“ભેટવું…..!” ~ કેટલાક ચૂંટેલા શેર… ~ ભાવિન ગોપાણી

(રવિવારે, જાન્યુઆરી ૨૧, ૨૦૨૪ ને રોજ National Hugging Day ના નિમિત્તે, શાયર ભાવિન ગોપાણીના કેટલાંક ચૂંટેલાં શેર અહીં રજુ કરીએ છીએ.)

કેટલાક ચૂંટેલા શેર…આજના આ દિવસે…

“ભેટવું…..!”

આ મારી હયાતી તૂટી કેમ નહીં?
તને બાથ ભરતા નથી આવડ્યું

માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર
આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ

હું અગાસીમાં એકલો જ છું સાવ
ક્હો ઉદાસીને ભેટવા આવે

તમે જે શખ્સને ભેટી ઘણાં રાજી થયા છો
એ શાહુકાર છે કે ચોર તમને ક્યાં ખબર છે?

કદી દરિયાને ઈચ્છા થાય કે આગળ વધી ભેટી પડું
કિનારે લાંગરેલી નાવ જો દરિયા તરફ જોયા કરે

માત્ર મારા તરફથી શક્ય બન્યું,
કાશ એ ભેટવું પરસ્પર હોત.

વર્ષો પછી મળતાં જ એ ભેટી પડી જે રીતથી
લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી.

મરજી મુજબનું ક્યાંય ના ભેટી શક્યા અમે
આભૂષણોનો ભાર હતો દરમિયાનમાં

આ એનો પ્રેમ હતો કે પછી હતું ખુન્નસ?
જો એ બળ્યો તો મને ભેટવા ધસી આવ્યો

આપ છો કે આ કોઈ બીજું છે?
વ્હાલથી આ રીતે વળગવાનું?

થયું એવું કે ઈશ્વર ભેટવા આવ્યો હતો
અને હું હાથ મારા જોડવામાં રહી ગયો

તમારા ભેટવામાં છે, શું એ છે હૂંફ પોતીકી?
કે ભીતર બાળ વયનાં સૂર્યનો તડકો છુપાવ્યો છે?

એકદમ આવી ચઢી આફત કોઈના શ્વાસ પર,
કઈ હદે હિંસક તમારું ભેટવું છે, જોઈ લો..

માણસોનું ભેટવું તો ઔપચારિક થઈ ગયું છે,
વૃક્ષને વળગી રહ્યાં છીએ હું ને નબળાઈ મારી

એ હદે તો જિંદગી ના આપ સન્નાટો મને
કોઈ આવી ભેટશે એ ધારણા પણ ના રહે

એક ચહેરાની રજૂઆત ખરી વળગી ગઈ
આઈનાની ય વકીલાત ખરી વળગી ગઈ

શું અણીશુદ્ધ રીતે ભેટવા ચાહે છે એ?
એ ઉતારીને ઝવેરાત ખરી વળગી ગઈ!

– ભાવિન ગોપાણી

 

Leave a Reply to Shweta TalatiCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments