હજી તું એ જ બસ તું ~ નટવર ગાંધીને : 83મા જન્મદિને ~ પન્ના નાયક

નટવર ગાંધી ~ જન્મતારીખ: ૪ ઓક્ટોબર 

ભૂમિકા: ત્રણ વર્ષ પહેલાં નટવર ગાંધીએ મને એક ચેલન્જ આપી હતી. મારે એમને એમના 80મા જન્મદિને એક છંદોબદ્ધ સોનેટ આપવું! હું અછાંદસમાં લખનારી. સોનેટની શિસ્ત મને ઓછી ફાવે. છતાં, એ ચેલેન્જ મેં સ્વીકારી, અને પરિણામે શિખરિણી છન્દમાં એ સોનેટ થયું. એ કેવું થયું તે તો એ અને સહૃદય વાચક જાણે!

૪ ઓક્ટોબર ૨૦૨૩ – એમનો આ 83મો જન્મદિન છે. થોડાક શબ્દના ફેરફાર સાથે મેં એમને આજે એ જ સોનેટ ભેટ આપ્યું. ~ પન્ના નાયક 

મળી’તી જ્યારે હું પ્રથમ દિન તેને ય વરસો
વીત્યાં છે કૈં તો યે સ્વજન, હજી તું એ જ બસ તું,
હજી  છે એ ચ્હેરે પડી કરચલી એક પણ ના,
હજી એની એ છે નિત ચમકતી ટાલ શિરપે,
હજી એની એ છે તરલ ગતિ ને તીક્ષ્ણ મતિ કૈં,
હજી એની એ છે રસભર રૂડી રીત રતિની,
હજી ઝીણી આંખે જગ સકળનું માપ લઈને
હજી પૂછી પૂછી, સમજી ઘણું, ઉલ્લાસ કરતો.                                                          

હજી તેં માંડી છે નજર દૂર ક્ષિતિજ પર, ને
હજી તારે ઊંચે શિખર ચડી આકાશ અડવું,
હજી તારું હૈયું નિત થનગને, પ્રેમ ઉભરે,
મહત્ત્વાકાંક્ષાથી સભર નયનો સ્વપ્ન નીરખે,
થયાં ત્ર્યાંસી એ તો રમત બસ કેલેન્ડર તણી,
તને કેવી રીતે, પ્રિયતમ સખે, વૃદ્ધ ગણવો?!

~ પન્ના નાયક 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.