|

ઉમાશંકર જોષી એવોર્ડથી સન્માનિત ડૉ. નીલેશ રાણા ~ પરિચય, પ્રતિભાવ અને ચાર કાવ્યો

તાજેતરમાં, જાન્યુઆરી ૭, ૨૦૨૪ને રોજ, ફિલાડેલ્ફિયા, અમેરિકાસ્થિત, સાહિત્યકાર, ભાઈશ્રી ડૉ. નીલેશ રાણાને, વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા, ગુજરાત દ્વારા આયોજિત, પર્વ ત્રયોદશીના પ્રસંગે “ઉમાશંકર જોષી, વિશ્વગુર્જરી સાહિત્ય સન્માન ૨૦૨૪”નો એવોર્ડ અર્પણ કરીને, નવાજવામાં આવ્યા હતા.

આ એવોર્ડ એમને ગુજરાતી સાહિત્યમાં એમણે કરેલા મહત્વના પ્રદાન માટે અને માતૃભાષાની સેવા માટે એનાયત કરવામાં આવ્યો હતો.

મૂળ મુંબઈનિવાસી ડૉ. નીલેશ રાણાએ એમ. બી. બી. એસ. મુંબઈની નાયર મેડિકલ કોલેજમાંથી કર્યું અને પછી અમેરિકા આવીને, એમ.ડી. સ્પેશ્યલાઈઝેશન ગેસ્ટ્રો એન્ટ્રોલોજીમાં કર્યું.

પત્ની ઉષા રાણા સાથે

વર્ષોથી તેઓ ફિલાડેલ્ફિયામાં પોતાની પત્ની શ્રીમતી ઉષાબહેન, ને સંતાનો સોનાલી તથા મિતેશ સાથે રહે છે અને ફિલાડેલ્ફિયામાં જ પ્રેકટીસ કરે છે.

ભલે વ્યવસાયે તબીબ છે પણ મેડિકલ શિક્ષણ લેતા હતા ત્યારથી જ તેઓ નવલિકાઓ, નવલકથા, ટૂંકી વાર્તાઓ અને કવિતા લખતા હતા.

એમના આ લખાણો ‘અખંડ આનંદ’, ‘ચિત્રલેખા’, ‘આરામ’, ‘મુંબઈ સમાચાર’, ‘નવનીત-સમર્પણ’ વગેર સામયિકો અને સમાચારપત્રોમાંમાં પ્રકાશિત થતાં રહ્યાં છે.

નીલેશભાઈ અને મારી પાંત્રીસ-ચાલીસ વર્ષો જૂની ઓળખાણ છે. સ્વભાવે ખૂબ સૌમ્ય, ઋજુ અને સંવેદનશીલ. કોઈનુંયે દુઃખ જોઈ ન શકે અને મદદ કરવા હંમેશા જ તત્પર. એમને મેં કદી મોટીમોટી વાતો કરતા અથવા પોતાની સાહિત્યપ્રીતિને વટાવતા  ન તો કદી જોયા છે કે ન તો આ વિષે કોઈ પાસેથી નકારાત્મક અભિપ્રાય સાંભળ્યો છે.

તેઓ સારા સાહિત્યકાર તો છે જ પણ સાથે, એક કુશળ ડોક્ટર, સારા મિત્ર અને ઉત્તમ ‘ફેમિલીમેન’ છે. એમની વાર્તાઓ અને કવિતાઓ માણસના જીવનની વાસ્તવિકતા, વિષમતા, વિષાદ અને વિશ્વાસને ઉજાગર કરે છે.

ડૉ. નીલેશ રાણાને વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા, ગુજરાત દ્વારા અપાયેલા ઉમાશંકર જોષી, વિશ્વગુર્જરી સાહિત્ય સન્માન ૨૦૨૪ના પ્રતિષ્ઠિત એવોર્ડ માટે “આપણું આંગણું” બ્લોગની ટીમ અને સર્વ વાચકગણ તરફથી અઢળક અભિનંદન પાઠવતાં હું ગૌરવ અનુભવું છું.

એમની કલમથી બ્લોગના વાચકો સુપેરે પરિચિત તો છે જ. આશા રાખીએ કે તેઓ એમનાં સર્જનો “આપણું આંગણું”માં મોકલતા રહેશે અને આ જ રીતે એમનો સહકાર ભવિષ્યમાં પણ આપતા રહેશે.

ભાઈશ્રી ડૉ. નીલેશ રાણાને આગામી સર્જનો માટે અને આવા સુંદર, પ્રતિષ્ઠિત એવોર્ડ દ્વારા ભવિષ્યમાં પણ એમની કદર થતી રહે એને માટે ખોબેખોબે શુભેચ્છાઓ.

