“સાગર….!” ~ ગઝલ ~ શોભિત દેસાઈઃ સ્વકંઠે અને સ્વ-અક્ષરોમાં….!

સૂરજ જેવા સૂરજને પી જવાની પ્યાસ છે સાગર
રમે છે મન મૂકીને, ચાંદનીનો રાસ છે સાગર
અહીંથી વાદળાં બંધાઈને વરસે છે ધરતી પર
નદીનું ભાવિ સાગર છે અને ઈતિહાસ છે સાગર
જો હોત મુક્ત તો આરામથી પહોંચત ક્ષિતિજ સુધી
બધા કાંઠાની રેતીઓનો કારાવાસ છે સાગર
પહોંચી મંઝિલે મોજું કોઈ પાછું ય આવે છે
કિનારાની ભલેને ખેપ હો, આવાસ છે સાગર
મિજાજી અપ્તરંગી રાજવીનો રાજવી છે, પણ-
કરે હિમ્મત કોઈ ખેડુ, તો એનો દાસ છે સાગર
નથી ઔકાત પણ કેવી અલૌકિક આ અનુભૂતિ!
છે ગાગર આવડી અમથી ને એનો પ્રાસ છે સાગર
~ શોભિત દેસાઈ
વાહ શોભિતભાઈ. ખૂબ સુંદર ગઝલનું ખૂબ સુંદર પઠન ❤️
સુંદર પ્રસ્તુતી, કાયમ રહી જો જાય તો પયગંબરી મળે. જય ગઝલ 💐
સાદ્યંત સુંદર ગઝલ છે.