આલંભ (નવલકથા) ~ લે. યામિની પટેલ ~ પુસ્તક પરિચયકર્તા: રિપલકુમાર પરીખ 

આલંભ: ગુજરાતી રહસ્યકથા સાહિત્યમાં અનોખી ભાત પાડતી મર્ડર મિસ્ટ્રી

‘કોણ છે તું? શું જોઈએ છે? નીકળ બહાર.’

એ બીજું કંઈ પણ બોલે એ પહેલાં પેલાએ એના મોઢા પર હાથ દબાવ્યો અને ચાકુ એના પેટમાં હુલાવી દીધું. એક વાર, બે વાર, ત્રણ વાર… વસુધાની આંખ સામે અંધારું છવાઈ ગયું.

‘સમીર… સમીર…’ બોલતાં બોલતાં એ પલંગ પર પડી ગઈ. પેલો એની નીચેથી દાગીના ખેંચવા લાગ્યો.

વસુધા પૂરી તાકાત એકઠી કરીને બોલી, ‘આલંભ’, પછી એની આંખો ફાટી ગઈ જ્યારે એ બીજી વાર બોલી, ‘આલંભ..’

પણ આ આલંભ એટલે શું? શા માટે વસુધા વારેવારે એ બોલી રહી હતી? આ પ્રેમાળ વસુધાનું  ખૂન કોણે કર્યું હશે? જો ચોરને દાગીનાની જ ચોરી કરવી હતી? તો પછી તેણે વસુધાનું  મર્ડર કેમ કર્યું? શું ચોર અને ખૂની બે અલગ અલગ વ્યક્તિઓ હશે? તે દિવસે ખૂનીને કોઈએ જોયો કેમ નહીં?

આ અને આવાં અનેક સવાલો આપણને મૂંઝવી જાય છે, જ્યારે આપણે આ ગુજરાતી રહસ્યકથા સાહિત્યમાં અનોખી ભાત પાડતી મર્ડર મિસ્ટ્રીને વાંચીએ છીએ.

ગુજરાતી સાહિત્યક્ષેત્રે હમણાં ઘણાં સમયથી કોઈ પણ નોંધપાત્ર રહસ્ય નવલકથા નથી આવી.  જો કે તેની પાછળ ઘણાં કારણો પણ છે કે રહસ્ય નવલકથા લખવા માટે ભાષાની સજ્જતા તો ખરી જ, તે ઉપરાંત રહસ્યનાં તાણાવાણા વણવાની હથોટી, પોલીસની કાર્યવાહીની માહિતી, કોર્ટની કલમોની જાણકારી, ફોરેન્સિક સાયન્સનું ઊંડું જ્ઞાન હોવું પણ ખૂબ જ જરૂરી હોય છે.

આમ, રહસ્ય નવલકથા લખવી ઘણી અઘરી છે. રહસ્ય નવલકથાનાં વાચકો ઘણાં હોંશિયાર હોય છે, તેઓ કોઈ પણ જગ્યાએ નાનકડી ભૂલ પણ થઈ હોય તો જલ્દીથી પકડી લે છે.

 ઉનાળાની બળબળતી બપોર જેવા તાપમાં જ્યારે આપણને એરકન્ડીશન્ડ રુમમાં પ્રવેશ મળે ને  જે અનુભૂતિ થાય, તેવો આનંદ આપણને આ અદ્ભુત, સંવેદનશીલ અને દિલચસ્પ રહસ્ય નવલકથા  ‘આલંભ’ વાંચતાં મળે છે.

જાણીતા ગુજરાતી અને  હિન્દી ફિલ્મ કલાકાર શ્રી પ્રતિક ગાંધી દ્વારા વિમોચીત આ નવલકથાને લોકપ્રિય વાર્તાકાર અને નવલકથાકાર શ્રીમતી વર્ષાબેન અડાલજાએ તથા આદરણીય લેખિકા શ્રીમતી કુન્દનિકાબેન કાપડીયાએ પણ  શુભેચ્છાઓ પાઠવી છે.

No photo description available.

વરિષ્ઠ લેખિકા શ્રીમતી ધીરુબહેન પટેલનો આ નવલકથા સાથે વિશેષ સંબંધ રહ્યો છે. આ નવલકથાનાં લેખિકા પાસે ખાસ આગ્રહ કરીને આદરણીય ધીરુબહેન પટેલે આ નવલકથા લખાવી છે તેમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. મૂળ આ લેખિકાની જ ટૂંકી વાર્તાનું નવલકથાનું સ્વરુપ એટલે ‘આલંભ’.

‘આલંભ’ નવલકથાનાં લેખિકાએ અગાઉ હાસ્યનિબંધો, ટૂંકીવાર્તાઓ અને નાટકો પણ ઘણાં લખ્યાં છે, જેને વિવેચકોએ વખાણ્યા  છે. ‘આલંભ’ લેખિકાનું ભલે પહેલું પુસ્તક છે, પરંતુ જ્યારે તમે વાંચો તો એમ ચોક્કસ લાગે છે કે કોઈ અનુભવી લેખકની કસાયેલી કલમે જ જાણે આ પુસ્તક લખાયું છે.

લેખિકા પોતે નાટ્યલેખનની હથોટી ધરાવે છે તે ઉપરાંત તેમણે ફૉરેન્સિક સાઈકોલોજીનો અભ્યાસ ખાસ આ નવલકથા લખવા માટે કર્યો છે, જેનો સુંદર વિનિયોગ આ નવલકથામાં તેમણે કર્યો છે.

લેખિકા હોમમેકર ઉપરાંત કુટુંબનો વ્યવસાય, વાંચન, લેખન અને અભિનય ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય છે. આવા ખૂબજ સર્જનાત્મકતાથી છલકાતા ‘આલંભ’નાં લેખિકાનું નામ છે ‘યામિની પટેલ’.

કવિ અને વાર્તાકાર શ્રી સંદીપ ભાટિયા નવલકથા વિશે લખે છે, ‘ઘણાં વખતે કોઈ નવલકથા એકી બેઠકે પૂરી કરી. ‘આલંભ’ જેવું સાહિત્યિક નામ ડિટેક્ટીવ નોવેલને શા માટે આપ્યું હશે એ ઉત્કંઠા તો લેખકે પુસ્તકમાં પ્રવેશતાં પહેલાં જ જગાવી દીધી હતી અને ખાસ્સું ટટળાવીને પછી ઉત્તર આપ્યો.

યામિની પટેલ નાટક, નિબંધ, ટૂંકી વાર્તા, હાસ્ય સાહિત્ય વગેરે પણ ઘણું લખે છે, તે છતાં તેમણે આ નવલકથાને સરળ અને સીધીસટ રાખી છે. સાહિત્યિક ટચ આપવાના પ્રલોભનથી દૂર જ રહ્યાં છે.

પાત્રોનાં સંવાદોમાંની સહજતામાં નાટ્યલેખનની તેમની હથોટી વરતાય છે. પાત્રોનાં બાહ્ય દેખાવ, પહેરવેશ એમની બોલવા ચાલવાની ઢબછબ, લઢણ વગેરેનું વિગતે વર્ણન કે પછી ક્યાંક તો ઉલ્લેખ પણ કરવાનું લેખકે ટાળ્યું છે. પણ દૃશ્યોની માંડણી એવી છે કે વાચકના મગજમાં આગવાં, ઝીણી વિગતો સહિતનાં પાત્રો અને લોકાલો ખડાં થઈ જાય છે.’

No photo description available.

લેખિકા શ્રીમતી યામિની પટેલ તેમનું આ પ્રથમ પુસ્તક આદરણીય ધીરુબહેન પટેલને અર્પણ કરતાં લખે છે,

‘એક વાર્તાનું કથાબીજ લઈને હું એમને સંભળાવવા ગઈ. એમાં એમણે અમુક જગ્યાઓએ આડી લાઈનો દોરી કહ્યું, “આ એના દસ પ્રકરણો. દરેક પ્રકરણ લગભગ ૧૫૦૦ શબ્દોનું.”

હવે મેં કદી ૧૫૦૦ શબ્દોથી લાંબુ ક્યારેય લખ્યું નહોતું, એમાં ૧૫૦૦૦ શબ્દો? સાચું કહું તો મારા પરનો એમનો વિશ્વાસ કામ કરી ગયો. લખવાનું શરુ કર્યું અને જન્મી આ નવલકથા.

હવે નવલકથાનાં જન્મની સમયમર્યાદા તો કોઈ છે નહિ, એટલે આપણે લીધા વર્ષો. અગણિત વાર આટલા વર્ષોમાં ધીરુબહેનનો ગુસ્સો, વઢ, મહેણાં સાંભળ્યા છે. નવલકથાનો અંત છે પણ એમની ધીરજનો કોઈ અંત નથી. ધીરુબહેન, આપનાં કરકમળોમાં મૂકી આ નવલકથા આપને અર્પણ કરું છું.’

દસમી એપ્રિલ, ૨૦૧૩ના રોજ વસુધાના મર્ડરથી શરુ થયેલી આ મર્ડર મિસ્ટ્રીમાં હિંમતવાન વસુધા, પતિ સમીર, ઇન્સ્પેક્ટર ખેડેકર, સબ ઇન્સ્પેક્ટર પટેલ, ડિટેક્ટીવ  બુદ્ધદેવ સર ઉપરાંત નવલકથાનાં તમામ પાત્રો વાંચતાં વાંચતાં  આપણી નજર સમક્ષ જીવંત થઈ જાય છે.

નવલકથાનાં કથાનક સાથે ઓળઘોળ થઈ જવાય છે. વાંચતા વાંચતા સતત  એવું લાગે છે કે હવે શું થશે? કોણ હશે ખૂની? રહસ્ય અને રોમાંચથી ભરપૂર આ નવલકથામાં તેરમા દિવસે જ્યારે ‘આલંભ’ શબ્દની ખબર પડે છે, ત્યારે હાશકારો અનુભવાય છે.

પુસ્તક પ્રકાશકnotionpress.com
કિંમત : ₹ ૫૦૦/-
ઈમેલ: yaminidpatel@gmail.com

પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: ૯૬૦૧૬૫૯૬૫૫

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ‘આલંભ’ નવલકથા વાંચવાની ઉત્સુકતા…. ‘આપણું આંગણું’ થકી આ લાભ મળશે?