ચાર ગઝલ ~ રઈશ મનીઆર ~ ૧) દેખાયા કરે ૨) ચડી છે ૩) ખાય છે ૪. …તો કરો
૧. દેખાયા કરે
જ્યારે સોનાની કોઈ પણ ચીજ દેખાયા કરે
આંખને બીજી પળે મારીચ દેખાયા કરે
લાલ અક્ષરથી લખી તાકીદ દેખાયા કરે
બાપને તહેવારની તારીખ દેખાયા કરે
જે ઘરે છે, એમને ક્ષિતિજ દેખાયા કરે
છે ક્ષિતિજે એમને દહેલીજ દેખાયા કરે
ઝંખના વળગી ગઈ ચોમેર થઈને ગાળિયો
હર ગળા ફરતે કોઈ તાવીજ દેખાયા કરે
લાક્ષાગૃહ જોયા કરે છે સૌ અજબ અચરજ ધરી
ને મને ખૂણે પડી માચીસ દેખાયા કરે
એટલે ભગવાનથી નારાજ થઈ શકતો નથી,
અવગણે એમાં છટા તારી જ દેખાયા કરે
એ અમાસી રાતના વસ્તરમાં ચીરો છે ‘રઈશ’
ખુશમિજાજી વિશ્વને એ બીજ દેખાયા કરે
૨. ચડી છે
થયું, જિંદગી આ ખરાબે ચડી છે
પછી જાણ્યું, એ તો સરાણે ચડી છે
ઘણી હસ્તરેખાઓ ખરવા દીધી મેં
ગઝલ એ પછી મારા હાથે ચડી છે
ઉંમર.. ગાલે ખંજન બની જે વસી’તી,
કરચલી થઈ એ લલાટે ચડી છે
કોઈ રાખે લક્ષ્મીને ખિસ્સે અદબથી
અને કોઈને તો એ માથે ચડી છે
ન હાંફે તો બીજું કરે જિંદગી શું?
પગથિયાં ઘણાં એકસાથે ચડી છે
તમે જેને સમજી લીધું હાસ્ય મારું
ખરું કહું? ઉદાસી તમાશે ચડી છે
૩. ખાય છે
સંકોરી લઉં, જો દુશ્મની ફૂટેજ ખાય છે
ક્યારેક સાલી દોસ્તી ફૂટેજ ખાય છે!
આવી નથી શકાતું અહીં મૂળ વાત પર
વાતો ઘણીય મામૂલી ફૂટેજ ખાય છે
શાયર નથી ભૂખ્યો, નથી તરસ્યો ય ડાળ પર
હમણાં તો એની શાયરી ફૂટેજ ખાય છે
માઈલેજ જેને મળતો નથી રાજમાર્ગ પર
ગલીઓમાં એ જરી જરી ફૂટેજ ખાય છે
કાન્હાને આજ એમ સુદર્શન કહી ગયું,
‘તારી કથામાં વાંસળી ફૂટેજ ખાય છે.‘
વીસ વીસ સદી બની ગઈ હિસ્ટ્રીની ચોપડી
ને એકવીસમી સદી ફૂટેજ ખાય છે.
મૃત્યુ બગાસાં ખાય છે, ઊભું છે વિંગમાં
ચાલુ છે ખેલ, જિંદગી ફૂટેજ ખાય છે.
૪. …તો કરો
કરો ને! એટલો સંચય કરી શકો તો કરો
આ આંસુઓનું જળાશય કરી શકો તો કરો
જરૂર જળની નથી, મય કરી શકો તો કરો
પરબને આપ સુરાલય કરી શકો તો કરો
ઉતાર આવ્યે ન ગબડો, ચઢાવે હાંફો નહીં..
આ જિંદગીને તમે લય કરી શકો તો કરો
ગમે તે એક લઈ રંગ, ચિત્ર બનશે નહીં
જો સુખ ને દુ:ખનો સમન્વય કરી શકો તો કરો
મેં માણસો વિશે સમજી લીધું છે સત્ય, ગુરૂ!
પ્રભુ વિશે તમે નિર્ણય કરી શકો તો કરો
અમે તો મૂઢ બની ખેલ જોતાં બેઠા છીએ,
હા, આપ સુજ્ઞ છો! ‘જય જય’ કરી શકો તો કરો
હૃદય શિલા બની ખંડેરમાં પડ્યું છે, જુઓ!
પ્રવેશી એમાં શિવાલય કરી શકો તો કરો
પ્રભુ ઉપર મને એ વાતની તો શ્રદ્ધા છે,
કહે છે એ જ, કે સંશય કરી શકો તો કરો
અહીં તો મયની છે પાબંદી, પણ નશાની નથી!
સમા જરાક ગઝલમય કરી શકો તો કરો
~ રઈશ મનીઆર
વાહ વાહ વાહ વાહ
સરસ ગઝલો રઈશભાઈ, અભિનંદન બંને કવિમિત્રોને.