ગુટનબર્ગનું મ્યુઝિયમ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:16 ~ ઉત્કર્ષ મઝુમદાર
૧૪૫૦માં ગુટનબર્ગનું પ્રેસ કાર્યાન્વિત થયું ને પ્રથમ જે કૃતિ છપાઈ તે એક જર્મન કવિતા હતી એમ કહેવાય છે. ૧૪૫૫માં એણે આખું બાઇબલ છાપીને ૧૮૦ પ્રત સાથે પ્રગટ કર્યું.
અલબત્ત આ પહેલી પ્રતની કિંમત હતી 30 ફ્લોરીંસ (ચલણ) જે એક કારકુનનો ત્રણ વર્ષનો પગાર થતો. પણ વખત જતા આ કિંમત ઓછીને ઓછી થતી ગઈ. આ મોંઘું લાગે પણ હસ્તલિખિત બાઇબલ કરતાં તો અનેક ગણું સસ્તુ હતું.
જાન્યુઆરી 1465માં એના પ્રદાનની જાહેરમાં કદર કરવામાં આવી એને ‘જેન્ટલમૅન ઓફ ધ કોર્ટ’ની ઉપાધિ મળી. દર વર્ષે ઠરાવેલી રકમ, કોર્ટ માટેનો પોશાક, કરમુક્ત ૨૧૮૦ કિલો અનાજ ને ૨૦૦૦ લીટર વાઈન મળતો. હાલમાં મૂળ બાઇબલની પ્રતોમાંથી બે બ્રિટિશ પુસ્તકાલયમાં સાચવી રાખવામાં આવી છે.
![]()
રસ્તામાં આવતા નાના પણ સુંદર ગ્રામીણ ઇલાકાઓ જોતા, આઘે આવેલા અનેક કેસલ્સને જોતા જોતા ને આ મારી વાતોથી રસ્તો એવો સહેલાઈથી ખૂટી ગયો કે ન પૂછો વાત. જોતજોતામાં અમે શહેરની ભાગોળે આવી ગયા અમારે જવાનું હતું સિટી સેન્ટરમાં.
મધ્યકાલીન યુગનો કેસલ જોઈને અમે આધુનિક શહેરમાં આવ્યા. રોજે રોજ અમને એક સમસ્યાનો સામનો કરવાનો હતો તે હતો કાર પાર્કિંગનો. જોકે એ બહુ મોટી સમસ્યા ન હતી કારણ કે એક કે બે ચક્કર મારીએ કે અમને પાર્કિંગ મળી જતું. અમે જે જગ્યાની મુલાકાત કરવાના હોઈએ તેની આસપાસ એ શોધવું પડતું ને પછી ક્યાં પાર્કિંગ કર્યું છે એ યાદ રાખવું પડતું.
હોંશિયાર સીજે એના ફોટાઓ જ લઇ લેતો એટલે તકલીફ ન પડે. ગાડી પાર્ક કર્યા પછી અમારે થોડુંક જ ચાલવું પડ્યું ને મ્યુઝિયમ પાસે આવી પહોંચ્યા. જૂના મેન્ઝના હાર્દ સમાન ભવ્ય કેથરિડલની પાસે જ આ મ્યુઝિયમ આવેલું છે. પ્રિન્ટિંગનું આ વિશ્વનું જૂનામાં જૂનું મ્યુઝિયમ છે જેને જોવા દેશ પરદેશથી નિષ્ણાતો અને સામાન્ય પ્રવાસીઓ આવતા હોય છે.
પાંચ યુરોની ટિકિટ લઈને અમે અંદર પ્રવેશ્યા અમે ઓડિયો ગાઈડ પણ લીધી હતી ને ચોપાનિયા પણ લીધાં. એના દ્વારા જાણવા મળ્યું કે સન ૧૯૦૦માં જયારે ગુટનબર્ગની પાંચસોમી જન્મજયંતી ઉજવાઈ રહી હતી ત્યારે શહેરના અમુક નાગરિકોએ ભેગા મળીને આ મ્યુઝિયમ સ્થાપ્યું.
એમનો ઉદ્દેશ હતો સહસ્ત્રાબ્દીના મહાનાયક તરીકે નવાજાયેલા ગુટનબર્ગે મેળવેલી સિદ્ધિઓની જાણ આવનારી પેઢીને પણ થાય અને દુનિયાની અન્ય સંસ્કૃતિઓમાં આ ક્ષેત્રે થયેલા કામને પણ જાહેરમાં મુકાય.

આને માટે અનેક પ્રકાશકો, પ્રિન્ટિંગ મશીન્સના ઉત્પાદકોએ અસંખ્ય પુસ્તકો, સાધનો, યંત્રો ભેટમાં આપ્યા. આ મકાનમાં સ્થળાંતર થવા પહેલા આ સંગ્રહાલય શરૂઆતમાં અહીંના એલેકટોર પેલેસના બે ખંડમાંથી શરુ થયું જ્યાં પુસ્તકાલય પણ આવ્યું હતું.
