રાહીન ક્રુઝ – બખારખ, બિજેન એમ રાહીન ને ઉંદરોની રસિક કથા ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:11 ~ ઉત્કર્ષ મઝુમદાર
આગલું સ્ટોપ હતું બખારખ જ્યાં અમે પહેલા રહેવાના હતાં. સારું થયું તેમ ન થયું નહીંતર અમે સેન્ટ ગોરની મઝા ગુમાવત.
ઓડિયો ગાઈડ કાર્યાન્વિત થઇ, “બખારખ ગામની ઉપર જે કેસલ દેખાય છે તેનું નામ છે સ્થાલએખ કેસલ, જેનું આજે હોસ્ટેલમાં રૂપાંતર થઇ ગયું છે.

આ બખારખ ગામમાં આપણે જેની અગાઉ વાત કરી તે વેર્નરનું ચેપલનું ખંડેર આવેલું છે. એની આગળ એક તક્તી મુકવામાં આવી છે. તેમાં પૉપ જ્હોન ત્રેવીસમાંનો ખ્રિસ્તી અનુયાયીઓને યહૂદી સાથેનો વર્તાવ સુધારવાનો સંદેશો કોતરાયેલો છે.
આજે આપણે કબુલ કરવું રહ્યું કે ઘણી સદીઓનો અંધાપો આપણી દ્રષ્ટિ પર છવાયેલો રહ્યો છે, જેના કારણે આપણે એમની સારાઈ જોઈ શક્યા નથી.
આપણા મોટાભાઈની ખાસિયતોથી પણ આપણે અજાણ રહ્યા છીએ. આપણે ઈશુનો પ્રેમનો સંદેશ ભૂલી ગયા છીએ. એમના પર લગાડેલા ખોટા અભિશાપ માટે અમને ક્ષમા કરજો. હે ઈશુ! તમને બીજી વાર શૂળીએ ચઢાવવા બદલ અમને માફ કરજો. અમે ભાન ભૂલેલા હતા.”
“આજે બખારખ પ્રવાસીઓ પર નભે છે ને અહીંનો વાઈન આજે પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિને વરેલો છે. લાકડાની ફ્રેમવાળા ઘરો તમને અહીં ઠેરઠેર જોવા મળશે. અહીંનું જૂનામાં જૂનું આવું મકાન જે આજે પણ વિદ્યમાન છે તે ઠેઠ સન ૧૩૬૮માં બંધાયેલું. ગામને ફરતી કિલ્લેબંધીનું સુપેરે રક્ષણ થયું છે ને પેલા કેસલ ઉપરથી રોમનકાળના રસ્તાના અવશેષો પણ જોવા મળે છે.”

ઓડિયો ગાઈડે કેસલ વિષે વધુ માહિતી આપતા કહ્યું, “સન ૧૧૩૫ની આસપાસ ઊંચી ભેખડ પર આ કેસલ બંધાયેલો ને એના નામ પ્રમાણે ગુણ હતા. સ્થાલ એટલે સ્ટીલ અને એકે એટલે કરાડ. કરાડ પર ઉભેલો અભેદ્ય કેસલ.
જર્મનીમાં ભાગ્યે જ જોવા મળે એવી એની દીવાલની આગળ પાણી ભરેલી ખાઈ હતી. ૧૭મી સદીમાં એ તૂટ્યું અને વીસમી સદીમાં એનો જીર્ણોધ્ધાર થયો ને ૧૯૬૫થી હોટેલમાં રૂપાંતર થયું.
આજે ૧૬૮ પલંગની હોટેલમાં વર્ષે દહાડે ૪૮૨૦૦૦થી વધુ મુસાફરો રોકાવા આવે છે. હોટેલ તરીકે ઉપયોગમાં આવતો હોવાથી તેની મુલાકાત લેવી શક્ય નથી. જોકે એનું પ્રાંગણ મુલાકાત માટે ખુલ્લું છે ને ત્યાંથી નીચે નદી અને ગામનું મનોરમ દ્રશ્ય માણી શકાય છે.”
બખારખથી પ્રવાસીઓને લઇ અમારી ફેરી આગળ વધે છે ને આવી પહોંચે છે લોર્ચ ગામે. આ પણ વાઈન અને પ્રવાસન ધામ માટે જાણીતું છે. અહીં જૂનામાં જૂનો દસ્તાવેજ ૧૦૮૫નો મળી આવે છે.

