બાદન બાદનમાં ચર્ચથી સ્પા સુધી ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:22 ~ ઉત્કર્ષ મઝુમદાર
બીજે દિવસે સવારે ઉઠીને ચાલો બ્રેકફાસ્ટ માટે રેસ્ટૉરન્ટમાં જઇયે એવું વિચાર્યું ને પછી ભાન થયું કે એર બી એન્ડ બીમાં છો એટલે જાત મહેનત ઝિંદાબાદ. આપણે જ આપણો નાસ્તો ને ચાપાણી બનાવવા પડશે. જરૂરી ખાદ્યસામગ્રી તો અમે પહેલેથી જ ખરીદીને લાવ્યા હતા એટલે એ વાંધો ન હતો.
હિના અને નિશ્ચિન્ત એની તૈયારીમાં પડ્યા ને હું છેલ્લી ઘડીનું રિવિઝન કરવામાં પડ્યો. ડ્રાઈવર સાહેબ આરામ ફરમાવી રહ્યા હતા. નાસ્તો અને ચાપાણી કરી તૈયાર થઈને અમે શહેરને ધમરોળવા નીકળ્યા. ગાડી લેવાની ન હતી પગપાળા બધે જવાનું હતું.
રસ્તામાં અમે એક સુંદર ચર્ચ જોયું. ખબર પડી કે એ રશિયન ચર્ચ હતું.
હિના અથવા નિશ્ચિન્ત બેમાંથી કોઈકને કે બંનેને પ્રશ્ન થયો: અહીં રશિયન ચર્ચ શું કામ? મારી તરફ નજર ફરી એટલે રાજુ ગાઈડ શરુ થઇ ગયા.
“પ્યાજના આકારના ઘુમ્મટવાળું આ ચર્ચ ઓગણીસમી સદીમાં બંધાયેલું. બાયઝેન્ટાઇન શૈલીમાં બંધાયેલા આ ચર્ચનો સોનેરી ઘુમ્મટ પણ ચિત્તાકર્ષક છે. તમારા પ્રશ્નનો ઉત્તર આપું કે રશિયનો અહીં કેવી રીતે.
થયું એવું ને કે બાદન રાજ્યની રાજકુંવરીના લગ્ન ભવિષ્યના રશિયન ઝાર એલેક્ઝાન્ડર પ્રથમ જોડે થયા ને રશિયનોનું અહીં આવાગમન શરુ થઇ ગયું. તુરગનેવ, ટોલ્સટોય, ગોગોલ, દોસ્તોયેવસ્કી જેવા ઘણા ઉચ્ચ કક્ષાના સાહિત્યકારો પણ અહીં આવતા. જોકે તેમાંના ઘણા અહીંના પ્રખ્યાત કેસિનોમાં સારો એવો વખત ગાળતાં.
અહીંનું બીજું રશિયન જોડાણ છે પ્રખ્યાત રશિયન ઝવેરી કાર્લ ફાબરઝેનું મ્યુઝિયમ. 2009માં ખુલ્લા મુકાયેલા આ મ્યુઝિયમમાં 700 ઉપરાંત ઝવેરાતની બનાવટો છે. એમાં 1902માં બનાવાયેલું રોથચાઈલ્ડ ફાબરઝે એગ પણ છે, જેનું આજની તારીખમાં મૂલ્ય છે 11 મિલિયન પાઉન્ડ.
આગળ જણાવ્યું તેમ યુરોપ અમેરિકાના અમીર ઉમરાવો અહીં આવતા રહેતા એમની સહુલિયત માટે ઘણી બધી ઝવેરાતની દુકાનો ખુલેલી. ઘણી દુકાનોની વસ્તુઓ ઉપર કિંમત લખી નથી હોતી. દુકાનદારોનું એમ માનવું છે કે કિંમત પૂછનારની હેસિયત નથી આવી વસ્તુ ખરીદવાની.”
આ સાંભળી હિના તરત જ બોલી: “આપણે ત્યાં મુંબઈમાં પણ એવી કપડાં ને ઝવેરાતની દુકાનો છે જ્યાં એના કર્મચારીઓને ખમતીધર અને ટાઈમપાસ ગ્રાહકો વચ્ચેનો ભેદ સમજાવી દેવાય છે એટલે સામાન્ય લાગતા ગ્રાહકોની તો ધરાર અવગણના કરે. નકામો એમની પાછળ સમય શું બગાડવો.”
રશિયન ચર્ચની મુલાકાત લઈને અમે ડાબી બાજુએ વળ્યાં. અમે અમારા નાયક સીજેને અનુસરતા હતા ને એ જીપીએસને અનુસરતો હતો. અમે 400 થી પણ વધુ પ્રકારના ગુલાબોનાં છોડ ધરાવતા મનમોહક રોઝ ગાર્ડનમાંથી પણ પસાર થયા.
