પ્રકરણ:38 ~ નલિનીનું દુઃખદ નિધન ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
અમેરિકામાં ઘર લેવું વેચવું એ ભારે માથાકુટિયું કામ છે. મહિનાઓ નીકળી જાય, ખાસ કરીને ઘર લેવામાં. ઘર લેતી વખતે જ્યાં આપણે મૂવ થવાના છીએ ત્યાં સંતાનોની સ્કૂલ કેવી હશે તેની મુખ્ય ચિંતા.
સ્કૂલમાં ભણતર કેવું હોય, કયાં પાઠયપુસ્તકો વાપરવાં, કેવા ટીચર રાખવા વગેરે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બધા પ્રશ્નો લોકલ ગવર્નમેન્ટ નક્કી કરે. સંતાનોનાં માબાપો એ બધી બાબતમાં જબરો રસ લે.
બધાને ખબર હોય છે કે જો સંતાનો નબળી સ્કૂલમાં જશે તો એમને સારી કૉલેજમાં એડમિશન મળવું મુશ્કેલ પડશે. કાઉન્ટી સરકારના પ્રોપર્ટી ટેક્સ આ સ્કૂલ સિસ્ટમનો ખર્ચ કાઢવામાં વપરાય.
અમેરિકા જેવી વિશ્વસત્તાની રાજધાની હોવા છતાં વોશિંગ્ટન એક શહેર તરીકે નાનું ગણાય. મુંબઈના એક પરા કરતાં પણ એની વસ્તી (લગભગ 700,000) ઓછી. લોકો આજુબાજુના પરાંઓમાંથી સવારમાં ત્યાં કામ કરવા આવે અને સાંજના ઘરે પાછા જાય. મોટા ભાગના લોકો અહીં ફેડરલ ગવર્નમેન્ટ સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલા હોય. કાં તો સરકારી નોકર હોય, અથવા કન્સલ્ટન્ટ હોય કે લોબીઇસ્ટ હોય.
ફેડરલ ગવર્નમેન્ટમાં કામ કરતા બ્યુરોક્રેટ્સ મોટે ભાગે વર્જીનિયા અને મેરીલેન્ડ નામના બાજુમાં આવેલા રાજ્યોમાં વસે.
ખાસ તો વર્જીનિયાની ફેર્ફેક્સ અને મેરીલેન્ડની મોન્ટગોમરી નામની કાઉન્ટીઓમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બીજો પૈસાદાર વર્ગ વસે. ત્યાં સ્કૂલો બહુ સારી. પાર્ક્સ, લાયબ્રેરીઓ જેવી સગવડો પણ સારી. સ્વાભાવિક રીતે જ ત્યાં ઘર મોંઘા હોય.

