બાદન બાદનથી બ્લેક ફોરેસ્ટના રસ્તે ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:24 ~ ઉત્કર્ષ મઝુમદાર
બાદન બાદનથી અમે નીચે દક્ષિણ તરફ આવેલ ‘ફ્રાઈબર્ગ ઈન બ્રેઈસગાઉ’ જવા નીકળ્યા. બંને વચ્ચે અંતર એકસોને પંદર કિલોમીટરનું જ છે. ત્યાં જતા એક કલાક અને પંદર મિનિટ લાગે.
શહેરની બહાર જેવા નીકળ્યા કે સીજેએ કહ્યું “હવે આપણે બ્લેક ફોરેસ્ટમાં દાખલ થઇ રહ્યા છીએ.”
નિશ્ચિન્ત કહે. “ઓહ, કિતના કુછ સૂના હૈ બ્લેકફોરેસ્ટ કે બારે મેં.”
હિનાએ તરત જ કહ્યું, “તો બતા ના ઉસકે બારેમેં.” નિશ્ચિન્ત જેનું નામ – એણે મને ખો આપ્યો એટલે મારે છૂટકો નહોતો કહ્યા વગર.”
લંબચોરસ આકારનો આ વિસ્તાર એકસો ને સાઠ કિલોમીટર લાંબો અને પચાસ કિલોમીટર પહોળો છે. બ્લેક ફોરેસ્ટ નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર બાદન બાદનથી 22 કિલોમીટરના અંતરે છે. અહીંથી તમે સાત દિવસની હાઇકીંગ ટુર લઇ શકો ને અહીંનું સૌંદર્ય માણી શકો. છે ઈચ્છા?

સીજેએ બધા વતી ઉત્તર આપી દીધો,”આવતા વખતે”.
“હવે તમે બ્લેક ફોરેસ્ટ કેક ખાધી હશે પણ બ્લેક ફોરેસ્ટ વિષે બહુ નહિ જાણતા હો. હું તો જરાય નહોતો જાણતો. આ તો અહીં આવતા પહેલા થોડો અભ્યાસ કર્યો એટલે કહી શકું છું કે આ વિસ્તાર પ્રખ્યાત છે એના સ્પા માટે, કક્કુ ક્લોક માટે અને ગ્રીમ બ્રધર્સની પરીકથાઓ માટે.”
![]()
“પણ આ તો જરાય કાળું નથી લાગતું.” અમારામાંથી કોઈ બરકયું.
“વાત જાણે એમ છે કે એક તો જંગલ બહુ ગાઢ છે ને પાઈન તથા ફરના વૃક્ષોની કાળી છાલને લીધે આઘેથી કાળું જ લાગે. આ નામનો સૌ પ્રથમ ઉપયોગ રોમનોએ કર્યો. રોમન સૈન્ય જયારે જર્મનીમાં આગેકૂચ કરી રહ્યું હતું ત્યારે અહીં તેમને અવરોધ નડ્યો.
એ વખતે તો આ જંગલ પાર ન કરી શકાય, જોઈને ગભરામણ થઇ જાય ને ભય પમાડે એવું હતું. હવે જોકે એ ભય પમાડે એવું રહ્યું નથી. ને લગભગ સમગ્ર વિસ્તાર નેચર પાર્ક તરીકે વર્ગીકૃત થઇ ગયો છે જે જર્મનીનો સૌથી મોટો નેચર્સ પાર્ક છે.
દુર્ગમ પ્રદેશ હોવાથી અહીં ઔદ્યોગિકરણ બહુ મોડું આવ્યું, આથી ગ્રામીણ વિસ્તાર વધારે રહ્યો. આથી શિયાળામાં અહીં ખેડૂતો જગપ્રસિદ્ધ કક્કુ કલોકસ બનાવવામાં પડ્યા જેથી વધારાની આવક થાય. ક્રમશ: પ્રિસિઝન એન્જીનિયરીંગનો વિકાસ થયો જે ઘડિયાળ ઉદ્યોગ અને કાષ્ટ હસ્તકલામાં ઝળક્યો.