“આપણું આંગણું” ટીમ તરફથી જયશ્રી મરચંટ

આ એવોર્ડ એમને મળ્યો ત્યારે એમના ભાવવિશ્વનો અનુભવ, એમનો  પ્રતિભાવ એમના જ શબ્દોમાં નીચે રજુ કરી રહ્યાં છીએ.

“એક દિવસ ઓચિંતો જ મને સુપ્રસિદ્ધ લેખક, આદરણીય વડીલ શ્રી રતિલાલભાઈ બોરીસાગરનો સંદેશો મળ્યો કે વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા, ગુજરાત દ્વારા આયોજિત, પર્વ ત્રયોદશીના પ્રસંગે અમેરિકાસ્થિત સાહિત્યકાર અને કવિ આદરણીય શ્રી નટવરભાઈ ગાંધી અને પન્નાબેન નાયકે શ્રી ઉમાશંકર જોષી, વિશ્વગુર્જરી સાહિત્ય સન્માન ૨૦૨૪ માટે મારું નામ સૂચવ્યું છે અને આ એવોર્ડ તારીખ ૭ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મને પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે આપવામાં આવી રહ્યો છે. આ સાંભળીને સાનંદાશ્વર્ય સાથે ધન્યતા અનુભવી.

હું અને મારી પત્ની ત્યાં ત્રણ દિવસ રહ્યાં અને એમનું આતિથ્ય માણ્યું. વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને અન્ય સભ્યોએ મને અને મારી પત્ની ઉષાને, એમનાં આત્મીય કુટુંબીજનો ગણીને, ખૂબ ઉષ્માપૂર્વક અમારી સંભાળ લીધી, એ જીવનભર નહીં ભૂલાય!

શ્રી મોરારીબાપુને બીજીવાર મળવાનો પ્રસંગ, સ્ટેજ પર એમની સાથે બેસવાનું માન અને એમના હસ્તે એવોર્ડનું મળવું, એ મારે માટે એક લ્હાવો હતો.

સ્ટેજ પર ભાઈશ્રી ભદ્રાયુ વચ્છરાજાની દ્વારા અપાયેલી મારી ઓળખાણ અને યુવા કવિશ્રી પ્રણવ પંડ્યા દ્વારા મળેલી પ્રશંસા અને એમના પ્રેમથી હું ગદગદ થઈ ગયો.

સાવરકુંડલા જેવા નાના શહેરમાં સેંકડોની સંખ્યામાં હાજર રહેલાં શ્રોતાજનોનો ઉત્સાહ અને આદરભાવ અદ્ભૂત હતો. મારા જીવનમાંના અવિસ્મરણીય અને યાદગાર પ્રસંગોમાંનો આ એક પ્રસંગ મારા માટે આજીવન અમૂલ્ય રહેશે.

માતૃભાષાનું આ ઋણ હું મારા માથે ચડાવીને મારી જાતને ધન્ય સમજુ છું. મારા જીવનકાળમાં મને થયેલ અનેક  શ્રેષ્ઠ અનુભવોમાંનો આ એક અનુભવ કાયમ મારા હ્રદયની નજીક રહેશે.”
~
ઉપરનાં આ લખાણ સાથે એમણે જે કવિતા મોકલી છે, જેને અહીં મૂકતાં આનંદ અનુભવીએ છીએ.

જીવનની સંધ્યાએ મળવા દરદો દોડી આવ્યાં અનેક
ના ગમતા પણ સાથે રહેવાનો આશય લાગતો નેક

પ્રભાતિયાં ગાતા આવે, સ્વર નીંદરને ભગાડે
ભૂલાવતા પ્રભુભજન, માયા મધુરી લગાડે
જીવનબેંકને સાચવતા, સહી વિનાના ચેક

સમજાવે, વસવસાનું હવે શાને રાખે છે ભારણ
મોતને સત્કારવાનું ચૂપકેથી આપે છે કારણ
શ્વાસોની નકામી દોડધામને હળવેથી મારે બ્રેક

રંગબેરંગી ગોળીના ઝાંખા તારલિયા ટમટમતા
મધના નામે ડંખ, મધમાખી થઈ બણબણતા
અંત લગી આપશું સાથ, લઈને બેઠા ટેક.
– ડૉ. નીલેશ રાણા

આ સાથે, એમના ચાર કાવ્યો માણીએ…

૧. રસ્તો

આમ જુઓ તો રસ્તો ચાલે, આમ ક્યાંક ન જતો
આમ જુઓ તો સાવ ગૂંચળું, આમ લહેરાતી સુંદર લટો

ચાલે તો આભાસ ખૂલે, ઊભે તો અંધાર
મને ઝીલતો રસ્તો કે હું ઝીલતો એનો ભાર
લાગે દર્પણ જેવો પણ પહેરે છે મુખવટો

પ્રેમથી પૂછ્યુમ ભાઈ આપણે કદી તો વચ્ચે મળીએ
ચાની મીઠી ચુસ્કી લેતાં સમયને થોડો ચગળીએ
ફટ દઈ એ ગુસ્સામાં બોલ્યો, મારા મારગમાંથી હટો

પ્રશ્ન બની ઠોકર મારે, મૂંઝવણ બની વિસ્તરતો
પગલાં મારા થાકી જશે, એ રહેશે હરતો ફરતો
આજે હું રસ્તા પર છું, કાલે થઈ જઈશ હતો.

