‘ડાઇનિંગ ટેબલ’ ~ મોહમ્મદ માંકડની ૨૫ વાર્તાઓ ~ સં. અસ્મા માંકડ ~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ

વૃત્તાંતમૂલક સર્જક: મોહમ્મદ માંકડ 

‘લેખનની કલા બહુ કષ્ટદાયક છે. દેખાય છે એવી સહેલી નથી. એટલું જ નહીં, માણસમાં જો સર્જન માટેની કુદરતી બક્ષિસ ન હોય તો વાર્તા – નવલકથાનું સર્જન માત્ર મહેનત કરવાથી એ કરી શકતો નથી… મધ બનતાં પહેલાં પરાગરજને મધમાખીના પેટમાં જઈને ઘણી અગત્યની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.  એવી રીતે, ઘટનામાંથી સર્જાતી કલાત્મક વાર્તામાં પણ ઘટનાએ લેખકના કોઠામાં જઈને કેટલીક અગત્યની અને અજાણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, ત્યારે જ તે વાર્તા બની શકે છે.

માત્ર ઘટના એ વાર્તા નથી. એ જ રીતે, માત્ર ઘટનાનો લોપ કરી નાખવાથી જ વાર્તાની કલાત્મક ‘આકૃતિ’ સર્જાઈ જતી નથી. એવી ‘આકૃતિ’ સર્જવાનું કામ માત્ર એક સર્જક કે કલાકાર જ કરી શકે છે.

તાજમહાલ આરસના પથ્થરોમાંથી જ બન્યો છે, પરંતુ જોનાર તાજમહાલની અલૌકિક આકૃતિને જ જુએ છે, આરસના પથ્થરોને નહિ. તાજમહાલની આકૃતિમાં આરસના પથ્થરોનો તદ્દન લોપ થઈ ગયો છે. કોઈ પણ કલાકૃતિમાં એમ જ બને છે. સારી વાર્તામાં પણ ઘટનાનો લોપ એ જ રીતે, સહજ રીતે જ થઈ જાય છે.’

 – મોહમ્મદ માંકડ (વાર્તાઓ ભાગ ૧ માંથી)

લોકપ્રિય સર્જક, નવલકથાકાર, વાર્તાકાર સ્વ. મોહમ્મદ માંકડસાહેબે ઉપર લખ્યું છે તે મુજબ, ‘લેખનની કલા બહુ કષ્ટદાયક છે.’ જેમ બીજી કળાઓ જેમકે ગીત, સંગીત, ચિત્ર, નૃત્યની કલાસાધના કરવાથી જ તેમાં નિપુણ થઈ શકાય છે, તેમ કોઈ પણ વ્યક્તિ કાગળ ઉપર કંઈક લખી નાખે, તેને લેખક કેવી રીતે કહી શકાય?

આજે સોશિયલ મીડિયા પર જ્યારે અઢળક વાર્તાઓ ફરતી હોય છે. કોઈ વ્યક્તિ પોતાને લેખક ગણાવા માટે  ધમપછાડા કરતી જોવા મળે, ત્યારે સ્વ. મોહમ્મદ માંકડ સાહેબ મધનું અને તાજમહાલનું ઉદાહરણ આપીને ઘણું બધું સમજાવી જાય છે. ફક્ત આરસના પથ્થર પડ્યા હોય તો, તેને લોકો પથ્થરની રીતે જ જુએ છે, પરંતુ જ્યારે તેને ગોઠવીને એક કલાકાર સુંદર આકૃતિનું સર્જન કરે છે, ત્યારે તેની અલૌકિકતા દરેકના મનને મોહી લે છે.

વાર્તા કલાને સમજવા માટે આદરણીય સર્જક સ્વ. મોહમ્મદ માંકડ સાહેબની વાર્તાઓ વાંચવી જોઈએ. કોઈ એક ઘટનાને માંકડસાહેબ કેવી સરસ રીતે ગૂંથીને, કેવા ઊંડાણથી, કેવા અદ્ભુત સંવાદોથી પરિપૂર્ણ બનાવે છે તથા વાર્તાન્ત પણ ભાવક-વાચકના હૃદયમાં એવી રીતે સ્થાપિત કરે છે કે તે વાર્તા વાચકના મન સાથે તાદાત્મ્ય અનુભવે છે. ત્યારે તે લેખકનું સર્જન તથા તે લેખક પોતે સદા કાળ વાચકોના હૃદયમાં જીવંત રહે છે. સ્વ. મોહમ્મદ માંકડ આજે પણ તેમના વાચકોના હૃદયમાં જીવંત છે, તેનું કારણ આ જ છે.