ઓગણીસમી સદીમાં રેલવે આવવાથી એને વધુ વેગ મળ્યો. બીજા પ્રદેશ કરતા અહીંના કારીગરોને ફાયદો એ હતો કે જોઈતો કાચો માલ જેવા કે (જંગલ હોવાથી) ઇમારતી લાકડું અને (ખાણો હોવાથી) ધાતુ સહેલાઈથી ઉપલબ્ધ હતા. સ્થાનિક રહીશોને તાલીમ મળે એ હેતુસર રાજ્ય સરકારે અહીં સન 1850માં સૌ પ્રથમ ઘડિયાળ બનાવવાનું શીખવાડતી શાળા પણ ખોલી, જ્યાં ઉત્તમ પ્રશિક્ષણ મળતું અને વેચાણની ઉત્તમ તક પણ મળતી.
તમને ખબર છે યુરોપની પ્રખ્યાત નદી ડેન્યુબનું ઉદગમ સ્થાન પણ બ્લેક ફોરેસ્ટ છે? બાદન બાદનમાં જોયેલી એન્ઝ નદી અને હૈડલબર્ગમાં જોયેલી નેકાર નદી અને બીજી અનેક નદીઓ પણ અહીંથી નીકળે છે?

અહીં ચૌદ હજાર જેટલી તો દારૂ બનાવવાની ડિસ્ટીલરીસ આવેલી છે. જે વિશ્વમાં એક કીર્તિમાન છે.

અચાનક નિશ્ચિન્ત કહે “આઈ ફીલ લાઈક હેવીંગ એ બ્લેક ફોરેસ્ટ કેક જસ્ટ નાઉ. સીજે ઇફ યુ ફાઇન્ડ એની પેસ્ટ્રી શોપ, ડુ સ્ટોપ.”
હિના કહે, “તને હમણાં ખવડાવું તો? સીજે કાર સાઈડમાં ઊભી રાખજે તો.”
અમને બધાને નવાઈ લાગી કોઈ પેસ્ટ્રી શોપ તો દેખાતી નથી તો હિના કાર ઊભી રાખવાનું શું કામ કહે છે? પત્નીની આજ્ઞાનું સીજેએ તરત પાલન કર્યું. હિના નીચે ઉતરતા સીજેને કહે “ડીકી ખોલજે તો… “
ને પછી ડિકીમાંથી ખાવાની બેગમાંથી એક ડબ્બો કાઢી, આવી, ડીકી બંધ કરી કારમાં બેસતા કહે “હવે ચલાવ”. પછી ડબ્બો ખોલીને બ્લેક ફોરેસ્ટનો એક મોટો ટુકડો નિશ્ચિન્તને આપતા કહે, “લે, તારી તૃષ્ણાની તૃપ્તિ કર.”
ખડખડાટ હસતા કહે, “કેવું ભારેખમ બોલી ગઈને હું?”
નિશ્ચિન્ત તો બ્લેક ફોરેસ્ટ કેક ખાઈને જાણે સાતમા આસમાને પહોંચી ગઈ. ખણખોદિયા સીજેથી રહેવાયું નહિ. એ કહે, “હિના તે આ કેક લીધી ક્યારે?”
ગમ્મત કરતાં હિના કહે, “ઈન્ડિયાથી લઇ આવી થેપલા સાથે.” પછી ખુલાસો કરતા કહે કાલે તમે લંચ પછી સ્પા ને ચર્ચ જોવા ગયા હતા ને હું ત્યાં નાકા પરની બેન્ચ પર બેઠેલી. થોડીવારે કંટાળો આવતા આંટો મારવા નીકળી ને એક પેસ્ટ્રી શોપ જોઈ એટલે અંદર ઘુસી ત્રણ બ્લેક ફોરેસ્ટ કેક લીધી. એમાંની એક, ન રહેવાતા બેન્ચ પર બેસી તમારી રાહ જોતા જોતા ખાઈ ગઈ. બાકીની બે સવારે બ્રેકફાસ્ટમાં ખાઈશું એવું વિચારેલું પણ પછી સવારે નીકળવાની ધમાલમાં વિસરાઈ ગયું.”
નિશ્ચિન્તે કેક ખાવાની વાત કાઢી એટલે યાદ આવ્યું. “નિશ્ચિન્ત કેક કૈસી લગી?”
નિશ્ચિન્ત પ્રભાવિત થઈને કહે, “એક્સસેલન્ટ, હિના થૅન્ક્સ અ લોટ તુમ તો અન્નપૂર્ણા હો”
હું ને સીજે મોં વકાસીને એકમેકના મોઢા જોઈએ કે હીનાએ તો ડબ્બો બંધ કરી મૂકી દીધો એટલે આપણા નસીબમાં કેક નથી લાગતી. મારાથી રહેવાયું નહિ એટલે મેં કહ્યું, “હિના, અમારો શો વાંક ગુનો? અમારે પણ અમારી તૃષ્ણા તૃપ્ત કરવી છે.”
હિના ઠાવકી રીતે બોલી, તમે બંનેએ કહ્યું નહિ એટલે મને એમ કે તમારે નથી જોઈતી. બાકી માંગ્યા વગર તો મા પણ ન આપે એ કહેવત તમે સાંભળી તો હશે જ.” બાપ રે! આજે હિના મેડમ ભયંકર મજાકના મૂડમાં લાગે છે.
ડબ્બો ઉઘાડી મને અને સીજેને કેક આપી. કેક સાચે જ સ્વાદિષ્ટ હતી. ખાધા પછી પછી સીજેએ મને આંખ મારી હીનાને કહ્યું, “કેક તો તેં સરસ ખવડાવી. હવે આ બ્લેક ફોરેસ્ટ કેકની ખાસિયત શું ને એ કેવી રીતે બને એ કહે તો તને માનું. બાકી પોલો ઢોલ વાગે ઘણો એવું માનીશું.” ક્ષણભર તો ચુપકીદી છવાઈ ગઈ. પછી હીનાએ ચેલેન્જ ઉપાડી લીધી.
“તમે જોયું હશે કે આ ચોકલૅટને મલ્ટીપલ લેયર્સ હોય છે. જેવા કે ચોકલેટ સ્પોન્જ કેક, ચેરીસ અને ફીણેલું ક્રીમ. લહેજત માટે ફીણેલા ક્રીમમાં ચેરી સ્નેપ્સ ઉમેરવામાં આવે છે.