અમને થયું કે સંતાનોનું ભણતર એમના ભવિષ્ય માટે ખૂબ અગત્યની વાત છે. વોશિંગ્ટન શહેરની પોતાની સ્કૂલો ખરી, પણ પ્રમાણમાં એનું ધોરણ ઘણું નીચું. એવી જ રીતે બાજુમાં આવેલી પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીની સ્કૂલો પણ બહુ સારી ન ગણાય.
આ બાબતમાં રંગભેદ પણ ઘૂસેલો ખરો. વોશિંગ્ટન શહેર અને પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીમાં કાળા માણસોની બહુમતી. એમની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાને કારણે ત્યાં સ્કૂલો, લાયબ્રેરી, પાર્ક્સ વગેરે જાહેર સુવિધાઓ માટે ખર્ચો કરવાની સગવડ ઓછી.
આ કારણે એ વિસ્તારોમાં ઘર પ્રમાણમાં સસ્તાં મળે. ઘરો કેટલાં મોંઘાં છે તે વિચારવાનું રહ્યું.
નલિની તો બાળઉછેરમાં પડી હતી. એની કોઈ આવક નહોતી. એક જ પગારમાંથી મોર્ગેજ ભરવાની અને ઘર ચલાવવાની વાત હતી. છતાં એક વાત સ્પષ્ટ હતી કે જ્યાં સ્કૂલો સારી હોય ત્યાં જ ઘર લેવું. મોંઘું હોય તો પણ. વિચાર્યું કે કરકસરથી રહીશું, પણ સંતાનોનું ભવિષ્ય અગત્યનું છે.
વધુમાં દરરોજ ગાડી ચલાવીને ઑફિસ જવાનું છે એટલે ટ્રાફિકનો પણ ખ્યાલ રાખવો જરૂરી હતો. રોજના કમ્યુટીંગ માટે અમરિકામાં વોશિંગ્ટનનાં પરાંઓનો ટ્રાફિક બહુ ખરાબ ગણાય. દરરોજના બબ્બે કલાક ગાડીમાં આવવા જવામાં જાય. લોકો સવારના છ વાગે ઘરેથી નીકળે તો પણ ટ્રાફિકમાં ફસાય!
આ બાબતમાં વધુ તપાસ કરતા ખબર પડી કે મેરીલેન્ડ કરતાં વર્જીનિયાનો ટ્રાફિક વધુ ખરાબ. તેથી અમે વર્જીનિયા પડતું મૂકી ને મેરીલેન્ડની મોન્ટગોમરી કાઉન્ટીમાં ઘર શોધવાનું નક્કી કર્યું.
અનેક ઘર જોયા પછી, ચાર બેડ રૂમ, બેઝમેન્ટ અને એકાદ એકરના યાર્ડવાળું ઘર પસંદ કર્યું. મોન્ટગોમરી કાઉન્ટીના સિલ્વરસ્પ્રિંગ નામના વિસ્તારમાં સ્ટોનગેટ નેબરહુડમાં ઘર હતું.
પાડોશમાં મોટા ભાગના રહેવાસીઓ યહૂદી લોકો હતા. યહૂદી લોકો એમના સંસ્કાર, ધર્મપ્રીતિ, રીતરિવાજો, અને ભણતર માટે જાણીતા. યુરોપ અને અમેરિકાની ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રગતિમાં યહૂદી લોકોનો મોટો ફાળો. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધના ગાળામાં નાઝી ત્રાસમાંથી બચવા યુરોપમાંથી ભાગીને જે યહૂદી લોકો અમેરિકામાં આવ્યા હતા તેમના મહાન પ્રદાનનો જોટો મળવો મુશ્કેલ છે.

પાડોશની સ્કૂલમાં બન્ને બાળકોને દાખલ કર્યા. બાળકો ચાલતાં ચાલતાં જઈ શકે એટલી નજીક સ્કૂલ હતી. વળી બાજુમાં પાડોશનો સ્વીમીંગ પુલ હતો. અમારાં બન્ને સંતાનો એની સ્વિમિંગ ટીમમાં જોડાઈ ગયાં. એમના શારીરિક વિકાસમાં સ્વિમિંગ ખૂબ લાભદાયી નીવડ્યું.
સ્વિમિંગ પુલમાં આખા નેબરહુડના છોકરાઓ ભેગા થાય. તેમનામાં અનેકની સાથે તેમની જે મૈત્રી થઈ તેથી આડોશપાડોશમાં એમની અવરજવર વધી. અમારા કરતાં સંતાનો પાડોશમાં વધુ ભળી ગયા.
પાડોશના લોકો અમને અપૂર્વ અને સોનાના માબાપ તરીકે ઓળખતા. ધીમે ધીમે છોકરાઓ સાથે સાથે અમે પણ પાડોશમાં ભળી ગયા.
અમેરિકામાં યાર્ડ સાથેનું મોટું ઘર ચલાવવું એ માથાકૂટની વાત છે. વિન્ટરમાં બરફ પડે તે શવલ કરવાનો, સમરમાં ઘાસ કાપવાનું, યાર્ડને સાફસૂફ અને સ્વચ્છ રાખવાનું, ઘરનું રૂફ રીપેર કરવાનું, રંગરોગાન કરવાના – આવા આવા કામો કરવામાં જ અમારા વિકેન્ડ જાય.
આ તો ઘરની બહારની વાત થઈ. આવડું મોટું ઘર હોય તો એને અંદરથી સ્વચ્છ અને સાફ રાખતાં નાકે દમ આવી જાય. આવું બધું કામ કરનારા માણસો મળી રહે, પણ એ તો બહુ મોંઘા પડે એટલે જાતમહેનત જિંદાબાદ કરીને લોકો જાતે જ આવું બધું કામ કરે.
એ ઉપરાંત ઘરમાં ડીશ વોશર, ડ્રાયર, ટીવી, સ્ટવ, રેફ્રીજરેટર જેવા જે અનેક ગેજેટ હોય છે તે તૂટી ફૂટી જાય કે ચાલે નહીં ત્યારે એ બધા રીપેર કરતા આપણને આવડવું જોઈએ, નહીં તો એના મોંઘાદાટ રીપેરમેન બોલાવવા પડે.

