એક અશુભ પુત્રની વાર્તા ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃ સચ્ચિદાનંદ રાઉતરાય ~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની
તે દિવસે નાના ઘુવડના બચ્ચાએ પહેલવેલી આંખો ખોલી. ઝાડની અંધારી બખોલમાં તેણે આંખો ખોલી પહેલીવાર અંધારું જોયું, ચારેબાજુ ઘોર અંધારું છવાયેલું હતું. તેની મા તેના પર પાંખ પસારીને બેઠી હતી.
નીચે સાઠીકડાં તણખલાંની સેજ પર ટચુકડા હાથ પગ મૂકી કેટલાય સપનાં જોતું હતું આ નાનું બચ્ચું. ત્યાં તો ઝાડની ઉપરની ડાળ પરથી ‘કા, કા’ કરી કોઈએ ખૂબ જોરથી આકાશ જાણે ગજવી નાખ્યું. તેની માની પાંખો કોણ જાણે કેમ ધ્રુજી ગઈ. માએ તેને વધારે જોરથી છાતીએ વળગાડ્યું. તેને સારું લાગ્યું. તે ચૂં ચૂં કરતું હસી પડ્યું!
માએ તેની ટચુકડી ચાંચ પર ચાંચ ઘસી તેની ધીમેથી ચૂપ રહેવાનું કહ્યું. તેને સમજાયું નહીં કે મા કેમ ચૂપ રહેવાનું કહે છે. પણ મા કહેતી હતી એટલે તે ચૂપ થઈ ગયો.
માના કોમળ પીંછાંમાંથી ગરમી લઈ તેનાં શરીરના ચામડાનાં પડ જેમજેમ જુદા પડતા જતાં હતાં, તેમતેમ તે હલકો ફૂલ થતો ગયો. જાણે કે હમણાં જ ઊભા થઈ જવાશે!
પછી સાઠીકડાંની પથારીમાં તેણે જરી પગ લંબાવ્યા. મા પણ તેના પરથી સહેજ આઘી ખસી ગઈ. તેના નાના નાના પગમાં ચાંચ ખોંસી ખોંસી માએ તેના પગ સીધા કરી દીધાં.
તેણે જરી ઉપરની તરફ જોયું. અંધારું થોડું ઓછું લાગ્યું. તેણે આંખો મીંચી દીધી. જરી મા તરફ નજર નાખી ફરી ઉપર જોયું. મા તેના મનની વાત સમજી ગઈ.
તેના નાના સરખા ચીબા નાક ઉપર પોતાનું નાક દાબી હસતાં હસતાં બોલી, “મારો વહાલો દીકરો! બહુ ડાહ્યો, હજુ થોડી ધીરજ રાખ. તારી પાંખોમાં વધારે પીંછાં આવવા દે. હું તને ઊડતા શીખવી દઈશ. પાંખો વાળવાની બધી રીતો શીખવીશ. પછી તું સ્વર્ગમાં ફરીફરીને નવી દુનિયા જોજે.
અત્યારે તો તું અંધારામાં છે. દુનિયામાં બહાર આવીશ ત્યારે ખાલી અંધારું નહીં હોય. સ્વર્ગમાં ગોળ ગોળ ચાંદાનું અજવાળું ફેલાયેલું હશે. નાનાં, નાનાં તારા આંખો પટપટાવી તને વહાલ કરશે. તારી જોડે ફરીફરીને હું તને સારી સારી વસ્તુઓની ઓળખાણ કરવી દઈશ. બસ, તું થોડો મોટો થઈ જા. એકવાર તારા શરીરમાં હજુ થોડી તાકાત આવી જવા દે!”
પછી, માએ બખોલના એક ખૂણામાંથી પાકું જામફળ લઈ તેની ચાંચમાં ઠાસ્યું. તે ધીમેધીમે ચાંચ હલાવી જામફળ ગળી ગયો. વાહ! કેવું મીઠું છે. તેણે નક્કી કર્યું કે દુનિયા જોઈશ. આ દુનિયા સાચે જ ખૂબ મીઠી છે, આ જામફળ જેવી જ સ્તો!
ઝાડ નીચે પ્રાણીઓ એક પછી ‘હૂપ, હૂપ..’ કરતાં દોડા દોડી કરી હતાં. માના પેટ નીચે સૂતા સૂતા તેને ઝોકું આવી ગયું. તેને સપનું આવ્યું. દુનિયાનું સપનું, ચારે બાજુ મીઠાં મીઠાં જામફળ ઝાડ પર લચી પડ્યા છે. સ્વર્ગમાંથી ચાંદો નીચે ઉતરી આવ્યો છે. ક્યાંય જરીએ અધારું નથી.
ઝાડ નીચે થતાં કાગારોળથી તે જાગી ગયો. ચારે બાજુ ઘોર અંધારું હતું. તેનું મન ખાટું થઈ ગયું. તેણે માને બૂમ પાડી. ”મા, હું આજે દુનિયા જોવા જઈશ. ચાંદા જોડે રમવા હું આજે ચોક્કસ જઈશ.“
માએ તેને પેટ નીચે લીધો. પણ તે માના પેટ નીચેથી સરકી ગયો. તેને અંધારું બિલકુલ ગમતું ન હતું.માએ હસતાં, હસતાં કહ્યું,“ તું દુનિયામાં આવ્યો છે તો તને દુનિયા જોતાં કોણ રોકે છે? પણ મોટા થયા વગર, ખૂબ બળવાન થયા વગર દુનિયામાં જઈશ તો દુનિયા તને ઠગી લેશે અને તારો શિકાર કરશે તે જુદું! થોડી ધીરજ રાખ. બસ, થોડા દિવસ જ રાહ જો. પછી તને હું જાતે જ બહાર લઈ જઈશ. હમણાં તું અહીં ઊંઘી જા. હું બહાર જઉં છું. તારા માટે સારું સારું ખાવાનું લઈ આવું. તુ બિલકુલ અવાજ કરીશ નહીં.”
માએ તેની ચાંચ પર પોતાની ચાંચ ઘસીને, વહાલ કર્યું અને જતાં જતાં ફરીને પાછું વળીને તેની સામે જોયું અને પછી મા માળામાંથી બહાર જતી રહી.
*****
“હવે તેની પાંખો મજબૂત થઈ ગઈ છે. તે ઊભો રહી શકે છે. તેની પાંખોમાં પીંછાં ધીમે ધીમે ઊગે છે અને તે દુનિયામાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે…!” બસ, આવા દુનિયાના ખ્યાલોમાં તે ગાંડો થઈ ગયો. તેની આંખો સામે હંમેશા ચાંદાનું અજવાળું, જામફળ રમ્યા કરતું. હવે તેનામાં ધીરજ નથી.
માની પાછળ પડ્યો. “મા, હું હવે મોટો થઇ ગયો. હવે મારે દુનિયા જોવી જ છે.” તેણે હઠ પકડી. અંતે, તેની જીદ પાસે મા હારી ગઈ અને મા પહેલીવાર તેને બખોલના મોં પાસે લાવી. સ્વર્ગનો ચાંદો ચાંચ આગળ કરી બતાવ્યો.
તે તો ઉત્સાહથી ઉછળી પડ્યો! તેને થયું, “વાહ, આ ચાંદો કેટલો સુંદર છે ! અને પોતે તો કેવા અંધારામાં પડ્યો રહેતો હતો!” એ મા જોડે થોડું થોડું ઉડ્યો. તે આ ડાળ પરથી પેલી ડાળ પર કુદ્યો. પછી સૌથી ઉપલી ડાળ પર એક છલાંગે ચઢી ગયો.
ચાંદા સામે જોતો થોડીવાર બેસી રહ્યો. તેને થયું, ચાંચ ખોલી થોડુ ચાંદાનું અજવાળું પી લે. મા તેની પાસે આવી. માંડમાંડ તેને સમજાવી પટાવીને બખોલમાં લઈ ગઈ.
એક દિવસ બપોરે તેની મા જરી ઊંઘી ગઈ હતી. તે ધીમેથી બખોલમાંથી બહાર નીકળો. તેને થયું, “અરે વાહ ! બહાર કેટલું બધું અજવાળું છે. તે દિવસ કરતાં આજનો ચાંદો કેટલો મોટો છે અને કેવો ઝળકે છે!”
તેણે થોડીક જ વાર જોયું અને તેની આંખો બળવા લાગી. “બાપ રે બાપ! કેટલું અજવાળું !”
ત્યાં તો તેણે જોયું કે ઉપરની ડાળમાં બે ચકલીના બચ્ચાં આ ડાળ પરથી પેલી ડાળ પર કૂદાકૂદ કરતાં હતાં અને એમની મા જોડે ગીત ગાતાં હતાં. તેનું મન ખરાબ થઈ ગયું. તેને ખરાબ લાગ્યું કે એની માએ તો એને આવી રીતે મોટા ચાંદા નીચે ગીતો ગાતાં શીખવાડ્યું નથી.
તે ગીત ગાતોગાતો ચકલીના બચ્ચાં પાસે ગયો. બચ્ચાં ડરી ગયા. ચીસો પાડવા લાગ્યાં. તેમની માએ આને પીંખી નાખ્યું. અવાજ સાંભળી એક કાગડો ‘કા, કા..’ કરતો દોડી આવ્યો.
આ બધી ધમાલથી ઘુવડની માની ઊંઘ ઊડી ગઈ. તે બહાર આવી અને તેને બખોલમાં ખેંચીને લઈ ગઈ. બચ્ચાને ગુસ્સો આવ્યો. માએ તેની મજા બગડી નાખી. ગુસ્સામાં તેણે માને બે ચાર બચકાં ભર્યા અને જોરથી ભેંકડો તાણ્યો.
તેની મા શિખામણ આપતાં આપતાં રડી પડી.- “દીકરા ચૂપ થઈ જા. મારા દીકરા, તે ચાંદો નથી, સૂરજ છે. આપણી દુનિયા સૂરજની નથી કે નથી આપણે સૂરજની દુનિયાના. આપણે અંધારાના જીવ છીએ. ચાંદો પણ આપણાં માટે રોજ નથી હોતો. આપણા નસીબમાં અંધારું જ છે. દીકરા, આપણે અંધારામાં ન રહીએ તો મરી જઈએ.” અને ચાંચ ઘસીને વહાલ કરતી રહી.
માની વાત સાંભળી તે ગુસ્સે થઈ ગયો. તે શા માટે સૂરજની દુનિયામાં ન જાય? તે શા માટે અજવાળામાં ન ફરી શકે? કોણે તેમને હેરાન કરવા આવા નિયમો ઘડ્યા છે?
તે ગુસ્સામાં આવી આગળ ચાલવા લાગ્યો. મા તેને પોતાના પેટ નીચે ખેંચી લાવી. માના પેટ પરના થોડા પીંછા તેણે ગુસ્સે થઈ ચાંચથી ખેંચી નાખ્યાં અને બહાર નીકળવા લાગ્યો. પણ માને રડતી જોઈ તે પાછો આવ્યો.
બખોલની બહાર કાગડાં ભેગા થઈ કાગારોળ કરતાં હતા. ત્યારે મા રડતાં રડતાં બોલતી હતી, “આપણે અંધારાના રહેવાસી. આપણે અશુભ સંપ્રદાયના. આપણને દુનિયાનો અભિશાપ. આપણે અજવાળું શોધીએ તો મરી જઈએ. અજવાળાની દુનિયામાં આપણો શિકાર કરવા અજવાળાના સંતાનો તાકીને બેઠા છે.”
માને આટલું રડતાં જોઈને તે શાંત થયો અને માને દિલાસો આપતા તે બોલ્યો, “મા, ધીરજ રાખ. હું મોટો થઈ જઉં. અજવાળાની દુનિયામાં હું તને ચોક્ક્સ લઈ જઈશ. હું બધાં શત્રુઓનો નાશ કરીશ!” માએ ચાંચ ઘસીને ફરીથી વહાલ કર્યું.
****
તે દિવશે બન્ને મા દીકરો આંબાની ડાળે બેઠાં હતાં. આકાશમાં ચાંદો ન હતો. ઘુવડનાં બચ્ચાને ક્યાંય ચેન પડતું ન હતું. અચાનક બાજુના ઘરની તિરાડમાંથી અજવાળું દેખાયું. ઘુવડનું બચ્ચું આનંદથી નાચી ઊઠયું. તે મોટેથી ગાવા લાગ્યું.
એક ઘરમાંથી કોઈએ મોટેથી તેને ગાળો આપી- “બદમાશ, અહીંથી જાય છે કે નહીં! નહિતર ગરમ તવેતાથી ડામ દઈશ. ભાગ અહીંથી, જા મર!“
ઘુવડની માએ બચ્ચાના મોએ ચાંચ અડાડી તેને ચૂપ રહેવા કહ્યું. બચ્ચું ગુસ્સે થયું. ખરા છે આ લોકો! અજવાળું જાણે એ લોકોની જ મિલકત હોય એ રીતે વર્તે છે! અજવાળાને જોઈ આપણે જરી ખુશ થઈએ તો ગાળો સાંભળવાની? ના, ના એ તો નહીં ચાલે!”
ગુસ્સાનો માર્યો તે બારીમાંથી અંદર જઈ અજવાળું છીનવી લાવવા નીકળ્યો પણ તે દિવસે મા રોકકળ કરીને તેને માંડ પાછો લાવી.
બીજા દિવસે સાંજે ઘરમાંથી બહાર નીકળતી વખતે તેણે પોતાની બન્ને પાંખો બરાબર ચકાસીને જોયું કે બધાં પીંછા ઊગી ગયા છે. પગ સીધા કરી બે ચાર ઠેકડા માર્યાં અને નક્કી કર્યું કે પગ પણ સારા એવાં મજબૂત છે. ચાંચ ઝાડ જોડે અથડાવી અને ખાતરી કરી કે તે પણ ઘણી સખત થઈ ગઈ છે. પછી તે બહાર નીકળ્યો.
રાત્રે અંધારામાં એક બીજી બખોલમાં ભરાઈ ગયો. તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે ઘેર પાછો નહીં જાય. તે સૂર્યના દેશમાં ફરશે. પ્રકાશ પર કબજો કરશે. તે શત્રુની સામે જઈ મુકાબલો કરશે.
રાત પૂરી થવા આવી. ક્ષિતિજ પર નીચેની તરફથી લાલ તડકાની પિચકારી ઉપર આવી. સૂર્યના દેશમાં પ્રકાશનું પ્રથમ આગમન તેણે કદી જોયું ન હતું. તે પોતાનું અસ્તિત્વ ભૂલી ફાટી આંખે પ્રકાશનો ઉત્સવ જોતો રહ્યો.
હજારોની સંખ્યામાં પક્ષીઓ પાંખ ફેલાવી ઊડવા લાગ્યાં. તેના હજારો જાતભાઈઓ અજવાળામાં ફરીને જીવનનો સ્વાદ લે, અને પોતે દીવાના અંધારામાં સડી મરે? ના, તેને હિંમત આવી ગઈ. સૂરજ ધીમે ધીમે ઉપર ચઢવા લાગ્યો દિવસનો પ્રકાશ વધારે ફેલાતો જતો હતો. “આટલાં બધા, આવા સુંદર પ્રકાશમાં તેના માટે શું જરી પણ જગ્યા નથી? ના, પોતે આજે મન ભરીને મોજ કરશે. તે આજે આખી દુનિયાને ખબર પાડી દેશે, તે પણ પ્રકાશનો પુત્ર છે. તેનો પણ આ પ્રકાશની દુનિયા પર હક્ક છે.” એણે મનોમન આવું નક્કી કરી લીધું.
તે મન ફાવે તેમ ચારે બાજુ ઊડવા લાગ્યો. આંખો ખોલીને દુનિયાની દરેક વસ્તુ જોવા લાગ્યો. અચાનક કોઈએ પાછળથી તેના પર આક્રમણ કર્યું. તેણે પાછા ફરીને જોયું. માએ તે દિવસે એની શત્રુ તરીકે ઓળખાણ આપી હતી તે જ હતો!
“આ જ બધાં તેની પાસેથી પ્રકાશ છીનવી લેવા માગે છે!” તેણે પણ ચાંચ સરખી કરીને કાગડા પર આક્રમણ શરુ કર્યું. કાગડાએ એને સામો થતાં જોઈ, ‘કા, કા..’ કરીને પોતાના જાતભાઈઓને બોલાવ્યા અને બે ચાર પળમાં જ કાગડાંનાં ટોળે ટોળાં ‘કા, કા..’ કરતાં ઉતરી પડ્યાં.
આટલાં શક્તિશાળી ટોળાં સામે પોતે નહીં ટકી શકે એ વાત તેને સમજાઈ ગઈ. તે સામે દેખાતા બંગલા તરફ નાઠો.
દીવાલ પરના નાના બાકોરામાં થઈને અંદર ઘુસી ગયો. છેક અંદર પહોંચી ગયો. બહાર કાગડાં ટોળે વળ્યાં હતાં. તે જરી નિશ્ચિંત થઈને બેઠો. તેને થયું, “મોકો મળે, શત્રુની સંખ્યા ઓછી થાય એટલે બહાર નીકળી બદલો લઉં. આજે પ્રકાશનાં સામ્રાજ્ય પાસેથી પોતાનો હક મેળવીને જ રહીશ. પોતે અંધકારનો અભિશાપ નથી. તે પણ પ્રકાશનું સંતાન છે. આ તેજ પર તેનો પણ અધિકાર છે. તે આજે તો મન ભરીને પ્રકાશનો આનંદ લેશે જ લેશે!”
બંગલામાં પલંગના જાડા ગાદલા પર, બંગલાના માલિક શ્રીમંત ધીરુમલ્લશેઠ સૂતા હતા. તાવથી થર થર ધ્રુજતા હતા. તાવમાં સનેપાત ઉપડ્યો હતો. આડું અવળું બોલતા હતા અને ચીસો પાડતા હતા.
ઘુવડના બચ્ચાએ આંખો ખોલીને સારી રીતે જોયું અને મનમાં કડવાશથી વિચાર્યું કે, “અચ્છા, તો આ લોકો પ્રકાશની દુનિયાના જાણીતા લોકો છે. એમને એવું અભિમાન છે કે એમના માટે જ સૂરજ રોજ ઊગે છે અને પ્રકાશ આપે છે!”
એવામાં અચાનક જ શેઠ ધીરુમલના એક સેવકની નજર તેના પર પડી. “અશુભ, અશુભ, મહાવિનાશક યોગ. ઘરમાં ઘુવડ પેઠો છે અને માલિક માંદા છે.” સેવકે વ્યગ્ર બની બૂમાબૂમ કરી.
એક લાંબી લાકડી વડે બિચારા ઘુવડના બચ્ચાને ગોદા મારી મારીને કાઢવામાં આવ્યું. તેની બન્ને પાંખોમાં સખત વાગ્યું. તે મહામહેનતે પાંખો ઊંચી કરી છત ઉપર જઈ બેઠું.
ઝાડ ઉપરથી થોડાં કાગડાં ઉડી આવ્યા અને તેના પર તૂટી પડ્યાં. કાગડાંની કાગારોળ સાંભળી એક નોકર ઉપર આવ્યો અને લાકડીથી ઘુવડના બચ્ચાને મારવા લાગ્યો. બચ્ચું નીચે પટકાયું. ઘુવડ બેઠું હતું ત્યાં ઘાસ બાળી હળદરનું પાણી છાંટ્યું. હાશ! અશુભ ટળ્યું.
કાગડાંના ટોળાંએ ઘાયલ બચ્ચા પર મારો ચલાવ્યો. બચ્ચાની પાંખોના મૂળમાંથી ખૂબ લોહી વહેતું હતું. તેણે ઉપર જોયું. સૂરજ માથે હતો અને ખૂબ ખૂબ પ્રકાશ આવતો હતો.
મુશ્કેલીથી તે ઊભો થયો અને ઘર તરફ ઊડ્યો પણ બખોલ પર ચઢી શક્યો નહીં. ઝાડની નીચે પડી ગયો. એને દર્દ થતું હતું અને માને બોલવવા ચીસો પાડતો હતો. તેની મા દીકરો હજી પાછો આવ્યો નહીં એટલે ચિંતામાં રાહ જોતી બેઠી હતી. “શું થયું હશે એની સાથે? દિવસના મારું બચ્ચું ક્યાં આશરો લેશે?”
એની માનું મન આડાઅવળા વિચારોમાં અટવાતું હતું એવામાં દીકરાની ચીસનો અવાજ સાંભળી, તે હાંફળી-ફાંફળી ઝાડ નીચે દોડી આવી. દીકરાને લોહીથી લથપથ જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ અને રડતાંરડતાં ચાંચથી બચ્ચાને વહાલ કરતી રહી.
બચ્ચાએ એક વાર ઉપર જોયું. ચકલીનાં બચ્ચાં નાચતાં કૂદતાં ગીતો ગાતાં હતાં. સૂરજના કિરણો આકાશમાંથી પૃથ્વી પર પ્રકાશ વરસાવતાં હતાં.
ઘુવડના બચ્ચાએ પોતાની માને આમ રડતાં જોઈને, માના પગ નીચે માથું રગડી રગડીને કહ્યું- “મા, તું રડીશ નહીં. મારાં બીજાં ભાઈ-બહેનો થાય તો તેમને કહેજે, તેમનો મોટો ભાઈ પ્રકાશનું રાજ્ય જીતવા નીકળ્યો હતો અને વીરગતિ પામ્યો!”
***