|

જૉન એલિયા – “હમને વો જિંદગી ગુજારી હૈ…!” – લેખકઃ ડૉ. પ્રણય વાઘેલા

(લેખક પરિચયઃ  ડો. પ્રણય વાઘેલા, M.D. (INT MEDICINE), IDCCM (CRIT CARE), INTERNIST & INTENSIVIST – વડોદરામાં પ્રેક્ટિસીંગ ફિઝિશિયન છે. પોતે શિક્ષણ ભલે વિજ્ઞાનનું લીધું પણ અંદરનો માંહ્યલો તો કવિ, શાયર અને લેખકનો. તેઓ ગુજરાતી, હિન્દી, ઉર્દૂ – આ બધી જ ભાષામાં ગઝલ, નઝમ, ગીત, દોહા અને ગદ્ય લખે છે. વાંચનનો શોખ પણ પ્રચૂર, સારા કલામ અને સારી કલમ, એમની આંખો પારખે અને વાંચે. આજે એમની કલમ થકી ઉર્દૂના અનોખા શાયર જૉન એલિયા વિષે આપણે જાણીએ.) 
                                                                                         

જૉન એલિયા એટલે વિખરાયેલા લાંબા વાળ, અસ્તવ્યસ્ત દેખાવ, ઉંઘરેટી આંખો અને સામાન્યથી જરા ઓછો દેખાવડો ચહેરો. ધ્યાન ન અપાય તો ભીડમાં ઓળખાય પણ નહીં. એના શેર જેવા જ.

પરંતુ એ જ ચહેરો ધ્યાનથી જુઓ તો અણીદાર અને આકર્ષક લાગે. એ જ આંખો સ્વપ્નશીલ અને દાર્શનિક લાગે. એ અસ્તવ્યસ્તતા નિર્મોહીપણાને દર્શાવે. અને એના શેર સ્હેજ સમજો તો સોંસરવા ઊતરી જાય.

ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાં ૧૪ ડિસેમ્બર, ૧૯૩૧ના જન્મેલા જૉનને ઘરમાં જ કવિતાનું વાતાવરણ મળેલું જેથી એ માત્ર ૮ વર્ષની ઉંમરથી શેર કહેવા લાગેલા.

એમનું મૂળનામ સૈયદ જૉન અસગર હતું. શરુઆતી ભણતર પિતાની છત્રછાયામાં મેળવ્યું હતું. વિભાજનના સખત વિરોધી જૉન પછીથી વિભાજનને એક સમજૂતી તરીકે સ્વીકારી પાકિસ્તાન ચાલ્યા ગયા.

આ ઉપરાંત રાજકીય કારણોસર મોટાભાઈની હત્યા અને જેમની સાથે પહેલા પ્રેમ અને પછી લગ્ન થયા એ ઝાહિદા હીના (જેઓ પોતે પણ એક પ્રખ્યાત ઉર્દૂ લેખિકા, પત્રકાર અને સંપાદક છે) સાથેના નિષ્ફળ વૈવાહિક જીવનનો પણ સામનો કરવો પડ્યો.

આ ઘટનાઓએ એમનામાં ગુસ્સો, કટુતા અને મદ્યપાન જેવી કુટેવો ભરી દીધી. જો કે ખરેખર તો પોતે એક અલગ જ દરજ્જાના ક્રાંતિકારી વિચારક હતા પણ મોટેભાગે એ બધા વિચારોને તેઓ ખુલીને બધાને કહી/ સમજાવી ન શક્યા એ હતાશા વધુ કારણરૂપ હશે.

કવિતા-સાહિત્ય ઉપરાંત ભાષાશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને ઇસ્લામિક ઇતિહાસ વગેરેમાં પારંગત જૉનને પાકિસ્તાનમાં ‘લુઘત (શબ્દકોષ) કમિટી’ના ચેરમેન બનાવાયા હતા.

આ પદ પર અહીં ભારતમાં ડૉ હરિવંશરાય બચ્ચન હતા. પરંતુ પ્રસિદ્ધિથી જૉન હંમેશા બચતા રહ્યા કે કહો કે ભાગતા રહ્યા. તેઓ ઉર્દૂ, પર્શિયન અને એરેબિક ભાષામાં ડિગ્રીધારક હતા.