એક વાર ઘર લીધા પછી અમેરિકામાં જેને “હેરી ધ હોમ ઓનર” કહે છે તેની જેમ હું પણ હાર્ડવેર સ્ટોરમાં આંટા મારતો થઈ ગયો. મોટે ઉપાડે ટૂલ બોક્સ લીધું પણ હેન્ડીમેન બનવામાં હું સર્વથા નિષ્ફળ નીવડ્યો. એટલું જ નહીં પણ જે જે કામ કોઈ પણ અમેરિકન માટે રૂટીન હોય છે, જેમ કે કારનું ઓઈલ બદલવું, કે ફ્લેટ ટાયરને રીપ્લેસ કરવું, તે પણ કરવું મારે માટે મુશ્કેલ હતું.
આ બતાવે છે કે મારું અમેરીકાનાઈઝેશન હજી એટલું અધૂરું હતું. પરિણામે આ બધું બીજાઓ પાસેથી મોંઘા ભાવે કરાવી લેતો. મારી આ અણઘડતા મને કઠતી.
આ બાબતમાં નલિની મને વઢતી. છતાં કોણ જાણે કેમ પણ એવું બધું શીખવાની મારી તૈયારી જ નહોતી.
વોશિંગ્ટન એરિયામાં ઘણાં ગુજરાતી કુટુંબો વસતાં હતાં. એમના કેટલાક અગ્રણી ગુજરાતીઓને વોશિંગ્ટન એરિયાનો પહેલો ગુજરાતી સમાજ સ્થાપવો હતો. તે પ્રયાસમાં મેં મદદ કરી.

તેવી જ રીતે અન્ય ભાષી ભારતીઓના સહકારથી અમે એક ઇન્ડિયન અસોશિએશન પણ સ્થાપ્યું.

વોશિંગ્ટનની જેમ જ ન્યૂ યોર્ક, ફિલાડેલ્ફિયા, બોસ્ટન વગેરે શહેરોમાં પણ ગુજરાતી સમાજો અને ઇન્ડિયન અસોશિએશનો સ્થપાવા માંડ્યાં. આ બધાંનું એક રાષ્ટીય અસોશિએશન કરવામાં પણ મેં મદદ કરી.

