આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૩ ~ પરસાળમાંનું દર્પણ ~ “સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે”: સી.પી. કાવાફી ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર
“સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે”
પરસાળમાંનું દર્પણ
કોઈ જાજરમાન ઘરની પરસાળમાં
વિશાળ અને જરીપુરાણું દર્પણ હતું,
આશરે એંશી વર્ષ પહેલાં ખરીદેલું
એક આકર્ષક યુવાન
-દરજીનો શિખાઉ મદદનીશ
(રવિવારની નવરાશની પળોનો વ્યાયામવીર)
આવ્યો સંપેતરું લઈને,
આપ્યું બારણે ઊભેલા કોઈને,
અને પાવતીની રાહ જોતો ઊભો એકલો
પછી દર્પણ સમીપે ગયો, જોયું પ્રતિબિંબ,
ટાઈ સરખી કરી.
પાંચ જ મિનિટમાં પાવતી લઈને
તેણે ચાલતી પકડી
પણ પેલું પુરાણું દર્પણ
જેણે આટલાં વર્ષોમાં
નિહાળી હતી કંઈ કેટલીય વસ્તુ
કંઈ કેટલાય ચહેરા
તે પુરાણું દર્પણ હવે મોજમાં હતું
સંતોષમાં હતું
કે તેણે લીધું હતું આશ્લેષમાં
-ભલે થોડી જ પળો માટે-
નખશિખ સૌંદર્ય
~ સી.પી. કાવાફી
~ (ગ્રીકના અંગ્રેજી અનુ. પરથી અનુવાદ: ઉદયન ઠક્કર)

આ કાવ્યમાં પાંચ મિનિટના એક ક્ષુલ્લક પ્રસંગનું વર્ણન છે. કોઈ મોભાદાર ઘરની પરસાળમાં (આગલા ઓરડામાં) વિશાળ દર્પણ હતું. કવિતાનું વાતાવરણ ઉપસાવવું હોય, તો ઝીણી ઝીણી વિગતો આપવી પડે, માટે કવિ કહે છે કે દર્પણ એંશી વર્ષ જૂનું હતું. દર્પણ પુરાણું હતું એ વાત પર શું કામ ભાર મૂકવો પડ્યો એનો ખુલાસો છેલ્લે મળશે.
ઘરને ઉંબરે એક યુવાન આવ્યો. કવિ તરત નોંધે છે કે તે દેખાવડો હતો. દરજીકામ કરતો હતો માટે વરણાગી હશે અને વ્યાયામવીર હોવાથી સ્નાયુબદ્ધ હશે. દર્પણ સામે હોવા છતાં તેમાં ડોકિયું ન કરે એવું કોણ હોય? યુવાને પોતાની ટાઈ ઠીકઠાક કરી, એટલે તે છેલબટાઉ હોવાનું કલ્પી શકાય. દર્પણના એંશી વર્ષના આયુષ્યમાં આ પાંચ જ મિનિટના પ્રસંગનું કેટલું બધું મહત્ત્વ છે, તે અંતિમ સ્ટાન્ઝામાં સમજાય છે.
આ અવસર પછી દર્પણ ખુશખુશાલ થઈ ગયું. આવા આકર્ષક પ્રતિબિંબ સાથે તેને પહેલી જ વાર મળવાનું થયું. તેણે હજારો વસ્તુઓ અને વ્યક્તિઓ જોઈ નાખી હતી, પણ આવું લાલિત્ય પહેલી જ વાર જોયું. ‘થોડી જ પળો માટે’ જોયું તો શું થયું? બેન જોન્સન કહે છે તેમ-
‘ઇન સ્મોલ પ્રપોર્શન્સ વી જસ્ટ બ્યુટીઝ સી
એન્ડ ઇન શોર્ટ મેઝર લાઇફ મે પર્ફેક્ટ બી’
દર્પણ કવિના ચિત્તનું પ્રતીક છે. કવિએ દીર્ઘ આયુષ્યમાં ઘણી લીલીસૂકી જોઈ નાખી છે. પણ તેમને પ્રસન્નતા મળે છે એકાદ પ્રસંગથી, જ્યારે તેમનો સુંદરતા સાથે મોં-મેળાપ થયો હતો.
સી.પી. કાવાફીનો પ્રથમ કાવ્યસંગ્રહ તેમના અવસાનનાં બે વર્ષ પછી ૧૯૩૫માં પ્રકટ થયો હતો. તત્પશ્ચાત્ તેમને યુરોપના અગ્રગણ્ય કવિ તરીકે માન્યતા મળી હતી. તેમનાં કેટલાંક કાવ્યોમાં સજાતીય સંબંધોની વાત આવે છે. ગ્રીસનાં ઇતિહાસ અને પુરાકથાઓ પર આધારિત તેમનાં કાવ્યો પ્રખ્યાત છે.
(શીર્ષકપંક્તિ: ઉમાશંકર જોશી)
~ ઉદયન ઠક્કર