તેમની નવલકથાઓ અને વાર્તાઓમાં ગામડાંનું જે દૃશ્ય ખડું થાય છે, તેવું દૃશ્ય એક અનુભવી લેખકની કલમ દ્વારા જ તાદૃશ્ય થઈ શકે.  તેમની વાર્તા વાંચતા વાંચતા એવું લાગે, જાણે તે વાર્તાના પ્રવાહમાં આપણે તણાઈ ગયા છીએ. તેમની ઘણી બધી વાર્તાઓમાંથી ત્રણ વાર્તાઓનો ટૂંકો પરિચય મેળવીએ.

૧.ડાઇનિંગ ટેબલ‘ 

આધુનિક સમયની વાર્તા છે. જાણે દરેક કુટુંબની વાર્તા છે. પૈસા કમાવવા પાછળ દોટ મૂકતાં નરેન્દ્ર મહેતા, તેમની સુંદર પત્ની રેખા અને તેમનાં બે જુવાનજોધ પુત્ર અને પુત્રી. વાર્તા જે દૃશ્યથી શરુ થાય છે, તે જ દૃશ્યથી વાર્તાની સમાપ્તિ થાય છે. સુંદર કળાત્મક રીતે વાર્તાની રજૂઆત જીવંતતા બક્ષે છે.

ધનવાન બિઝનેસમેન નરેન્દ્ર મહેતા આજે ઘરે બેઠાં બેઠાં બારીમાંથી બહાર પ્રકૃતિને તટસ્થ ભાવે નિહાળી રહ્યાં છે, ડૉક્ટરની મનાઈ હોવા છતાં પણ પાઈપ પી રહ્યાં છે અને પોતાનાં જીવનને વાગોળી રહ્યાં છે.  લેખક આ ઘટનાને કેવાં અદ્ભૂત શબ્દોમાં વર્ણવે છે તે જુઓ,

‘તેનાં મગજમાં ભાર હતો. એ ભારને ફૂંકી દેવા એ મથતો હતો. પાઇપ ખેંચતો હતો. બીજી દુનિયામાંથી પોતે કાંઈક ખેંચી રહ્યો હોય એવી લાગણી થતી હતી.’

નરેન્દ્ર મહેતા પોતાની સુંદર પત્ની રેખાને બેવફા અને મૂર્ખ ગણીને મનમાં વિચલિત થઈ રહ્યાં છે. બંને બાળકો અનંગ અને કલા પણ કેટલા ઉડાઉ છે, તેમ વિચારીને પણ ચિંતિત છે. પોતે કેટલી મહેનતથી પૈસા કમાય છે અને પત્ની તથા બાળકોને તેમની કોઈ કિંમત નથી? આવો ભાવ જ્યાં તેઓમાં થઈ રહ્યો છે, ત્યાં પત્ની રેખા તેનાં અલગ રૂમમાં તૈયાર  થઈ રહી છે. આ ઉંમરે પણ તે કેટલી સુંદર દેખાય છે, તેની સુંદરતા પ્રત્યે તે નરેન્દ્ર મહેતાને મૂર્ખ, બુડથલ અને બોઘો ગણી રહી છે.

બીજી બાજુ પુત્ર અનંગ તેની ગર્લફ્રેન્ડને ગીફ્ટ આપવા માટે  મમ્મી-પપ્પા પાસે પૈસા કેવી રીતે માગું, તેમ વિચારીને ચિંતિત છે, તે પપ્પા અને મમ્મી બંનેથી ડરે છે,  જો તે પૈસા માગશે તો તેણે આગળના પૈસાનો પણ હિસાબ આપવો પડશે.‌

પુત્રી કલા પણ તેનાં રૂમમાં તેનાં બોયફ્રેન્ડ સાથેનાં સંબંધથી ચિંતિત છે,  કે જો મમ્મીને ખબર પડશે તો તેને ફરીથી  માર પડશે. મમ્મી દ્વારા એક વખત તો માર પડ્યો હતો. હવે શું કરવું?

આમ, એક જ છત નીચે રહેતાં નરેન્દ્રને પત્ની અને બાળકોથી, પત્નીને પતિથી, બાળકોને મમ્મી – પપ્પાથી અસંતોષ દર્શાવતી આ સામાજિક વાર્તામાં, જ્યારે ડાઇનિંગ ટેબલ પર જમવા સમયે ચારેય જણ ભેગા થાય છે ત્યારે, તેમનો સૌનો  મિજાજ સાવ બદલાઈ જાય છે.