એમના જે પુસ્તક પ્રકાશિત થયા એમાં ‘શાયદ’ ૧૯૯૦માં સાઠ વર્ષની ઉંમરે એમની હયાતીમાં પ્રકટ થયું, જ્યારે ‘યાની’, ‘ગુમાન’, ‘લેકિન’ અને ‘ગોયા’ તો એમના મૃત્યુ બાદ જ આવ્યા.

એમના માટે આપણા પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસે લખ્યું છે કે…
“मैं जो हूँ जॉन एलिया हूँ जनाब,
मेरा बेहद लिहाज़ कीजिएगा।“

ये जो उनके कहने की खुद्दारी है कि मैं एक अलग फ्रेम का कवि हूँ, यह परंपरागत शायरी में बहुत कम ही देखने को मिलती है।

जॉन एक ख़ूबसूरत जंगल है, जिसमें झरबेरियाँ हैं, काँटे हैं, उगती हुई बेतरतीब झाड़ियाँ हैं, खिलते हुए बनफूल हैं, बड़े-बड़े देवदार हैं, शीशम हैं, चारों तरफ कूदते हुए हिरन हैं, कहीं शेर भी हैं, मगरमच्छ भी हैं।

उनकी तुलना में आप यह कह सकते हैं कि बाक़ी सब शायर एक उपवन हैं, जिनमें सलीके से बनी हुई और करीने से सजी हुई क्यारियाँ हैं।

इसलिए जॉन की शायरी में प्रवेश करना ख़तरनाक भी है। लेकिन अगर आप थोड़े से एडवेंचरस हैं और आप फ्रेम

से बाहर आ कर सब कुछ करना चाहते हैं तो जॉन की दुनिया आपके लिए है।”

જૉન એલિયા શાયર તરીકે પહેલી નજરે કડવો, નિરાશ અને ગુસ્સાળ લાગે. પણ જો જરા નજદીકથી જોઈએ તો બે વાતનો અહેસાસ થાય…

૧) એનું દુઃખ અનુભવાય, એની કડવાશ પાછળની તરસ વર્તાય, એના ગુસ્સામાંથી એની લાચારી ઝળકી ઉઠે અને એની ઘવાયેલી પણ અકબંધ ખુદ્દારી દેખા દે. અને

૨) એના દર્શન અને ફિલોસોફીના જ્ઞાન અને સમજ પરખાય. એ જ્ઞાન કે જે એણે આત્મસાત કરેલું છે, મહાવરાથી સમજીને સહજ કરેલું છે એ તરત જ અનુભવાય.

સ્વમાન એ જૉનની શાયરીનું મુખ્ય અંગ છે એમ કહેવામાં સહેજે ય અતિશયોક્તિ નહીં થાય.

જૉન એલિયાના કેટલાક શેરના દૃષ્ટાંતોથી આ વાત સમજવાનો પ્રયાસ કરીએ.

“बहुत नज़दीक आती जा रही हो,
बिछड़ने का इरादा कर लिया क्या!”

સામાન્ય રીતે નજદીકી તો પ્રેમમાં પોઝીટીવ ગણાય. એને આમ છૂટાં પડવા સાથે સાંકળવું અજુગતું લાગે. પણ વિચારો કે એણે કેટલી વાર આ તકલીફ સહન કરી હશે કે હવે કોઈના નજીક આવતાં જ એને શંકા જાય છે કે વિખૂટા પડવાનું કહેવા તો નથી આવ્યા ને! “દૂધનો દાઝેલો છાશ ફૂંકે” એવું કંઇક….! આવો જ એક બીજો શેર મમળાવો,

“मुझे अब तुमसे डर लगने लगा है,
तुम्हें मुझसे मोहब्बत हो गई क्या?”
***
“जो गुज़ारी न जा सकी हम से,
हम ने वो ज़िंदगी गुज़ारी है।“

આપણે ઘણીવાર આપણા દુ:ખને પહાડની ઉપમા આપીએ, આકાશ ફાટ્યું કહીએ. પણ આ બધી ઉપમાથી વધુ અસરકારક ઉપમા કઈ? કોઈ ઉપમા જ ન આપવી તે. જે અશક્ય જ હતું એ જ કરી નાખ્યું! હવે આનાથી વધુ તો શું હોય શકે?
***
“आप से दिल की बात कैसे कहूँ,
आप ही तो हैं दिल के महरम जी।“

