ચૂંટેલા શેર ~ ‘અગન’ રાજ્યગુરુ (અમરેલી) ~ ગઝલસંગ્રહઃ તમારી રાહમાં
એક ચાદર પર લખ્યું કે રાત છે
એક તકિયા પર અમે સપનું લખ્યું
*
એ તને જોયા પછી કોરી રહે
એટલી આંખો હજી પગભર નથી
*
આ તારું નામ આવ્યું એટલે રૂમાલ શોધ્યો મેં
નહીંતર વાંચતો’તો ચોપડી ચશ્માં ચડાવીને
*
તેં બાવળિયો શાનાં માટે વાવ્યો છે
મેં તો મારો રસ્તો બદલી નાખ્યો છે
*
અચાનક કોઈ ધક્કાએ મને પણ ભેળવ્યો એમાં
હું જ્યાં જોવા ગયો આખરે આ ભીડ ક્યાં જાશે?
*
તમે આવો ભલે પણ આવશો ના સરભરા માટે
મુસાફર છું, ખરેખર નીકળ્યો છું જાતરા માટે
*
આટલું વિશાળ આખું વિશ્વ છે
કોઈ તો કારણ મને જિવાડશે
*
બોલી શકું છું હુંયે બે વેણ આકરાં પણ
આ લોહીમાં ભળેલી ઈજ્જત બધે નડે છે
*
વિચારશો `અગન’ તો અર્થો અપાર મળશે
ખાલી ગઝલ નથી આ પીડાના તરજુમા છે
*
એથી વધારે તારી શું થઈ શકે પ્રતીક્ષા?
તારી દિશામાં જોતાં નજરોય તરફડે છે
*
રોજ તાકું છું હું મારી હથકડી
રોજ એવું લાગતું કે તૂટશે
*
ગામમાં ફરવું પડે એકાંત લઈ
તો પછી સારું જ ક્યાં આ ઘર નથી
*
કોઈ પંખી ચણવા ક્યાંથી ઊતરશે?
ફૂટપટ્ટીથી માપો એવાં આંગણ છે
*
સોંપો છે આખા જંગલમાં એ વાતે
કે કઠિયારો નિંદરમાંથી જાગ્યો છે
*
નિર્વાહ જિંદગીનો નિભાવી જવા કદાચ
કીધા હશે મેં પાપ, પરંતુ ગુનાહ નૈ
*
એવી ઝડપ તો પૂરની હોતી નથી અહીં
જેવી ઝડપથી ગામમાં વાતો ફરી વળે
*
સ્હેજ પણ છેટો નથી હું ઈશથી
માત્ર એનું ધ્યાન જાવું જોઈએ
*
હોય છે જેવું ધરા-આકાશનું
આપણું બસ એટલું જોડાણ છે
*
હું સામેથી તમારા પાંજરામાં કેદ થઈ જાઉં
પ્રથમ મારી નજર સામેથી આ દાણા હટાવી દો
~ ‘અગન’ રાજ્યગુરુ (અમરેલી)
~ ગઝલસંગ્રહઃ તમારી રાહમાં
પુસ્તક ખરીદવા માટેની લિંકઃ
https://www.zenopus.in/author/agan-rajyaguru
ખૂબ ખૂબ આભાર હિતેનભાઈ🙏💐