આ બધી પ્રવૃત્તિઓને કારણે અમારું મિત્રવર્તુળ ઘણું વધ્યું. 1960 અને 1970ના દાયકામાં આવેલા ભારતીઓ બહુધા ડોક્ટર, એન્જીનિયર, ફાર્મસીસ્ટ કે અકાઉન્ટન્ટ એવા પ્રોફેશનલો હતાં. પોતાની ધંધાકીય સૂઝ અને પ્રોફેશનલ કૌશલ્યથી એ બધા અમેરિકન ઇકોનોમીમાં બહુ સારી રીતે ગોઠવાઈ ગયાં.
આ પહેલી પેઢીના ભારતીયોનું પ્રોફેશનલ અને ઇકોનોમિક એસિમીલેશન જો સારી રીતે થયું, તો બૃહદ્દ અમેરિકન સમાજમાં એ સહેલાઈથી ભળી શક્યા નથી. એમના રીતરિવાજો, માન્યતાઓ, ધર્મપ્રથાઓ, ખોરાક, પોશાક વગેરેને કારણે એ જુદા તરી આવતા હતા.
દેશથી હજારો માઈલ દૂર વસતા હોવાથી પોતે એકલા ન પડી જાય એ માટે એમણે અનેક મંડળો અને ધાર્મિક સંસ્થાઓ ઊભી કરી. જેમ જેમ અહીં ભારતીઓની વસતો વધતી ગઈ તેમ તેમ અહીં મંદિરો, ગુરુદ્વારાઓ, અપાસરાઓ અને આશ્રમો બંધાવા માંડ્યાં.
સ્વામીનારાયણ સંસ્થાએ શિકાગો, એટલાન્ટા, હ્યુસ્ટન વગેરે શહેરોમાં જે મંદિરો બાંધ્યાં છે તેની ભવ્યતા ખરે જ અસાધારણ છે. આ મંદિરોમાં અને અન્ય ઠેકાણે થતી ધાર્મિક પ્રવૃત્તિઓ કારણે દેશમાંથી અનેક સાધુ, ગુરુ, સ્વામી, ઉપદેશકો વગેરે અહીં દર સમરમાં આવીને ઊભા જ હોય.

દિવાળી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, વૈશાખી, કાલીપૂજા વગેરે ઉત્સવો ભભકાથી અહીં ઉજવાય છે. એમાંય નવરાત્રિના દિવસોમાં તો રાસ રમવા માટે ન્યુ જર્સી જેવા સ્ટેટમાં જ્યાં ગુજરાતીઓની વસતી વધુ હોય છે ત્યાં તો વિશાળ તંબૂઓ તણાય અને મોડી રાત સુધી હજારો લોકો રાસ ગરબા રમે. એ માટે દેશમાંથી ગાયકો અને સંગીતકારો ખાસ આવે અને ગામે ગામે ફરે.

આ સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને ધાર્મિક મંડળોને કારણે અમેરિકામાં વસતા ભારતીયોની રોજબરોજની જિંદગી, ખાસ કરીને વિકેન્ડમાં પ્રવૃત્તિઓથી ધમધમી રહે છે.
એટલું જ નહીં પણ અહીં વસતા ગુજરાતીઓ, મરાઠીઓ વગેરે વિવિધ ભાષીઓની અહીં એટલી તો વસતી વધી ગઈ છે કે એ બધા દર વરસે બે વરસે પોતાના સમ્મેલનો યોજે જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહે. એવું જ જુદા જુદા ધર્મના અનુયાયીઓનું.
આવાં સમ્મેલનોમાં દેશમાંથી પ્રધાનો, સ્વામીઓ, ગુરુઓ, બોલીવુડના લોકો આવે અને મોટો ઉત્સવ કરે. દર પંદરમી ઓગસ્ટે ન્યૂ યોર્કમાં ઇન્ડિયા ડે ઉજવાય. એની મોટી પરેડ નીકળે જેમાં બોલીવુડની કોઈ એક્ટ્રેસ આવી જ હોય. તે ઉપરાંત ન્યૂ યોર્કના મેયર અને બીજા અધિકારીઓ પણ હાજરી આપે.
![]()
અહીંની વિધવિધ સામાજિક પ્રવૃત્તિઓને કારણે નલિનીને વોશિંગ્ટન ખુબ ગમ્યું. એક તો એને મોટું ઘર મળ્યું જે એ પોતાની ઇચ્છા મુજબ સજાવી શકે.
અમે લોકો તો મુંબઈની ચાલીની એક જ ઓરડીમાં રહ્યા હતા. જે અમારી ઓરડી હતી તેની સાઈઝ અમારા ઘરના માસ્ટર બેડરૂમથી પણ ઓછી! વધુમાં ઘરનું મોટું બેઝમેન્ટ પણ એને ખાસ ગમ્યું. ત્યાં એ મોટી પાર્ટીઓ કરી શકે.
અમારા મિત્રોમાં લગભગ બધાંને ત્યાં નાનાં બાળકો હતાં. વારંવાર થતી પાર્ટીઓને કારણે અમારાં બાળકોને એમની ઉંમરનાં અનેક મિત્રો મળી ગયાં. એ મૈત્રી એમણે આજ સુધી જાળવી રાખી છે.
આ મૈત્રીમાંથી કેટલાકને એમના ભવિષ્યના જીવનસાથીઓ પણ મળ્યાં! મિત્રોએ સગાંઓની ગરજ સારી. પાર્ટીઓને કારણે સંબધો બંધાયા. આમ અમે પરદેશમાં રહીએ છીએ એવી લાગણી ઓછી થઈ.
આ સ્ટોનગેટનું ઘર મારા જીવનમાં ઘણું અગત્યનું છે. 1979માં એ ઘર લીધું. અમારા દામ્પત્યનાં, અરે, અમારી જિંદગીનાં વધુમાં વધુ (ત્રીસ) વરસો આ ઘરમાં જ ગાળ્યાં.

