ફ્રાઈબર્ગ ઈન બ્રેઈસગાઉ-૨ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:27 ~ ઉત્કર્ષ મઝુમદાર
વાત ચાલી રહી હતી ફ્રાઈબર્ગ ખાતે આવેલા મુન્સ્ટરપ્લાત્ઝની, એટલે કે કથિડ્રલ સ્ક્વેરના આ વિશાળ સ્ક્વેરમાં આવેલા ફ્રાઈબર્ગ મિન્સ્ટર ચર્ચની.
કથિડ્રલની જમણે એક મકાન તરત જ તમારું ધ્યાન આકર્ષિત કરે કરે ને કરે જ. ઈંટીયા રંગનું આ મકાન આજુબાજુના મકાનોથી જુદું જ તરી આવે છે. એ છે ઐતિહાસિક મર્ચન્ટસ હોલ.

સન 1532માં એનું બાંધકામ પૂરું થયું એટલે વિચારો કેટલું જૂનું હશે. એક વખતનું આ મકાન આ પ્રદેશનું આર્થિક કેન્દ્ર રહી ચૂક્યું છે. દરવાજાની ઉપર આવેલા ભાગમાં હાઉસ ઓફ હબ્સબુર્ગના ચાર વ્યક્તિઓના જે બાવલા છે એમાંથી ત્રણ રોમન એમ્પરર રહી ચૂક્યા છે. ચોથી વ્યક્તિ એમ્પરર બને એ પહેલા યુવાનીમાં મૃત્યુ પામી.
મકાનનો સૌથી મહત્વનો કક્ષ છે ઍમ્પરર્સ હોલ જે મહત્વના પ્રસંગો માટે વપરાશમાં આવે છે ને 350 વ્યક્તિઓનો સમાવેશ કરી શકે છે.
મર્ચન્ટ હોલની જમણી બાજુનું જે મકાન છે એ છે ‘મ્યુઝિયમ ઓફ મ્યુનિસિપલ હિસ્ટરી ઓફ ફ્રેઈબર્ગ.’ મૂળે આ કલાકાર જોહાનન ક્રિશ્ચિયન વેન્તઝીંગારનું (1719-!797) બ્રોક શૈલીનું બનેલું ઘર હતું.
હવે અહીં છેલ્લા 900 વરસની કલાકૃતિઓ અને કલાકારની પોતાની કૃતિઓ પણ પ્રદર્શિત થઇ છે. દરવાજાની ઉપર જ એનું સ્મિત કરતું મુખારવિંદ મુલાકાતીઓને આવકાર આપતું દેખાય છે.
ચર્ચ આગળ મોટો ચોક છે ને ત્યાં રવિવાર સિવાય રોજ બજાર ભરાય છે ને અહીં ખાણીપીણીના પુષ્કળ સ્ટોલ્સ છે. અહીંની બજારમાં 96 સ્ટોલ્સ વિવિધ પ્રકારની પ્રાદેશિક વસ્તુઓ વેચે છે અને દક્ષિણ તરફની દુકાનોમાં પરદેશી ને વિલક્ષણ મસાલાથી માંડીને હસ્તકલાકારીની અસંખ્ય વસ્તુઓ વેચાય છે.
અહીંથી અમે આગળ વધ્યા ને અચાનક નિશ્ચિન્ત બોલી ઊઠી, “અરે યહાં તો ખુલ્લી ગટર હૈ.” મેં કહ્યું, “ખુલ્લી ગટર જેવી દેખાતી આ ગટર નથી બલ્કે બશ્લ છે.” હિના કહે “એટલે શું?”
“બેશ્લ એટલે વોંકળો. અહીં એવી વ્યવસ્થા કરેલી કે જૂના શહેરની દરેક ગલીગૂંચીમાંથી આ પસાર થાય. મોટે ભાગે જમીનની ઉપર હોય જયારે ક્યાંક ક્યાંક ભૂગર્ભમાં પણ હોય.

