|

‘વો સપના મેરા હોતા’ – ચૈતાલી ઠક્કર

“You never arrived in my arms but you will never leave my heart.”  – ZOE CLARK

સંતાનનું-બાળકનું દાંપત્યજીવનમાં હોવું એટલે એક મધુર સમયખંડ. પછી એ મધુરતાનો વિસ્તાર, પણ જ્યારે આ સંતાન જીવનમાં આવવાની બદલે આવ્યા પહેલાં જ ચાલ્યું જાય ત્યારે? તો કેટલીક વાર આ સંતાનના મૃત્યુ બાદ દંપતીની વેદના કેવી હોય? આ વેદના વિશેના કાવ્યો યાદ કરીએ તો ‘જૂનું ઘર ખાલી કરતાં’ સોનેટ સહજ યાદ આવે કે પછી યાદ આવે ‘ઇમ્ફાલ’ નિબંધમાં ભોળાભાઈએ નોંધેલા સૈનિક એવા સંતાનોના મૃત્યુના આલેખો:
– ‘અનંત આરામમાં’
– ‘વિશ્વને માટે તે એક જ હતો, પણ મારે માટે તો તે જ આખું વિશ્વ હતો.’
– ‘હળવે ચાલો, મારો વ્હાલો અહીં સૂતો છે.’

સમાજજીવનમાં દાંપત્યજીવનમાં હાલ અને હજુ એક વર્ગ એવો મોજુદ છે જે  સંતાનઝંખના સેવે છે. સ્ત્રીનું સ્ત્રીત્વ માતૃત્વને કારણે પરિપૂર્ણ બને એવો એક મત પણ સમાજજીવનમાં જીવંત છે. આ માતૃત્વની ઝંખના ખંડિત થાય ત્યારે દંપતીને કેવી અપાર વેદનામાંથી પસાર થવાનું થતું હશે! ખાસ તો સ્ત્રીને કે જેણે ગર્ભધાન નિમિત્તે એક નવું જીવન અર્પવાનું છે, તેને શું થતું હશે? એ ખાલીપો, એ પીડા, એ વ્યથા કાવ્યસ્વરૂપે અને તે પણ સ્ત્રીસર્જકને હસ્તે આલેખાયેલી જોવાનો અહીં ખ્યાલ છે. આ પ્રકારની રચનાઓમાં પન્ના નાયકની રચનાઓ વિશે વાત કરવાનો અહીં ઉપક્રમ છે. એમનાં ગર્ભપાત વિષયના કાવ્યોમાં ‘નાળ’ અને ‘શિશુ’ –  કાવ્યો મહત્વના કહી શકાય તેવાં કાવ્યો છે.

કાવ્યકથક એવાં પન્ના નાયકની રચનાઓમાં વિષયોના વૈવિધ્યની સાથે એમ કહી શકાય કે વણખેડાયેલાં વિષયોને એમણે પોતાની કલમે બેબાકપણે રજૂ કર્યાં છે; તો સાથે એમાં કાવ્યગત સૌંદર્ય પણ છે. આવા કાવ્યોમાં જ્યારે તેઓ સંતાનઝંખનાની વાત કરે છે કે પછી ગર્ભપાત વિશેની કવિતાઓ લખે છે, ત્યારે એમાં કેટલાંય ભાવો ભળી જતાં જોવા મળે છે. જેમ કે સ્ત્રીનું ગર્ભધારણ અને તે સમયની સ્ત્રીની ઈચ્છાઓ, અનેરો આનંદ કે રોમાંચ અનોખી રીતે આ કાવ્યમાં રજૂ થાય છે. ‘નાળ’ રચનામાં આવી જ એક વ્યથા રજૂ થઈ છે, જેમાં સ્ત્રીએ પોતાનું સંતાન ગુમાવ્યું છે. ગઈકાલનો આનંદ આજનો રહ્યો નથી. વર્તમાનકાળમાં ગુમાવ્યા પછીની વેદના પણ છે અને તરતના ભૂતકાળનો આનંદ પણ છે. એનું સંમિશ્રણ જોઈએ,
મેં એને ગર્ભ રૂપે ધારણ કર્યો
એને લીધે તો
મારા ગાલ પર ગુલાબ ઊગી ગયાં-“