અમારા બન્ને સંતાનો ત્યાં મોટાં થયાં અને અમે એમને ત્યાંથી જ પરણાવ્યાં. શું દેશમાં કે શું અમેરિકામાં અત્યાર સુધી જ્યાં જ્યાં હું રહ્યો છું ત્યાં મને હંમેશ ઉભડક હોવાની લાગણી થઇ છે. જ્યાં જ્યાં હતો ત્યાં બધે થતું કે મારે અહીંથી નીકળવાનું છે. પણ વોશિંગ્ટનમાં સ્ટોનગેટનું ઘર લીધું ત્યારે મને પહેલી જ વાર થયું કે બસ અહીં ઠરીઠામ થવું છે.

જે ઘરમાં અમે ત્રીસ વરસ રહ્યા, જ્યાં અમારાં સંતાનો ઉછર્યાં અને જ્યાંથી એ પરણ્યાં, જ્યાં મારા બા, બહેન, મારા અને નલિનીના ભાઈ અને તેમની ફેમિલી દેશમાંથી આવીને રહ્યા, જ્યાં અનેક જાણીતા અણજાણીતા મહેમાનો ઊતર્યા, જ્યાં ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારો – મનુભાઈ પંચોળી, ઉમાશંકર જોશી, નિરંજન ભગત, બકુલ ત્રિપાઠી, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે – વગેરે આવીને રહ્યા, જ્યાં સાહિત્ય અને સંગીતના અનેક કાર્યક્રમો થયાં, જ્યાં અનેક પાર્ટીઓ થઈ, તે ઘર 2009માં મેં વેચ્યું.
નલિનીના નિધન પછી એ ઘરમાં મારે માટે રહેવું મુશ્કેલ થઈ પડ્યું. જાણે કે આખું ઘર મને ખાવા ધસતું હોય એમ લાગતું. બન્ને સંતાનોએ તો પોતપોતાના ઘર વસાવ્યાં હતાં. આવડા મોટા ઘરની કોઈ જરૂર ન હતી.
મેં નક્કી કર્યું કે આ મોટું ઘર અને શહેરમાં લીધેલું નાનું કોન્ડોમીનિયમ બન્ને વેચી દેવાં અને મોટું અને સારું કોન્ડોમીનિયમ શહેરમાં લઈ લેવું જે પછી મારો હંમેશનું મુકામ બને.
નલિનીના બધાં ભાઈ બહેનોને હૃદયરોગ અને ડાયાબિટીસ જાણે કે વારસામાં જ મળ્યાં હતાં. એ બધાં પચાસ સાંઠની ઉંમરે ગુજરી ગયેલા. દેશમાં એમની આર્થિક પરિસ્થિતિને કારણે યોગ્ય સારવાર પણ નહોતી થઈ શકી.
અમેરિકા આવ્યા પછી નલિની અને તેનો એક ભાઈ જેને અમે અમેરિકા બોલાવેલો હતો તે બન્નેને વૉશિન્ગટનના ઉત્તમ ડોકટરોની દેખરેખ નીચે અહીંની અદ્યતન હોસ્પિટલોમાં પૂરતી સારવાર મળી છતાં 2009માં નલિનીનું મૃત્યુ થયું ત્યારે એની ઉંમર 69ની અને એનો ભાઈ જે પછી છ જ મહિનામાં ગુજરી ગયો તેની ઉંમર 65ની.
60ની ઉંમર પછી આ વારસાગત રોગોને કારણે નલિનીની તબિયત લથડી હતી. પાછલાં વરસો તો ડોકટરોની ઑફિસો અને હોસ્પિટલોમાં આંટા મારવામાં જ ગયા.
નલિનીનું અને મારું 47 વર્ષનું દામ્પત્ય વર્તમાન અમેરિકન દૃષ્ટિએ ઘણું લાબું ગણાય, છતાં એ સર્વથા પ્રસન્ન હતું તેવું કહેવાનો હું દંભ હું નહીં કરું.

