નિયતિ (વાર્તા) ~ સ્વાતિ મહેતા (સુરત)

મોના રસોડામાં સવારનો નાસ્તો બનાવતી હતી. બાજુમાં ઊભેલી નિયતિ ગરમ કરવા મૂકેલા દૂધને જોતી રહી. એક અછડતી નજર નિયતિ તરફ નાખી.

મોના બોલી, ‘નિયતિ શું વિચાર્યુ તેં પછી સુકેતુની બાબતમાં?’

નિયતિના ચહેરા પર સ્પષ્ટ અણગમો દેખાયો. ‘ખાસ કશું નહીં.’

જો નિયતિ, મારી ને નિકુંજની એક દુનિયા છે. અમે અમારામાં રચ્યાપચ્યા હોઈએ ને તું એકલી પડી જાય.’

‘મેં ક્યાં કોઈ ફરિયાદ કરી છે તમને?’

‘હા, એ વાત ખરી. તારી સાથે જે થયું તે પણ બહુ ખોટું જ થયું છે. જયભાઈનું આમ ચાલી જવું પણ બહુ આઘાતજનક જ છે. પણ તારે લાંબું વિચારવું જોઈએ.’

નિયતિ ગેસ બંધ કરી, કશું બોલ્યા વિના રસોડાની બહાર નીકળી ગઈ, તૈયાર થઈ નાસ્તાનો ડબ્બો લઈ ઓફિસ જવા રવાના થઈ.

તેની પાછળ જ મોના અને નિકુંજ ફેક્ટરી પર ગયા.

સુજાતાબેન અને હરિભાઈ ઘરમાં એકલા જ હતા. થોડી વાર રહીને હરિભાઈ પર મોનાનો ફોન આવ્યો.

‘પપ્પા, મમ્મીને જરા ફોન આપો ને!’

‘આ લે ફોન છે.’

‘કોણ છે? ’‘મોના છે.’

બંને જણાએ ફોન પર વાત કરી. ફોન પાછો લેતા લેતા હરિભાઈએ પૂછ્યું, ‘શું થયું ?’

‘કંઈ નહીં, પેલા જગદીશભાઈએ સુકેતુની વાત નિયતિ માટે કરી છે તે બાબતે નિયતિએ કંઈ જવાબ ન આપ્યો એમ કહેતી હતી. મોનાને લાગ્યું કે આ વાત નિયતિને ગમી નહીં.’

‘હમમ… તું જ વાત કરી જો. નિયતિને સમજાવ, પરમદિવસે રવિવાર જ છે. ઘરમાં જ હશે બધા.’

‘હા, એ બીડું હવે મારે જ ઝડપવું પડશે.’
*
રવિવારે બપોરે નિયતિ ટી.વી. જોતી એમ જ બેઠી હતી. સુજાતાબેને એક નજર નિયતિ પર નાંખી. વિચાર્યુ, આમ તો ઠીક મૂડમાં લાગે છે. વાત કરી જોઉં.

‘નિયતિ, બેટા.’

‘બોલો ને મમ્મી, જોઈએ છે કશું?’

‘ના.’

‘તો?’

‘તારી સાથે થોડી વાત કરવી હતી. પેલા સુકેતુની બાબતમાં.’

‘નિયતિ સ્થિર નજરે સુજાતાબેનને જોવા લાગી.’

‘જો નિયતિ, તારે ફરી લગ્નનો વિચાર કરવો જોઈએ. સુકેતુ જયની સાથે જ ભણતો હતો. એ રીતે અમે એને જાણીએ છીએ ને તપાસ પણ કરી છે. સારો માણસ છે.’

‘હા, મમ્મી, પણ મારું મન નથી માનતું.’

‘જો બેટા, તારે તારા ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. અમે આજે છીએ ને કાલે નહીં હોઈએ. ત્યારે તારું કોણ? બધાને પોતાનો સંસાર છે. ભવિષ્યમાં તું એકલી પડી જશે. અત્યારે તને ખ્યાલ નથી આવતો.’

‘પણ મમ્મી જય જોડે.’

‘જો બેટા, મને જયની યાદ નહીં આવતી હોય?’ બોલતા બોલતા એમનો અવાજ રૂંધાઈ ગયો.

નિયતિ પાણી લઈ આવી. સ્વસ્થ થઈ એમણે કહ્યું, ‘જો જીવનભર કોઈ સાથે ચાલતું નથી. જયનું આમ અકસ્માત, આપણી વચ્ચેથી ચાલી જવું, તારું જીવન ઉજડી જવું એ બધું જીરવવું બહુ અઘરું છે, પણ તું મારી વાતને ગંભીરતાથી સમજ. સુકેતુ તારે માટે યોગ્ય છે. તું વિચારી જો, ને બે દિવસમાં જવાબ આપ.’ જરા આગ્રહપૂર્વક સુજાતાબેન બોલ્યા.

‘મમ્મી, હું તમારી દીકરી નહીં, વહુ છું એટલે?’

‘નિયતિ, આ તું શું બોલે છે?’

નિયતિ બે મિનિટ ત્યાં ચૂપ બેસી રહી. બંનેના પ્રતિબિંબ સામે મૂકેલા જયના ફોટામાં પડતા હતા. નિયતિ ઊભી થઈ પોતાના બેડરૂમમાં જતા જતા બોલી, ‘સોરી મમ્મી, મારાથી આવેશમાં બોલાઈ ગયું.’

બેડરૂમમાં જતાની સાથે નિયતિ જયનો ફોટો છાતીસરસો રાખી રડમસ થઈ પલંગ પર બેસી પડી.

આ રૂમમાં કેટકેટલી પળો જય સાથે વિતાવી હતી. જરા સ્વસ્થ થઈ જયના ફોટા તરફ જોવા લાગી. રૂમમાંની લગભગ બધી જ વસ્તુ એકબીજાની પસંદગીથી વસાવી હતી. આખા રૂમમાં નિયતિની નજર ફરી વળી. એકે વસ્તુ એવી ન હોતી, જે જયની યાદ ન અપાવે.

મનોમન બોલવા લાગી, ‘બોલ. તને છોડી કેવી રીતે જાઉં? આ ઘર કેવી રીતે છોડું? ને બધા માયાળુ સ્વજનો-મમ્મી, મોનાભાભી કેટલો પ્રેમ રાખે છે મારા પર!’

‘મમ્મી બરાબર કહે છે.’ એને જાણે જયના અવાજનો ભણકારો સંભળાયો! ઝડપથી આંખ ખોલી. આજુબાજુ કોઈ નહોતું.
*
બાજુના રૂમમાં જયના ફોટા તરફ જોઈ સુજાતાબેન સ્વગત બોલતા હતાં, ‘જોયું! નિયતિ કેવું બોલી! મેં તો હંમેશા એને સગી દીકરી નિશા જેવી જ ગણી છે. મોના ને નિયતિ બંને મારી દીકરી જ છે. કોઈ વેરોવંચરો એમની વચ્ચે કર્યો નથી. કદાચ નિયતિનું વધારે ધ્યાન રાખ્યું છે.’

ફોટામાંનો જય જાણે કહેતો હતો, ‘ખરી વાત છે મમ્મી તારી!’

ખિન્ન હૃદયે સુજાતાબેને ફોટા પર હાથ ફેરવ્યો. જાણે જયના માથે હાથ ન ફેરવતા હોય!

બીજે દિવસે નિયતિ સુજાતાબેનના રૂમમાં આવી.

‘મમ્મી કાલને માટે ફરીથી સોરી.’

‘ચાલ કંઈ નહીં, હશે જવા દે.’

‘મમ્મી, હું સુકેતુને મળવા તૈયાર છું.’

સુજાતાબેનના હાવભાવ થોડા બદલાયા. ‘સારું થયું તેં એ બાબતે વિચાર્યુ. મોનાને કહીશ કે સુકેતુને જણાવી નક્કી કરે.’

