તો નક્કી હશે (ગઝલ) ~ પરશુરામ ચૌહાણ
કંઈ ને કંઈ હર કોઈને બંધાણ તો નક્કી હશે,
સહેજ પણ અંદર કશે ભંગાણ તો નક્કી હશે.
ફક્ત મોજાઓ જ આકર્ષાય ના અમથા કદી,
ચંદ્રને પણ આ તરફ ખેંચાણ તો નક્કી હશે.
ફક્ત એવી ધારણાથી આ સફર લાંબી બની,
કે હજી આગળ કશે રોકાણ તો નક્કી હશે.
ઓશિયાળી લાગણીના વહાણ મોઝારે હવે,
કો’ક કાંઠે ક્યાંક એ સંજાણ તો નક્કી હશે
જર્જરિત ખંડેર જેવો હું ધરાશાયી થયો,
તું મને ઢંઢોળ, મુજમાં પ્રાણ તો નક્કી હશે.
~ પરશુરામ ચૌહાણ
વાહ ! સરસ ગઝલ
વાહ! સરસ ગઝલ.
ખૂબ સુંદર ગઝલ પરશુરામ👌સંજાણ વાળો શેર મસ્ત