નિખાર ~ પન્ના ત્રિવેદી ~ હિંદી કવિતા “निखार”નો અનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ

૦   દાદીએ કહ્યું –
છોકરીઓએ તો સુંદર દેખાવવું જોઈએ
ત્યારે જ તો ચાંદાનો રથ ઊતરશે આંગણે
છોકરીઓએ જરૂરી છે, આ ધરતીની અપ્સરા બનવું
ત્યારે જ તો કોઈ રાજકુમારની આંખોના ઘરમાં
રોકાશે એનાં સપનાનાં પડછાયા
છોકરીઓએ દિવસમાં અપ્સરા અને રાત્રે પરી બનીને રહેવું જોઈએ
ત્યારે જ તો મળશે એક મહેલ અને સો – સો દાસીઓનું સુખ!

૦   નાનીએ કહ્યું-
શ્યામવર્ણી છોકરીઓને માટે હોતા નથી કંઈ દૂધના સ્નાનઘર
આથી
તડકામાં ના નીકળીશ, બની જશે નહીં તો કાળી-કલૂટી !
અને હા, વધુ ના દોડાવતી મગજ પણ, નહીં તો કરચલીઓ જશે પડી..!
છોકરીઓએ તો બસ, રહેવું જોઈએ સુંદર
અને સુંદર છોકરીઓ બની રહે વધારે સુંદર!
તે ચહેરા પર લગાવે હળદર
તે શરીરે ઘસે છે ચંદન
તે છાંટે છે ગુલાબજળ
એટલે જ તો નિખરે  છે એ..!

૦    ત્યારે માએ ધીરેથી કહ્યું-
તું નહીં બને કોઈના ચૂલાનું ઈંધણ
કે જેની આંચ પર ચઢીને
શેકતાં રહે  દરેક જણ પોતપોતાના રોટલાં!
તું નહીં બને એ પૈડાં
જેના પર સવાર થઈને કરતાં રહે દરેક જણ મુસાફરી
તું નહીં બને લોટ દળવવાની ચક્કી,
પણ બનીશ પવનચક્કી
કે જે પોતાની દિશા શોધીને ચાલી શકે.. એકલી..
અને ચાલવા માટે પગનું સુંદર નહીં,
મજબૂત હોવું જરૂરી છે
મારી દીકરી,
જિંદગીના પાલવમાં
ગાંઠ બાંધી સાચવી રાખજે નુસ્ખો આ નિખારનો…—–
દિવસનું થોડુંક ગાઢ અંધારું
ચાલતાં, ચાલતાં ભોંકાતાં  કાંટાની પીડા
બળબળતા તડકાનો મુસળધાર વરસાદ
પ્રચંડ આગની થોડીક આંચ
અને નિર્જન રસ્તાઓ પર ઉઘાડા પગની યાત્રા-
જિંદગી એથી જ તો નિખરે છે, ખીલે છે…

મારી દીકરી –
કેટલીક ગજબની છોકરીઓ  એનાથી જ સજે છે..
તે છોકરીઓ એટલે સુંદર હોય છે
કારણ, એમનું સાહસ સુંદર હોય છે…!
………….

મા,
હું યે હવે નિખરી ઊઠી છું
તારી જેમ જ સ્તો…!

***

Leave a Reply to નિખિલ મેહતાCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments