“જાત સાથે વાત” ~ ડૉ. સરોજિની જિતેન્દ્રનું અનોખું પુસ્તક ~ અવલોકન: કિશોર વ્યાસ (બેંગલોર)  

જાત સાથે વાત કેવી રીતે થઇ શકે? બાળાક્ષરના કયા શબ્દોનો સંપુટ બનાવવો જોઈએ? એ શબ્દોથી જ થઇ શકે કે પછી નિ:શબ્દ રીતે આંખોથી પણ થઇ શકે? ચહેરા પર સ્મિત સાથે થઇ શકે કે, આંખોમાંથી ઝરતાં અશ્રુઓ દ્વારા થઇ શકે? કે પછી, ચહેરા પર ભીનાં સ્મિત સાથે નીતરતી આંખે જાત સાથે વાત થઇ શકે?

ચલો, જે રીતે થઇ શકે તે રીતે, પરંતુ જાત સાથે વાતો શું કરવી? શું આપણે આપણી જાતથી પરિચિત છીએ ખરા? પહેલાં તો આપણે જાતને ઓળખવી પડે! વાતની શરૂઆત કરીએ અને પોતાની જાત સાથે જ અજાણ્યાપણું લાગે તો? તો વાત કરવાની યાત્રા અટકી જાય! કદાચ વાત થતી રહે પણ જાત સુધી ન પહોંચાય! તો પછી, જાત સાથે વાત કરવાની પ્રક્રિયા કેવી હશે?

જાત સાથે વાત કરવાની પ્રક્રિયા સમજાવતી અદ્દભૂત સંજીવની લઈને આવ્યાં છે, ડૉ. સરોજિની જિતેન્દ્ર. લેખિકાએ  ‘જીવન સમીપે’ની પૂર્ણ યાત્રા કરીને જે પુસ્તક લખ્યું છે, તેનું નામ છે  ….જાત સાથે વાત!

એ પુસ્તકમાં તેમણે પોતાનાં વ્યક્તિત્વની વિશાળ છત્રી ખોલી છે. એ છત્રીનો વ્યાપ એટલો તો વધારે છે કે લાખો વાચકો તેમાં સમાઈ જાય તેમ છે. વાચકોને એ છત્રી પોતાની જ લાગે તેવો સફળ પ્રયાસ ડૉ. સરોજિનીએ કર્યો છે. કારણકે છત્રી એ સ્વ રક્ષણનું અને આશ્રયનું સાધન છે.

તેમની કિતાબનું કદ આમ તો એકથી એકસો ને સોળ પાનાનું છે પણ તેમાં સમગ્ર જીવનની યાત્રા સમાઈ જાય છે. માત્ર તેમની જ નહીં, આપણી યાત્રા પણ! ઘણાં પુસ્તકો અસાધારણ કદ અને મજબૂત બાંધણી-પૂઠાં ધરાવતાં હોય છે. પણ તેમાં અંદર કંઈ કસ ન હોય! કોઈ પુસ્તક વળી સોળષી કન્યા જેવું નાજુક અને નમણું હોય છે, તરત હાથમાં લેવાનું મન થાય અને પછી એ ખોલતાં જ આપણને જીવનનું અમૂલ્ય દર્શન થાય છે. ડૉ. સરોજિનીએ લખેલું ‘જાત સાથે વાત’ નામનું પુસ્તક એવી જ નમણાશ ધરાવે છે અને જીવનનું વ્યાકરણ શીખવી જાય છે, જાત સાથે પરિચય કરાવે છે અને જીવનનાં દર્શન પણ કરાવે છે. જો જીવનનું વ્યાકરણ ભાગ્ય જોગે શીખ્યા હોઈએ તો એ ફરી ઘૂંટાવી જાય છે. વિસ્મરેલું ફરી યાદ કરાવી જાય છે. અને, યાદો તાજી થાય એ તો સૌને ગમે!

ડૉ. સરોજિની વિજ્ઞાનનાં સંનિષ્ઠ વિદ્યાર્થીની હોવા ઉપરાંત ઉચ્ચ આદર્શો ધરાવતાં સંવેદનશીલ વ્યક્તિત્વની મૂર્તિ છે. જાત સાથે વાત કરતાં કરતાં એ પોતાના પુસ્તકનાં બાર પ્રકરણોમાં સમાવેલી વિવિધ વિભાવનાઓ વાળા લેખોમાં એકલવ્યથી માંડીને આઈઝેક ન્યુટન સુધીની યાત્રા કરાવે છે.

ખરેખર તો, તેમનાં અંતરને ઓળખવા માટે, આપણે આપણા પોતાના અંતરથી તેમનાં આ અગાઉ બહાર પડેલાં પુસ્તક ‘જીવન સમીપે’ વાંચી જવાની જરૂર છે. જેમાં જીવનના અંતિમ દિવસોમાં શ્વસતા કેન્સર ગ્રસ્ત દર્દીઓ માટે કામ કરતાં ડૉ. સરોજિનીનાં, જીવન અને મૃત્યુ બંને સાથે સતત નિકટતાનાં દર્શન થાય છે. એવાં દર્શન કે આવેલાં મૃત્યુને રોકીને દર્દી અંતિમ શ્વાસ લેતાં પહેલાં ડૉ. સરોજિનીને મળવા માંગે છે

મૃત્યુની નિકટ પહોંચીને શ્વાસ લેતા દર્દીઓને તમે તો જ જોઈ શકો, જો તમારે દર્દીઓની માનસિકતાનો અભ્યાસ કરવો હોય! અને એ તબક્કે તેમનું કલ્યાણ કેમ કરી શકાય, એવું વિચારવું હોય! એ કામ ડૉ. સરોજિનીએ સતત કર્યું છે.

દર્દીની માનસિકતાનો અભ્યાસ એ જ તેમનો સંશોધનનો વિષય રહ્યો છે. ડૉ. સરોજિની એક જગ્યાએ લખે છે કે, સંશોધનાત્મક અભ્યાસો દરમ્યાન ઉપલબ્ધ થયેલા નિષ્કર્ષોએ મને જીવન સમીપે સતત શ્વસતી રાખી છે! અભ્યાસ, સંશોધનો તથા વૈશ્વિક સંસ્થાઓ સાથે હમેશાં સંકળાયેલા રહેવાના કારણે થયેલા વિદેશ નિવાસનો અનુભવ તથા બહોળા વાચનથી કેળવાયેલી બહુશ્રુતતા તેમનાં ‘જાત સાથે વાત’ પુસ્તકમાં પાને પાને જોવા મળે છે. સરોજિની જેટલી શ્રેષ્ઠતા ડૉક્ટર તરીકે ધરાવે છે તેટલી જ કે તેથી વિશેષ લેખિકા તરીકે ધરાવે છે.

પતિ જીતેન્દ્રના પાર્થિવ દેહને અગ્નિદાહ આપતી વખતના મનોભાવ દર્શાવતાં એ પતિને સંબોધતાં લખે છે, “સમયના એ ખંડમાં તારાં બાહ્ય અસ્તિત્વનાં મૂળભૂત તત્વો- આકાશ, વાયુ, જળ, અગ્નિ અને ધરાના વિલીનીકરણની ક્રિયાને હું અપલક નેત્રે નિહાળી રહી હતી. આકાશની અંતિમ સીમાઓમાં અદ્રશ્ય થઇ રહેલાં તારાં અસ્તિત્વને નિહાળતી હું સમજવા મથી રહી હતી; આપીને છીનવી લેવાની પ્રકૃતિની અગમ્ય લીલાને!”

અહીં એક તબીબ મહિલાના અંતરના ઝણઝણી ઉઠેલા તાર મા સરસ્વતીની વીણાના તાર સાથે જોડાઈ જઈને રણઝણી ઉઠેલા જોવા મળે છે.

આત્મસંવાદનાં અમૃતમંથનમાં ડૉ. સરોજિનીએ ભાવનાત્મક રીતે ભાવવાચક પરિબળો પ્રાપ્ત કર્યા છે, અને એ જ પરિબળો તેમનાં પુસ્તક ‘જાત સાથે વાત’ની ધરતીમાં ફણગેલાં જોવા મળે છે.

ખરેખર તો, તેમના આ ચિંતનાત્મક નિબંધોના આ પુસ્તકમાં તેમણે  સત્વની શોધ આદરી છે. એ સત્વ કે જે, મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી મનુષ્યની સાથે રહે છે. આપણે જેને જીવન તરીકે ઓળખીએ છીએ, તે છે, સત્વ તરફની સતત ગતિશીલતા. આ ગતિશીલતાનો સરળ અર્થ છે- આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ દ્વારા સ્વ-અવરોધોને ઓળખવાની મથામણ અને તેને પાર કરવાના પ્રયત્નો અને તે છે તેમની “જાત સાથે વાત”!

પુસ્તક હૃદયસ્થ કરતાં તેમાં પ્રમાણિકતાનું પ્રતિબિંબ જોવા મળે છે. અવશ્ય… પ્રકરણો ચિંતનાત્મક છે છતાં મજાની વાત એ છે કે, ડૉ. સરોજિનીની કલમથી પ્રસવેલા શબ્દોએ જન્મની નજાકત જાળવી રાખીને તેને ભારઝલાં થવા નથી દીધાં! ક્યાંય આડંબર જોવા નથી મળતો! પોતાનાં અને તેમના દર્દીઓના જીવન સંઘર્ષ અને જીવનચિંતનમાંથી પ્રગટીને પાંગરેલું જ્ઞાન માત્ર તેમને જ નહીં વાચકને પણ પોતીકું લાગે છે.

લેખિકા બનીને ડૉ. સરોજિનીએ સઘળી વિભાવનાઓને પ્રથમ વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો સફળ પ્રયત્ન કર્યા પછી ચિંતનને ભાવનાત્મક બનાવી દીધું છે. સ્વગતોક્તિ એ કરે છે, પણ તેના ભાવ વાચક અનુભવે છે. જીવનને ઘડતાં અને મઠારતાં તત્વોને સ્વસંદર્ભે મૂલવવાનો તેમણે કરેલો પ્રયાસ અત્યંત સનિષ્ઠ અને સાચુકલો લાગ્યા વિના રહેતો નથી. લેખિકાનું સત્વ સભર વ્યક્તિત્વ ઉભરી આવે છે.

ડૉ. સરોજિનીએ જીવન તત્વોની શોધ માટે જે પરિબળોને પસંદ કર્યા છે તે છે: પાત્રતા, પારદર્શિતા, આત્મીયતા, પ્રકૃતિ, સર્જનશીલતા, સફળતા, હકારાત્મકતા, વિચાર, વિશ્વાસ, વિસ્મય અને વેદના! આ તેમનાં સ્વની શોધ માટેનાં સાધનો છે. આ દરેક સાધનો બહુકોણી છે અને દરેકની માનવજીવનમાં ભાવવાહિતા અને ભૂમિકાઓ અલગ અલગ છે.

પાત્રતા અંગેનાં પ્રથમ પ્રકરણમાં જ લેખિકા વાંચકોના હૃદયમાં સ્થાન મેળવતાં લખે છે કે, ‘પાત્રતા એ પૂર્ણતા ભણી લઇ જતું એવું સોપાન છે, જેમાં જાતને સતત કસોટીની એરણ પર ચડાવતાં રહેવું પડે છે. જયારે પ્રમાણિકતા, પારદર્શિતા અને પ્રેમના સમન્વયે પાત્રતા ઉદિત થાય છે ત્યારે તેમાં પાવિત્ર્યનું ઓજસ પ્રગટે છે. પાત્રતાને પ્રાપ્ત કરવી અને પાત્રતા પ્રગટ કરવી, એ બંને વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા છે.’

પારદર્શિતાની વાત માંડતાં જ એ અરીસો ધરતાં લખે છે કે, ‘ઉરના ઉમળકા વિનાની મુલાકાતમાં ભેટવાનો શું અર્થ? જે વિચારો મનને સ્વીકાર્ય ન બનતા હોય તેને આવકારવાનો શું અર્થ? અરે! જેની વિદાયથી દિલના કોઈ ખૂણે દર્દ ન અનુભવાય તેવી પ્રાર્થનાસભામાં સાંત્વનાના શબ્દો ઉચ્ચારવાનો શું અર્થ? આપણું હૃદય જે અનુભવે નહીં તેવી લાગણીઓ વ્યક્ત કરવાનો શું અર્થ? આવી ક્રિયાઓમાં પારદર્શિતા ક્યાંય જોવા નથી મળતી!’

એક હૃદયસ્પર્શી વાત કરતાં ડૉ. સરોજિની પારદર્શિતા અંગે લખે છે કે, “એક યુવતીને કેન્સર થયેલું. રોગના અંતિમ તબક્કામાં શ્વસતી એ સ્ત્રીનું પેટ પથ્થર જેવું બની ગયું હતું. સહેજ સ્પર્શ કરતાં તેની ચામડી તરડાઇ જાય અને લોહી નીકળવા માંડે! આટલી યાતના છતાં પણ તે યુવતીનાં અસ્ખલિત વાણીપ્રવાહમાં હાસ્યની છોળો ઉડતી હતી. મુલાકાતીને તો એવું જ લાગે કે તે માંદા માણસની ખબર કાઢવા નહીં, પરંતુ કોઈ મહેફિલમાં આવ્યા છે! એ યુવતી સમજતી હતી કે, તેને મળવા આવનારા લોકો તેની વેદના કે વિષાદ વહેંચવા નહીં કિન્તુ ઔપચારિકતા નિભાવવા જ આવ્યા છે. એ એવા મુલાકાતીઓથી ત્રસ્ત થઇ ગઈ હતી.

 “મેં તેના કપાળે હાથ મૂક્યો. એ સ્પર્શ અશબ્દ હતો પરંતુ અમારી વચ્ચે સઘન સંવાદ સધાયો. તેણે ચૂપચાપ મારી સામે જોયા કર્યું. ચૂપકીદીની એ નીરવ પળોએ તેની આંખોને છલકાવી દીધી. મારે તેને રડવા દેવી હતી કારણકે હું તેના અંતરની આંધીમાં ઉમટતા રહેતા ભાવોને, લાગણીઓને ઓળખવા માગતી હતી. તેના તન-મનને વીંધી નાખતાં શૂળ સુધી હું પહોંચવા માગતી હતી. કેન્સરની અંતિમ અવસ્થામાં શ્વસતા કોઈ રુગ્ણ દેહને સાંત્વના આપું કે તેનાં આપ્તજનોને સારવારની વિગતો સમજાવું ત્યારે ઘણું બધું પોતીકું હૃદયમાં ઊછળતું મેં અનુભવ્યું છે. કદાચ એ જ કારણ હોય કે મારા શબ્દો, મારો સ્પર્શ, મારી દર્દી પાસે મોજુદગી, સર્વેમાં દર્દીની પીડા ટહુકે ટહુકે ઓગળતી જાય અને દર્દી પૂર્ણ સંતોષ સાથે સ્મિત આપે!”

લો, આ રહી પારદર્શિતા! ડૉ. સરોજિની લખે છે કે, ‘ક્યાંય કોઈની લાગણી ન દુભાય, કોઈનું અપમાન ન થાય, જીવનની ગરિમા જળવાય અને છતાંય આપણે દંભ ન આચરવો પડે તેવું વર્તન વ્યક્તિગત, પારિવારિક કે સામાજિક જવનમાં જ નહીં, જાહેર જીવનમાં પણ આવકાર્ય બની રહે. અર્થાત પ્રત્યેક ક્ષેત્રમાં પાર્દાર્શિતાથી વર્તી શકાય!’

આત્મીયતા એ શુચિતાની એવી ચિનગારી છે, જે માનવીને ‘માણસ’ બનાવામાં વધુ સહાય કરે છે. શ્રી કૃષ્ણ અને મીરાંના સંબંધોનું ઉદાહરણ આપી લેખિકા કહે છે કે, ‘સંબંધનું સાતત્ય જીવન પર્યંત યથાવત જળવાય… આવી આત્મીયતા જ અનંતતાને આધાર આપે છે.’

હોલિવુડ કલાકારો ચાર્લ્સ અને પેટ્રિસિયાની પ્રેમકથાને ટાંકતાં લેખિકા કહે છે: પૂર્ણપણે પ્રકાશિત આત્મીયતાના જાદુનો સરળ અર્થ થાય છે: એકમેકનો સમગ્રપણે સંપૂર્ણ સ્વીકાર કરવો.’

પસંદ કરેલાં પ્રકૃતિ પરિબળની વાત કરતાં એક જગ્યાએ ડૉ. સરોજિની લખે છે કે, ‘સર્જનાત્મકતાનો અદ્દભૂત નમૂનો બની રહેતું પ્રત્યેક માનવશરીર પ્રકૃતિની વિશિષ્ટ કલાકૃતિ છે. અપ્રતિમ સર્જન કરતી પ્રકૃતિ માટે જો, કશું જ કઠિન ન હોય તો, પ્રકૃતિનો અંશ ધરાવનાર મનુષ્યની શક્તિ શું ન કરી શકે?’

સર્જનશીલતા તેમાનું એક પરિબળ! લેખિકા લખે છે: સર્જનશીલતા એ અલૌકિક તણખો છે, જેનો પ્રકાશ અદભૂત સર્જનનો જન્મદાતા બને છે. પ્રકૃતિ અપાર વિસ્તરણ અને પ્રજોત્પતિ દ્વારા સર્જનની શાસ્વત ક્રિયાનું સંવર્ધન કરે છે.

સફળતાને સાપેક્ષ બાબત ગણાવતાં ડૉ. સરોજિની કહે છે કે, સફળતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો એ પરિપૂર્ણતા પામવાનું સાધન છે. મનોવૈજ્ઞાનિક તારણ ટાંકતાં સરોજિની લખે છે કે, જેટલા અનુભવો કટોકટી ભર્યા, પડકારપૂર્ણ અને પીડાદાયક તેટલી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની સંભાવના વધારે. હકારાત્મકતા એ લેખિકાનું જીવનનાં સત્ય અને સત્વ માટેનું એક પરિબળ છે. ‘હા’ સાવ સહજતાથી ઉચ્ચારાતો શબ્દ છે. ‘હા’ કે હકારાત્મકતા  અંગે ડૉ. સરોજિની લખે છે કે, “એક ‘હા’ જેમાં ઉર્જા હોય, તે જીવનને ગતિ પ્રદાન કરે. એક ‘હા’ જેમાં નિષ્ઠા હોય તે કર્મવૃતિને દ્રઢ બનાવે. એક ‘હા’ જેમાં સત્ય હોય, તે નકારાત્મક્તાનું નિર્મૂલન કરે. એક ‘હા’ જેમાં કરુણા હોય, તે આસક્તિઓના સીમાડા ભેદે. એક ‘હા’ જેમાં વિશ્વાસ હોય, તે વિશ્વદર્શનને આંબે. એક ‘હા’ જેમાં પ્રેમ હોય, તે અનંતતાને આંબે!

જીવનમાં જે નિસર્ગદત્ત જે મળે અને તેનો ઉઘાડ એટલે હા! જીવનનું આનંદમય અને પ્રેમમય સ્વરૂપ એટલે ‘હા’! આવા જ સહજ ભાવે અને ગહન અર્થ સાથે ડૉ. સરોજિનીએ વિચાર, વિસ્મય, વિશ્વાસ અને વેદના જેવાં તત્વોને, જીવનના પ્રત્યે દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક, સામાજિક અને વેદ-વેદાંતનાં ઉદાહરણો ટાંકીને સમજાવતાં અદ્દભૂત ચિંતનનાં દર્શન કરાવ્યાં છે.

વિચારોના સર્જનને કુદરતનો અદ્દભૂત કરિશ્મા લેખાવતાં લેખિકા કહે છે કે, વેદનાના પ્રત્યેક રૂપ પાસે પોતાનું આગવું સૌંદર્ય છે, આગવી આગ છે. આગવી દાઝ છે અને અસહ્ય દાઝમાંથી ઉઠતો ચિત્કાર જ ચૈતન્યની ઓળખ કરાવે છે.

પુસ્તકનાં અંતિમ પ્રકરણ ‘સ્વની શોધ’ અંગે અત્યંત ઝીણવટપૂર્વક લખ્યું છે: ‘સ્વની શોધ’ એટલે ‘આંતર અસ્તિત્વની ઓળખ.’ આંતર અસ્તિત્વ એ દિવ્ય ઉર્જા સ્રોત છે જેનું નિશ્ચિત સ્થાન શરીરમાં ક્યાં છે તે જાણી શકાતું નથી.

હું માત્ર એટલું જ કહીશ કે આંતર અસ્તિત્વનું મૂળભૂત સ્વરૂપ શ્વેત છે. શ્વેત શુભ્ર છે. શુભ્રતામાં શુચિતા છે, તેજસ્વિતા છે, નિર્દોષતા છે, સ્નેહની સંવેદના છે, અનુકંપાનું અમીજળ છે, કલ્યાણનો કૂપ છે, આનંદની અભિવ્યક્તિ છે, સત્યનું સૌંદર્ય છે. શ્વેતની પ્રકૃતિમાં સકારાત્મકતાનો સાગર છે!

જીવન તત્વોમાંથી ડૉ. સરોજિનીને જે સૌંદર્ય પ્રાપ્ત થયું, જે અનુભૂતિઓ પ્રાપ્ત થઇ, તે સઘળું લેખિકાએ ‘જાત સાથે વાત’ કરતાં કરતાં વાચકો માટે પુસ્તકમાં સમાવી લીધું છે. એ એટલે સુધી કે, તેમણે નિષ્ઠાપૂર્વક કર્તવ્ય કરવાની ક્રિયાને અવિરતપણે ચાલુ રાખી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

તેમણે પોતાનું લખાણ માત્ર રોચક બની રહે તેવું નહીં પરંતુ સાચું અને શ્રેષ્ઠ આલેખન બની રહે તેવા સફળ પ્રયાસ કર્યા છે. વાસ્તવમાં જાત સાથે વાત કરવાની કોશિષ, શ્રેષ્ઠત્વ સમીપે, પરિપૂર્ણતા સમીપે અને તે અન્વયે સત્ય સમીપે પહોંચવાની સનિષ્ઠ પ્રક્રિયા હોય તેવું પુસ્તકની વાચનયાત્રા દરમ્યાન લાગ્યા વગર રહેતું નથી. જિંદગીના અનુભવોમાંથી ઉદિત થયેલી તેમની સમજણને શબ્દબદ્ધ કરવામાં લેખિકા સફળ રહ્યાં છે. તો, રાહ જોયા વિના માંડી દઈએ જાત સાથે ગોઠડી!

~ અવલોકન: કિશોર વ્યાસ
~ વાર્તાકાર, નવલકથાકાર, કવિ અને પત્રકાર) – બેંગલોર

Purchase online: 
https://www.zenopus.in/ 

Search Key:   જાત સાથે વાત

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.