ત્રણ કાવ્યો ~ મનોજ્ઞા દેસાઈ ~ ૧. ધુમ્મસ જેવા મૌન ૨. હું ના હોઉં ત્યારે ૩. તો?
૧. ધુમ્મસ જેવા મૌન
ધુમ્મસ જેવા મૌન સરીખું તારું કહેવું ધીરે ધીરે,
ને એમાં બે ઝાકળ જેવું મારું વહેવું ધીરે ધીરે.
ક્ષિતિજે ઢળતી સંધ્યા જેવું તારું મળવું ધીરે ધીરે,
તારા ખીલતાં અંધકારનું આ ઓગળવું ધીરેધીરે.
હોઠોને બે ખૂણે પ્રસરતું, સ્મિત એ ગરવું ધીરે ધીરે,
એ જ સમે મારે પાલવથી પળનું સરવું ધીરે ધીરે.
માનસરે કો હંસબેલડીનું આ સંચરવું ધીરે ધીરે,
કુમુદ સમું કંઈ શ્વેત શ્વેત છે આ પાંગરવું ધીરે ધીરે.
મારા સંવેદનનું તારે સ્પંદન આ ભળવું ધીરે ધીરે,
સાવ અજાણ્યા વળાંક ઉપર આવું વળવું ધીરે ધીરે.
સ્પર્શ તણો ના ખ્યાલ પવનનું એવું વાવું ધીરે ધીરે,
મનની ભીતર, ઊંડે ઊંડે, આ અટવાવું, ધીરે ધીરે.
સદીઓ જૂનાં સપનાંઓનું સાકારાવું ધીરે ધીરે,
ક્યાંથી જાણે, કવિતાનું આકારાવું, ધીરે ધીરે.
૨. હું ના હોઉં ત્યારે
હું ના હોઉં ત્યારે
રાત્રિના નિરભ્ર મૌન આકાશમાં
એકાદ નક્ષત્રમાંનો, એકાદ તારો
કંઈ બોલી ઊઠે
તો કદાચ એ મારા વિષે પૂછતો હોય એમ બને…
મુંબઈની આસપાસના વનોમાં
સાત વર્ષે ખીલેલાં કારવીના ફૂલ
તને એકલો જોઈને (પવનમાં) હાલી ઊઠે
તો એમને કહેજે ત્યાં ક્યાંક કે કદાચ (એ જ વનમાં)
એવાં જ કોઈ ફૂલમાં મેં સુગંધનું રૂપ ધાર્યું હશે…
સહ્યાદ્રિના પર્વતો પરથી દોડતાં ઝરણાં
ઘેલી થઈને બોલતી કોયલ
ઊડાઊડ કરતાં નાનાંમોટાં પતંગિયાં
વર્ષામાં સદ્યસ્નાત વૃક્ષો
કોઈ પણ મારે વિશે તને પૂછે
તો કહેજે કે
હું એમની પાસે જ હોઈશ- ક્યાંક
સૂક્ષ્મમાં સમાઈને
સિતારના તારમાં સમાયેલા સૂરોની જેમ
ક્યાંક રણઝણાટ સાથે મારો થશે આવિષ્કાર….”
૩. તો?
સ્વપ્ન પાંદડે ઝાકળ જેવી નાજુક નાજુક ભીની ભીની,
કંઈ આશાઓ કંઈ અપેક્ષા સાવ અચાનક દડી જશે તો?
શકુંતલાની વીંટી જેવાં સ્મરણો, વાતો, હળવુંમળવું
છોડીને દુષ્યંત કોઈ હાથ બીજાને ચડી જશે તો?
અશ્રુટાંકણે કંડારીને ક્ષણનાં શિલ્પો અંતર ઊડે,
સંતાડીને રાખ્યાં છે, ક્યારેક કોઈને જડી જશે તો?
ભ્રમણાઓના પાયાઓ ને સ્તંભ રચાયા આભાસોના,
કાળપવનમાં ગંજીપાનો મહેલ આપણો પડી જશે તો?
~ મનોજ્ઞા દેસાઈ
વાહ હીરા મોતી મળી ગયા