મહરમ એટલે પરિચિત, નજીકના, વિશ્વાસુ. હવે પરિચિતને કેમ ન કહેવાય? અને એ વિચારો એજ શેરનું ઊંડાણ છે. પરિચિતને કહેવું પડે? એમને ખ્યાલ ન હોય? બીજું, કે, અજાણ્યા આપણી અંગત વાત જાણે તો ય શું ફરક, પણ અમુક વાતો પરિચિતો આગળ ન થાય. અને ત્રીજું કે ડર લાગે. તું જ તો એક અંગત છે, તને આ વાત કહું ને આ છે એ ય ગુમાવી બેસુ તો….! પણ, સૌથી મહત્ત્વની વાત તો ખુદ્દારીની છે જે જૉનની શાયરીમાં હંમેશા ઝળકે.
***
“मैं खुद नहीं हूँ, कोई और है मिरे अंदर,
जो तुम को अब भी तरसता है, अब भी आ जाओ।“

આમ તો પ્રિયજનને પાછા ફરવાની વિનવણી કરતો આ શેર છે પણ ઊલામાં પોતાની અંદરના સંવેદનશીલ, પ્રેમ માટે તલસતા વ્યક્તિ અને એના પર હાવી થતાં પોતાના અહમ/સ્વમાન ને જુદા પાડીને એમણે આ અરજ પર ચાર ચાંદ લગાવી દીધાં છે. પાછી પોતાની ખુદ્દારીને પણ સંભાળી રાખી છે.
***
“ऐलान उसका देखिए कि वो मजे में है,
या तो कोई फ़कीर है या फ़िर नशे में है।“

કેટલી સાહજિકતાથી જૉને દરેકના હૃદયના કોઈને કોઈ ખૂણે છુપાયેલા દર્દને ઓળખી બતાવ્યું છે. આ દુનિયામાં એવું કોણ હશે કે જે ખરેખર મજામાં હશે! કાં તો કોઈ વિશુદ્ધ વૈરાગી ને કાં પછી જે હોશમાં ન હોય એ. બીજા તો બધા જ…
***
“कोई नहीं यहाँ खमोश, कोई पुकारता नहीं,
शह्र में एक शोर है, और कोई सदा नहीं।“

તદ્દન વિરોધાભાસી વાતો, એ જૉન એલિયાની યુએસપી છે! આમ તો કોઈ ચૂપ નથી ને આમ કોઈ બોલાવતું ય નથી. આખા શહેરમાં શોરબકોર છે પણ જેને પ્રેમપૂર્વકનો અવાજ એટલે કે “સદા” કહેવાય એવો ઓળખીતો, પોતીકો ને પ્રેમાળ અવાજ તો કાંઈ નથી.
***
“किया था अहद जब लम्हों में हम ने,
तो  सारी उम्र  ईफ़ा* क्यूँ करें हम!”  (*ईफ़ा – प्रतिज्ञापालन)
લમ્હોંને ખતા કી… જેવા અર્થનો આ શેર માત્ર જૉનના આગવા અંદાજે-બયાં ને લીધે સાનીમાં ઉઠાવ લાવે છે. એક તો ઉતાવળમાં, ક્ષણમાં નિર્ણય લઈ લીધો હતો. પણ પછી એ ખોટા નિર્ણયને સતત નિભાવવો શું કામ? ઘણાં બોજરુપ સંબંધોને ખેંચ્યા કરવા કરતા કઠણ મન કરીને એમાંથી છૂટાં થઈ જવું સારું. વળી અલગ દૃષ્ટિએ જોઈએ તો જૉનનો ટિપીકલ એવો કટાક્ષ પણ અનુભવાય.
***
“सब दलीलें तो मुझको याद रही,
बहस क्या थी उसी को भूल गया।“

