બે ગઝલ ~ ભાવિન ગોપાણી ~ 1. કવિતામાં લાવી 2. ઘણાંને કશું
1.
કવિતામાં લાવી ખુમારી તથા વટ
કરી તો કરી કોની સાથે બનાવટ?
છે દુર્ભાગ્ય કે વ્યક્ત થઈ ના શકાયું
નિકટતાય મનમાં ને મનમાં છણાવટ!
પૂરી થાય ક્યાંથી અહીં કોઈની ઊંઘ?
દિવસ-રાત આપ્યા, કરીને મિલાવટ
જનમતાં જ તાલિમ મળી હાંફવાની
પછી શ્વાસ લેવામાં આવી છે ફાવટ
2.
ઘણાંને કશું સીધુંસાદું ના ફાવે
હકીકત બતાવે કરીને સજાવટ
બતાવીને કરતબ ટકી તો જશો પણ
પલાંઠી લગાવી શકો તો જમાવટ
વિતાવી છે એવી રીતે જિંદગી કે
હતી એ કોઈ મામલાની પતાવટ
ના મને જે ધરાર બોલાવે
જા તને એ સવાર બોલાવે
ઘરમાં આ રાહ જોઈ બેઠો છું
કોઈ આવે ને બ્હાર બોલાવે
હું મુલાકાત ખાનગી રાખું
એ કરીને પ્રચાર બોલાવે
એક દીવાલ એવી શોધું છું
જે મને આરપાર બોલાવે
ક્યાંક બોલાવતું નવું દેવું
ક્યાંક જૂનું ઉધાર બોલાવે
સાવ પોકળ ઉજાસના રસ્તે
કારમો અંધકાર બોલાવે
એ પછી મોતને મળી લઈશું
આખરી સારવાર બોલાવે
~ ભાવિન ગોપાણી (અમદાવાદ)