અહીં મુલાકાતીઓ ખાસ કરીને ઉનાળામાં બેસીને નિરાંતે લીલોતરી ને રંગબેરંગી ગુલાબોની મઝા માણી શકે એ હેતુસર બાંકડાઓ પણ મુકવામાં આવ્યા છે. ઉસ નદી અહીંથી પસાર થાય છે; જો કે આપણે એને નાની નહેર જ કહીએ.
અઢી કોલોમીટર લાંબો આ સમગ્ર વિસ્તાર લિશટૅન્ટલેર પાર્કનો ભાગ છે. ઉસ નદીને કિનારે આવેલી ફૂટપાથ સત્તરમી સદીની છે. ત્રણસોથી વધારે જાતના ઝાડો અહીં છે.
અમે એક મોટું ઝાડ જોયું એના થડને વચ્ચેથી કાપીને આરપાર જોઈ શકાય એવું બનાવેલું. અમે કૂદકો મારીને એની અંદર બેસવાનો મનસૂબો કર્યો પણ અમારા જડસુ, લવચિકતા ગુમાવી બેઠેલા શરીરે મનનું જરાય ન માન્યું તેથી મનનો મનસૂબો પૂરો થયો નહીં.
મન જીદ કરીને કૂદકો મારવા લલચાયું, પણ પછી વિચાર્યું જો શરીર ગુસ્સે થઈને પોતાને વગાડી બેસશે તો ઉલમાંથી ચૂલમાં પડીશું; લોકો હસશે ને કહેશે પાછલી ઉંમરે ઠેકડા મારવાનું પરિણામ ભોગવી લીધું? એટલે એવા તે આપણે શું રહી ગયા હતા ઝાડની અંદર બેઠા વિના?… કહી મન મનાવ્યું પણ ફોટા અવશ્ય પાડી લીધા.
આગળ ચાલ્યા તો 1245માં સ્થપાયેલા બેનિડિક્ટાઇન સંપ્રદાય અને તેનું પ્રિન્સેસ ચેપલ પણ નજરે ચઢ્યું ને 19મી સદીના કલાકૌશલ્યને દર્શાવતું મ્યુઝિયમ પણ હતું.
થોડુંક આગળ ચાલ્યા ને એક આધુનિક શૈલીમાં બનેલા મકાને અમારું ધ્યાન ખેંચ્યું. પાસે જઈને જોયું તો ખબર પડી કે વીસમી અને એકવીસમી સદીની કલા દર્શાવતું આ મ્યુઝિયમ હતું ફ્રાઈડેર બુરદા.
અહીંની મહત્વની કૃતિઓમાં છે પાબ્લો પિકાસોના પાછલા ચિત્રો અને શિલ્પો.
એક વધુ મ્યુઝિયમ છે તે છે સિટી મ્યુઝિયમ જેમાં રોમન વખતથી લઈને 19મી સદી સુધીની કલાકૃતિઓ છે જેમાં પ્રાચીન રમકડાં અને રમતોનો પણ સમાવેશ થાય છે.
સમયઅભાવને કારણે અમે અંદર જોવા જઈ શકીએ તેમ નહોતા. બગીચાના ઇલાકામાંથી બહાર નીકળીને આવી પહોંચ્યા લિઓપોલ્ડ પ્લાત્ઝ તરીકે ઓળખાતા સિટી સેંટર પર. અહીં વચ્ચે એક મોટો ફુવારો છે ને એની પાળી પર બેસી તમે શહેરની ચહેલપહેલ નિહાળી શકો છો.
અમે અહીં થોડીકવાર બેઠા ને પછી ભોજન માટે રેસ્ટોરન્ટની શોધમાં નીકળ્યા. સામે આવેલી સોફિયાન સ્ટ્રીટ પર ચાલવાનું નક્કી કર્યું ને ત્યાંથી લીધી ગાર્નર્સબચર સ્ટ્રીટ. ત્યાં આવેલા જેસયુઆઈટ પ્લાઝા પાસે અનેક સારી રેસ્ટૉરન્ટ્સ હતી.
અમે પીઝેરીઆ રોમા નામની રેસ્ટૉરન્ટમાં જવાનું ઠેરવ્યું. ત્યાં પીઝા ખાઈને બહાર આવી બુકશૉપ સ્ટ્રીટ નામની દુકાનમાં જઈ ફ્રીડરીસબાદની દિશા પૂછી.
કાઉન્ટર પર બેઠેલા ભાઈએ તરત જ કહ્યું “જમણી બાજુએ જશો કે ટાઉન હોલ આવશે. દુકાન અને તેની વચમાં એક નાની ગલી છે તે પકડી ઉપર જજો. ત્યાંથી પછી પાછા જમણી બાજુએ વળશો કે તમારે જ્યાં જવું છે તે સ્થળ આવી જશે.”