આ આપણી રોજબરોજની સમસ્યા નથી? કેટકેટલા ઝઘડા, અહમના ટકરાવ અને તીખી-તમતમતી ચર્ચાઓ થઈ જાય પણ મૂળ મુદ્દો જ ભૂલાઈ જાય કે હાંસિયામાં ધકેલાઈ જાય એવું થતું જ હોય છે ને! અને ખરેખર આ એક છુપા આશીર્વાદ જેવું છે, બસ બહસનું કારણ ભૂલાઈ જતાં બહસ/ઝઘડા બંધ થઈ જવા જોઈએ.  અને, જો મૂળ મુદ્દો ભૂલાઈ જાય તો કાં તો મુદ્દો મુદ્દામાલ વગરનો હશે ને કાં તો એ મુદ્દાને સમજવામાં આપણી સમજણ વામણી પડતી હશે!
***
“हरिक हालत के बैरी है ये लम्हें,
किसी ग़म के भरोसे पर न रहियो।“

“સમય બધા જખમનું ઓસડિયું” આ કહેવત આપણે સૌએ સાંભળી જ હશે. પણ જૉન સાહેબ તો અલગ જ મિજાજના શાયર છે. એ તો ઇચ્છતા જ નથી કે દુ:ખ ખતમ થાય! અને એટલે સમયને દોષિત ઠરાવે છે. એના લીધે જ જખ્મો ભરાઈ જાય છે એમ કહે છે. ને ઉપરથી જતાં-જતાં તમને સૂફિયાણી સલાહ પણ આપતાં જાય છે કે કોઈ એક દુ:ખના ભરોસે બેસી ન રહેતાં. કે, પછી,મ એમની ઉલ્ટું બોલવાની રીતથી સાંત્વના આપે છે કે દરેક ગમ સમય જતાં…
***
“ये मुझे चैन क्यूँ नहीं पड़ता,
एक ही शख़्स था जहां में क्या?”

જેને છોડી દેવા પડ્યા છે એ વ્યક્તિ ક્યારેય મનથી તો છૂટતાં નથી જ. અને દુનિયાદારી કે બીજા કારણોસર વિખૂટા પડવું પડ્યું હોય એ જ એના પછીની વ્યાકુળતા અને છટપટાહટને જાણી શકે.  આ કશ્મકશ, આ તકલીફ, આ સં-વેદના ને વ્યક્ત કરવા માટે આનાથી વધુ સારો રસ્તો બીજો શું હોય શકે. ફ્રસ્ટેશન શબ્દોથી લાવાની જેમ બહાર નીકળી રહ્યું છે.
====

જૉન ક્યારેક એકદમ સપાટભાવે પોતાની કે બીજાની ખામીને અને ભાવનાઓને શબ્દોમાં છુપાવ્યા વિના કહી દે છે. એમનાં થોડાં શેર જોઈએ જેમાં આ ભાવનો ઉઘાડ કોઈ છોછ વિના થયો છે.

“हम वो हैं जो खुदा को भूल गए,
तुम मेरी जान किस गुमान में हो।“

“ज़ुलेख़ा-ए-अज़ीज़ां! बात ये है,
भला घाटे का सौदा क्यूँ करें हम।“

“कौन सीखा है सिर्फ बातों से,
सबको एक हादसा जरूरी है।“

“क्या तकल्लुफ़ करें ये कहने में,
जो भी ख़ुश है, हम उस से जलते हैं।“

“शर्म? दहशत! झिझक? परेशानी? नाज़ से काम क्यों नहीं लेतीं,
आप, वो, जी, मगर, ये सब क्या है?  तुम मेरा नाम क्यों नहीं लेतीं।“

ક્યારેક એ પોતાની તકલીફને ખુદ્દારીના પહેરણમાં છુપાવીને રજૂ કરે છે. પણ પોતાના દુ:ખથી આનંદિત થવું અને પછી એ મિશ્ર લાગણીને કવિતામાં વણી લેવાનું કામ ક્યારેય સરળ નથી હોતું. લાગે કે એને દર્દથી છુટકારો જોઈતો જ નથી.

“चारसाज़ों की चारासाज़ी से, दर्द बदनाम तो नहीं होगा!
हाँ, दवा दो, मगर ये बतला दो, मुझको आराम तो नहीं होगा।“

“मेरे सब तंज बेअसर हो चुके,
तुम बहुत दूर जा चुकी हो क्या?”