હવે પછીનું સ્ટોપ હતું આસ્માશાઉસેન. ઓડિયો ગાઈડ બોલવા લાગે છે, “આ સ્થળે ગરમ પાણીના ઝરા છે એ એના સ્પા (આરોગ્યધામ) તરીકે ખૂબ જાણીતું છે. અહીંનો રેડ વાઈન બહુ જ પ્રખ્યાત છે.”

અચાનક આબોહવા બદલાઈ (વખાણેલી ખીચડી દાઢે વળગી). ઝરમર ઝરમર છાંટા પડવા શરુ થઇ ગયા. અમે અંદર ભાગ્યા. સદનસીબે મુસાફરો ઓછા હોવાથી અમને બારી પાસેની બેઠક મળી ગઈ એટલે નિરાંતે બહારનું દ્રશ્ય માણી શકાયું.
થોડીવારે આવ્યું બિજેન એમ રાહીન એટલે કે રાહીનને કાંઠે આવેલું બીજેન. આ ગામ રાહીન અને નહ નદીના સંગમ પાસે આવેલું હોવાથી યાતાયાતની સારી સગવડને લીધે પહેલેથી જ વિકાસ પામેલું.
આ ગામ પ્રખ્યાત છે એના ઉંદરોની કથા માટે. અત્યંત રસપ્રદ વાત છે. પહેલી સદીમાં રોમનોએ અહીં વસાહત સ્થાપેલી એના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે.
ગામની સામે નદીની વચમાં એક માઉસ ટાવર છે. ઘણી વાર એનો પુનરોઘ્ધર કરાયેલો. મૈન્ઝ શહેરના આર્કબિશપ હાટો દ્વિતીયે એનો પુનરોદ્ધાર કરાવેલો સન ૯૬૮માં. સન ૧૨૯૮માં એ અધિકૃત કર ઉઘરાવવાનું કેન્દ્ર બન્યું.

તમને થશે કે ઉંદરોની રસિક કથા કહેવાનું બાજુએ રાખી આ વાત ક્યાં કાઢી. ચાલો ચાલો આપણે ઉંદરોની કથા તરફ પાછા વળીએ.
આ ટાવરને માઉસ ટાવર એવું નામ કેમ મળ્યું એ જાણીયે. કથા સત્યઘટના પર આધારિત છે કે નહિ એના વિષે મતમતાંતર છે, પણ લોકોના મનમાં તો એ સાચી ઘટના તરીકે બેસી ગઈ છે. આગળ જણાવ્યું તે હાટો દ્વિતીય સાથે આ બીના સંકળાયેલી છે.
હાટો બહુ ક્રૂર શાસક હતો. કોઈ કહેશે કે હાટો તો ધર્મગુરુ હતો તે શાસક કેવી રીતે થઇ ગયો?
તો તમને જણાવવાનું કે એ કાળમાં ધર્મગુરુઓ પાસે ધાર્મિક સત્તા સાથે રાજકીય સત્તા પણ હતી. હાટો એના રાજ્યમાંના ખેડૂતોનું શોષણ બહુ કરતો ને એ પેલા ટાવર ઉપર હથિયારબદ્ધ માણસો રાખતો અને જતા-આવતા જહાજો પાસેથી નજરાણું માંગતો. કોઈ આપવાની ના પડે તો એના હથિયારબદ્ધ માણસો એમનો ખાત્મો કરતા.
સન ૯૭૪માં ભયંકર દુકાળ પડ્યો. ગરીબો પાસે ખાવા ધાન ન રહ્યું. લોકો ભૂખથી ટળવળતા હતા, જયારે હાટોના ગોદામ અનાજથી છલોછલ ભરેલા હતા ને એ મનફાવે એ ભાવે એ વેચતો.
મોંઘુંદાટ અનાજ ગરીબોને પરવડે નહિ. તેઓના જીવ જવા લાગ્યા, પણ હાટો પર કોઈ અસર નહિ. એ તો પૈસાનો ભૂખ્યો હતો.
રાજ્યના ખેડૂતો રોષે ભરાયા ને તેમણે બગાવત કરવાનું નક્કી કર્યું., જગતના તાત કહેવાતા ખેડૂત પાસે જ ખાવા ધાન ના હોય એનાથી મોટી વિડંબના બીજી કઈ!
હાટોને આની ખબર મળી ગઈ એટલે એણે એક ક્રૂર યોજના બનાવી. એણે જાહેરાત કરી કે એ ભૂખ્યા ગરીબ લોકોને અનાજ આપશે. તે માટે એમને એક ખાલી વાડામાં ભેગા થવા કહ્યું. લોકો ત્યાં જમા થયા.
હાટો પોતાના નોકરચાકર સાથે ત્યાં પહોંચ્યો ને વાડાના દરવાજા બંધ કરાવી ત્યાં તાળું મરાવી દીધું. નોકરો પાસે ત્યાં આગ લગાડાવી દીધી. લોકો જીવતા ભૂંજાઈ ગયા. એમની મરણચીસથી વાતાવરણ ગુંજવા લાગ્યું ત્યારે આ નફ્ફટ ધર્મગુરુના નામે કલંક એવો હાટો અટ્ટહાસ્ય કરતો કહે ‘સાંભળો સાંભળો ઉંદરો કેવા ચૂં ચૂં કરે છે.”
હાટો પોતાને કેસલ પાછો વળી ગયો. અચાનક એ ઉંદરોના ઝુંડથી ઘેરાઈ ગયોઃ. એમનાથી બચવા એ હોડી લઈને નદીની વચમાં આવેલા પેલા ટાવર પર ભરાઈ ગયો. એને એમ કે એ અહીં સુરક્ષિત રહેશે.
ઉંદરો અહીં તરીને કેવી રીતે આવવાના? પણ કોપિત થયેલા ઉંદરો તો હજારોની સંખ્યામાં એની પાછળ ધસ્યા. કેટલાંય નદીમાં તણાઈ ગયા, ડૂબી ગયા પણ સેંકડો પેલા ટાવર સુધી પહોંચવામાં સફળ થઇ ગયા.

બંધ ટાવરના દરવાજા ખાઈ ગયા ને ઉપલા માળે જ્યાં હાટો સંતાયેલો હતો ત્યાં પહોંચી હાટોને ખોતરી ખોતરીને જીવતો ખાઈ ગયા. ક્રૂર શાસકોની આવી કથાઓમાં આ કથા એકદમ પ્રખ્યાત થઇ છે.”
ઓડિયો ગાઈડે વાત આગળ લંબાવી, “ગામની ઉપર જે કેસલ દેખાય છે તે છે કલોપ કેસલ. એની સામે આવેલો છે ઈરેનફેલ કેસલ અને વચમાં માઉસ ટાવર ત્રણે મળીને દાણ ઉઘરાવવાનું કામ પાર પાડતા.”
વરસાદ બંધ થઇ ગયો હતો એટલે અમે પાછા બહાર આવી ગયા. થોડીવારમાં અમારું ગંતવ્યસ્થાન પણ આવી ગયું – રૂદેશાઈમ આઇમ રાહીન.
આ રળિયામણું ગામ વાઈન ઉત્પાદન માટે જાણીતું છે. પરદેશી પ્રવાસીઓમાં આ બહુ લોકપ્રિય છે. ઠેઠ ૧૦૭૪માં એનો ઉલ્લેખ થયેલો મળી આવે છે.
(ક્રમશ:)