“શંકાની છે ભીંત, ખુલાસાના રસ્તા પર…..!” ~ આસ્વાદ ~ રમેશ પુરોહિત

રંગો ક્યારેય ભોળા નથી હોતા, એટલે લીલુંચટ્ટાક આખ્ખું નગર હોય તોય શું? શહેર એટલે જ કોલાહલ. નગરની શોરબકોર અને હાયવોયમાં કંઈ કેટલાય લોકો એકલતા અનુભવતા હોય છે. એનું કારણ આપતાં કવિ હેમેન શાહ કહે છે”

“શંકાની છે ભીંત, ખુલાસાના રસ્તા પર ભીડ નિરંતર
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે!”

ભીડની સોંસરવો રસ્તો કરીને આગળ નીકળી જવું, માણસ માટે ખૂબ અઘરૂં છે. એટલે માણસ પોસ્ટર જોતો જોતો મંદગતિએ, પોસ્ટર જોતો જોતો મંદગતિએ રસ્તો કાપે છે અને કોલાહલ સોંસરવો નીકળે છે. આ પોસ્ટરો આપણને શું કહે છે? રમણીક સોમેશ્વરની ગઝલમાં આ શહેરી જીવનની સચ્ચાઈ બોલકી બને છે.

“પોસ્ટરો તો એમ બણગાં ફૂંકશે, આગળ વધો
ઝંખનાઓ રોજ  ગાડી  ચૂકશે, આગળ વધો

ફૂટપાથો  પર બિછાવી  જાળ ઊભા છે બધાં
કોણ  જાણે, કોણ  કોને લૂંટશે, આગળ વધો!”

કોણ કોને લૂંટશે, એનો હવે કોઈને ભરોસો નથી, એવા ભર્યા ભાદર્યા નગરમાં ઘાસનો કે એની લીલાશનો ભરોસો શું? લીલાશ લીલું ઝેર બનીને લૂંટશે કે કુમળા ઘાસની લીલાશને કોઈ લૂંટી જશે એની કોઈ ખાતરી નથી! આમ તો ઝાંઝવા શહેરમાં રહે છે પણ કોંક્રીટના શહેરમાં પણ પળેપળ દેખાય છે.

મનોજ ખંડેરિયાએ ભરોસા વગરના પારા જેવા ચંચળ નગરજીવનની દાસ્તાનને એક નવો જ ઓપ આપે છેઃ
“આવી  લીલાશનો ભરોસો શું?
ક્ષણજીવી ઘાસનો ભરોસો શું?

ઝાંઝવા આવી ચડશે શહેરમાં
એના રણવાસનો ભરોસો શું?”

મનોજ ઝાંઝવાનું કારણ નથી આપતા, પરંતુ બરકત વીરાણી, “બેફામ” કારણ પણ આપે છે તે પણ કેવું સચોટઃ
“એકબીજાને રોજ તરસાવ્યા કરે,
ઝાંઝવાનું રણ બધાની પાસ છે.

સદગુણોનો દંભ રાખે છે બધા
નકલી આભુષણ બધાની પાસ છે

સૌ અહીં ખોટું જ હસતા હોય છે
એક પાગલ પણ બધાની પાસ છે”

શહેરમાં એરીયલ પર બેઠેલા કાગડાઓના સ્વર સિવાય, બીજા કોઈ સ્વરો નસીબ થતા નથી. સાહિલની આ કલ્પના જોઈએઃ
“એ નગર વસવાટ ભોળા પંખીઓ કરશે પછી
પાંખનો  ફફડાટ પણ  જ્યાં ગેરકાનૂની  હશે”
આવું શહેર ધ્વસ્ત થાય તો જ પંખીઓ વસવાટ કરી શકે.

શહેરને પોતાની આંખ કે કાન હોતા નથી, એવું તારતમ્ય દાખવતો હરીશ ધોબીનો શેર સમજવા જેવો છેઃ
સમજણ વિશેની મારી સમજ કોને હું કહું?
જ્યાં શહેર સાવ મૂક, બધિર, અંધ હોય છે!

નગર આખ્ખું કદાચ લીલુંછમ્મ હોય તો પણ કંઈક કારણ તો છે કે અહીંના રંગોની તાસીર તરકટી હોય છે. રમેશ પારેખનો મર્મસ્પર્શી શેર છેઃ
રંગો ક્યારેય ભોળા નથી હોતા એટલે
લીલુંચટ્ટાક આખ્ખું નગર હોય તોય શું?

‘અષાઢષ્ય પ્રથમ દિવસે..’ કવિ મેઘનો છાંયડો જુએ છે અને ધરતી કોરી, અમાસી નિશ્વાસ નાખે છે. ત્યારે ભગવતીકુમાર કહે છે કે, સૂર્ય ધુમ્મસના શ્વાસોમાં પીગળી ગયો છેઃ
રાત પડતી નથી, સાંજ ઢળતી નથી
આ દિવસની ચિતાઓ પ્રજળતી નથી

દૂર  શિખરો પર છે મેઘનો  છાંયડો
મારા ઘરની અગાશી પલળતી નથી!

સૂર્ય ધુમ્મસના શ્વાસોમાં પીગળી ગયો
ડાળીઓ ગુલમહોરોની  બળતી નથી!

આ નગરમાં ફરું છું  હું  ઉઘાડે પગે
મારી છાયા કાં લોહી નીગળતી નથી!

સોલિડ મહેતા તો ખુલ્લેઆમ ચેતવણી આપતાં કહે છે કે શહેરમાં કોઈના આગમનની જાણ થતાં જ ભીંતો અવાચક થઈ જાય છે, માટે બંધ બારણાં ખખડાવવા જેવાં નથીઃ
આગમનની જાણથી ભીંતો અવાચક થઈ જશે,
બંધ ઘરના બારણાં ખખડાવવા જેવાં નથી!”

(મુંબઈ સમાચાર, ૨૦૦૪ ના સૌજન્યથી)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.