ડ્રેઇસમ નદીમાંથી પાણી અહીં વાળવામાં આવતું અને આગ લાગે ત્યારે કામ લાગતું તથા ઢોરઢાંખરને પાણી પીવાના કામમાં પણ આવતું. આનો ખેતરને પાણી આપવા માટે પણ ઉપયોગ થતો. છેક તેરમી સદીથી આનો ઉલ્લેખ મળે છે. મેલા, ગંદા પાણીના નિકાલ માટેની આ વ્યવસ્થા નહોતી. તેથી જો કોઈ એવું કરે તો એને દંડ થતો.
આજે આને લીધે ગરમીના દિવસોમાં થોડી ઠંડક રહેવાથી રાહત અનુભવાય છે. ઘણી જગ્યાએ એ રસ્તાની વચમાં આવતી હોવાથી એને બાજુ પર લઇ લેવામાં આવી. અમુક જગ્યાએ એને ઉપરથી બંધ કરવામાં આવી; પણ કાઢી નથી નાખી કારણ એ તો આ શહેરની આગવી ઓળખ છે.
અહીંના રહેવાસીઓને પણ આ કાઢી નખાય એ પસંદ નથી. ઊલ્ટાનું સન 1858માં નવા બનતા વિસ્તારમાં પણ એની વ્યવસ્થા કરાયેલી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અહીં થયેલી બોમ્બવર્ષામાં આ ખૂબ જ ઉપયોગી થઇ પડેલી. ઘણા વિસ્તારોમાં આગ લાગેલી. પાણી ઉપલબ્ધ હોવાને લીધે અહીંની માલમિલકત બચી ગયેલી.”
“અરે પણ કોઈનો પગ આમાં આવી જાય તો અકસ્માત થઇ જાય.” કેપ્ટન પત્નીએ કહ્યું.
મશ્કરી કરતાં કેપ્ટને કહ્યું, “તો જ અમારા જેવા હાડકાના ડોક્ટરની રોજી રોટી ચાલેને!”
નિશ્ચિન્ત કહે, “અહીં તો કોઈ કેસ ઠોકી દે. મોટું વળતર ચૂકવવું પડે.”
જવાબમાં મેં કહ્યું “સન 1956માં એવું થયેલું. એક વેપારીએ કેસ કર્યો કે આ બશ્લને લીધે મારી ગાડી ઘરની દીવાલ જોડે અથડાઈ માટે મને 2360 માર્કનું વળતર મળવું જોઈએ. જોકે એનો કેસ ખારીજ થઇ ગયો.
સન 1964માં પણ આવો જ એક કિસ્સો બનેલો. એક પ્રવાસીનો પગ એમાં પડી જવાથી ટાંટિયો ભાંગી ગયેલો તો એણે શહેર પર દાવો ઠોકી દીધો.
ન્યાયાધીશે કહ્યું, “તમને અહીં આવ્યે એક દિવસ થઇ ગયો છે. તમને આના વિષે ખબર છે. તમારે ધ્યાન રાખવું જોઈતું હતું. એક તૃતિયાંશ ખર્ચો તમારે કરવો પડશે.” જો કે મ્યુનિસિપાલિટીએ તળિયું ઉપર કરાવી દીધું જેથી અકસ્માતની સંખ્યા નહિવત થઇ જાય ને વધુ નુકસાન ન થાય.
પડવા સાથે એક કિંવદંતી સંકળાયેલી છે. તમારો જો આકસ્મિક રીતે આમાં પગ પડી જાય તો સમજવું કે અહીંના સ્થાનિક રહેવાસી જોડે તમારા લગ્ન થશે. કેપ્ટન પત્નીએ પૂછ્યું “પણ લગન થઇ ગયા હોય તો શું?”
કેપ્ટને વળી મજાક કરતા કહ્યું, “તો પ્રથમ પત્નીથી છૂટાછેડા સહેલાઈથી મળી જશે.”
“ચાલો એ બધું છોડો. તમારે આમાં પગ ઝબોળવા છે?” મેં કહ્યું.
બધાએ એકસૂરે ના પાડી. ઉલમાંથી ચૂલમાં પાડવા કોઈ નહોતું માગતું. થોડે આગળ ગયા ને જોયું તો એક ગોરી કન્યા ખુલ્લા પગે નીચે બેસીને પગ છબછબાવતી હતી ને એનો સાથીદાર ફટાફટ ફોટા ખેંચતો હતો.
આગળ વધ્યા કે ઓગસ્ટીનેર ચોક આવ્યો. અહીં એક ભૂતપૂર્વ ખ્રિસ્તી મઠનું મ્યુઝિયમમાં રૂપાંતર થઇ ગયું છે. જર્મન રેનેસાંસ કલાકારોના ચિત્રો, સ્થાપત્ય અને પેલા ચર્ચના અસલી સ્ટેન્ડ ગ્લાસ પણ પ્રદર્શિત કરાયા છે.
મુન્સ્ટરમાર્કેટથી ડાબી બાજુ વાળીને પાંચ મિનિટ ચાલો કે આવે 1517માં જેકોબ વીલ્લીન્જર વોન શેનબર્ગ જે હોલી રોમન એમ્પરરનો ખજાનચી હતો એણે બંધાવેલું ‘ધ વ્હેલ હાઉસ’ આવે.

આવું નામ તે કેવું? અહીંયા શું વ્હેલ રાખતા હતા?
ના.
તો?
એક સંશોધકના હિસાબે બાઇબલમાં, ‘ધ સ્ટોરી ઓફ જોનાહ એન્ડ ધ વ્હેલ’ નામની એક કથા આવે છે એના પરથી આવું નામ પડ્યું હશે. જે હોય તે, મકાનમાલિકની જે નામ રાખવાની ઈચ્છા હોય તે રાખે. આપણે શું, બરોબર?

1510માં બંધાયેલું એટલે કે આજથી 500 વર્ષ પહેલાના આ મકાનમાં અગત્યની વ્યક્તિઓ રહી ગઈ છે. એક હતો એરામુસ નામનો ડચ ફિલોસોફર અને ખ્રિસ્તી પાદરી, રોમન એમ્પરર ફર્ડીનાન્ડ પહેલો વગેરે. વીસમી સદીના હોરર ફિલ્મ્સ માટે બહુ પ્રખ્યાત એવા ઇટાલિયન ડિરેકટર ‘દારિયો આરજેન્ટો’ની 1977માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘સુસપીરીઆ’માં ડાન્સિંગ સ્કૂલ તરીકે અહીં શૂટિંગ થયેલું.