‘સારું મમ્મી.’
*
બે દિવસ પછી સુકેતુને મળીને નિયતિ ઘરે આવી. મોના બહાર આગલા રૂમમાં જ હતી.

‘શું થયું નિયતિ? જઈ આવી?’

‘હા, બીજી વખત મળીએ પછી વાત.’

‘સારું. ગુડ.’

તે દિવસે રાત્રે સુજાતાબેને હરિભાઈને કહ્યું, ‘તમે નિયતિની સુકેતુ સાથે લગ્નની વાત ચાલે છે તે એના પપ્પા વસંતરાય અને જયાબેનને જણાવી દેજો.’

‘સારું, કાલે વાત.’

હરિરાયે સવારે વસંતરાયને ફોન કર્યો. ‘વસંતરાય, હું હરિરાય.’

‘હા, કેમ છો, મજામાં? બધું બરાબર છે ને? મારી નિયતિ કેમછે?’

‘સારું છે. નિયતિ પણ મજામાં. એની જ વાત કરવા માટે ફોન કર્યો છે.’

‘શું થયું એને ?’

‘કંઈ નહીં, ચિંતા ન કરો. નિયતિ માટે અમારે ત્યાં એક છોકરાની વાત આાવી છે. સુકેતુ કાપડિયા. અમારી જાણમાં જ છે. બધું સારું છે. નિયતિ કરતા બે વર્ષ મોટો છે. ૩૨ વર્ષનો છે.’

‘હા, એ બધું બરાબર, પણ નિયતિને પૂછ્યું છે ને?’

‘હા, હા, એને પૂછીને જ વાત ચલાવી છે. એક વાર મળ્યા છે બંને. બીજી વાર મળવાના છે. તમે જયાબેન ને દીકરા નિલેશને પણ જણાવી દેજો.’

‘હા, ચાલો ત્યારે ઈશ્વરેચ્છાબલયસિ.’
*
કોફી કલ્ચરમાંથી બહાર નીકળી ત્યારે એના મનમાં અનેક વિચારો ચાલતા હતાં. સુકેતુ આમ તો વ્યવસ્થિત લાગે છે. જેમ તેમ મક્કમ મને તેણે સુકેતુને મળવા અને ઠીક લાગે તો લગ્ન કરવા જાતને તૈયાર કરી હતી. પણ એ વાતે એને વિચારતી કરી મૂકી હતી.

પહેલો વિચાર એણે પોતાના પપ્પા વસંતરાયના ઘરનો કર્યો. ભાઈ નિલેશ અને પપ્પા વચ્ચે હંમેશા નાની મોટી ચડભડ ચાલ્યા કરતી. એટલે વાતાવરણ તંગ જ રહેતું. તો નયનાભાભીનો સ્વભાવ પણ થોડો આકરો. આથી સુકેતુના પ્રસ્તાવ પર પપ્પાના ઘરની તો ચોકડી જ.

તો હાલમાં જ્યાં રહે છે તે તો પ્રથમ પતિ જયનું ઘર, પોતાનું સાસરુ. ત્યાં તો સુકેતુના પ્રસ્તાવની વાત કોઈના ગળે ના જ ઉતરે. ને એ ઘર એને માટે લગ્ન પછી પરાયું પણ થઈ જાય. વિચારોમાં ને વિચારોમાં ઘર ક્યારે આવી ગયું તેનો ખ્યાલ પણ ન રહ્યો.

બીજે અઠવાડિયે નિયતિ સુકેતુને મળીને આવી ત્યારે એની બધા ઘરમાં જ રાહ જોતા હતા. જયાબેન અને વસંતભાઈ પણ આવી ગયા હતાં. નિયતિનો ભાઈ નિલેશ નહોતો આવ્યો.

નિયતિ એ જેવો ઘરમાં પગ મૂક્યો કે તરત જ મોના ખુરશી પરથી ઊભી થઈ ગઈ. કળી ન શકાય એવા હાવભાવ એના ચહેરા પર હતાં. થોડા અચકાતા અચકાતા મોનાએ પૂછ્યું, ‘શું થયું નિયતિ, ઓલ વેલ?’