ડાઇનિંગ ટેબલ પર નરેન્દ્ર મહેતા અને બાળકો રેખાનાં સૌંદર્યનાં વખાણ કરે છે. રેખા, બાળકો અને નરેન્દ્રને પ્રેમથી જમાડે છે. નરેન્દ્રને તબિયતનું ધ્યાન રાખવા માટે જણાવે છે. ડાઇનિંગ ટેબલ પર એવું લાગે છે જાણે બધાંને એકબીજાની ખૂબ જ ચિંતા છે. પરંતુ જેવું જમવાનું પુરું કરી બધાં ઊભા થાય છે, ત્યારે લેખક લખે છે,

‘બધાં જમીને ઊઠ્યાં. નરેન્દ્ર હસતો હતો. રેખા, અનંગ, કલા, હસતાં હતાં. થોડું સાથે ચાલીને ચારે જણાં છૂટાં પડ્યાં. નરેન્દ્ર મહેતાએ એના રૂમમાં જઈને પાઇપ સળગાવી. બારી પાસે જઈને એ ઊભો રહ્યો. સમયની થોડી પળો પસાર થઈ. વધુ પળો પસાર થઈ. ધીમે, ધીમે, ધીમે એનો ચહેરો ગંભીર બની ગયો. રેખા, અનંગ, કલા, પોતપોતાના રૂમની દીવાલોના એકાંત વચ્ચે ચાલ્યાં ગયાં હતાં. ફરી દીવાલો વચ્ચે આવી ગઈ હતી.’

સામાજિક સંબંધોને બારીકાઈથી નીરખીને સર્જન પામેલી આ વાર્તા માંકડસાહેબની બારીક નજરનો પરિચય કરાવી જાય છે.

૨.તપ

આણું વળાવીને હજુ હમણાં જ તો સાસરે આવેલી લાખુના પતિ મોહનને ધીંગાણું કરતાં જન્મટીપની સજા મળે છે.  સત્તર વર્ષ સુધી પોતાનાં પતિની પ્રાપ્તિ માટે તપ કરતી લાખુનું ચરિત્ર-ચિત્રણ લેખકે ખૂબ બારીકાઈથી કર્યું છે.

આ સત્તર વર્ષની તપસ્યા તે કેવી રીતે ભોગવે છે,  સમાજનાં અનેક મહેણાં- ટોણાં સાંભળવાં છતાં પણ  વૃદ્ધ સાસુની સેવા અને તેમનાં ગયા બાદ પોતાનાં પિતાની સેવાથી તે તૃપ્ત થાય છે. પળેપળ લાખુનું હૃદય  પતિની આતુરતાથી રાહ જોતું હોય છે.

શરૂઆતમાં તો ગામલોકો જુવાન લાખુની સુંદરતાની ચર્ચા કર્યા કરતાં, પણ આ તો લાખુ, આદર્શ પત્નીનો દરજ્જો પામતી, અભિતપ્ત એવી લાખુને તેનાં તપનું કેવું ફળ મળે છે? પતિ મોહન જ્યારે સત્તર વર્ષનાં જેલવાસ પછી પરત ફરે છે, લાખુ ખૂબ ખુશ હોય છે, પરંતુ મોહનના મગજમાં શું ચાલતું હોય છે? તે લાખુ કળી નથી શકતી.

ઈનામ વિજેતા આ વાર્તાનું કથાનક ખૂબ જ સંવેદનશીલ છે. લાખેણી લાખુનું તપ દર્શાવતી, તળપદી સંવાદોથી રસિક, લાખુ પ્રત્યે સદ્ભાવની સુગંધ પ્રેરતી આ  સંવેદનશીલ વાર્તા ભાવકોના હૃદયમાં સ્થાપિત થઈ જાય છે. આદર્શ વાર્તાનું ઉત્તમ ઉદાહરણ એટલે, ‘તપ’.

૩.દરબારગઢ

એક ગરીબ ખેડૂત માવજીની લાચારી દર્શાવતી વાર્તા. ચાલીસ વર્ષ પહેલાં ગરાસદારની દાદાગીરીના કારણે તેને ઘર છોડવું પડ્યું હતું. આજે  ચાલીસ વર્ષ પછી તે પોતાનાં ગામમાં તેનું ઘર જોવા માટે પરત ફરે છે. પણ આ ચાલીસ વર્ષમાં તેને તેનાં ઘરની કોઈ નિશાની નથી મળતી.

