તમે જતાં રહ્યાં પછી ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
જેનું આગમન છે એનું પ્રસ્થાન નિશ્ચિત છે છતાં ઘણી વાર કોઈ વ્યક્તિ જલદી એક્ઝિટ લઈ લે ત્યારે અકારું લાગે. ગોધરાસ્થિત શિક્ષક અને ગઝલકાર મોહસિન મીર ‘સ્પર્શ’ જ્યારે શાળામાં વર્ગ લેતા હતા ત્યારે તેમને હાર્ટ-અટૅક આવ્યો અને નાની વયે તેમનું આકસ્મિક નિધન થયું.

આજકાલ હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધતું જ જાય છે. હવે તો ત્રીસી અને ચાલીસીની આસપાસના લોકો એનો ભોગ બનવા લાગ્યા છે. સ્વજનની અચાનક વિદાય પછી પરિવારની હાલત કફોડી બનતી હોય છે. બરબાદ જૂનાગઢી લખે છે…
ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ
રડતી રહી બહાર તમારા ગયા પછી
મસ્તી નથી – ઉમંગ નથી – કો’ ખુશી નથી
ઊતરી ગયો ખુમાર તમારા ગયા પછી

કેટલાક આઘાત એવા આકરા હોય કે કળ વળતાં વાર લાગે. કેટલાક એવા પ્રશ્નો ઊભા થાય જેનો જવાબ આપવામાં સમય પણ મૂંઝાઈ જાય. છતાં કપરો કાળ પસાર તો કરવો જ પડે. જે પ્રેમ આપણી શક્તિ છે એને આપણી નબળાઈ બનવા નથી દેવાની. આ કામ જરૂર અઘરું છે, પણ એમાં જ ઘણા સવાલોના ઉત્તરો સમાયેલા છે. હરીન્દ્ર દવે અંધકારમાંથી હાથ લાગતું કિરણ શોધી કાઢે છે…
પહેલાં તમારી આંખે સિતારા હસી પડ્યા
વાતાવરણમાં શોકભરી રાત થઈ પછી
નાજુક ક્ષણોમાં કોલ મેં મૃત્યુને દઈ દીધો
મારી જીવનની સાથે મુલાકાત થઈ પછી

માણસને મૃત્યનો આછોસરખો પરિચય થાય તો એની માન્યતા ધરમૂળથી બદલાઈ શકે. અકસ્માતમાંથી બચી જનારને જિંદગીની સાચી કિંમત સમજાય છે. શ્વાસ છે તો આ જીવનનો રાસ છે. સમજણ જે શીખવાડી ન શકે એ અચાનક લાગતો શૉક શીખવાડી દે. શેખાદમ આબુવાલા શીખ આપે છે…
કોઈ જોગણનાં ચરણમાં પુષ્પ થૈ પથરાઈ જા
કે પછી વારાંગનાનું સ્મિત બની વેચાઈ જા
શક્ય હો તો કોઈ યોગીના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા
લાંબા સમય સુધી મૌન રાખ્યા પછી કે શબ્દો નીકળે એમાં ગાંભીર્ય આવે. ચાળી-ગાળીને પછી જે ઠરે એ જગત સામે આવે. જે. કૃષ્ણમૂર્તિ જેવા અનેક ચિંતકોની વાણી જગત સામે મોતી બનીને પહોંચી છે.

મોતીનું નિર્માણ ધીરજ માગી લે છે. આપણા જેવા શહેરીઓના સિલેબસમાંથી ધીરજ છૂમંતર થઈ ગઈ છે. રઈશ મનીઆર બારીક તંતુ છેડે છે…
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી
વિહવળતા જીરવી શકું એ બળ મને મળે
હા, સ્વસ્થ થઈ શકાય છે વિહવળ થયા પછી
હાંફળા-ફાંફળા થઈ જવાનું આપણને સહજ છે. ચા દસ મિનિટ મોડી આવે તો જાણે આસમાન તૂટી પડ્યું હોય એવું કરી નાખીએ. ટ્રેન ખાલી હોય તોય દોડીને પકડવાની આપણી આદત છૂટતી નથી.

ખાવાનું એવું લૂસ-લૂસ ખાઈએ જાણે છેલ્લા કોળિયા પછી રાષ્ટ્રપતિના હાથે કોઈ ઇલકાબ મળવાનો હોય. આપણને સુખ વિશે ખબર છે, સંતોષ વિશે કાં તો ખબર નથી અથવા તો એનું વજૂદ આપણી દૃષ્ટિની બહાર છે. મુકુલ ચોકસી ગહન વાત કરે છે…
સહરાની છાલકોય પછી અમને ચાલશે
શીખી જવા દો એક વખત તરબતર થવું
જાકારો આઠેઆઠ દિશાએ દીધા પછી
અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું?
રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાને કારણે એક બાજુ ભક્તોના આવકારાની મોસમ જામી છે તો બીજી બાજુ વિપક્ષો દ્વારા જાકારાની મોસમ જામી છે. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે સોનિયા ગાંધી અને અન્ય કૉન્ગ્રેસ મોવડીઓએ ઉપસ્થિત રહેવાની ના પાડી દીધી.
![]()
સારું થયું. જે લોકો રામનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર ન હોય એમના હોવા-ન હોવાથી કોઈ ફરક ન પડવો જોઈએ. કામ કર્યા વગર સત્તા મેળવવાની લાલસા ધરાવનારોઓને મૉલદીવ્ઝ મોકલી આપવા જોઈએ. આપણે તો આપણું લક્ષ્ય દીપ જેમ ઝળહળતી સનાતન ચેતના પર ધરવાનું છે.
લાસ્ટ લાઈન
વિશેષ કંઇ થયું નથી, તમે જતાં રહ્યાં પછી
શ્વસન જરા શમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી
રમતબમત રમે નહીં, કશાયથી રીઝે નહીં
હ્રદય હ્રદય રહ્યું નથી, તમે જતાં રહ્યાં પછી
ચમન, સુમન, નદી, ઝરણ, પહાડ ગીત ને ગઝલ
ઘણું બધું ગમ્યું નથી, તમે જતાં રહ્યા પછી
ગલી ગલી, ડગર ડગર, નગર નગર, અવાક છે
કશું જ ધમધમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી
તમારું મૂલ્ય કેટલું વધારે કંઇ ખબર નથી
તમારું ઘર જમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી
ધબક ધબક જતું રહ્યું પલક ઝબક ઝબક નથી
બીજું કશું ગયું નથી, તમે જતાં રહ્યાં પછી
મોહસીન મીર ‘સ્પર્શ’
અવસાનઃ ૮ જાન્યુઆરી ૨૦૨૪
હ્રદય દ્રવી ગયું..! આટલા પ્રોમીસિંગ શાયર મોહસીનભાઈ જન્નતનશીન થયા એ વાંચીને થયું “જમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે..!” એમની રુહને ખુદા સકુન બક્ષે.🙏🙏🙏