૧૯૧૨માં પુસ્તકાલયના નવા મકાનમાં આને લઈ જવાયું જ્યાં પુસ્તકાલયના અલભ્ય પુસ્તકો પણ જરૂર પડે ત્યારે ત્યાં મુકાતા. મુલાકાતીઓને વર્ષના મુદ્રિત પુસ્તકોનો ઇતિહાસ પણ મળી રહેતો. વખત જતા નવા વિભાગો ઉમેરાતા ગયા.
૧૯૨૫માં ગુટનબર્ગના વર્કશોપની પ્રતિકૃતિ બનાવીને મુકવામાં આવી જે એકદમ લોકપ્રિય થઇ ગઈ. મુલાકાતીઓ આજે પણ એ વખતે મુદ્રણ કેવી રીતે થતું તે પ્રત્યક્ષ જોઈ શકે છે.
આ જગા પણ નાની પડવા લાગી તેથી ૧૯૨૭માં મેંઝના સૌથી સુંદર મકાનોમાના એક મકાન જે ૧૬૬૪માં બંધાયેલું તે ઝૂમ રોમીંચેન કૈસરમાં સ્થળાંતર કરાયું. અમે આ જ સ્થળે હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અહીં ભારે બોમ્બવર્ષા થઇ હતી. પુસ્તકો અને સાધન સામગ્રીઓને સલામત સ્થળે રાખી દેવામાં આવી હતી એટલે એને કોઈ નુકસાન ન થયું. મકાનને નુકસાન થયેલું, પણ ૧૯૬૨માં પુનરોદ્ધાર થઇ ને અસલ જેવું બની ગયું.
અમે અહીંનું પ્રિન્ટિંગ વર્કશોપ પણ જોયું. વળતી વખતે એક ગ્રુપ આવ્યું હતું ને તેમની ગાઈડ પ્રિન્ટિંગ કેવી રીતે થતું તે પ્રત્યક્ષ દેખાડતી હતી તે જોવાનો લ્હાવો અમે લઇ લીધો.
અહીં બુક પ્લેટ્સનું પણ જબરદસ્ત કલેક્શન છે. એક કલેક્ટરે ૫૦,૦૦૦ જેટલી બુક પ્લેટ્સ ભેટમાં આપી જેમાં ચાર્લ્સ ડિકન્સ, આઈન્સ્ટાઈન, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ જેવા મશહૂર વ્યક્તિઓની બુક પ્લેટ્સ પણ છે. આજની તારીખમાં એક લાખ જેટલી બુક પ્લેટ્સ સંગ્રહાલયમાં છે.

વિશાળ એવા આ મ્યુઝિયમ જોવાની બહુ મઝા આવી. કેટકેટલું જાણવાનું મળ્યું. મ્યુઝિયમ બંધ થવાનો સમય થવા આવ્યો હતો એટલે ત્યાંના કર્મચારી જોવાનું પતી ગયું હોય તો ઓડિયો ગાઈડ પાછી આપવાની વિનંતી કરવા લાગ્યા. અમારું જોવાનું પતી ગયું હતું. ત્રણેક કલાક ક્યાં પસાર થઇ ગયા હતા તેની ખબર પણ ન પડી.
સીજે પહેલા આની મુલાકાત માટે બહુ આતુર ના હતો, પણ જોયા પછી એણે એકરાર કર્યો કે આ ન જોયુ હોત તો એણે નક્કી કશુંક ગુમાવ્યું હોત.
એક માહિતી મુજબ સન ૧૪૦૦ ગુટનબર્ગના જન્મથી ૧૪૫૦માં તેણે પ્રિન્ટીંગ પ્રેસનો આવિષ્કાર કર્યો ત્યાં સુધી સમગ્ર યુરોપમાં થઈને હાથે લખેલા કેટલા પુસ્તકો લખાયા હશે? આંકડો છે વીસ હજાર. એ પછી ૧૪૫૦થી ૧૫૦૦ સુધીના પચાસ વર્ષોમાં કેટલા પુસ્તકો છપાયા? આંકડો છે એક કરોડ વીસ લાખ. આ જ બતાવે છે પ્રિન્ટીંગ પ્રેસે કેવી ક્રાંતિ સર્જી.