‘ખબર નહીં, ઓલ વેલ છે કે નહીં!’

‘કેમ? એમ બોલે છે?’

‘વાતમાં નવો જ ફણગો ફૂટ્યો છે.’

‘એટલે, થયું શું, તે તો કહે.’ અધીરાઈથી મોના બોલી.

સુકેતુનું કહેવું છે કે, ઘણા વર્ષોથી એ એકલો જ રહે છે. નજીકનું કોઈ સગું છે નહીં. એક ભાઈ છે તે બેહરીનમાં છે. એકલા રહીને એ થાકી ગયો છે એટલે હવે એને કુટુંબ સાથે રહેવું છે. એટલે એ એવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે કે જેના મા-બાપ એને ઘરજમાઈ તરીકે સ્વીકારે.’  એકશ્વાસે પોતાની વાત નિયતિએ પૂરી કરી.

પહેલી નજર એણે જયાબેન પર નાંખી. જેમાં સ્પષ્ટ નકાર એને દેખાયો, તો સુજાતાબેન નજર નીચી કરી બેઠા હતાં. જાણે સુકેતુની વાત ગળે ઉતરી ન હોતી.

બધાના ચહેરા જાણે ઝંખવાઈ ગયા હતાં.

થોડીવાર  માટે  ઘરમાં  જાણે  સોપો પડી ગયો. નિયતિ બાજુની ખુરશી પર બેસી ગઇ. જરા વાર રહીને વંસતરાય અને જયાબેન ઊભા થયાં.

ચાલો ત્યારે  અમે જઇએ. વંસતરાયે  નિયતિના  માથાં  પર હાથ  મુક્યો. જયાબેન  ને નિયતિએ  એકબીજા  સામે  જોયું. જયાબેનનો ચહેરો  એકદમ  મ્લાન થઇ ગયો હતો.  ધીમેધીમે  બઘાં પોતપોતાનાં  કામમાં પરોવાયા.

નિયતિ સીધી  બેડરૂમમાં ગઇ. હાથમાંથી પર્સ સીધું પલંગ પર ફેંક્યું. ટેબલ પર મૂકેલા જયના ફોટા સામે ઊભી  રહી. ઊંડો શ્વાસ લઈ જયના ફોટામાં પડતાં પોતાના પ્રતિબિંબને જોઇરહી. મનોમન બોલી, ‘આજે આ સુકેતુ, કાલે બીજો સુકેતુ  આવશે… ને ચક્કર  શરુ થઇ જશે…’

શું કરું, જય બોલો ને? એ ઉદાસ થઇ ગઇ. જરા વાર રહી જાતને સંભાળી લીઘી. આ બઘાં મારી નિયતિ નક્કી કરે, એનાં કરતાં હું જ મારી નિયતિ નક્કી ન કરું? એને પોતાનો વિચાર ગમી ગયો. પલંગ પર બેઠી. સેલફોન હાથમાં લીઘો. જોયું  તો વર્ષાનો મિસકોલ હતો. નિયતિએ વર્ષાનો ફોન જોડ્યો.

‘બોલ, વર્ષા કેમ યાદ કરી?’

‘સો વરસની થવાની  તું.’

‘કેમ?’

‘તને ફરી ફોન કરતી જ હતી.’

‘આજે બેંકમાં ગયેલી, ત્યાં તારી પાછળ પાગલ હતો તે તારો દીવાનો અમર મળેલો. તને યાદ છે ને અમર? તારા ખબર પૂછતો હતો. પોતાનું વિઝીટીંગ કાર્ડ પણ આપ્યું છે. કોઇ દિવસ કામ લાગશે એમ કહીને.

‘બીજું શું કહેતો હતો?’

‘કંઇ નહીં.’

‘જરા એનો  ફોન  નંબર આપને  વર્ષા.’

‘હાથમાં  જ છે. મોકલી આપું.

નિયતિએ અમરનો નંબર સેલફોનમાં નોંધી લીધો.

~ સ્વાતિ મહેતા

Leave a Reply to MinaxiCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment