|

ભાગ:૧ ~ સૃષ્ટિમાં શબ્દ તું, શબ્દમાં સૃષ્ટિ તું ~ અનુ. મૈત્રેયી યાજ્ઞિક ~ સૌજન્ય: પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (પારી – PARI)

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે પારીભાષાના ભારતીય ભાષાના સંપાદકો ભાષામાંથી વિસરાતા જતા શબ્દોની સૃષ્ટિ લઈને આવે છે, 14 જુદા-જુદા અવાજોમાં અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી…

અનુવાદક: મૈત્રેયી યાજ્ઞિક

મૈત્રેયી યાજ્ઞિક PARI (People’s Archive of Rural India) સાથે અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે અને AIR (All India Radio)ની વિદેશ પ્રસારણ સેવાના ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલ રહી ચૂક્યા છે.

***

|| સૌજન્ય: પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (પારી – PARI) ||

દિલ્હીમાં શિયાળાની એક સુસ્ત બપોર હતી, જાન્યુઆરીના સૂર્યનો તડકો વરંડામાં ફેલાઈને હૂંફ આપી રહ્યો હતો, ત્યારે અમરે ત્યાંથી લગભગ હજાર કિલોમીટર દૂર રહેતી તેમની માતાને ફોન કર્યો.

75 વર્ષના શમીમા ખાતૂનની સાથે વાત કરતી વખતે અમર જાણે બિહારના સીતામઢી જિલ્લાના બર્રી ફુલવરિયા ગામમાં તેમના બાળપણના ઘરમાં પહોંચી ગયા હતા.

જો તમે એ બપોરે ટેલિફોન લાઇનની બંને બાજુના અવાજો સાંભળ્યા હોત તો તમે ચોક્કસ કંઈક વિચિત્ર નોંધ્યું હોત. સ્પષ્ટ ઉર્દૂમાં બોલતા અમર પૂછે છે, “અમ્મી ઝરા યે બતાઇયેગા, બચપનમેં જો મેરે સર પે ઝખમ હોતા થા ના ઉસકા ઇલાજ કૈસે કરતે થે? [મા, હું નાનો હતો ત્યારે મારા માથા પર જે અળાઈઓ થતી હતી તેનો ઈલાજ તમે શી રીતે કરતા હતા?]”

મા વ્હાલથી હસતા હસતા તેમના ઘરેલુ ઉપચારનું વર્ણન કરે છે, “સીર મેં જો હો જહાઇ – તોરોહૂ હોલ રહા – બતખોરા કહા હઇ ઓકો ઇધર. રેહ, ચિકની મિટ્ટી લગાકે ધોલિયા રહા, મગર લગ હયી બહુત. ત છૂટ ગેલઇ”

[એ માથાની ચામડી પર થાય – તને પણ થઈ હતી – તેને અહીં બતખોરા કહે છે. હું રેહ [ક્ષારવાળી માટી] અને ચિકણી માટીથી તારું માથું ધોતી પરંતુ તેનાથી લ્હાય બહુ બળે. પણ આખરે તને મટી ગયું હતું.]” માની ભાષા અમરની ભાષાથી સાવ અલગ છે.

તેમની આ વાતચીતમાં કંઈ અસામાન્ય નહોતું. અમરે અને તેમની માએ એકબીજા સાથે હંમેશા અલગ-અલગ ભાષાઓમાં વાતો કરી છે.

બીજે દિવસે પારીભાષાની મીટિંગમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તેની અમારી વાર્તાના વિષય પર અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેઓ કહે છે, “હું તેની બોલી સમજી શકું છું, પણ બોલી શકતો નથી. હું કહું છું કે ઉર્દૂ મારી ‘માતૃભાષા’ છે પણ મારી મા તો જુદી જ ભાષામાં બોલે છે.”

તેમણે ઉમેર્યું, “મારી માની ભાષાનું નામ શું છે એ કોઈને ખબર નથી, ન તો અમ્મીને કે ન તો મારા પરિવારમાં બીજા કોઈને, એ બોલી બોલનારાઓને પણ નહીં.”

કામની શોધમાં ગામડામાંથી સ્થળાંતર કરનારા પુરુષો, અમર પોતે, તેમના પિતા અને તેમના ભાઈ ક્યારેય એ ભાષા બોલતા નથી. અમરના બાળકો તો એ ભાષાથી વધુ વિખૂટા પડી ગયા છે; તેઓ તો તેમની દાદીની બોલી સમજી પણ શકતા નથી.

ગ્રામીણ પશ્ચિમ મહારાષ્ટ્રમાં કુસ્તી શાળાના પ્રવેશદ્વાર પરનું એક પાટિયું કહે છે તાલીમ (શિક્ષણ માટેનો ઉર્દૂ શબ્દ). પરંતુ અંદર જઈને તમે જે પહેલી વસ્તુ જુઓ છો એ છે હનુમાનની છબી, જે અહીંના કુસ્તીબાજો (પહેલવાનો) ના દેવ છે. આ એક છબી અલગ-અલગ ધર્મો, વિચારસરાણીઓ કે પછી સંસ્કૃતિઓના સમન્વયની વાત સુપેરે કહી જાય છે

તેઓ ઉમેરે છે, “મેં (એ ભાષા વિષે) વધુ જાણવાનો પ્રયાસ કર્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્રી, મોહમ્મદ જહાંગીર વારસી તેને ‘મૈથિલી ઉર્દૂ’ કહે છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) ના બીજા એક પ્રાધ્યાપક રિઝવાનુર રહેમાન કહે છે કે બિહારના આ પ્રદેશના મુસ્લિમો સત્તાવાર રીતે ઉર્દૂને તેમની માતૃભાષા તરીકે નોંધે છે પરંતુ ઘરમાં તેઓ અલગ બોલીમાં વાત કરે છે. લાગે છે કે માની ભાષા ઉર્દૂ, ફારસી, અરબી, હિન્દી અને મૈથિલીનું મિશ્રણ છે – જે એ પ્રદેશમાં જ ક્રમશઃ વિકસિત થઈ છે.

એક માની ભાષા જે તેના પછીની પેઢી દર પેઢી લુપ્ત થતી જાય છે.

બસ! અમરે અમને સૌને શબ્દ-શોધ પર મોકલી દીધા હતા! અમે સૌએ નક્કી કરી લીધું અમારી પોતપોતાની માતૃભાષામાંથી ભૂંસાઈ ગયેલા કેટલાક શબ્દોનું પગેરું શોધવાનું, એ પગેરું અનુસરવાનું અને એ શબ્દો શા માટે ભૂંસાઈ ગયા એના કારણો સમજવાનું. અને હજી તો અમે કંઈ સમજી શકીએ એ પહેલાં અમે એકીટસે જોઈ રહ્યા હતા બોર્હેસ આલેફ તરફ.

*****

સૌથી પહેલા વાતની શરૂઆત કરી રાજાએ. તેઓ કહે છે, “તમિળમાં એક જાણીતા રૂઢિપ્રયોગ વિશે તિરકુરળ દુહો છે.”

“મયિર નીપ્પિન વાળા કવરિમા અન્નાર
ઉયિરનીપ્પર માણમ વરિન [ કુરળ # 969 ]

તેનો અનુવાદ કંઈક આવો છે: હરણના શરીર પરથી વાળ ખેંચી કાઢવામાં આવે છે ત્યારે એ મૃત્યુ પામે છે. તેવી જ રીતે પોતાનું માન ગુમાવનાર લોકો શરમના માર્યા મૃત્યુ પામે છે.

રાજા સહેજ અચકાતા-અચકાતા કહે છે, “આ દુહો માણસના સ્વમાનને હરણના વાળ સાથે સરખાવે છે. મુ. વર્દરાસણાર દ્વારા કરાયેલ અનુવાદ તો એમ જ કહે છે.” તેઓ ઉમેરે છે, “પણ શરીર પરથી વાળ ખેંચી કાઢવામાં આવે તો હરણ મરી કેમ જાય?

પછીથી ઈન્ડોલોજિસ્ટ આર બાલક્રિષ્ણનનો લેખ, સિંધુ ખીણમાં તમિળ ગામોના નામ નેમ્સ ઓફ તમિળ વિલેજીસ ઈન ઈન્ડસ વેલી ) વાંચ્યા પછી મને સમજાયું કે આ દુહામાં ‘કવરિમા’નો ઉલ્લેખ છે નહીં કે ‘કવરિમાન’નો, જેનો અર્થ તમિળમાં યાક થાય છે નહીં કે હરણ.

“યાક? પરંતુ દેશના બીજા છેડે રહેતા લોકો દ્વારા બોલાતી ભાષામાં, તમિળ કવિતામાં,  ઉચ્ચ હિમાલયમાં જોવા મળતું પ્રાણી શું કરી રહ્યું છે?

આર. બાલક્રિષ્ણન તેને સંસ્કૃતિના સ્થળાંતર દ્વારા સમજાવે છે. તેમના મતે સિંધુ ખીણના લોકો તેમના મૂળ સ્થાનિક શબ્દો, જીવનશૈલીઓ અને વિસ્તારના નામો સાથે લઈને દક્ષિણમાં સ્થળાંતરિત થયા હશે.”

રાજા કહે છે, “બીજા એક વિદ્વાન વી. અરઝે દલીલ કરી હતી કે રાષ્ટ્ર-રાજ્ય અથવા દેશના આજના ખ્યાલ ઉપરથી કોઈએ ભારતીય ઉપખંડના ઈતિહાસની કલ્પના કરવી ન જોઈએ. તેમણે કહ્યું કે શક્ય છે કે એક સમયે ભારતીય ઉપખંડના સમગ્ર વિસ્તારમાં દ્રવિડિયન ભાષાઓ બોલતા લોકોની વસ્તી હોય.

ઉત્તરમાં સિંધુ ખીણથી લઈને દક્ષિણમાં શ્રીલંકા સુધીના સમગ્ર વિસ્તારમાં તેઓ વસેલા હોવાથી તમિળ લોકો પાસે હિમાલયમાં રહેતા પ્રાણી માટે એક શબ્દ હોય તો એમાં કશું આશ્ચર્યજનક નથી.

રાજા બૂમ પાડી ઊઠે છે, “કવરિમા – અજાયબી ભર્યો શબ્દ! રસપ્રદ વાત તો એ છે કે પ્રખ્યાત તમિળ શબ્દકોશ ક્રિઆ માં કવરિમા જેવો કોઈ શબ્દ જ નથી.”

*****

અમારામાંના ઘણા પાસે આજે હવે શબ્દકોશોમાં શોધ્યા ન જડતા હોય એવા શબ્દોની વાર્તાઓ હતી. જોશુઆએ તેને નામ આપ્યું – ધોરણસ્થાપનનું રાજકારણ.

“કંઈ કેટલીય સદીઓ સુધી બંગાળના ખેડૂતો, કુંભારો, ગૃહિણીઓ, કવિઓ અને કારીગરો તેમની પોતાની પ્રાદેશિક ભાષાઓમાં – રાઢી, વારેન્દ્રી, માનભૂમિ, રંગપુરી, વગેરેમાં – વાતચીત કરતા હતા અને લખતા હતા. પરંતુ 19મી અને 20મી સદીની શરૂઆતમાં બંગાળની નવજાગૃતિનો સમય આવ્યો અને બાંગ્લા ભાષાએ તેનું મોટાભાગનું પ્રાદેશિક અને અરબો-પર્શિયન (અરબી-ફારસી) શબ્દભંડોળ ગુમાવ્યું.

ધોરણસ્થાપન અને આધુનિકીકરણના ક્રમિક તરંગોની સાથોસાથ એ જ સમયે ભાષાઓનું સંસ્કૃતકરણ થવા લાગ્યું (બીજી ભાષાઓ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ વધવા લાગ્યો) અને એંગ્લોફોનિક, યુરોપિયનાઇઝ્ડ શબ્દો અને રૂઢિપ્રયોગો ભાષાઓમાં ઉમેરાવાનું પણ શરુ થયું. પરિણામે બાંગ્લા ભાષા પાસેથી તેની વૈવિધ્યસભરતા છીનવાઈ ગઈ.

બસ ત્યારથી સાંથાલી, કુડમલી, રાજબોંગ્શી, કુરુખ વગેરે જેવી આદિવાસી ભાષાઓમાં ઘણા લાંબા સમયથી વપરાશમાં રહેલા અથવા તો એ ભાષાઓમાંથી ઉછીના લેવાયેલા શબ્દો ભૂંસાઈ રહ્યા છે.

વાત ફક્ત બંગાળની જ નથી. “બાર ગાઉએ બોલી બદલાય” એ કહેવતને અનુરૂપ કોઈ કહેવત કે રૂઢિપ્રયોગ ભારતની દરેક ભાષામાં મળી આવશે અને ભારતનું એકેએક રાજ્ય, સંસ્થાનવાદ (બ્રિટિશ રાજ) દરમિયાન, આઝાદી પછી તરત અને એ પછીથી થયેલ રાજ્યોના ભાષાકીય વિભાજન દરમિયાન શબ્દભંડોળના ધોવાણની સમાન પ્રક્રિયામાંથી પસાર થયું છે. ભારતમાં રાજ્ય-ભાષાની વાર્તા ઐતિહાસિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક અને રાજકીય અસરોથી ભરપૂર છે.

જોશુઆ કહે છે, “હું મૂળે બાંકુરાનો છું, બાંકુરા અગાઉના મલ્લભૂમ સામ્રાજ્યનું કેન્દ્ર હતું, આ પ્રદેશમાં બહુવિધ વંશીય ભાષાકીય જૂથો વસે છે, પરિણામે તેમની વચ્ચે ભાષા, રીતરિવાજો વિગેરેનો લગભગ સતત વિનિમય થતો રહે છે. આ પ્રદેશની દરેકેદરેક ભાષામાં કુરમાલી, સાંથાલી, ભૂમિજ અને બિરહોરીમાંથી ઉછીના લીધેલા અસંખ્ય શબ્દો અને અભિવ્યક્તિઓ છે.

ભારતમાં રાજ્ય-ભાષાની વાર્તા ઐતિહાસિક ઐતિહાસિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક અને રાજકીય અસરોથી ભરપૂર છે

જોશુઆ ઉમેરે છે, “પરંતુ, ધોરણસ્થાપન અને આધુનિકીકરણના નામે આડા [જમીન], જુમડાકુચા [બળેલું લાકડું], કાક્તી [કાચબો], જોડ [પ્રવાહ], આગડા [હોલો], બિલાતી બેગુન [ટામેટા] અને બીજા ઘણા શબ્દોની જગ્યાએ હવે ધીમે ધીમે વસાહતી કલકત્તાના ઉચ્ચ-વર્ગ, ઊંચી જાતિના જૂથના લોકો દ્વારા વિકસાવવામાં આવેલા ઉચ્ચ સંસ્કૃતપ્રચૂર અને યુરોપિયનાઇઝ્ડ શબ્દસમૂહો વપરાતા થઈ ગયા છે.”

*****

પણ જ્યારે ભાષામાંથી એક આખેઆખો શબ્દ અદૃશ્ય થઈ જાય ત્યારે શું ખોવાઈ જાય છે? પહેલા શબ્દ ભૂંસાઈ જાય છે કે તેનો અર્થ? કે પછી સંદર્ભ, જે ભાષામાં એક ખાલીપો સર્જી રહે છે? પરંતુ વિસરાઈ ગયેલા શબ્દો પાછળ જે ખાલી જગ્યાઓ છોડી જાય છે તેમાં કંઈક નવું ઉમેરાઈ જતું નથી?

જ્યારે એક નવો શબ્દ ‘ઉડાલપૂલ’ [ફ્લાઈંગ બ્રિજ], ફ્લાયઓવર માટેનો નવો બંગાળી સમકક્ષ શબ્દ બની જાય છે – ત્યારે શું આપણે કંઈક ગુમાવીએ છીએ કે પામીએ છીએ? અને હવે આપણે જે નવું ઉમેર્યું છે એ બધુંય ભેગું કરીએ તો એની સરખામણીમાં આ આખી પ્રક્રિયામાં આપણે જે ગુમાવ્યું છે એ શું ઘણું વધારે છે?… સ્મિતા પોતાના વિચારો રજૂ કરતી હતી.

સ્મિતા યાદ કરે છે બાંગ્લા ભાષામાં વપરાતો એક જૂનો શબ્દ, ઘુલઘુલી – ઘરમાં થોડા હવા-ઉજાસ રહે એ માટે છતની નીચે મૂકવામાં આવતા પરંપરાગત વેન્ટિલેટર (જાળિયાં). તેઓ કહે છે, “હવે અમારા ઘરોમાં એ (ઘુલઘુલી) રહ્યા નથી. લગભગ 10 સદીઓ પહેલા, એક સમજદાર સ્ત્રી, ખાના, ખાનાર વચન લખે છે, એ તેમના લોકોમાં ખૂબ જાણીતા થયેલા બંગાળી દુહાઓનો સંગ્રહ છે. તેમાં તેમણે નવાઈ પમાડે એવી વ્યવહારિકતા સાથે ખેતી, આરોગ્ય અને દવા, હવામાનશાસ્ત્ર, ઘરના બાંધકામ વિશે લખ્યું છે.

આલો હાવા બેધો ના

રોગે ભોગે મોરો ના.

હવા-ઉજાસ વગરનો ઓરડો ન બનાવશો.
(જો એવો ઓરડો બનાવશો તો) તમે કદાચ માંદગીથી મૃત્યુ પામશો.

પીડે ઊંચું મીઝે ખાલ
તાર દુખ્ખો શોર્બોકાલ.

ઘરનું ભોંયતળિયું બહારની જમીન કરતાં નીચું હોય
તો એ ઘરમાં હંમેશ ઉદાસીનતા રહે છે, એનો વિનાશ થાય છે.

સ્મિતા ઉમેરે છે, “અમારા પૂર્વજોએ ખાનાના શાણપણ પર વિશ્વાસ મૂક્યો હતો અને અમારા ઘરોમાં ઘુલઘુલી માટે જગ્યા બનાવી હતી. પરંતુ રાજ્યની સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત શરૂ કરાયેલી વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આમજનતાને પૂરા પાડવામાં આવતા આધુનિક સમયના એકરૂપ રહેણાકોમાં પરંપરાગત શાણપણને કોઈ સ્થાન નથી.

દીવાલોમાં બેસાડેલી છાજલીઓ અને કુલુંગી તરીકે ઓળખાતી ઓરડામાં આરામ કરવાની ગોખલા જેવી જગ્યા, ચાતાલ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યાઓ હવે જૂનવાણી વિચારો ગણાય છે. જેમ ઘરમાંથી ઘુલઘુલી અદ્રશ્ય થઈ ગઈ તેમ બોલચાલની ભાષામાંથી એ શબ્દ પણ અદૃશ્ય થઈ ગયો.”

 

સ્થાપત્યની દ્રષ્ટિએ ડિઝાઈનમાં ફેરફાર કરવાનો અર્થ એ થયો કે બાંગ્લા ભાષાના ઘુલધુલી (પરંપરાગત જાળિયાં), કુલુંગી (છાજલીઓ) અને ઓરડામાં આરામ કરવાની ગોખલા જેવી જગ્યા અને ચાતાલ (ખુલ્લી જગ્યાઓ) જેવા શબ્દો હવે આપણા રોજબરોજના શબ્દભંડોળનો ભાગ ન રહ્યા

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.