હવે, ક્યાં જવું તે વિચારતાં વિચારતાં,  તે ગરાસદારના દરબારગઢ મકાન પાસે પહોંચે છે. હવે, તે જગ્યાએ  સરકારી ઓફિસ બની ગઈ છે. ગરીબ માવજી મનોમન ખુશ થાય છે કે, ગરાસદાર પાસેથી સરકારે આ જમીન ઝુંટવી લીધી, પણ કેટલાંક લોકોની વાત સાંભળી તેની ખુશી  છીનવાઈ જાય છે, જ્યારે તે જાણે છે કે દરબારનાં છોકરાએ આ જમીન સરકારને વેચી છે.

સરકારી ઓફિસનાં ઓટલે બેઠો બેઠો માવજી, સરકારી ઓફિસમાં થતી વાતો સાંભળી વધારે દુઃખી થાય છે. ચાલીસ વર્ષ પછી પણ ખેડૂતની હાલત તેનાં જેવી જ છે. આખા દિવસમાં આ સરકારી ઓફિસમાં આવીને ખેડૂતો તેમનું દેવું માફ કરવા માટે વિનંતી કરે છે.

માવજીને તેનો ભૂતકાળ યાદ આવી જાય છે. એ જ  જગ્યા જ્યાં તેને દરબારે પાક ન થતાં હડધૂત કર્યો હતો, ગામમાંથી કાઢી મૂક્યો હતો. આજે પણ સરકારી ઓફિસવાળા ખેડૂતોને હડધૂત કરી રહ્યાં છે.

ખેડૂતોની વેદના દર્શાવતી આ વાર્તા, વર્ષો પહેલાં જમીનદારો અને અત્યારની સરકારી અમલદારોની તાનાશાહી દર્શાવે છે. લેખકે અહીં ગરીબ  માવજીની વેદનાને તાદૃશ્ય કરી છે.  વાર્તા વાંચતા વાંચતા ખેડૂતોની પીડા, ગરાસદારોની દાદાગીરી, સરકારી અમલદારોની તાનાશાહી આ બધાં સાથે ઓતપ્રોત થઈ જવાય છે.  છેવટે, અભાગિયો માવજી તે સરકારી ઓફિસનાં ઓટલા પર જ તેનો દેહત્યાગ કરે છે.

વાર્તાન્તે એક વાક્ય મૂકી લેખક વાર્તાની ટોચે પહોંચી જાય છે, ‘એવા તો કૈંક માવજી પતી ગયા! રામ-રામ કરો મારા ભાઈ.’

સાહિત્યકાર મુ. ડૉ. પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી, સ્વ. મોહમ્મદ માંકડ અને તેમની વાર્તા વિશે લખે  છે,

‘લોકપ્રિયતા સાથે કલાક્ષમતા દાખવી શકે તેવા સર્જકો ઘણા ઓછા છે. મોહમ્મદ માંકડ તેમાંના એક છે. મૂલત: તેઓ વૃતાંતમૂલક સર્જક છે. મોહમ્મદ માંકડની વાર્તાઓ એક વિશિષ્ટ પ્રકારનું વાર્તાક્રીડન સાથે કલાક્રીડન દાખવે છે. આવું ક્રીડન તેમને માણસજાત તરફ દોરી જાય છે. માણસજાતને સમજવાનો તે મારફતે તેઓ પ્રયત્ન કરે છે. વાર્તાકલાને તાજમહાલનું દૃષ્ટાંત આપી તેના તંત્રને સમજાવતા મોહમ્મદ માંકડ વાર્તાભિજ્ઞ છે, વાર્તાકાર છે, સાથે જીવનકાર છે, જીવનને સૂક્ષ્મ રીતે જોનાર, તેનું ચિંતન-વિમર્શન કરનાર છે.’

વૈભવભરી વાર્તાઓના લોકપ્રિય સર્જક, નવલકથાકાર સ્વ. મોહમ્મદ માંકડ હંમેશાં તેમની વાર્તાઓ દ્વારા આપણા સૌ ભાવકોના હૃદયમાં સદાય  જીવંત રહેશે.

પુસ્તક ખરીદવા માટેની ઓનલાઈન લિંક:
https://www.bookpratha.com/bookdetail/Index/268822?name=Dining-Table-Gujarati

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ
મોબાઈલ: 9601659655
ઈમેલ: rippleparikh2@gmail.com

આપનો પ્રતિભાવ આપો..