“અશ્વત્થ” ~ વાર્તા ~ માના વ્યાસ
રોજની જેમ અનેરી ચકચકિત તાંબાનો લોટો લઈ ઘરના ગેટની બહાર નીકળી. મધુવન સોસાયટીમાં સરસ ઘર મળી ગયું હતું. શહેરથી થોડું દૂર હતું, પણ ખૂબ શાંત અને હરિયાળો વિસ્તાર હતો. સોસાયટીની પાછળ થોડા અંતરે એક કાચી સડક હતી. સડકની સામી તરફ એક નાનું ગામ હતું, અને છુટા છવાયાં ઝૂંપડાં, ખેતર અને ઘાસનું મેદાન હતું .
સોસાયટીની દિવાલ પછી સડકને અડીને વિશાળ પીપળાનું ઝાડ હતું. એની આજુબાજુ કોઈએ ચોરા જેવું પણ બાંધેલું. પીપળો એને દાદીની યાદ અપાવતો. અનેરીની મા શોભાએ અનેરી પાંચ વર્ષની થઈ પછી બી.એ.બી.એડ. કર્યું તેથી અનેરી સાત આઠ વરસની થઈ ત્યાં સુધી દાદી પાસે જ રહી. કોઇપણ મૂંઝવણનો ઉકેલ શોધવામાં દાદી પાવરધા હતાં.
આજે જરા ઉદાસ ગુમસુમ અનેરી પીપળા પાસે આવી અને પાણી રેડી પગે લાગી. આ એની ફેવરિટ જગ્યા હતી. સવારે ૧૦:૩૦ ૧૧:૦૦ ના સૂર્યપ્રકાશમાં ચમકતા અણીદાર પીપળાના પાન પવનમાં ફરફરતાં એક ફુસફુસાતો અવાજ કરતાં. એ જોવાનું અને સાંભાળવાનું ખૂબ ગમતું. એને લાગતું પીપળો એની સાથે વાત કરી રહ્યો છે. એનું વિશાળ ઘેરાવો ધરાવતું થડ બે જણની બાથમાં ન આવે એવું પહોળું હતું.
ચારે તરફ ફેલાયેલી ઘટામાં એક તરફ ઉપર આઠ દસ સુગરીના માળા પવનમાં ઝૂલ્યા કરતાં. આ પીપળા પર કાગડા, કાબર, ચકલી બધાં સંપીને રહેતા.
સાંજે પણ એ ઘણીવાર ચાલવા નીકળે ત્યારે થોડી વાર બેસી સામે સૂર્યને પશ્ચિમમાં આથમતો જોયા કરે. મેદાન જ્યારે ચોમાસામાં હરિયાળું હોય કે ઉનાળામાં સૂકું પીળું, બંને સાથે આથમતો સૂર્ય એકદમ ફોટોજનિક બની જતો.
પીપળા સાથે એને માયા બંધાઈ ગઈ હતી. નાનપણમાં પીપળાના પાનને ચોપડીમાં મુકી એને સુકાવા દેતાં જેથી એ સીદીસૈયદની જાળી જેવું બની જતું. સુકાયેલા આ પર્ણો વાપરી કેટલાંય સુંદર આર્ટવર્ક એણે બનાવ્યા હતાં.
“જો અહીં સડક બનશે તો આ પીપળો…” એ વિચારી રહી. “ના, ના. સડક તો થોડે દૂર પણ બની શકે! કહે છે કે આ પીપળો ખૂબ જૂનો છે. એને કાપવાની રજા મેળવવી સહેલી નથી. સોસાયટીને પણ કાપવાની પરવાનગી નહોતી મળી. અરે, અમેરિકામાં હોય ને તો ઝાડને કોરીને રસ્તો બનાવે. એવું ન થઈ શકે તો મૂળસોતું ઉખાડી બીજે રોપી દે, પણ કાપે તો નહીં જ….!”
પછી એણે પીપળાના થડને હથેળી લગાડી અને લગભગ રડમસ અવાજે કહ્યું, “તને કંઈ નહીં થવા દઉં…!”
બે-ત્રણ દિવસ પછી કાચી સડકને કિનારે એક નવું પાટિયું મુકાઈ ગયું ,,”હાઇવે પ્રોજેક્ટ.” અને, પછી તો કાચી સડક સાફ થવા લાગી. એની આસપાસના ઝાડી ઝાંખરાં પણ સાફ થવા લાગ્યાં.
અનેરી સાવધ થઈ ગઈ. હવે નિયમિત બે વાર પીપળા તરફ આંટો મારતી હતી.
એક દિવસ એક કર્મચારી જેવા ભાઈ ફાઈલો લઈને ઊભા હતા. બીજો માણસ ટ્રાયપોડ લઈને સડક ઉપર કામ કરતો હતો.
“ઓ ભાઈ શું કરો છો?” અનેરીએ અજાણ્યા થતાં પૂછ્યું.
“મેડમ, અહીં હવે હાઇવે બનશે!”
‘તો આ પીપળાનું શું કરશો?” અનેરીએ જાણે કશું જાણતી જ ન હોય એમ પૂછ્યું.
“હાસ્તો! એને તો કાપવો જ પડશેને?”
“તમને ખબર છે આ કેટલો જૂનો છે? સો વરસ જૂનો છે!”
“હશે બેન. ઘણું જીવ્યો. આ તો પ્રોસીજર છે, એટલે ફોલો કરવી જ પડે.”
બીજા દિવસે પેપરમાં સડકની ધાર ઉપર આવેલા ૧૭૫ વૃક્ષને કાપવાની નોટિસ ટ્રી ઓથોરિટી દ્વારા આપવામાં આવી હતી. કોઈને કંઈ ઓબ્જેક્શન હોય તો દસ દિવસમાં અરજી કરવાની.
અનેરી એક દિવસ અરજી લઈને ભરવા બેઠી. “સમીપ, આ જરા જોને? અરજી બરાબર ભરી છે?
“અરજી તો બરાબર છે પણ તું વૃક્ષપ્રેમને કારણે સરકારી કામમાં દખલગીરી ના કરે તો સારું.” સમીપે સમજાવટના સૂરે કહ્યું.
અનેરીના અવાજમાં સહેજ રીસ હતી. “મેં તને ખાલી અરજી જોવાનું કહ્યું છે!”
“હા, અરજી તો બરાબર લાગે છે.” સમીપે ભમ્મર ઉલાળતા અરજી પર એક નજર ફેંકીને કહ્યું. એણે વધુ ચર્ચામાં ઉતરવાનું માંડી વાળ્યુ. આ બાજુ, અનેરી પણ ઝટપટ પીપળે પાણી રેડી ટ્રીઓથોરીટીની ઓફિસે પહોંચી ગઈ.
પહેલા ટેબલ પર એને પૂછપરછ કરી તો ત્યાં બેઠેલા કર્મચારીએ માત્ર એક વાક્યમાં ‘બ્રહ્મસત્ય’ કહેવાતું હોય એટલી નિર્લેપતા અને શુષ્કતાથી કહ્યું. “અરજી આપી જાવ બેન..”
“મારે સાહેબને મળવું છે. સાહેબ મળશે?”
“સાહેબ કામમાં છે. એમ ન મળી શકે.”
“બસ બે મિનિટ!”
“અરે બેન, તમને એકવાર કહ્યુંને કે આજે બીઝી છે, તમે જાવ! પછી આવજો!’ આવા પાંચેક ધક્કા અનેરી ખાઇ આવી પણ કંઈ વળ્યું નહીં.
એક દિવસ એક કર્મચારી, ચાર મજૂરને લઈને પીપળા પાસે વિસ્મયથી એના કદાવર કદને જોતો ઉભો હતો.
“ઓ ભાઈ, તમે સમજોને! વૃક્ષો પર્યાવરણ માટે કેટલા ઉપયોગી છે. આવી ઓક્સિજન ફેક્ટરી તમે બંધ કરી દેશો તો હવા શુદ્ધ કેમ થશે?” લગભગ પોણા કલાકના ભાષણ પછી અનેરીએ કર્મચારીને પીપળો કાપવાથી થતી હાનિનો ચિતાર આપ્યો. બિચારો… આજુબાજુનાં બીજાં ઝાડવાં કપાવી જતો રહ્યો.
બીજા અઠવાડિયે બીજો મુકાદમ જેવો માણસ મજૂરોને લઇ આવી પહોંચ્યો. બધાં કામ પડતાં મૂકીને અનેરી આવી.
“જો ભાઈ, આ પીપળામાં ભૂત રહે છે.” એણે અવાજ સાવ ધીમો કરી નાટકીય રીતે કહ્યું.
“હેં? ખરેખર?” મુકાદમ ચોંકી ગયો.
“હા..! રાતવરત બોલે પણ છે કે જે એનાં સલામત ઘરને હાથ લગાડશે એની ખેર નથી. પીપળો ચમત્કારી છે. અને ભૂત પણ સારા લોકોને હેરાન નથી કરતું.” આ સાંભળીને મુકાદમ મજૂરો સહિત ભાગી ગયો.
બે દિવસ પછી એક ખૂબ ગામડિયા જેવો લાગતો માણસ, મજૂરોને લઈને પીપળો કાપવા માટે આવ્યો. ત્યારે અનેરીએ એને ૫૦૦ રૂપિયા આપ્યાં અને કહે,
“જુઓ ભાઈ, આ સો વરસ જૂનો પીપળો છે. તમે તો નજીકનાં ગામમાં રહો છો. કોને ખબર, તમારા પરદાદાએ આ પીપળો ઉગાડ્યો હોય? તમે એને કાપી નાંખશો? આમ અનેરીએ એને પણ વિદાય કર્યો અને કહ્યું, “ભાઈ, કાપતા નહીં. સમજીને ચા પાણી લઈ લઈ લ્યોને!”
અનેરીને આમ તો ખાતરી હતી જ કે પીપળો કાપવાવાળાં પાછાં આવશે જ. અનેરીએ સોસાયટીમાં બધાંને સમજાવી કહ્યું કે હવે આપણે આવતા અઠવાડિયે પીપળો કાપવા માટે જો આવશે તો આપણે મોરચો કાઢીશું, બધાં મોરચા માટે તૈયાર થઈ જાવ.” અને, આમ, બીજા અઠવાડિયે, સોમવારની સવારથી જ અનેરી એટલી બધી ઉત્તેજિત હતી કે ઘરમાં બધાંને જલ્દી જલ્દી ઉઠાડી દીધાં. “ચાલો, ચાલો. આપણે મોરચામાં જવાનું છે.” અને, જલ્દી તૈયાર થઈને પીપળા પાસે ગઈ, ને, જોયું તો આખી સોસાયટીમાંથી તો ગણીને ચાર જણાં આવ્યા હતાં.
એ ખૂબ નિરાશ થઈ પણ પછી એણે છોકરાઓએ અને સમીપે મળી બહુ નારા લગાવ્યાં. પ્લેકાર્ડ પર “વૃક્ષ બચાવો”ના સંદેશ લખી જોરજોરથી બરાડાં પણ પાડ્યાં. ધીમે ધીમે લોકો વધવા લાગ્યાં.
ઉગ્ર દલીલો અને આક્ષેપબાજી પછી આખરે ઝાડ કાપવાવાળાં પાછા ગયાં. પણ હવે આગળ તો કોઈ ઉપાય પણ બાકી રહ્યો નહોતો. સરકારી કામમાં દખલ દેવા અનેરીને નોટિસ પણ મળી ચૂકી હતી.
આખરે એ ગોઝારો દિવસ પણ આવી જ ગયો. બરાબર બપોરે બે વાગે મોટી ક્રેન અને સામાન સાથે પીપળાના વધ માટે જલ્લાદો આવી ગયા. અનેરીની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં.
સાત આઠ મજૂર ઉપર ચડી, મોટી ઇલેક્ટ્રીક કરવતથી ડાળી કાપવા તૈયાર થઈ ગયાં. એ કરવતની મોટર ચાલુ થઈ અને મોટી ડાળી પલક વારમાં નીચે પડવાની હતી કે અનેરીનુ હ્રદય કાબૂમાં ન રહ્યું. અચાનક કંઇ સૂઝ્યું અને દોડતી જઈ પીપળાના ઝાડને વળગી પડી. ઉપરથી ડાળી પડી “ધડામ…અને અનેરીની ચીસ હવામાં ગુંજી ઊઠી.
બે દિવસ પછી અનેરીએ આંખ ખોલી તો પોતે હોસ્પિટલના બેડ પર સૂતી હતી. એ બેઠી થવા ગઈ પરંતુ ખભામાં જોરદાર સણકો માર્યો. સમીપે પાસે આવીને સુવડાવી દીધી. “તને કઈ થઈ ગયું હોત તો? અમારું બધાંનું શું થાત? ગાંડી.. નહીં તો….!”
સમીપની આંખમાં આટલું બોલતાં ઝળઝળિયાં આવી ગયાં. “તને ખબર છે, મારી ઓફીસે એક હજાર વૃક્ષ ઉગાડવાનો સંકલ્પ લીધો છે.” સમીપે હરખાતા કહ્યું.
નાનો શૂલીન બંને હાથ પહોળા કરી કહે, “મમ્મી, હું અને મારા ફ્રેન્ડ્સ આટલા બધાં ટ્રીઝ રોપશું.”
દીકરી તાન્યા પાસે આવી પૂછે, “મમ્મી, બહુ દુખે છે? આપણે ચોક્કસ બીજો પીપળો ઊગાડશું.”
સામે ટ્રી ઓથોરિટી વાળા ઓફિસર પણ ઉભા હતા. “મેડમ તમારો વૃક્ષપ્રેમ જોઈ હું તમારા પર સરકારી કામમાં દખલ દેવા માટે કેસ નથી કરતો અને ખાતરી પણ આપું છું કે નવા હાઇવે ની આજુબાજુ વૃક્ષારોપણ કરશું.”
“મેડમ, મારો તો જીવ જ નીકળી ગયો હતો!” ઝાડ કાપવાવાળો મજૂર પણ ત્યાં ખબર કાઢવા આવ્યો હતો. “ખબર નહિ, પીપળાએ તમને બચાવી લીધાં કે ખાલી પાતળી ડાળી જ તમારા પર પડી બાકી … તમને કંઈ થઇ જાત તો મારા શું હાલ થાત?”
ઘણાં પડોશી સોસાયટીમાંથી ખબર કાઢવા આવતાં. સૌએ વૃક્ષ ઉગાડવાનો નિશ્ચય કર્યો. “એક પીપળા સામે પંદરસોથી વધુ વૃક્ષ વવાશે. નોટ બેડ!” અને અનેરી મનોમન મલકી પડી.
અનેરી હવે ઘેર આવી ગઈ હતી. એ ફરીથી ચાલવા જવા લાગી. હવે હાઇવે ઘણો બંધાઈ ગયો હતો. પીપળાનું કપાયેલું ઠુંઠુ ઉખાડી નહોતું શકાયું તેથી આગળ રેલીંગ બાંધીને રહેવા દેવાયેલું. અનેરી હળવેથી ત્યાં બેઠી. પીપળાનાં ઠૂંઠા પર અનેક આયુષ્યના વલયો હતાં. એણે ગણ્યાં. બરાબર સો હતાં.
‘બરાબર, એની દાદી જેટલાં સ્તો….!’ મમતાથી એણે કપાયેલા થડ પર હાથ ફેરવ્યો. સહેજ ખાંચામાં એનો હાથ ફર્યો અને એનું મુખ આનંદથી પુલકિત થઈ ગયું. એણે જોયું તો ત્રણ નાની ચમકતા ગુલાબી રંગની કૂંપળ ફૂટી હતી.
અને અચાનક એને યાદ આવ્યું આ તો “અશ્વત્થ” છે. જેને અમરત્વ પ્રાપ્ત થયું છે. માણસાઈની જેમ જ….! ગમે તેટલી દુષ્ટતા અને નિર્દયતાના ઘા વાગે, એનો ધ્વંસ કરવા ચાહે પણ ક્યાંક તો માનવતા ઊગી જ નીકળવાની…!
~ માના વ્યાસ (મુંબઈ)
વૃક્ષ અને મનુષ્યના આત્મીય સંબંધની અદ્ભુત કથા
ખૂબ સરસ વાર્તા. પર્યાવરણ સાથે માણસાઈની વાત. અશ્વત્થની જેમ માણસાઈ અમર છે, એવો ગર્ભિત સંદેશ. મજા આવી. હુ વાર્તા પઠન કરુ છુ., તો આપની વાર્તા પઠન કરુ ?
ખૂબ સરસ વાર્તા!