કિરણ થઈ કોણ ફેલાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
આપણે કોણ છીએ? આ વિશ્વનો દોરીસંચાર કોણ કરે છે? શરીરમાં જે વસે છે એ આત્મામાં ચેતના કોણ પૂરે છે? જીવાણુથી લઈને મહાકાય વ્હેલનું અસ્તિત્વ કોણ ટકાવે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ રહસ્યમયી છે. એ સમજવા માટેનું સ્તર પણ અલગ હોય અને સંવેદના પણ અલગ હોય. જાતુષ જોશી એ તરફ આંગળી ચીંધે છે…
અટારી સપ્તરંગી આભમાં
ઝળહળ ઝળહળ ઝળકે
સતત ત્યાં કોણ ડોકાતું?
અથાતો બ્રહ્મજિજ્ઞાસા
બધી રજકણ ચરણરજ છે,
પવન પણ પત્ર કેવળ છે
કિરણ થઈ કોણ ફેલાતું?
અથાતો બ્રહ્મજિજ્ઞાસા
કવિ પવનને પત્રની સુંદર ઉપમા આપે છે. પવન દેખાતો નથી, પણ ન હોય તો આ વિશ્વ થંભી જાય. વિશ્વમાં અબજો જાતિ-પ્રજાતિ વિલસી રહી છે. એમનું મૅનેજમેન્ટ કોણ કરતું હશે એ કુતૂહલ સદીઓથી બરકરાર છે. ગર્ભમાં પિંડ બંધાય ત્યારે હૃદય પોતાના સ્થાને હોય, મગજ પોતાના સ્થાને હોય એ બધી ગોઠવણી કેવી રીતે થતી હશે?

આપણે તો કૅબિનેટમાં પુસ્તકો પણ એવાં આડેધડ ગોઠવી દઈએ કે ટાંકણે મળે જ નહીં. મળી જાય તો મરીઝનો આવો સુંદર શેર હાંસલ થઈ શકે…
તારો સમય કે નામ છે જેનું ફક્ત સમય
એને જો હું વિતાવું તો જીવન બની જશે
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા!
મારું છે એવું કોણ કે બંધન બની જશે
મરીઝના કેટલાક શેરો સમજવા બીજો જનમ લેવો પડે. દરેક દાયકે ગઝલ પોતાનું સ્વરૂપ બદલતી રહી છે. બદલાઈ રહેલા અનુભવવિશ્વનો પ્રભાવ સર્જક પર પડવાનો. પરિવર્તન એ જગનો નિયમ છે. છતાં ઘણી વાર એવું લાગે કે પરંપરાના શાયરો જેવી સાદગી અને રવાની આજે ક્યાંક મિસિંગ છે.

તો બીજી તરફ એ પણ હકીકત છે કે ભાવવિશ્વનો વિસ્તાર આજની ગઝલોમાં સુપેરે થયો છે. ગઝલનું અર્થમૂલ્ય સમૃદ્ધ કરનાર જનાબ શૂન્ય પાલનપુરી લખે છે…
થયા છે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?
કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે?
રડે છે કોણ એવું પોક મૂકી શૂન્યના શબ પર
મને લાગે છે એ રઝળી પડેલી પાયમાલી છે
તાજેતરમાં ત્રણ રાજ્યની ચૂંટણીમાં કારમી હાર પછી કૉન્ગ્રેસ પાયમાલી તરફ ધકેલાઈ ગઈ છે એવો વર્તારો મળે છે.
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પડઘમ ગમે ત્યારે વાગશે. પીઓકે માટે ભારત સરકારે ચોવીસ બેઠકો અનામત રાખી છે એ સરકારની મક્કતા અને ભવિષ્યના વલણનો ખ્યાલ આપે છે.

વૅક્સિન મૈત્રીથી ઉમદા દાખલો બેસાડનાર દેશ હવે વિશ્વની આગેવાનીમાં મહત્ત્વનું યોગદાન નોંધાવવા તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકામાં રહેતા શાયર ડૉ. મહેશ રાવલ સાથે આપણે વિશ્વના શુભની કામના કરીએ…
એકાંતે કોણ આવે? ભરચક ભરી જો, હરપળ
ઊજળી વિસાત લઈને નીકળાય, તો નીકળજે
આકાશી રંગ આંજી, રંગીન પગલે-પગલે
અદકેરી જાત લઈને નીકળાય, તો નીકળજે
એકાંત સમૃદ્ધ થાય તો એની મજા છે. એકાંત ગૂંગળાવનારું હોય તો અકારું લાગે. ઘણા લોકોને રાતે એકલા સૂવાનો વારો આવે તો પરસેવો વળી જાય.
સથવારાથી ટેવાયેલી હયાતીએ સમયાંતરે આવી પરિસ્થિતિનો સામનો કરતાં પણ શીખવું પડે. આ દૂરી જો અનબન કે અબોલાને કારણે હોય તો ભાર આપોઆપ વધી જાય. ડૉ. રશીદ મીર એ ભારને શબ્દસ્થ કરે છે…
થાય શું બીજું પ્રતીક્ષામાં અહીં
રાત-દિવસ બેઉ સરખા થઈ ગયા
જે અડોઅડ બેસતા’તા આપણી
કોણ જાણે કેમ અળગા થઈ ગયા
પ્રતીક્ષાનો અંત મિલન હોવો જોઈએ, અફસોસ નહીં. બહુ લાંબો સમય ચાલતી પ્રતીક્ષા ઘરડી થઈ જાય છે. પછી સત્ત્વ હોય તોય શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય. સંજોગોનું વ્યાકરણ આપણને સમજાતું નથી. ઉદયન ઠક્કર પ્રશ્ન પૂછે છે…
ઓચિંતો મધ્યરાત્રિએ ટહુકો થયો હશે
બીજું તો કોણ હોય આ ટાણે સ્મરણ વિના?
ચિહનો કોઈ વિરામનાં એમાં મળ્યાં નહીં
કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના?
લાસ્ટ લાઇન
લલાટ લાલ કરીને ખરી રહ્યું એ કોણ?
બરફની જેમ હવામાં ઠરી રહ્યું એ કોણ?
જવું જ પડશે ખબર છે બધું જ છોડીને
સમજ પૂરી છે છતાં પણ ડરી રહ્યું એ કોણ?
દિવસ ને રાત હથેળીમાં કોઈ કૈંક મૂકે
પ્રકાશપુંજ બની કણ ભરી રહ્યું એ કોણ?
ફરે છે કોઈ અહીં ભૂતપ્રેત થઈ થઈને
સતત સ્વપ્ન બનીને સરી રહ્યું તે કોણ?
તમારા ગામનો વરસાદ વાંચું છાપામાં
પલળતી આંખમાં ઝરમર ઝરી રહ્યો એ કોણ?
બધી ખૂટી ગઈ લીલાશ બંધ આંખોની
ધીરે ધીરે મને કાયમ ચરી રહ્યું એ કોણ?
~ નરેશ સોલંકી