ગુલાબનું ઊગવું અહીં કેવું સુંદર રીતે ચરિતાર્થ થયું છે. સ્ત્રીના જીવનની મનોદૈહિક અવસ્થાનું, માતૃત્વની ક્ષણનું આલેખન કરતાં તેઓ આગળ નાજુક જીવના ફૂલવાફાલવા વિશે વાત કરે છે. કહે છે, ‘મને જગત કેટલું બધું ભાવ્યું.’ કદાચ આ પહેલાં આટલું સુંદર અનુભવાયું જ નહોતું. જગતમાં પ્રથમ જ વાર માતૃત્વની, ગર્ભાધાનની ક્ષણોનું પણ આગવું મૂલ્ય છે. સાથે સાથે સંતાનને ધારણ કરનારી થનારી માતાને ‘મોળ જ આવ્યા કરી’ એમ કહીને આ અવસ્થાના સ્ત્રીના જીવનના અનેક ફેરફારો અને ગર્ભાધાનની અસર પણ અહીં બતાવાઈ છે. આ સઘળું – નવ મહિનાની રાહ અને પોતાના દેહમાંથી-તનમાંથી જેનો જન્મ થવાનો છે એવાં બાળકની કેટલી અને કેવી રાહ હોય!

પ્રસવ બાદ ‘આવીને જતું રહ્યું’  આ વિધાન જ હૃદયને કઠે છે, અસહ્ય થઈ પડે છે. તેની સાથેની સંબંધક ‘નાળ’ જ કપાઈ જવાથી કેવી તો વ્યથા અનુભવાય! જે નાળ દ્વારા બાળકને પોષણ મળે, જેના વડે મા સાથેનો અહર્નિશ તંતુ હોય તે કપાય, પરંતુ બાળકના જન્મ પછી તે આ સંસારમાં માતા પાસે જ રહે છે, પરંતુ અહીં નાળ કપાયા પછી સામાન્યતઃ જે બને છે તે કરતા અવળું થયું, અવળું બન્યું. કહેવાય છે કે એક જન્મ બાદ મનુષ્ય બીજો જન્મ લે છે અને હજી પણ માતા એ મૃત બાળકને ભૂલી શકી નથી. ભૂલી પણ કેમ શકે? સંતતિ આવ્યા અને આ રીતે ચાલ્યા જવાથી માતાને સવાલ જન્મે છે,
ક્યાં ઝૂલતું હશે મારું બાળ?’

આ ચિંતા, આ વલવલાટ અને કેટલાંય હાલરડાં ગાવાનું બાકી રહી ગયું. વાત્સલ્યનો એ ઉદ્દેશ્યપૂર્ણ ન થયો. વલોપાત હૃદયવિદારક બની જાય છે. બાળકના જન્મ પછી બાળકનું માતા સમક્ષ હયાત હોવું અને આ રીતે વિલાઈ જવું એ બંને પરિસ્થિતિ કેટલી નોખી છે. પ્રસવ સમયે ખાતરી જ હોય કે બાળકને કઈ રીતે વહાલ કરવાનું છે, વહાલ કરવાના વિધવિધ પ્રકારો મનમાં ગુંથાયા જ હોય. વાત્સલ્યના બહાના શોધ્યા-વિચાર્યા હોય અને આમ અચાનક આવીને ચાલ્યા જવું કેટલું દુષ્કર થઈ પડે! હાલરડાં ગાવાના બાકી રહી જવાથી ફલિતાર્થ છે કે બહુ લાંબો સમય તો શું, પણ સાવ આવીને જવાની વાત અહીં છે. માતાને માટે પ્રસુતિની પીડા બાળકના જન્મની સાથે જ વિસરાઈ જાય અને એ જ બાળક હાથમાં જ ન રહે તો સમજી શકાય કે શું વીતે. કાવ્યના અંતે શબ્દોમાં નહીં ઢાળી શકાયેલું ડૂસકું સહૃદયને જરૂર સંભળાય. સ્ત્રીના મનોભાવની તીવ્ર રજૂઆત હૃદયને તાર તાર કરી મૂકે છે.