અમારા દામ્પત્યના શરૂઆતના વર્ષો ખૂબ કપરાં હતાં. આગળ જણાવ્યું તેમ લગ્ન થતાં જ અમારે જુદાં રહેવું પડ્યું. મુંબઈમાં અમારી રહેવાની વ્યવસ્થા નહીં થઈ શકી તેથી મારે એને દેશમાં મોકલવી પડી.
એ જ્યારે મુંબઈ આવી ત્યારે પણ અમે દર ત્રણ મહિને સેનિટોરિયમ બદલાવતાં ઘણું રઝળ્યાં. જ્યારે ઓરડી મળી ત્યારે પણ અમે બંને હૂતોહૂતી સાથે એકલાં કદી રહી શક્યા નથી. એક તો નાની એવી ઓરડી અને એમાં કોઈને કોઈ ઘરમાં સાથે હોય જ. અમારે જે પ્રાઇવસી જોતી હતી તે મળી જ નહીં.
મુંબઈના શરૂઆતના વર્ષોમાં તો નોકરી સાથે હું કાં કંઈ ભણતો હોઉં અથવા ટ્યુશન કરતો હોઉં તેથી સવારના વહેલો નીકળું. સાંજે મોડો ઘરે આવું ત્યારે થાકેલો હોઉં.
ઓછાં પગારની નોકરીમાં ખૂબ કરકસરથી ઘર ચલાવવાનું, દૂર પરાંમાં નાની ઓરડીમાં સાંકડુંમાંકડું રહેવાનું, દેશમાંથી આવેલો તીતાલી ભાઈ વળી એ ઓરડીમાં સાથે – આમ લગ્ન પછીના શરૂઆતના અમારા વર્ષો આનંદ અને ઉલ્લાસમાં નહીં પણ સંયુક્ત કુટુંબની કચકચમાં અને ઘસરડાં કરવામાં ગયા. આ બધું ઓછું હોય એમ પ્રથમ પુત્ર જન્મતાં જ મૃત્યુ પામ્યો.
હું અમેરિકા ભણવા આવ્યો ત્યારે વળી પાછું નલિનીને એકલું રહેવું પડ્યું. એના અમેરિકા આવ્યા પછી પણ મારું વધુ ભણવાનું તૂત તો ચાલું જ હતું. અહિંયા મારું પીએચ.ડી. કરવા અને સારી નોકરી કરવા શોધવા માટે અમે ઘણું રખડ્યાં.
દેશના અને અહીંના મારા રઝળપાટમાં મેં નલિનીને ઘણો અન્યાય કર્યો છે. મેં એના ગમાઅણગમા ભાગ્યે જ વિચાર કર્યો છે. કોઈ પણ ભારતીય સ્ત્રીની જેમ એને પણ એનું લગ્ન ધામધૂમથી કરવું હતું, તે મેં ન કરવા દીધું. મેં મારી સુધારાની ધૂનમાં સાદાઈથી સિવિલ મેરેજ કર્યા.
આમ દાપંત્યની શરૂઆતથી માંડીને આખી જિંદગી એને ગમે કે નહીં તે છતાં મેં મારું જ ધાર્યું કર્યું છે એને સાથે ઘસડી છે. આવા સંઘર્ષમય જીવનમાં પણ એણે રતન જેવા બે સંતાનોને ઉછેર્યાં, ભણાવ્યાં અને પરણાવ્યાં. આજે એ સંતાનોને ઘરે તેમના રતન જેવાં સંતાનો છે. આ બધાનો યશ નલિનીને જ જાય છે.
શું દેશમાં કે શું અમેરિકામાં હું હંમેશ મારી કરિયર બનાવવામાં જ પડ્યો હતો. મોટે ઊપાડે આ કરવું અને તે કરવું એવી ઘેલછા ઝાઝી, આવડત ઓછી અને મારી મહત્ત્વાકાંક્ષાની કોઈ હદ નહીં.