અહીં મુન્ડેનહોફ નામના વિસ્તારમાં 38 એકરમાં પથરાયેલો પ્રાણીબાગ આવેલો છે. 1968માં ખુલ્લા મુકાયેલા આ પ્રાણીઘરની વિશિષ્ટતા એ છે કે આ અઠવાડિયાના સાતે દિવસ ખુલ્લો રહે છે એટલું જ નહિ અહીંયા કોઈ પ્રવેશ ફી નથી.

અહીંના દક્ષિણ તરફ શોઈન્સલેન્ડ પર્વત જે માત્ર દસ કિલોમીટર દૂર છે ત્યાં જવા માટે કેબલ કાર છે. 3.6 કિલોમીટર લાંબી આ કેબલ કાર જર્મનીની સૌથી લાંબી કેબર કાર છે, જે તમને 15 મિનિટમાં શિખર પર પહોંચાડી દે છે. જ્યાંથી તમને આલ્પ્સ પર્વતમાળાના દર્શન થાય છે.
અહીં જૂનો સિનાગોગ ચોક આવેલો છે જે મુન્સ્ટર ચોક પછીનો બીજો મોટામાં મોટો ચોક છે. અહીંયા 1869/70 માં બંધાયેલું એક યહુદીઓનું દેવળ આવ્યું હતું. 1938માં ‘નાઈટ ઓફ ધ બ્રોકન ગ્લાસ’ના દિવસે નાઝી પક્ષના સભ્યોએ એ બાળી નાખ્યું.

બંબાવાળા આગ ઠારવા આવ્યા તો તેમને ચેતવણી અપાઈ કે તમે આ આગ આજુબાજુ પ્રસરે નહિ એનું જ ધ્યાન રાખો. દેવળને બચાવવાની તસ્દી ન લેતાં.
આજે આ ચોકને દેવળનું નામ આપવામાં આવ્યું છે ઉપરાંત અહીં એક આરસની તકતી પણ મુકવામાં આવી છે જે વાંચતા આખી ઘટનાનો ચિતાર મળે છે. અહીંયા જ નાટ્યથિયેટર પણ આવ્યું છે.
શ્વાભિયાન ગેટથી પણ જે જૂનો ગેટ છે તેનું નામ છે માર્ટિનસ્ટોર. જે 1202થી અહીં ઊભો છે.

એનો નીચેનો ભાગ હજી અસલી છે. માર્ટિન્સ ટોરને અડીને આવેલા કમાનવાળા મકાનમાં મેક્ડોનાલ્ડનું પાટિયું જોવા મળ્યું. માળું ક્યાં ક્યાં પહોંચી ગયું છે આ મેકડોનાલ્ડ.
અહીંયા ગેટ આગળ એક અગત્યની ટેબ્લેટ મુકાઈ છે એનું લખાણ વાંચીને આપણને કમકમા આવી જાય. એના પર લખાણ છે: 24 માર્ચ 1599 ના રોજ આ શહેરની ત્રણ વિધવાઓ કેથેરીન સ્ટેડેલમેનિન, અન્ના વોલફોરતીન અને માર્ગારેઠા મોમેરિનની ગરદન ઉડાવી એમને બાળી મુકવામાં આવી હતી. ક્યાં આરોપસર? તો કહે મેલી વિદ્યા કરે છે. તેમને ડાકણ કહેવામાં આવી.
મધ્યકાલીન યુરોપમાં સ્ત્રીને ડાકણ તરીકે ઠેરવી બાળી મુકવાના સેંકડો કમનસીબ કિસ્સાઓ બન્યા છે.
આજની તારીખમાં પ્રવાસીઓ માટે અહીં ઘણી બધી વૉકિંગ ટુર યોજવામાં આવે છે એમાંની એક એ છે જેમાં ડાકણ તરીકે બાળી મુકાયેલી કેથેરીનના સ્વાંગમાં સ્થાનિક અભિનેત્રી પગપાળા ચાલી શહેરનું ભ્રમણ કરાવે છે, બોલો.
અમે અમારી રીતે પગપાળા ચાલી શહેરમાં જેટલું જોવાય તેટલું જોઈને પછી એક રેસ્ટૉરન્ટમાં ખોળી સાંજનું ભોજન લઇ હોટેલમાં પાછા ફર્યા. બીજા દિવસે નાહીધોઈને તૈયાર થઇ નીચે આવેલી રેસ્ટૉરન્ટમાં નાસ્તા માટે આવી પહોંચ્યા. ઘણું બધું વૈવિધ્ય નાસ્તામાં હતું, ભરપેટ તે આરોગી હોટેલમાંથી ચેક આઉટ કરી અમે અમારી મુસાફરી આગળ વધારી.
(ક્રમશ:)