બાદન બાદન ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:20 ~ ઉત્કર્ષ મઝુમદાર
અમે હૈદલબર્ગથી બાદન બાદન આવવા નીકળ્યા. અંતર હતું 90.2 કિલોમીટર અને કલાકની અંદર પહોંચી જવાય, પણ અમને દોઢ કલાક લાગ્યો. અહીં અમે હોટેલમાં નહિ, પરંતુ એરબીએન્ડબીમાં રહેવાના હતા.
આ પ્રવાસનું પ્રથમ એરબીએન્ડબી. હવે જેને આ શું છે તે ખબર ન હોય તેમને જણાવું કે હોટેલના પર્યાય તરીકે થોડા દસકાઓથી આ નવું નીકળ્યું છે.

2008માં બ્રાયન, નાથન અને જો નામના ત્રણ યુવાનોએ અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં આ કંપની સ્થાપી.
બેડ અને બ્રેકફાસ્ટની સગવડ આપતી આ કંપની પાસે કોઈ હોટેલ કે રૂમ્સ નથી. એ તો ફક્ત સંકલનનું કાયમ કરે છે. હોટેલમાં રહેવાનું ઘણાને પરવડે નહિ અથવા કોઈ કારણસર હોટેલમાં ન રહેવું હોય તો તેમને માટે આ અતિઉત્તમ સગવડ છે.
કોઈ કુટુંબ કે વ્યક્તિ પાસે વધારાનો સ્વતંત્ર ટોઈલેટની સુવિધાયુક્ત ઓરડો હોય કે અલાયદો ફ્લેટ હોય તેઓ આમાં જોડાય. આ ફ્લેટ કે રૂમ ભાડે અપાય મુસાફરોને. આથી લોકોને વધારે આવક ઊભી થાય. ઘણી જગ્યાએ કિચનની સગવડ પણ હોય ને તમે રસોઈ પણ બનાવી શકો. ટીવી, ફ્રિજ, વાઇફાઇ જેવી બધી સગવડો ઉપલબ્ધ હોય. કંપની વચેટિયાનું કામ કરે ને બધાને ફાયદો થાય.
સીજે ગાડી ચલાવતા ચલાવતા મને કહે. “ઉત્કર્ષ, તું સવારની પરીક્ષામાં પાસ થઇ ગયો છે, ફર્સ્ટ ક્લાસ માર્ક સાથે પણ હવે તારી બપોરની પરીક્ષા શરુ થાય છે.”
એણે આ કહ્યું ને હું ભૂતકાળમાં ખોવાઈ ગયો. અમારા વખતે મેટ્રિકની એટલે કે અગિયારમાં ધોરણની પરીક્ષા એ બોર્ડની પરીક્ષા રહેતી અને એમાં પાસ થયા પછી ચાર વર્ષ કોલેજના. આ મેટ્રિકની પરીક્ષા અઠવાડિયામાં પૂરી થઇ જતી. રોજના બે પેપર્સ.
આજના છોકરાઓને તો માનવામાં ન આવે… રોજના બે પેપર્સ? સીજેને તરત જ જવાબ ન મળ્યો એટલે તો એ ચગ્યો, “કાં કલાકાર નર્વસ થઇ ગયો બીજા પેપરની વાતથી?”
“અરે હોય કાંઈ, બંદા તૈયાર જ છે. બાદન બાદન એ ‘સ્પા’ માટે નામના ધરાવતું શહેર છે જે પ્રખ્યાત ‘બ્લેક ફોરેસ્ટ’ના એક છેડે આવેલું છે.

ફ્રાન્સની સરહદ અહીંથી ફક્ત 40 કિલોમીટર દૂર છે. ગામમાંથી એક નાની નદી વહે છે જેનું નામ છે ‘ઉસ’ નદી.
અમારા નિશ્ચિન્તજી શબ્દ સાથે અતિચોકસાઇના આગ્રહી. એણે તરત જ પૂછ્યું. “બાદન દો બાર કયું આતા હૈ?”
ફોડ પાડતા મેં કહ્યું. “વાત જાણે એમ છે કે જર્મન ભાષામાં બાદન એક નામ છે, સંજ્ઞા છે. જેનો અર્થ થાય છે ‘નહાવું’, પણ આ સ્પાવાળા એક જ નામવાળા શહેર તો યુરોપમાં બીજા ઘણા છે, જેમ કે ઓસ્ટ્રિયામાં વિયેના નજીક એક છે તો બીજું સ્વિત્ઝર્લેન્ડમાં ઝ્યુરીકની પાસે પણ છે.
આ શહેરના નામ પરથી આ વિસ્તાર પણ બાદનના નામે ઓળખાય છે જ્યાં એક કાળે માર્જરાવીયેટ વંશનું રાજ્ય હતું. આ બાદન બાદન એટલે બાદન રાજ્યનું શહેર. 1931માં સત્તાવાર રીતે આ નામ એને મળ્યું.”
“અહીં આવેલા બાર ગરમ પાણીના ઝરા આરામ ફરમાવવા માંગતા મુલાકાતીઓને સદીઓથી આકર્ષે છે. ઓગણીસમી સદીમાં તો આનો સુવર્ણકાળ હતો. ઉત્તમ લોકેશન, સ્પા માટેની સગવડો ને ભવ્ય કેસિનો અમીર, ઉમરાવોને અહીં ખેંચી લાવતો.”
“આજે અહીં આ બધા ઐતિહાસિક સ્થળો તો છે એ ઉપરાંત બીજા આધુનિક સ્પા કેન્દ્રો, સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટ્સ, ઝવેરાતની દુકાનો અને કલાના મ્યુઝિયમ્સ પણ ખરા.”
“રોમન વસાહતના પુરાવાઓ પણ અહીંથી સાંપડે છે. રોમન રાજા કારાકલા (સન 210)ના સમયના રોમન બાથના ખંડેરો પણ અહીં મળી આવ્યા છે. ખુદ રાજા એની આર્થરાઈટ્સની બીમારીથી રાહત મેળવવા અહીં આવેલો.
ઓગણીસમી સદીની શરૂઆતમાં પ્રશિયાની રાણી પણ અહીં રાહત મેળવવા આવેલી ને ત્યારથી આ શહેર લોકપ્રિય થવા લાગ્યું. યુરોપના ‘ઉનાળુ પાટનગર’ તરીકે એની ખ્યાતિ વધવા લાગી. શિયાળામાં લોકો અહીં સ્કિઇંગની મઝા માણવા આવે.
પ્રખ્યાત રશિયન સાહિત્યકારો ટોલ્સ્ટોયની અને તુર્ગનેવની કૃતિમાં પણ આનો ઉલ્લેખ મળી આવે અને દોસ્તોવસ્કીએ એની ‘ધ ગેમ્બલર’ અહીંના કેસિનોમાં ચિક્કાર જુગાર રમતા રમતા લખી.”
“હોલીવુડની ‘ધ રોમાન્ટિક ઇંગ્લિશ વુમન’ નું શૂટિંગ અહીં થયું.

અરે જાણીને આનંદ થશે કે હિન્દી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ નું અમુક શૂટિંગ પણ અહીં થયેલું.”
“કલાકાર બપોરની પરીક્ષામાં પણ ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો.” અંજાઈ જતા સીજેએ કહ્યું.
વાતો કરતા કરતા બાદન બાદન પહોંચી ગયા. અમારે હવે અમારું એરબીએન્ડબી ખોળી કાઢવાનું હતું. જીપીએસની મદદથી એ પણ આસાન થયુ. લિષ્ટઈનટટલેર સ્ટ્રીટ 103 પર અમારું રહેઠાણ હતું.
અમારા યજમાનનું નામ હતું બ્રુનો અને કેથરીન લિન્ટ. તેઓ મકાનના પહેલા માળે રહેતા હતા જયારે અમારો ફ્લેટ બીજા માળે હતો, પણ દાદરાઓ અલગ હતા. લિફ્ટ ન હતી. એપાર્ટમેન્ટ બહુ જ સરસ હતું. શરૂઆત અમારી સરસ થઇ.
અહીં આવનારને રહેવા માટે એરબીએન્ડબીની હું ભલામણ કરું છું. સિટી સેન્ટરથી બહુ નજીક છે. ચાલીને જવાય એવું છે છતાંય શહેરની ધાંધલ ધમાલથી દૂર છે.
થોડોક આરામ કરીને હાથ મોં ધોઈને અમે રાત્રિભોજન માટે નીકળ્યા અથવા એમ કહો કે સાંધ્યભોજન માટે નીકળ્યા.
એક બહુ જ મજેદાર બનાવ બની ગયો. ગાડીમાં અમે જે રેસ્ટોરંટમાં જવાનું હતું ત્યાં જવા નીકળ્યા. રસ્તો રળિયામણો હતો. અમે અહીંના ધનાઢ્ય રહેણાંકવાળા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા.
એક નયનરમ્ય મોટો બગીચો પણ આવ્યોઃ પણ અમારે જ્યાં જવાનું હતું તે સ્થળ આવે જ નહિ. અમે ગોળ ગોળ ફરતાં જ રહ્યા, જીપીએસ હોવા છતાં. આવું કેવી રીતે બન્યું તેની આ જ ઘડી સુધી ખબર પડી નથી. જીપીએસ બતાડે ત્રણ મિનિટ પણ પંદર મિનિટ પસાર થઇ ગઈ છતાંય ગંતવ્ય સ્થાન આવે જ નહિ.
અમે ચિંતામાં પડી ગયા. મૂંઝાઈ ગયા. રાબેતા મુજબ રસ્તા પર એકે રાહદારી નહિ, પૂછવું તો કોને પૂછવું?
મને વિચાર આવ્યો અહીં ચાલવા માટે સરસ મઝાની ફૂટપાથ છે ને એક રાહગીર દેખાતો નથી ને આપણે હિન્દુસ્તાનમાં ચાલનારાઓની રસ્તે ભીડ ને ફૂટપાથ ખરાબ અથવા હોય જ નહિ. આવે વખતે વિકસિત અને વિકાસશીલ દેશ વચ્ચેનો ફરક સમજાય. વસ્તી વધારાથી ઊભી થતી સમસ્યા સમજાય.
છેવટે સીજેએ નક્કી કર્યું આમ ને આમ તો ગોથા ખાતા રહીશું એના કરતા આ બધાને બગીચા આગળ ઉતારી દઉં એટલે મારે આ લોકોની વઢ સાંભળવી ન પડે ને એમને પણ થોડોક નઝારો માણવા મળે.
આસપાસનું દ્રશ્ય સાચે જ મનોરમ હતું. એકલદોકલ ગાડીઓ આવજા કર્યા કરે. માણસ કોઈ દેખાય નહિ ને આંખ ઠારે એવા ઝાડવાંઓ પુષ્કળ દેખાય. સહસા અમને ચિંતા થઇ. સીજે જો ભૂલી જશે કે અમને ક્યાં ઉતાર્યા છે તો શું થશે? અમારી પાસે સરનામું પણ નહિ, ઘરે પાછા કેવી રીતે જઈશું?
તણાવ હતો એટલે ભૂલી ગયા કે અમારી પાસે વાઇફાઇવાળો મોબાઈલ હતો. દસેક મિનિટ પછી વિજેતાની અદામાં સીજે આવ્યોઃ અને કહે ચાલો બેસી જાઓ બંદાએ રસ્તો ખોળી કાઢ્યો છે. અમે રેસ્ટૉરન્ટ પર પહોંચી ગયા. સારા નસીબે સામે જ પાર્કિંગ મળી ગયું.
હોંગ નામની ચાઈનીઝ રેસ્ટોરન્ટ હતી. એકઠી થયેલી ચિંતાનું ભારણ દૂર કરવા પહેલા તો હીનાએ વાઈન અને અમે બિયરથી શરૂઆત કરી.
આપણે હિન્દુસ્તાનમાં જે ચાઈનીઝ ખાઈએ એનાથી જુદું જ આ ખાવાનું હતું. સ્વાદિષ્ટ હતું. દારૂ પીધા પછી બધું સ્વાદિષ્ટ જ લાગે એવું જો તમે કહેવાના હો તો ખોટા ઠરશો. ખાવાનું સાચે જ સારું હતું એટલે બીજા દિવસે પણ અમે ત્યાં જ જવાના હતા.
જમીને ગાડીમાં અપાર્ટમેન્ટ પર પાછા આવ્યા ને આ શું? ત્રણ મિનિટમાં તો પહોંચી ગયા. આટલું ઢૂંકડું હશે એની તો કલ્પના પણ નહિ. પેલી કહેવત યાદ આવી ગઈ: કાખમાં છોકરું ને ગામમાં શોધે. અમે કેવા મૂરખ બન્યા પણ કઈ વાંઘો નહિ એ બહાને અમને અહીંનો એક સુંદર વિસ્તાર જોવા મળી ગયો. થાક્યાપાક્યા હતા એટલે પલંગ પર પડતા જ ઊંઘ આવી ગઈ તે વહેલી પડે સવાર.
(ક્રમશ:)