સંબંધ નહીં ‘અગન’, હું શર્તોને સાચવું છું ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
ભગવાન આપણને જન્મ સમયે ખિસ્સાં આપીને નથી મોકલતો અને મરણ વખતે આપણાથી ખિસ્સાં ભરીને લઈ જવાતું નથી. આ બે પડાવ વચ્ચે જિંદગી શ્વસતી અને વિકસતી રહે છે. જીવનસફરમાં આપણે ઘણુંબધું સાચવવાનું હોય છે. અહીં માત્ર સંપત્તિની વાત નથી, સંબંધો એથી પણ વધારે મહત્ત્વના છે.
બે હજાર સ્કવેર ફીટનું ઘર હોય, પણ સંતાનો કંટાળીને અલગ રહેતાં હોય તો એ સંબંધનાં લેખાંજોખાં કરવાં પડે. જલન માતરી સુભાષિત સમી વાત કરે છે…
ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કહીં મોતી પમાય છે?
અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં
કહે છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે

કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો ઊંડા ઊતરવું પડે. સાધનથી આપણી યાત્રા સુખરૂપ બની શકે, પણ સાધનાથી આપણી કાર્યક્ષમતામાં વધારો થાય. કેટલાંક કામમાં ધનપ્રાપ્તિ હોય તો કેટલાંક કામમાં સંતોષપ્રાપ્તિ. બંને વચ્ચે સંતુલન પણ આવશ્યક છે.
![]()
ભૂખ પણ સાચી ને ભાવ પણ સાચો. આદર્શ અને આયોજન બંને વિરોધી નથી, એકમેકના પૂરક છે. પ્રફુલ્લા વોરા દિશાનિર્દેશ કરે છે…
આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં
ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે
સામટું સુખ ના ચાહું, સંતોષ છે બે-ચારમાં
પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાને રજૂ કરેલા વચગાળાના બજેટમાં મૂડીખર્ચને ફરી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વધારે વેરા મેળવી વધારે ખર્ચ કરવાની નીતિને કારણે આપણે વૈશ્ચિક આંચકાઓ પચાવી ગયા.

સંબંધોમાં પણ મૂડીખર્ચ આવશ્યક છે. આ મૂડી સમયની હોય છે, વિશ્વાસની હોય છે, હૂંફની હોય છે. રમેશ શાહ સંબંધને તલાશે છે…
ડાળીઓ ને પાન વચ્ચે જે સતત જળવાય છે
સાચવી લો, એ જ તો સંબંધ છે, શંકા નથી
ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા?
અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી
સંબંધના વિશ્વમાં શબ્દોનું મહત્ત્વ પણ હોય તો મૌનની આવશ્યકતા પણ હોય. એકમેકને સાચવવા માટે જતું કરવું પડે. વન-વેમાં સફર કરી શકાય, પણ ક્યાં સુધી? હમણાં એક વાહનચાલકે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે મહારાષ્ટ્રનો સમૃદ્ધિ મહામાર્ગ એટલો સીધોસટ ચાલ્યો જાય છે કે દ્વિધા થાય. વળાંક વગરનો રસ્તો એવો એકધારો વહેતો જાય કે અમુક સમય પછી ગાડી ચલાવવાનો કંટાળો આવે.

અવરોધ વગર વિહરવામાં આ પ્રકારની વિમાસણ વિસ્મયી લાગે છે. છાયા ત્રિવેદી સીમા વળોટવાની વાત કરે છે…
તોડ દીવાલો ને બારી-બારણાં
ખાતરી તો થાય કે આકાશ છે
શ્વાસ સાથે ક્યાં કદી નિસ્બત હતી?
તોય શ્વાસોશ્વાસ અહીં ચોપાસ છે
મુંબઈમાં મકાનો કરતાં ઝૂંપડીઓ વધારે છે. એક નહીં, બેથી ત્રણ પેઢી બારી વગરના ઘરમાં જિંદગી ગુજારવા મજબૂર બની છે.

ધારાવી ઝૂંપડપટ્ટીના નવનિર્માણનો મહાપડકાર સાકાર થાય તો વિશ્વ સામે એક મોટું દૃષ્ટાંત ઊભું થશે. જિંદગીમાં ગરીબી હોઈ શકે, પણ જિંદગી ગરીબ ન હોવી જોઈએ. પ્રશાંત શુક્લ સંકડાશમાં શહેરિયત ભેળવે છે…
બંધ બારી, બંધ દરવાજો ને સૂનો ઓરડો
બાપ-દાદાના વખતનો એક જૂનો ઓરડો
મોહ, માયા, લોભની ભઠ્ઠીએ તપતો આમ તો
સાચવી રાખ્યો મેં અંદર ક્યાંક લૂ-નો ઓરડો

જૂની હોય કે નવી, પોતાની એક ઓરડી હોય એ નાની ઉપલબ્ધિ નથી. એ જ રીતે ગમતું પાત્ર મળે તો મેળવવાના આનંદ સાથે એને સાચવવાની જવાબદારી પણ નિભાવવાની હોય. મરીઝ સરળ શબ્દોમાં ગહન વાત વહેતી મૂકે છે…
આવો તમે કે મારાં નયનને જીવન મળે
દર્શન તમારાં એ જ તો આંખોના શ્વાસ છે
એ તો મળી ગયાં હવે સાચવવા જોઈએ
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

લાસ્ટ લાઇન
ભીતર સુધી ગયેલા શબ્દોને સાચવું છું
અક્ષર ઊડી ગયેલા પત્રોને સાચવું છું
એણે કદી ન મારો કોઈ જ પક્ષ રાખ્યો
હું જિંદગીના સઘળા પક્ષોને સાચવું છું
ઉત્તર તો દૂર જેનો રદિયોય કૈં મળે ના
આંખોમાં કૈંક એવા પ્રશ્નોને સાચવું છું
ગુજારતો નથી હું ઉદાસ થઈને સંધ્યા
બસ પ્રાણવાયુ જેવાં દૃશ્યોને સાચવું છું
તારા વિચાર આવ્યે એવું હવે જણાતું
કે પ્હેરવાં નથી એ વસ્ત્રોને સાચવું છું
જેવું ગળે લગાડી મા સાચવે શિશુને
એવી રીતે હું મારાં દર્દોને સાચવું છું
દિલથી નિભાવું તો પણ ક્યારેક એમ લાગે
સંબંધ નહીં ‘અગન’, હું શર્તોને સાચવું છું
~ ‘અગન’ રાજ્યગુરુ
~ ગઝલસંગ્રહ : તમારી રાહમાં
ખૂબ સુંદર સંકલન અભિનંદન બંને કવિ મિત્રોને.
સુંદર શેરનો મજાનો સંચય… છેલ્લે અગન રાજગુરુની ગઝલ…વાહ..!!