આ મ્યુઝિયમનું લોકેશન પણ બહુ સરસ છે. એક બાજુ રાહીન નદી ને બીજી બાજુ પ્રાચીન કેથ્રિડલ. બહાર નીકળીને અમે આ ઐતિહાસિક માર્કેટ સ્કેવેર બહારથી જોયું, જે ફક્ત રાહદારીઓ માટે જ છે. ત્યાં આવેલું આ મેન્ઝ કેથ્રિડલ સેન્ટ માર્ટિન કેથ્રિડલ તરીકે પણ ઓળખાય છે તે . હજાર વર્ષ જૂનું આ રોમન કેથલિક ચર્ચ અતિભવ્ય છે.

હવે અમે સખત ભૂખ્યા થયા હતા. બપોરનું ભોજન લેવાયું ન હતું. એટલે લેટ લંચ કે અર્લી ડિનર લેવા ઘાંઘા થઇ ગયા હતા. અહીં સ્કેવેર પર જ એક સરસ રેસ્ટોરન્ટ દેખાઈ ગઈ. ત્યાં બહાર ખુરશી ટેબલ મુકાયેલા હતા ત્યાં જમાવી દીધું.
કમનસીબે કોઈ ઓર્ડર લેવા આવે જ નહિ. આખરે એક ફુટડી નમણી કન્યા ઓર્ડર લેવા આવી. એને પૂછ્યું, ‘તું કઈ વાનગીઓની ભલામણ કરશે. એણે કરેલી ભલામણથી જે અનુકૂળ આવી તેનો ઓર્ડર આપ્યો. વાતવાતમાં ખબર પડી કે એ સિરિયન ઇમિગ્રન્ટ છે. અહીં એના કુટુંબ સાથે રહે છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ને ખિસ્સાખર્ચી કાઢવા નિયમિત અહીં કામ કરે છે. એણે અમારી બહુ સરસ રીતે સરભરા કરી.
મારે અમારા ગ્રુપ સાથે એનો ફોટો લેવો હતો પણ નિશ્ચિન્તે રોક્યો કહ્યું, ‘એ ડ્યૂટી પર છે એમ કરવું અજુગતું લાગશે.’ એને સારી એવી ટીપ આપીને અમે ત્યાંથી નીકળ્યા. કાર પાર્કમાં જઈ ગાડીમાં બેસી ત્યાંથી પ્રસ્થાન કર્યું. રસ્તામાં જહાજો, વહાણો પરનું એક મ્યુઝિયમ આવ્યું. પણ અમારી પાસે એ જોવાનો સમય ન હતો.
સેન્ટ ગોર અમે આઠ વાગ્યે પહોંચી ગયા. એટલી ભૂખ નહોતી લાગી એટલે સ્ટેફન વાઈન શોપ જે અમારી હોટેલની બાજુમાં જ હતી ત્યાં ગયા. નેટ પર એને પણ મુલાકાત લેવા જેવી જગ્યા કહેવાયેલી એટલે કુતૂહલથી ત્યાં ગયા.
સ્ટેફન બંધ કરવાની તૈયારી કરી રહ્યો હતો, પણ અમને દાખલ થતા જોઈ આવકાર આપ્યો. તેઓ પીચ વાઈન બનાવે છે જે અતિલોકપ્રિય થઇ ગયો છે. હિના વાઈનની શોખીન છે એટલે આજે રાતે પીવા માટે એક વાઈન બોટલ ખરીદી રૂમ પર પાછા આવ્યા.
આજે બહાર જઈ રેસ્ટોરંટમાં ડિનર લેવાની ઈચ્છા ન થઇ. વળી અમારી પાસે ઈન્ડિયાથી લાવેલો પુષ્કળ નાસ્તો હતો. તેને ન્યાય આપવાનું વિચાર્યું. એમને ખોટું ન લાગવું જોઈએ કે પરદેશમાં જઈ અમને ભૂલી ગયા?
દરેક જણ પાસે એનું મનગમતું પીણું હતું. થોડીક ભૂખ પણ લાગેલી. હીનાએ હિન્દુસ્તાનથી લાવેલા થેપલા કાઢ્યા. ભલા એવો કોઈ ગુજરાતી હશે જે બહારગામ જાય ને થેપલા સાથે ન લઇ જાય? વાઈન પણ સરસ. (લોકો અહીં વિન્યાર્ડની મુલાકત લેવા ખાસ આવે છે. રીઝલિંગ વાઈન નામનો વાઈન મૂળ અહીંનો.) થેપલા પણ સરસ ને બીજા ચખણા પણ સરસ. ઝામો પડી ગયો.
આ અમારી સેન્ટ ગોરની છેલ્લી રાત હતી. જર્મની ફરવા આવનારને હું ઓછામાં ઓછી બે રાત અહીં રહેવાની ભલામણ કરું છું ને તે પણ આ જ હોટેલમાં. મોકાની જગ્યાએ આવેલી આ હોટેલમાં રહેવાનો મોકો ચૂકવા જેવો નથી. તમે મને યાદ કરશો. ગુડ નાઈટ.
(ક્રમશ:)