“हिज्र की आंखों से आंखें तो मिलाते जाइये,
हिज्र में करना है क्या, ये तो बताते जाइये।“

“कितनी दिलकश हो तुम, कितना दिल-जू हूँ मैं,
क्या યે सितम है कि हम लोग मर जाएँगे!”

“अब जो रिश्तों में बँधा हूँ तो खुला है मुझ पर,
कब परिंद उड़ नहीं पाते हैं परों के होते!”

“नहीं दुनिया को जब परवा हमारी,
तो फिर दुनिया की परवा क्यूँ करें हम।“

તો ક્યારેક એ જ જૉન એલિયા સૂફી-ઓલિયાની જેમ એકદમ ગંભીર અને ફિલોસોફીકલ વાતો પણ સહજતાથી કહી દે છે, જેમ કે…

“मैं तो ख़ुद में कहीं न था मौजूद,
मेरे लब पर सवाल किस का था!”

“मैं रहा उम्र भर जुड़ा खुद से,
याद मैं खुद को उम्र भर आया।“

“हासिल-ए-कुन है ये जहान-ए-ख़राब,
यही मुमकिन था इतनी उजलत में।“

“ये वार कर गया है पहलू से कौन मुझ पर,
था मैं ही दाएँ बाएँ और मैं ही दरमियाँ था।“

“कौन इस घर की देख-भाल करे,
रोज़ इक चीज़ टूट जाती है।“

“बेदिली क्या, यूं ही दिन गुज़र जायेंगे,
सिर्फ ज़िंदा रहे हम तो मर जायेंगे।“

“अब नहीं कोई बात खतरे की,
अब सभी को सभी से खतरा है।“

“वो ‘जॉन’ कौन है, जाने जो कुछ नहीं सुनता,
है जाने कौन जो कहता है, अब भी आ जाओ।“

“निकल आया मैं अपने अंदर से,
अब कोई डर नहीं है बाहर से।

मैं इस दीवार पर चढ़ तो गया था,
उतारे कौन अब दीवार पर से।“

“हम जो अब आदमी हैं, पहले कभी,
जाम होंगे, और छलक गये होंगे।“

અને અંતે આ શેર જુઓ…
“क्या कहूँ ज़िंदगी के बारे में,
इक तमाशा था, उम्रभर देखा।“

આવા બીજા ઘણાં શેર છે કે જૉનને વિલક્ષણતા બક્ષે છે. આપણાં બક્ષી સાહેબની જેમ, જૉન મોઢા પર ચોપડાવે છે અને અખાના છપ્પાની જેમ શબ્દોના ચાબખા મારે છે. જૉન બેબાક છે, ખુદ્દાર છે અને અનઅપોલોજેટીક છે. 

  • ડૉ. પ્રણય વાઘેલા, વડોદરા

Leave a Reply to દિનેશ ડોંગરે નાદાનCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

6 Comments

  1. ખૂબ જ સટિક અને રસપ્રદ શૈલીમાં જોન એલિયા સાહેબના જીવન કવન વિશે વાત કરી…… અભિનંદન સાહેબ શ્રી…

  2. એક ઉચ્ચ કોટીના શાયરના સર્જન અને જીવનનું તલસ્પર્શી અવલોકન…અભિનંદન ..મિત્ર..!!

  3. ખૂબ સરસ માહિતીસભર લેખ. ડૉ.પ્રણય વાઘેલા સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે હજી પણ આપના તરફથી આવા લેખો મળતા રહો…

  4. ખુબ સરસ લેખ મઝા આવી કેટલાક તો પહેલી વાર વાંચવા મળ્યા 🙏🙏

  5. વાહ પ્રણય ભાઈ, જૉન એલિયાસ સાહેબનો અક્ષરદેહે પરિચય કરાવવા બદલ આભાર. હવે જ્યારે પણ એમને વાંચી નવી સમજ સાથે વાંચી શકીશ.

  6. વાહ પ્રણયભાઈ જૉન સાહેબને અને એમની શાયરીને ખૂબ સુંદર રીતે ઉઘાડી આપ્યાં. અભિનંદન આપ બંને કવિ મિત્રોને.