મી ટુ ~ વાર્તા ~ ગોપાલી બુચ
ઋત્વી આકોશ સાથે કમલેશકાકાના ઘરમાં એન્ટર થઈ.એણે ચારે તરફ રૂમમાં નજર ફેરવી. સામે સોફા ઉપર કમલેશકાકાની સાથે રૂપેશમામા પણ બેઠા હતા.
રૂપેશમામા કમલેશકાકાના સગા સાળા એટલે ઘરમાં એમની વારંવારની આવ-જા રહેતી. વળી ઋત્વીના પિતા અનિલભાઈ અને કાકા કમલેશભાઈ – બન્ને ભાઈઓના પરિવાર સાથે જ રહેતા હોવાથી ઋત્વી રૂપેશમામાથી પરિચિત હતી. ઋત્વી પણ રૂપેશને રૂપેશમામા જ કહેતી.
સમયાંતરે અનિલભાઈનો પરિવાર અલગ રહેવા ગયો અને ઋત્વીના મનમાંથી રૂપેશમામા ભૂંસાઈ ગયા.
આમ જુઓ તો લગભગ પચાસ વરસથી ઋત્વીએ રૂપેશમામાને જોયા પણ નહોતા. કાકી સાથે ફોન પર વાતચીત દરમિયાન ખબર પડી કે બિમાર રૂપેશમામા સારવાર અર્થે અમદાવાદ આવ્યા છે ત્યારે અચાનક જ એને પણ રૂપેશમામા યાદ આવ્યા.
ઋત્વીનાં ઘાવ તાજા થયા. એને રૂપેશમામાને મળવાની ઈચ્છા થઈ આવી. ઋત્વી મનોમન બોલી, “આજે મળી જ આવું. મને જોઈને ઓળખી જશે તો કહીશ કે “આ એ જ ચહેરો છે જેની પર વણિયરનાં દાંત ઊગવાના હતા. ધ્યાનથી જુઓ. નથી ઊગ્યાં ને? “
વણિયરનો વિચાર આવતાં જ ઋત્વીએ કચકચાવીને આંખ મીંચી દીધી.
થોડી સ્વસ્થ થઈ એણે કાકીને ફોન કર્યો. “સાંભળ્યું છે કે રૂપેશમામા આવ્યા છે?
કાકીઃ “હા, થોડાં રિપોર્ટ કરાવવા દીકરી રિયા સાથે આવ્યા છે.”
ઋત્વીએ તરત જ કાકી સમક્ષ રિયા સાથે વાત કરવાની માંગણી કરી અને ખાસ્સી લાંબી વાત કરી. લાંબા સમયથી સળગતાં મનને ઠારવાનાં નિર્ણય સાથે ઋત્વી કમલેશકાકાને ત્યાં પહોંચી ગઈ.
લાંબા સમયે ઋત્વીને આવેલી જોઈ કાકા- કાકીએ ઉમળકાથી આવકારી, “કેમ છે બેટા? તું ઘણા વખતે દેખાઈ. તને જોયાંને વર્ષો થઈ ગયા બેટા. કાકાને સાવ ભૂલી ગઈ ? “
“હા કાકા. એકદમ મજામાં. તમે કેમ છો? હમણાં કામ ઘણું જ રહેતું હોવાથી બહુ નીકળી શકાતું નથી, પણ આજે ખાસ કામ હોવાને કારણે અહીં આવી છું.” ઋત્વી કમલેશકાકાને પ્રણામ કરી કાકીની નજીક જઈને બેઠી.
એણે જોયું કે સામે ખુરશીમાં રૂપેશમામા બેઠા હતા.
એમને ઉંમરનો માર સ્પષ્ટ દેખાતો હતો. એમાં પણ અસ્વસ્થ તબિયતે રૂપેશમામાની ઉમરમાં બીજાં દસ વર્ષ વધારી દીધાં હોય એવું લાગતું હતું.
ઋત્વીએ છેલ્લે રૂપેશમામાને જોયા ત્યારે રૂપેશમામા હશે પચ્ચીસ કે છવ્વીસના અને પોતે ચાર – પાંચ વર્ષની હતી. આમ જોવા જાવ તો આ બાલ્યાવસ્થાની વાતો બહુ યાદ પણ ન રહે પણ ઋત્વીને બહુ યાદ રહી હતી.
કેટલીય વાર રૂપેશમામાએ એને વણિયરના નામે ડરાવી હતી. એટલી હદે કે પંચાવન વર્ષે પણ વણિયરનાં નામથી ઋત્વી ધ્રુજી ઉઠતી.
“કોઈને કહીશ તો તને વણિયર લઈ જશે. એનાં ગંદા – લાંબા દાંત તારાં મોઢાં પર ઊગશે. તારા દાદા ધાબે સૂતા હશે ત્યારે વણિયર એમનું લોહી ચૂસી જશે. જો . . જો …વણિયર આવ્યું છે તને લેવા. મને વળગી જા. વળગી જા.”
