ધનુમુઆઁ ~ (ઉડિયા વાર્તા) ~ મૂળ લેખકઃ અરવિંદ દાસ ~ અનુવાદકઃ ડૉ. રેણુકા સોની

(ધનુમુઆઁ- મમરાના લાડુ : પોષ મહિનાના પહેલા  દિવસે ધનુસંક્રાત ઉજવાય, ભગવાનને મુઆઁ (મમરા – ડાંગરની ધાણીના લાડુ) ધરાવે. લગભગ ડિસેમ્બર મહિનાની ૧૩/૧૪ આવે. આ દિવસે સૂર્ય ધનુ  રાશીમાં પ્રવેશ કરે. સૂર્યની ઉપાસના થાય. લોકો ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરીને પુણ્ય કમાય. જગન્નાથ મંદિર વગેરે મંદિરોમાં દર્શન માટે લોકોની ભીડ ઉમટે. ઓરિસ્સામાં ખૂબ શ્રદ્ધાથી ઉજવાતો તહેવાર.)

*
આજ સવારથી કોઈ કામમાં સવિતાનું ચિત્ત ચોટતું નથી. આજે તેણે નિર્જળા ઉપવાસ કર્યો છે.

ધનુસંક્રાતના દિવસે ભાસ્કરે લાવેલા સ્પેશીયલ ‘બ્રહ્મપૂરી’ ધનુમુઆઁ ભગવાનને ધરાવે છે. ધનુમુઆઁ સવિતાને ખૂબ ભાવે છે. ધનુસંક્રાતના મુઆઁ અને ભાસ્કર પાત્ર, બન્ને સવિતા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે.

ધનુસંક્રાંતના આઠ દસ દિવસ પહેલા ભાસ્કરની શોધ ચાલે. બ્રહ્મપૂરનું અથાણું અને પાપડનો છૂટક ધંધો કરતાં ભાસ્કરને સવિતા અગાઉથી મુઆઁનો ર્ઓડર આપે.

ભાસ્કર જરીક જાડો, રંગે કાળો, નીચી દડીનો ને ટાલિયો માણસ છે. પોતાના મોપેડની પાછળ અથાણાંનાં ડબ્બા બાંધ્યા હોય  અને આગળ પોલિથીનની કોથળીઓમાં વડી, પાપડ વગેરે લટકાવીને ભાસ્કર આવે. સવિતા જોડે સુખ દુઃખની વાતો કરે. મુઆઁની વાત નીકળે એટલે કહે,

“બહેન ખરું કહું, અમારા ‘ભ્રમપૂર’ના મુઆઁની તોલે કોઈ ન આવે, એક વાર ખાવ કે તેનો ટેસ્ટ કદી ના ભૂલો. બીજા વેપારીઓ બીજા રાજ્યોમાં પણ મોકલે છે, વિદેશ પણ એક્સપોર્ટ છે. મારી પાસે થોડી મૂડી હોત તો હું પણ મુઆઁનો વેપાર કરી એક્સપોર્ટ કરું.”

સવિતા હસતાં હસતાં કહે, “હા, ભાઈ હા. બધા મુઆં વિદેશ એક્પોસર્ટ ના કરતો, આ બહેનના ઘેર પણ થોડાં આપજે.”

“મોટી બહેન તમારે ઘેર ધનુમુઆઁ આપીને જ હું બીજે આપતો હોઉં છું.”

ભાસ્કર પ્રેમથી સવિતાને ‘બહેન’ કહીને બોલાવે. તેની એકની એક બહેન કમળામાં ગુજરી ગઈ હતી. રૂપે રંગે તે સવિતા જેવી હતી. સવિતા પણ પ્રેમથી ભાસ્કર જોડે વાતો કરે. સવિતાને પણ કોઈ ભાઈ નથી. આવી રીતે સબંધ ક્યારે બંધાઈ જાય છે તેની ખબર પડતી નથી.

સવિતાને ક્યારેક થતું, કે, ‘પોતાનો ભાઈ હોત તો એનાં છોકરાં પણ ‘મામા’ કહીને બોલાવતા હોત!’ હવે સવિતાના બન્ને છોકરાં ભાસ્કરને ‘મામા’ કહીને બોલાવે છે. દરેક વખતે છોકરાઓ માટે ભાસ્કર ચોકકસ ચોકલેટ લાવે.

અવિનાશબાબુ મજાકમાં કહેતા, “અથાણાં-પાપડ મફતમાં મળે એટલે વાણિયાના દીકરાને ભાઈ કર્યો છે ને?”

સવિતા ચિડાઈને કહે, “કોઈ પ્રેમ, મમતા, કંઈ મેળવવાની આશા કે સ્વાર્થ માટે વેચે ખરું?”

ભાસ્કર પાસેથી તે કંઈ પણ વસ્તુ લે તો તેના પૈસા આપી દે. તેનાથી ઊંધું મુશ્કેલીમાં હોય ત્યારે ભાસ્કર સવિતા પાસેથી પૈસા ઉધાર લે અને સગવડ થાય ત્યારે પાછા આપી દે અથવા તેના બદલામાં વસ્તુ આપી દે.

પણ ધનુમુઆઁ  માટે ગમે તેટલો આગ્રહ કરો, પૈસા લે જ નહીં. કહે, “ધનુસંક્રાતના દિવસે મા લક્ષ્મી ધનુમુઆઁ લઇને પિયર જાય છે. તમે તો પિયર જતા નથી, માટે આ ગરીબભાઈ તરફથી મારી આ લક્ષ્મી-સ્વરૂપ બહેનને નાની ભેટ આપું છું.”

સવિતાની આંખો અજાણતાં જ આંસુંથી છલકાઈ જાય.

આ તહેવારમાં સવિતાને બાળપણની બે વાતો યાદ આવે. ધનુસંક્રાંતના ધનુમુઆઁ અને તે સમયે ગામમાં ભજવાતી ભવાઈ.

ધનુસંક્રાંતના દિવસે મા વહેલી સવારે ઊઠી નહાઈ ધોઈને ભગવાનને ધનુમુઆઁ ધરાવી, પૂજા પતાવીને બહાર આવે અને કહે, “ચાલો છોકરાઓ ધનુમુઆઁ ખાવા.”

ગોળને કીડી મંકોડા ચોંટે તેમ ત્રણે બહેનો દોડી આવે અને માની આજુબાજુ ગોઠવાઈ જાય.

મા ચિડાઈને કહે, ”અરે જરા થોભો તો ખરા! આમ અધીરા ના થાવ. જુઓ તો ખરા મુઆઁ કઠણ છે. તમે નહીં તોડી શકો. હું કકડા કરીને તમને વહેંચી આપું છું.”

ખાંડ કે ગોળના બનેલાં ધનુમુઆઁમાં ટોપરાની ચીરી અને એલચીનો ભુક્કો નાખેલો હોય. ઘીથી બનેલા લાડુનો તો સ્વાદ જ કંઈ ઓર હોય. મોંમાંથી લાળ ટપકવાનું શરુ થઈ જાય.

દાદીમા બોખા હતા એટલે ચગળી ચગળીને ખાતા. એથી મુઆઁ વધારે મીઠાં લાગે. ખાતા ખાતા કહે, “ગગી, લગન પછી પોતરો લઈને આવજે મને અને પિયરિયાને મળવા…!”

સમય વહી ગયો. પિયરમાં હવે રહ્યું છે પણ કોણ? દાદી, બાપા, મા બધાં સ્વર્ગમાં છે. ઓહ, આ ધનુ મુઆઁ…થોડા વર્ષોથી ભાસ્કરે સબંધની દોરી બાંધી દીધી છે. ત્રણ મહિના પહેલા તે સવિતા પાસે  રૂપિયા ઉધાર માગવા આવ્યો હતો. કહ્યું હતું,

“મોટીબહેન, ગામડે બાપાને તાવ આવે છે. કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નથી આવ્યો. મને બીક લાગે છે. તેમની સાથે કોઈ નથી. મારી ઘરવાળી અને નાનો દીકરો શું કરશે? મને દસ પંદર હાજર રૂપિયા ઉછીના આપો. આ મોપેડ અહીં મુકતો જઉં છું. રૂપિયા પાછા આપીને લઇ જઈશ.”

“બહેન પાસે મોપેડ ગીરવી મુકીશ એમ ને? ત્યારે તારી બહેનને પારકી સમજે છે ને?” ભાસ્કર રડતો હતો.

પતિને પૂછીને ભાસ્કરને પૈસા આપ્યા હતા. તે દિવસથી  ગયેલો ભાસ્કર હજુ પાછો નથી આવ્યો. પહેલાં તેનાં બાપાને અને પછી ભાસ્કરને કોરોના થયો હતો.

બે મહિના પહેલા છેલ્લો ફોન આવ્યો હતો, ભાસ્કર વેન્ટીલેટર પર છે. સવિતાની ફરી ફોન કરવાની હિંમત ચાલતી નથી. કોરોનામાં પોતાના ઘણાં લોકો જતા રહ્યા છે. ભગવાન કરે અને ભાસ્કર જીવતો હોય.

“આજે ધનુંમુઆઁનો પ્રસાદ નથી ધરવો? અરે, હા! ભાસ્કરના શું ખબર…? ભાસ્કરને હવે કેમ છે?” પતિનો અવાજ સાંભળી સવિતા વિચારોમાંથી બહાર આવી.

આ વર્ષે સવિતાએ જીદ અને રીસથી ભગવાનને ધનુંમુઆઁનો પ્રસાદ નથી ધર્યો. પડોશી, દીલુની મમ્મી કહેતી હતી, “સમજો, તમારા પૈસા ડૂબી ગયા. ભાસ્કર કોરોનામાં ગયો જ સમજો.”

એક ક્ષણ માટે સવિતાને પોતાની છાતીના ધબકારા થંભી ગયા હોય તેવું લાગ્યું. જિંદગીમાં શું રૂપિયા જ સર્વસ્વ છે? માનવતા જેવું કંઈ જ નથી ?

તેના મનમાં વાંરવાર પ્રશ્ન થતો હતો. ભાસ્કર શું તેનો પોતાનો ભાઈ નથી એટલે પારકો કહેવાય? તે જ તેને ધનુસંક્રાત પર મોટી બહેન ગણીને પ્રેમથી ધનુમુઆં આપતો હતો. પોતાના હાથે રાખડી બંધાવી ખુશ થતો હતો એ બધું ખોટું? ભગવાન એણે ઘણું જીવાડે!

સવારથી ભગવાનના રૂમમાં ભૂખી બેઠી છે સવિતા. કોના માટે ?

“મોટી બહેન…”

સવિતા ચમકી. ભાસ્કર કે? એક મહિનાથી તેના કાને આ અવાજ સંભળાયા કરે છે, આજે પણ આ વહેમ તો નથી ને? અને તે બારણાં પાસે આવીને પાછી જાય છે.

ફરી એ પ્રેમ ભર્યો અવાજ… “મોટીબહેન…!”

“અરે, સાંભળે છે, ભાસ્કર આવ્યો છે…!” અવિનાશે બૂમ પાડી.

હાંફળીફાંફળી સવિતા દોડી આવી. સામે ભાસ્કર ઊભો છે. જરીક નબળો દેખાય છે.

“ખરો છે તું… ફોન બોન કંઈ નહીં.”

ક્ષીણ હસતા, ધીમા સ્વરે ભાસ્કર બોલ્યો, “થયું કે સંક્રાંતિના ધનુમુઆઁ લઇને જ જઉં, મોટીબહેનને ‘સરપ્રાઈઝ’ આપું.” ભાસ્કરના હાથમાં ધનુમુઆઁ હતાં.

“અરે ગાંડા, કોઈ આવી સરપ્રાઈઝ આપે?”

સવિતા રડતી હતી, તેના હાથમાં ધનુમુઆઁ હતાં. પ્રેમ અને ભાવનાનો સંબંધ આવો અતૂટ જ હોય, ધનુંમુઆઁ જેવો મીઠો…..!

સવિતાની આંખોમાંથી વહેતાં આંસુમાં આજે ધનુમુઆઁની મીઠાશ ભળીને વહેતી હતી….!
***
લેખક પરિચય:

અરવિંદ દાસ: જન્મ ૧૩-૭-૧૯૬૭. વાર્તાકાર. સાહિત્ય કૃતિ, વાર્તાસંગ્રહ: પ્રજપતીર નૂઆ ઠીકણા, બિઅર, બીધર્મી, બોઉ, લીપસ્ટીક, વગેરે નવ વર્તાસંગ્રહ. સન્માન અને પુરકાર: સત્યવાદી ગળ્પ પુરસ્કાર, આઈના ગળ્પ પુરસ્કાર, સમારોહ ગળ્પ પુરસ્કાર, પશ્ચિમા ગળ્પ સંન્માન, રાજ્ય સ્તરીય આનંદપુર ગળ્પ  પુરસ્કાર વગેરે.

***

આપનો પ્રતિભાવ આપો..