોમાં એ દિલોદિમાગ પર કાબૂ રાખતાં શીખી ગઈ હતી, આપોઆપ.

બૉસે કીધું તે યાદ આવ્યું. ટાઈપ કરવાની ઝડપ વધી. કામ પૂરું થયું. લેટર્સ આપીને ફરી ટેબલ પર આવીને બેઠી. ઇન્ટરનેટ ચાલુ છે કે કેમ તે ચેક કર્યું અને ફેસબુક ઓપન કર્યું. ક્યાંય સુધી એમ જ બેઠાં પછી કંઈ વિચારી પાછું બંધ કરી દીધું. એને થયું આજ સુધી ક્યારેય એને શોધવાનો વિચાર નથી આવ્યો તો આજે કેમ?

ઑફિસ બંધ થઇ. મનમાં એક ખલેલ સાથે માલતી ઘરે પહોંચી. પરવારીને મોબાઈલ લઈને બેઠી. પહેલું કામ ફેસબુક પર એને સર્ચ કરવાનું કર્યું. એનું નામ ટાઈપ કરતાં હાથ ને હૈયામાં આછી-સી ધ્રુજારી આવી ગઈ.

એનું નામ લખાતાં જ એકસાથે સ્ક્રીન પર કંઈ કેટલાયે નામોની પ્રોફાઇલ ખૂલી ગઈ. આમાં એને શોધવો કઈ રીતે? શું એનાં મનની જેમ ચહેરો પણ બદલાયો હશે? એ વિચારતી રહી. એક પછી એક પ્રોફાઇલ જોતી ગઈ પણ એ નિરાશ થઈ. કોઈ એનાં જેવું જડ્યું નહીં!

‘મમ્મા પ્લીઝ, એક મિનિટ તારો મોબાઈલ આપ તો. મારી બેટરી એકદમ ડાઉન છે ને હમણાં જ નિધિનો ફોન આવશે. અમારે બહાર જવાનું છે તેનો પ્લાન નક્કી કરવા.’

માલતી કંઈ બોલે તે પહેલાં તો મોબાઈલ રિયાનાં હાથમાં હતો. થોડીવારમાં પાછો આપી એ ગઈ. માલતીનો શ્વાસ હેઠે બેઠો.

બીજાં દિવસથી ફરી માલતીનું સર્ચ અભિયાન શરૂ થયું. ફરી એકવાર નિરાશા… આખો દિવસ મન વગર કામ પતાવી ઘરે આવી. રસોઈ બનાવી રહેલી માલતી પાસે રોહન આવી ઊભો.

એનાં સ્માર્ટ ફોનને હાથમાં રમાડતાં બોલ્યો, ‘તું ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતી? કરજે, મજા આવશે… તારાં ઇન્ટરેસ્ટનું ઘણું ત્યાં મળી રહેશે. અરે! તારાં કોઈ જૂનાં ફ્રેન્ડ એફ.બી પર ના હોય તે પણ ત્યાં મળી જશે.’

માલતીનો શાકમાં ચમચો ફેરવતો હાથ ત્યાં જ અટકી ગયો. એ ચોંકી, ચહેરા પર એકસાથે ઘણાં ભાવ આવ્યાં પણ એણે સિફતથી છુપાવી દીધાં. એમાં તો એ એક્સપર્ટ હતી.

‘ટાઈમ ક્યાં હોય છે એટલો?’ એણે હસતાં-હસતાં કહ્યું. રોહન એની પાછળ વિચાર મૂકી જતો રહ્યો. એક ક્ષણ થયું કે શું રોહન જાણી જોઈને આવું બોલ્યો હશે? પણ એ તો એની જ ધૂનમાં હતો. પછી મનોમન બબડી કે ના, એ નાહક વધારાનું વિચારી રહી છે.

ફરી એ જ વિચારચક્ર ચાલ્યું. શું એ ફેસબુક નહીં વાપરતો હોય? કે પછી પ્રોફાઇલ ફોટો જ કોઈ બીજાનો મૂક્યો હશે? વર્ષોથી જે સવાલ એ દબાવી બેઠી હતી તે હવે પૂછવા તાલાવેલી લાગી હતી. એ ક્યારેય ભૂલાયો નહોતો કે બીજાં સંબંધોની નીચે એ દબાઈ ગયો હતો?

જમીને એ અને રોહન વાતો કરી રહ્યાં. ખાસ કંઈ નહીં. ક્ષણો વીતી. વળી નવેસરથી માલતી એનું નામ શોધવાં લાગી, આ વખતે અટક પહેલાં લખી અને પછી નામ.

એનાં આશ્ચર્ય વચ્ચે ત્રણ-ચાર નામોની અંદર એક એનું પણ હતું. એ ઝડપથી બધું ચેક કરવા લાગી. એ જ ચહેરો, ખાસ્સો જાડો દેખાતો હતો એ. સાથે પત્ની હતી કદાચ, એણે તો ક્યાં જોઈ હતી.

Add friend પર આંગળી અટકી ગઈ. પચ્ચીસ વર્ષ… કંઈ ઓછાં ન કહેવાય! બંનેએ એકબીજાંને યાદ નહોતાં કર્યા. એવું એ માનતી હતી, પણ સાચું કોને ખબર? એક નિશ્વાસ. ના, હવે શું કામ છે? ને જાણીને કરવું શું છે?

જે કારણ હોય તે, માલતી રોહન સાથે ખુશ હતી… સાચે જ? તે પોતે પણ નહોતી જાણતી. ખેર! એને યાદ ન હોય એ બની શકે પરંતુ જે પૂછવું છે તે પૂછશે તો ખરી જ, નક્કી કરી લીધું.

માલતીએ મેસેજ લખવાં માંડ્યો. ‘તું કેમ છે એવું નહીં પૂછું, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તું મજામાં છે, સુખી છે. હું પણ છું. છતાં વર્ષોથી મનમાં ધરબી રાખેલો આ સવાલ તને આજે કરું છું, પ્રેમ હતો જ… પછી અચાનક આમ? કારણ શું? તારું ગિલ્ટ તને, મને મળ્યાં વગર વિદેશ જવાં મજબૂર કરે એ સમજું છું. જવાબની રાહ જોઈશ.’

મેસેજ સૅન્ડ કરે ન કરેની ગડમથલમાં માલતી હતી ત્યાં જ રિયા આવી ચઢી. માલતીની આંગળી અનિચ્છા છતાં સૅન્ડ-કી પર દબાઈ ગઈ. થોડાં ગભરાટ સાથે તેણે મોબાઈલ મૂકી દીધો.

એટલામાં રિયા આવી. એની ફ્રેન્ડ નિધિની કોઈ વાત કરી રહી હતી. એ બેધ્યાનપણે એની વાતોમાં હામી પૂરાવ્યા કરતી હતી. ખરેખર એનું ધ્યાન પેલાં મેસેજમાં અટક્યું હતું.

રિયા તો ગઈ પણ માલતીને થયું પેલો મેસેજ ન મોકલ્યો હોત તો સારું થાત, પણ હવે શું? શું જરૂર હતી ભૂતકાળ યાદ કરવાની? અમુક ઘટના પર પડદો પડેલો રહે તે જ સારું છે. હવે ગમે ત્યારે જવાબ આવશે પણ ખરો! શું કહેવું? એ એને ઓળખશે કે ભૂલી ગયો હશે?

ઉચાટ- અફસોસ- વ્યગ્રતા- બેચેની છવાઈ. મોબાઈલ હાથમાં લીધો. મૂકી દીધો. થોડીવારે ફરી લીધો.

માલતી વિચારી રહી, આધુનિક અને સ્માર્ટ જનરેશનની સાથે ફક્ત શબ્દો જ સ્માર્ટ બન્યા હતાં. બાકી વર્ષો પહેલાં પણ બધું આવું જ હતું. નાઈટ-આઉટ, પ્રેમ, બ્રેક-અપ, હૈયે ચિતરાયેલ કાયમી ટેટૂ… એણે ફરી ફોન હાથમાં લીધો, અચાનક જોયું તો ઇન્ટરનેટ તો બંધ હતું! મેસેજ સૅન્ડ થયો જ નહોતો, એણે સેકંડનો પણ વિચાર કર્યા વગર ડિલિટ કરી દીધો! પરમેનન્ટ!

એક ઠંડા પવનની લહેરખીની સાથે હાશકારો માલતીને હૈયે ફરી વળ્યો!

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સરસ વાર્તા. નાયિકાના પોતાનાં મન સાથેના સંવાદોને સુંદર નિરુપણ. અભિનંદન