આમ જુઓ તો રસ્તો ચાલે, આમ ક્યાંક ન જતો…!

૨.  જીવનસંધ્યા

ચાલ, આપણે એકમેકને એકવાર ફરી મળી
શાંત સરોવર થઈને જીવ્યાં, થોડું તો ખળભળી

દોડધામની ભીંસ સહી, છત અને દિવાલો બાંધી
પગદંડી સાચવવાને પગલાંઓ લીધા સાંધી
સંકેલીને ચરણ બેસીએ, જઈ જાણીતા ફળિયે

નકશાઓ દોરી દિશા ચીંધતા ભૂલાં આપણું પડવું
સૂરજની કરતાં લ્હાણી, ફરી સમી સાંજના મળવું
સહિયારા શ્વાસોમાં ભીની સુગંધ થઈ ઓગળી

પાંખો પામી ઊડી ગયા સૌ, માળો થઈ ગયો ખાલી
યાદોનાં પડઘા થઈ જાશું, જોને જિંદગી ચાલી
વર્ષો રાખ્યા સંબંધ હસતા, હવે તો સાચું રડી..!

૩. કોરોના પેશન્ટની સારવાર કરતાઃ
ડેથ સર્ટિફિકેટ

લખું ડેથ સર્ટિફિકેટ જે હાથે,
હું રોજ જમું એ હાથે
આને કહેવું સુખ?
મળે જે મજબૂરી સંગાથે?

જ્યારે બંધ થાય છે આંખો
તૂટી જાય છે શ્વાસો
નિષ્ફળતાનો કડવો ઘુંટડો
મારે જાણે તમાચો
કટાર વાગે કળતર કેરી
ને નાવ ડૂબે જઈ કાંઠે

સત્ય કહેવાના લીધાં શપથ
પણ આંસુ ક્યાંથી ખાળું ?
દુઃખની મહાભારત રોકવા
યુધિષ્ઠરને મારું?
આંખો કોરી ને ભીતર રડે,
ગમ વહેંચું કોની સાથે?

લોક કહે છું હાથ ઈશ્વરનો
નડી તોયે લાચારી..!
‘સ’ સફળતાનો ઘુંટવામાં
વહી જિંદગી સારી
અવતાર નથી, છું માણસ હું,
એ વાત કઠે છે રાતે….!

૪.  નારી

એક જન્મારામાં મળી ત્રણ જીવન જીવવાની સજા
અલકચલાણું, પેલે ઘેર ભાણું, મળી કશે ના મારી જગા

માતા-પિતાએ ઝીલ્યો જાણે, સોળ વરસનો ભાર,
હું પારકી થાપણ, જગતે ના બદલ્યો વહેવાર
મૂંગા ઘર, આંગણ ને પાદર, ન સંભળાયું કે- ‘ન જા’

મળી ઓળખ નવી, લાગ્યું થશે આ ઘર મારું
પતિ તણાં અજવાળામાં હું રહી સાવ જ અંધારું
સૌભાગ્યવતી હો ત્યાં લગ, જગ આપતું જીવવાની રજા

પદવી માની મળતા, મૂકાતી નવી શરત એ ટાણે
ડાઘ ન લાગે સંબંધને, ફરજ તારી તું જાણે
વાંક હંમેશા મારો, ભલે કરે સંતાનો ખોટી મજા

સૌની થઈને રહી છતાંયે, કોઈ ના મારું થયું
“નારી તું નારાયણી” કોઈએ એકવાર ન કહ્યું
સૌ નમતાં ઘરમંદિરને, હું નાહકની ઊડતી ધજા….!

~ ડૉ. નીલેશ રાણા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. ડો.નીલેશ રાણાને અભિનંદન. ચાર કવિતાઓ પણ ગમી.

  2. નિવડેલા સાહિત્યકાર, અતિ સંવેદનશીલ વ્યક્તિ એવા ડૉક્ટર નીલેશ રાણાને પ્રાપ્ત થયેલા શ્રી ઉમાશંકર જોશી એવોર્ડ માટે અઢળક અભિનંદન.

  3. ઋજુ હૃદયના કવિ,લેખક ડો.નીલેશ રાણા એટલે ધબકતી કલમ