જે કરું તેનાથી મારા અસંતોષી જીવને બધું ઓછું પડે. આ કારણે જે નિષ્ફળતાઓ મળી છે તેનો ત્રાસ નલિનીએ જ સહન કરવો પડ્યો છે.
વધુમાં મારું અતડાપણું અમારી સોશિયલ લાઈફમાં આડું આવતું હતું. દેશમાંથી આવેલા બીજા ભારતીયો સાથે હું સહેલાઈથી હળીમળી ન શકતો. એમના અને મારા શોખ જુદાં. પાર્ટીઓમાં પોપ્યુલર થવા માટે જે ચીજોની જરૂરિયાત હોય છે – ગાવું, નાચવું, ગોસિપ કરવી, પત્તાં રમવા – આ બધાંનો મારામાં સર્વથા અભાવ. અને જે વસ્તુઓમાં મને રસ -સાહિત્ય, બૃહદ અમેરિકન સમાજ અને સંસ્કૃતિ, બૌદ્ધિક ચર્ચા – એ બધું અમારા મિત્રમંડળમાં વેદિયાપણામાં ખપે. આ કારણે અમને પાર્ટીઓના આમંત્રણ ઓછાં આવતાં. એ વાત નલિનીને કઠતી.

આ પાર્ટીઓમાં જવું એ મારે માટે સજારૂપ હતું ત્યારે એ અને સંતાનો તો વિકેન્ડની પાર્ટીઓની રાહ જોઈને બેઠાં હોય! નલિની મને વારંવાર ઠપકો આપતી કહે કે મારે લોકોમાં હળવુંમળવું જોઈએ.
હું ગમે તેટલો પ્રયત્ન કરું તોય મારામાં કંઈ બહુ ફેરફાર ન થયો. ઘરમાં કે ઘરની બહાર હું એવોને એવો મૂજી જ રહ્યો. આજે હું જ્યારે અમારા દીર્ઘ લગ્ન જીવનનો વિચાર કરું છું ત્યારે મારે કબૂલ કરવું જોઈએ કે એક પ્રેમાળ પતિ તરીકે હું સર્વથા નિષ્ફળ ગયો છું તેનો ડંખ આજે મને સતાવે છે.
મારા ત્રીજા કાવ્યસંગ્રહ, ‘પેન્સિલવેનિયા એવન્યૂ’નું તેને અર્પણ કરતાં મેં લખ્યું છે:
“નથી આપ્યું ઝાઝું સુખ વળી, તને દુખવી ઘણી,
પરંતુ જે પામ્યો, કશું વળી કર્યું, સર્વ તુજથી.”
એ જ કાવ્યસંગ્રહમાં નલિનીના નિધન સમયે જે સૉનેટ લખ્યા છે તે સમાવાયા છે.
(ક્રમશ:)
તમારી નિખાલસતા હ્રદયસ્પર્શી છે. આ આત્મકથા સૌ વાંચકો માટે પ્રેરણારૂપ બની રહેશે.