આ આલ્કોહોલવાળી કેક છે પણ રમનો સ્વાદ અતિસૂક્ષ્મ હોય છે ને ચેરી તથા ચોકલેટ સાથે એકરસ થઇ જાય છે. બ્રિટિશરો એને બ્લેક ફોરેસ્ટ ગેટોવ, અમેરિકન્સ બ્લેક ફોરેસ્ટ કેક કહે અને જર્મન્સ શ્વાસવાલદાર કીર્ષટોટ કહે છે – જેનો અર્થ થાય થાય બ્લેક ફોરેસ્ટ ચેરી.
આ કેકનું ખરું નામ તો અહીં ઊગતી ખટાશ પડતી ચેરીમાંથી બનતા વિશિષ્ટ અને તે જ ચેરીના દારૂ પરથી પડ્યું છે. આ કેક હવે રક્ષિત વસ્તુ હેઠળ આવે છે. જેનો અર્થ થાય કે આ ચેરીનો જો ઉપયોગ ન થયો હોય તો તેવી કેકને બ્લેક ફોરેસ્ટ કેક કહી શકાય નહીં.”
“કહેવાય છે કે જર્મનીના બોન શહેર નજીક આવેલ કાફે ઈગ્નેરમાં કન્ફેક્શનર ઉર્ફે હલવાઈ જોસેક કેલરે સન 1915માં પ્રથમ વાર આ કેક વેચાણમાં મુકેલી જે આગળ જતા બેહદ લોકપ્રિય થઇ. જોકે આ વાતની ખરાઈ કરાઈ નથી. બ્રિટનમાં તો આણે જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી દીધી ને હવે તેનું સ્થાન ‘ક્લાસિક’ની શ્રેણીમાં આવી ગયું છે.”
આમ નહિવત તો નહિવત પ્રમાણમાં દારૂ આવતો હોવાથી એન્ટી આલ્કોહલવાળાઓએ આનાથી દૂર રહેવું.” ચેતવણીના સૂરમાં હીનાએ પોતાની વાતનું સમાપન કર્યું.
બધા ચકિત થઈને હિનાને જોવા લાગ્યા. નિશ્ચિન્તે કહ્યું, “થ્રી ચિયર્સ ફોર હિના.”
અમે બધા એમાં જોડાયા. હિનાએ સીજે તરફ જોઈ બાકી રહેલી કેકનો એક ટુકડો મોઢામાં નાખી દીધો. થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ. ને પછી બ્લેક ફોરેસ્ટનું સૌન્દર્ય માણવામાં ખોવાઈ ગયા.

(ક્રમશ:)