આ ખાલીપો, નિઃસંતાન હોવાની એકલતા અને ખાલીપા કરતાં ભિન્ન છે. ખાલીપાના પણ જાણે કે સ્તરો અહીં પન્નાબેનની રચનામાં જોવા મળે છે. ‘ફોટો’ કાવ્યમાં એક કરતાં વિશેષ મનોભાવોની આલેખના સાથે શિશુઝંખનાની એક આછેરી ઝલક ટીસ જન્માવી જાય છે. વહાલનું વર્ચસ્વ ધરાવતાં ઘરના બંધાવાની ઈચ્છા સાથે કાવ્ય કથક કહી ઉઠે છે,
ક્યારેક
કોઈ બાળકનો કુમળો હાથ
મારા હાથને પકડી લેતે
તો
મારો હાથ પણ થઈ જતે
ગુલમ્હોરની એક ડાળખી.”

સંતાન અહીં માતૃહૃદયની આરત બનીને આવે છે. દાંપત્યજીવનની વિછન્નતા કાવ્યવિષયરૂપે એક કાવ્યમાં જ્યારે નિરૂપાઇ છે, ત્યારે સમયસર વરસાદ ન વરસવાને કારણે સંબંધના ઝરણાં સુકાઈ જવાની વ્યથા છે; તો સાથે કહે છે કે આ કારણોસર ‘લાગણીની કળીઓ ફૂલમાં પરિણમી નહીં.’ એક જુદી પરિસ્થિતિ કે કારણ આવું થવા માટે કારણભૂત બનતી બતાવાઈ છે, જેમાં ભગ્ન દાંપત્યજીવનની વેદના પણ સાથે વણાઈ છે. અન્ય એક રચના ‘શિશુ’માં જીવનના ઉત્તરાર્ધે આ શિશુઝંખના કેવી તો તીવ્ર બની છે તે જોઈ શકાય છે,
મારામાં કેટલાય રણ સૂકાં રહ્યાં
ને મેં વિચાર્યા કર્યું
મારામાં કેટલાય વૃક્ષ મહોર્યા વિનાનાં રહ્યાં
ને મેં જોયા કર્યું
એક મારી જ કૂખ મહોરી નહીં
ને મેં વિલાયા કર્યું.
હવે આ મૃત્યુ સમયે શય્યામાં કોઈ શિશુ લાવો! ગાલમાં ખંજન પાડતું-
પૃથ્વીનું એક કોમલરૂપ ચૂમીને પ્રાણ તજું
હું જ જાઉં છું
હવે કોઈ મોડી મોડી થનાર માતાના ગર્ભમાં- બાળક બનવા!”

માતૃત્વનો ઝુરાપો આ પંક્તિઓ જન્મવા પાછળનું કારણ બની રહે છે. વેદનાનો વિસ્તાર અન્યની સંતાનેચ્છા પરિપૂર્ણ કરવા તરફ ગતિ કરતો જોવા મળે છે. આ વિલાયા કર્યુંનો ભાવ પણ સહજ સ્પર્શી જાય છે. એક આશાવાદથી પૂર્ણ થતું આ કાવ્ય હૃદયને એક ચમકાર આપી જાય છે. ગર્ભપાત વિષયના કાવ્યોની સાથે રજોસ્ત્રાવની રચના ‘પંચાંગ પ્રમાણે’ કવયિત્રીની સમસંવેદનશીલ કલમની ઓળખ બનીને આવે છે,
પંચાંગ પ્રમાણે
દર માસે
ચંદ્રોદય થાય છે
અને
દર માસે
(ન જન્મેલા)
એક શિશુની સ્મશાન યાત્રા નીકળે છે.”