એવી વણિયરની બીક બતાવી બાળકી ઋત્વી સાથે રૂપેશમામાએ જે કાંઈ કર્યું – કરાવ્યું હતું એ સમય એક યુગ બનીને ઋત્વીની નજર સામેથી પસાર થઈ ગયો. ઋત્વી સમયની અગનજવાળમાં ભડકે બળી રહી હતી.
“ઓહો ! આ મોટાભાઈની દીકરી ઋત્વી? બહુ સુંદર દેખાય છે હોં. મને ઓળખ્યો કે નહીં? ” રૂપેશમામાએ ઋત્વી તરફ લોલૂપ નજર નાંખી કહ્યું. રૂપેશમામાના કર્કશ અવાજ સાથે ઋત્વી વર્તમાન સમયમાં પાછી ફરી પણ રૂપેશમામાની આંખમાં રમતાં સાપોલિયાએ ઋત્વીનો ક્રોધાગ્નિ વધુ સતેજ કર્યો.
ઋત્વી કાંઈ જવાબ આપે એ પહેલાં જ રૂપેશમામાની દીકરી રિયા ઠંડા પાણીના ગ્લાસ સાથે ઋત્વીની સામે આવીને ઊભી રહી ગઈ. એણે ઋત્વી સામે જોયું. બંનેની આંખો એક થઈ. રિયાએ ક્ષોભથી નજર ઢાળી દીધી.
ઋત્વી એક શ્વાસે પાણી ગટગટાવી ગઈ અને અને ગ્લાસ પાછો આપ્યો. ઋત્વીએ ફરી એકવાર રિયા સામે જોયું. રિયાની નજર જમીન પર જ હતી. રિયા ગ્લાસ લઈને પાછી વળી ગઈ અને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.
ઋત્વી ચૂપચાપ ઊભી થઈ. એણે રૂપેશના ખંધા, કદરૂપા ચહેરા તરફ નજર કરી. એને ફરીવાર એ યાદ આવ્યું કે પોતે ચાર કે પાંચ વર્ષની બાળકી હતી અને રૂપેશ એનાં સગા કાકાનો પચ્ચીસ વરસનો સગો સાળો.
ઋત્વી સામે ખુરશી પર બેઠેલા રૂપેશમામાની નજીક પહોંચી ગઈ. “હા, હું એ જ. મોટાભાઈની મોટી દીકરી” કહેતા તો ઋત્વીએ એક જોરદાર તમાચો રૂપેશમામાના ગાલ પર લગાવી દીધો. “અને તું એ જ નરાધમ વણિયર” કહીને રૂપેશમામા પર થૂંકી અને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.
સોસાયટીનાં દરવાજે પહોંચીને ઋત્વી અટકી. એનું શરીર ધ્રુજી રહ્યું હતું. ચહેરો લાલચોળ થઈ ચૂક્યો હતો. આંખોમાં લોહી ધસી આવ્યું હતું.
ઋત્વીનાં શ્વાસ ઉછળતા હતા.અત્યારે જ વણિયરે અસંખ્ય બટાકાં ભર્યા હોય એવી વેદના ઋત્વી અનુભવી રહી હતી.ઋત્વીએ સોસાયટીનાં દરવાજાનો સહારો લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
ઋત્વીના રૂદનમાં વર્ષોનો બોજ વહી રહ્યો હતો ત્યાં જ ઋત્વીને “દીદી” સંબોધને સ્વસ્થ કરી. એણે જોયું તો રૂપેશમામાની દીકરી રિયા એનાં પગ પકડી બેસી ગઈ હતી.
“દીદી. પ્લીઝ, મારા પપ્પાને માફ કરી દેજો. હું માફી માગું છું. હું બહુ જ શરમ અનુભવું છું, પણ કમનસીબે મારો તો એ બાપ છે. માફ કરી દો.”
ઋત્વીએ પ્રેમથી રિયાને ઊભી કરી. “થેન્ક્સ રિયા. ફોન પર મારી બધી જ વાત સાંભળીને તે તારા બાપને તમાચો મારવા દેવા સુધીની ઉદારતા દાખવી એ બદલ થેંક્સ. આજે પંચાવન વર્ષે મારી છાતીનો બોજ હળવો થયો છે. આપણાં સમાજમાં કેટલીય મહિલાઓ એવી હશે કે જે એમની છાતીમાં બાળપણમાં શોષણ થયાનો બોજ લઈને ફરતી હશે! રિયા, એવી કમનસીબ મહિલાઓમાંની એક એટલે હું…”
ફરી એકવાર રિયા નજરને જમીન પર ઢાળી ને ધીમા અવાજે બોલી, “me too “
લેખિકાઃ ગોપાલી બુચ
સંપર્ક: gopalibuch@gmail.com
આક્રોશની વાર્તા..👌
આભાર સંધ્યાબહેન
છેલ્લા વાકયથી જોરદાર આંચકો આપીને વાર્તાને ચમત્કૃતિનું પરિમાણ આપેલ છે.
ખૂબ ખૂબ આભાર🌺