હિના કહે એને નથી આવું એ અહીં બાંકડા પર નિરાંતે બેસશે એટલે અમે ત્રણ જણા ઉપડ્યા. આ ટાઉન હોલ મૂળે જેસુઇટ્સની કોલેજ હતી સન 862 થી નગરની વહીવટી કચેરી બની ગઈ છે.
અહીંયાંથી દાદરવાળી ગલીથી ઉપર જવાનું હતું. પછી આગળ જઈ જમણી બાજુએ કહ્યા મુજબ વળ્યાં ને બે મિનિટમાં ફ્રીડરીસબાદ પહોંચી ગયા.
તમને થશે કે આ શેની વાત ચાલી રહી છે? આગળ શહેરનો ઇતિહાસ જણાવતી વખતે મેં તમને જણાવેલું ને કે આ સ્પા માટે જાણીતું શહેર છે તો આ ફ્રીડરીસબાદ એટલે અહીંનું જૂનું એન્ડ જાણીતું વિશ્વવિખ્યાત ગરમ પાણીના ઝરાનું સ્થળ.
સન 1877માં આ બંધાયેલું ને પ્રવેશદ્વાર આગળ રાજા ફ્રેડરીકની અર્ધપ્રતિમા મુકેલી છે. શહેરનું આ જૂનામાં જૂનું સ્પા કેન્દ્ર છે ને અહીં પરંપરાગત રીતે બધું સંચાલન થાય છે.
અહીંયા તમે સ્પાની ટિકિટ ખરીદો પહેલા ચેતવી દઉં. અહીં સ્પાની મોજ માણવા માટે તમારે નિર્વસ્ત્ર થવું પડશે. ગભરાઈ ગયા ને સૌ, કપડાં વગર? કહ્યું ને અહીં બધું પરંપરાગત પ્રમાણે થાય છે. અહીં હોજમાં તરવાનું નથી હોતું, પણ પાણીમાં પડ્યા રહી સારવાર લેવાની હોય છે.
નિર્વસ્ત્ર થવાનું કારણ શું? કારણ આરોગ્યશાસ્ત્ર. પરસેવાને લીધે આપણું શરીર ઠંડુ થાય છે. સોના કે સ્ટીમબાથ લેતા હો તો આ પ્રક્રિયા વસ્ત્રોને લીધે ધીમી પડી જાય છે એટલે જે સમયમર્યાદામાં એ લેવાનું હોય તે સમયમર્યાદા ઓછી પડે. અહીં જેમણે નિર્વસ્ત્ર થઈને આ અનુભવ લીધો છે તેઓ આ વાત જોડે સહમત થાય છે. સ્વિમિંગ કોસ્ચ્યુમ પણ અવરોધક સાબિત થાય.

બિનજર્મન યા જે દેશોમાં આવી પરંપરા નથી તેમને માટે તો આ ડરામણો અનુભવ સાબિત થાય. જોકે અહીં સ્ત્રી પુરુષોનો એકસાથેનો સમય છે તો અમુક વારે સ્ત્રી માટે અલાયદો સમય પણ છે એટલે જે સ્ત્રીઓને સહિયારા બાથનો ક્ષોભ હોય તેમને આ અનુકૂળ આવે.
અમે પણ અહીંયા જવાનું ટાળ્યું, પણ અહીંની મુલાકાત તો લીધી, કાઉન્ટર સુધી જઈને બધું જોયું ને જાણકારી તો મેળવી. 2000 વર્ષ જૂના રોમન બાથના ખંડેરો છે. આની ગાઇડેડ ટુર પણ ઉપલબ્ધ છે.
1877માં આ જયારે ખુલ્લું મુકાયું ત્યારે આ આરોગ્ય મંદિર ગણાયેલું સ્થળ સમગ્ર યુરોપમાં એકદમ આધુનિક ગણાયેલું. અહીંનું આકર્ષણ હજી પણ ઓસર્યું નથી.
23 યુરોની ટિકિટમાં ત્રણ કલાકમાં 17 સ્ટેશન્સમાં તમને જુદા જુદા પ્રકારનો અહીં અનુભવ મળે છે. (વધુ માહિતી માટે એની વેબસાઈટ પર જાવ)
સોના સ્ટીમ બાથ ઉપરાંત મસાજ, સોપેન્ડ બ્રશ મસાજ, હોટ એર ડ્રાય બાથ ને થર્મલ બાથમાંથી તમે પસાર થઇ જાવ એટલે એવી તાઝગી અનુભવો કે ન પૂછો વાત.
આના વિષે પ્રખ્યાત અમેરિકન હાસ્યકાર માર્ક ટવેને કહ્યું છે “તમે અહીં દસ મિનિટ પછી સમય ભૂલી જશો ને વીસ મિનિટ પછી દુનિયાને ભૂલી જશો.”

(ક્રમશ:)