સાથે સાથે સાહિત્યમાં મોટેભાગે સર્જકનું સર્જન જ એમનું સંતાન હોવાની વાત ઘણે સ્થાને નોંધાતી રહી છે, ત્યારે પન્નાબેન પોતાના કાવ્યસર્જનને કઈ રીતે પોતાના સંતાનરૂપે જન્મતાં વર્ણવે છે તે પણ જોવું અનિવાર્ય છે. આ કાવ્યરૂપી સંતાન વિના એક માતા કેવી હોય એ વિશે વાત થઈ છે. આ સ્ત્રી પોતાના અસ્તિત્વ વિશે- હોવા છતાં, ન હોવાનો ભાવ રજૂ કરતાં એક રચના આપે છે
‘હું કંઈ નથી’. આ રચનામાં બાહ્ય અને આંતરિક શૂન્યતાની વાત કરતા સર્જક નોંધે છે,
એક દિવસ જોઉં તો
મારી કૂખમાં
ઘૂઘવાટા કરતું કાવ્ય.”

કાવ્યજન્મ એ જ જાણે બાળકના જન્મ જેવું જ છે એ ભાવ ‘પ્રસંગ’ શીર્ષકસ્થ કાવ્યમાં જોઈએ,
તીક્ષ્ણ ચપ્પુથી છેદાતાં ત્વચાના પડ…
ટપકી ટપકી વહી આવતાં રક્તબિંદુઓ…
લોહીલુહાણ
છતાંય વેદના જીરવતો પ્રસંગ
ચાલો, કાવ્યજન્મનો પ્રસંગ ઠીક ઉકલી ગયો!”

સર્જક તરીકેની સર્જનપ્રક્રિયાની મથામણ અહીં રજૂ થઈ છે આ પ્રસંગના માધ્યમ દ્વારા. સર્જન અને સંતાનનું એકત્વ અહીં જોઈ શકાય છે. પરદેશમાં રહી કાવ્યસર્જનના પ્રારંભ અને એ કાવ્યસર્જન વિશેની પાર્શ્વભૂમિ કઈ રીતે સર્જાઈ એ અંગે વાત કરતાં તેઓ એક લેખમાં નોંધે છે,
“…આ એકલતા અને શૂન્યતાના અનુભવમાંથી મને ઉગારવા માટે જ જાણે કવિતા પ્રગટી ન હોય! તમને સાચું કહું? કવિતા ન હોત ને તો હું સાવ એકલી એકલી થઈ જાત.”

કાવ્યસર્જન એટલે એમના જીવનનું અભિન્ન અંગ. કાવ્ય ને ટેકે ટેકે જીવન આખું એ પસાર થયાનો સંતોષ પણ આ રચનાઓમાં કેટલીક સ્થાને વ્યક્ત થયો છે. તો કાવ્ય અને પોતાના જીવનનો અનુબંધ અહીં કેટલાક કાવ્યોમાં નોખી અનોખી શૈલીએ રજૂ થયો છે. સ્ત્રીસર્જકની કલમે દાદ માંગી લે તેવા વિષયોમાંના એકની થયેલી રજૂઆત નોંધનીય છે, ત્યારે ડિસેમ્બર ૧૯૩૩માં જન્મેલા અને ૧૯૭૧થી કાવ્યરૂપી સંતાનના જન્મ સાથે સાહિત્ય જગતમાં અનોખું પ્રદાન કરનાર આદરણીય પન્નાબેનને આ જન્મદિને બેબાક કલમને સૌંદર્યની શાહીમાં ઝબોળીને રચના કરતાં જોઈને સલામ કરવાનું સહેજે મન થાય…!

************
(“શબ્દસર” ના સૌજન્યથી, સાભાર.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. પન્નાબેનની કવિતાઓને એક વિલક્ષણ સંદર્ભમાં સરસ રીતે રજૂ કરેલ છે.