વતન તરફ ~ લલિત નિબંધ ~ દિવ્યા જાદવ ~ (સંદર્ભ અને અનુસંધાન: “લલિત નિબંધ શિબિર”)
(નોંધ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને આપણું આંગણું બ્લૉગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી “લલિત નિબંધ શિબિર“ના અનુસંધાનમાં શિબિરાર્થીઓએ લખેલા કેટલાક લલિત નિબંધો અમે આજથી સમયાન્તરે પ્રકાશિત કરવાનું શરુ કરીએ છીએ. આશા છે કે પ્રિય વાચકોને આ પ્રયોગાત્મક લાલિત્ય પસંદ આવશે. – સંપાદક )
વતન તરફ
ધાબે ચડીને જોઉં છું, તો લાગે છે શહેરની ઊંચી ઊંચી ઇમારતો વચ્ચે હું કેદ થઈ ગયો છું. રાતનું અંધારું શહેરના ખૂણે ખૂણામાં લપાઈને પડ્યું છે.
ધીમે-ધીમે હાંફતું શહેર શાંત પડતું જાય છે. રસ્તાઓ પહોરો ખાતાં નિરાંતે આડા પડ્યાં છે. રસ્તાની પગદંડી ઉપર સ્ટ્રીટલાઇટનું પીળું અજવાળું રેલાઈ રહ્યું છે.
પીળા અજવાસમાં ફૂટપાથ ઉપર, આખા દિવસની તનતોડ મહેનત પછી થાકીને સૂતા શ્રમજીવીઓ ઘસઘસાટ ઊંઘતા દેખાય છે. એમને જોઈને હું વિચારું છું. એ લોકો ખરેખર ઊંઘતા હશે? કે મારી જેમ એને પણ આ શહેરની એકલતા ઘેરી વળતી હશે?
મારી આંખો ખુલ્લાં, મારા પોતીકા લાગતાં આકાશ તરફ જાય છે. આકાશે જેઠ મહિનાનો બીજનો ચંદ્ર મારી સાથે ગમ્મત કરતો હોય એમ વાદળોમાં છુપાઈને બેઠો છે. સપ્તર્ષિનો એકાદ તારો ક્યારેક વાદળોમાંથી ડોકિયું કરીને મારી સામે હસી લે છે.
પાણીથી છલોછલ વાદળો આગળ ને આગળ ચાલ્યાં જાય છે. શું એમને મારા ગામની તરસી ધરતી સાદ કરતી હશે?
ચંદ્ર વાદળોમાંથી બહાર આવે છે. શિવજીના મસ્તકની શોભા એવા એ ચંદ્રને હું જોયા કરું છું. ચંદ્રનું અજવાળું મારી આંખોમાં ભરાય છે.
અજવાળાનો હાથ ઝાલીને હું મારા ગામનાં એ ધૂળિયા રસ્તે પહોંચી જાઉં છું.
ગામનાં સાંકડા, ધૂળિયા મારગ ઉપર હું ચપ્પલ ઢસડતો ચાલ્યો જાઉં છું. પોષ મહિનાની બપોરે, હુંફાળા તડકામાં મને ચણીયા બોરથી લચી પડતી બોરડીઓ દેખાય છે.
હાથમાં પકડેલી લાકડી બોરડીના જાળામાં મારું છું કે બોર ખરીને ઢગલો થઈ પડે છે. બોર ખિસ્સામાં ભરું છું કે એ વખતે વાગેલા કાંટાઓનું દુઃખ, ખાટામીઠા બોર ચગળવામાં ક્યાંય વિસરાઈ જાય છે.
લાકડી પછાડતો, મોઢામાંથી ઠળિયા ફગાવતો હું આગળ વધું છું ત્યાં ઓચિંતી વૈશાખે લચી પડતી બખાઈ આમલીની ડાળીઓ મને વળગી પડે છે. વળી આંખોનાં કાળા-ધોળા રંગો જેવા બખાઈ આમલીના કાતરા ભેગા કરવામાં હું પરોવાઈ જાઉં છું.
વડવાઓ જેવો પાદરનો વડલો મને પોતાની તરફ ખેંચે છે. વડલાના લાલચટક ટેટા, ટેટા ખાતાં પંખીડાં જોઈને મારી આંખો ઠરે છે.
હું વડવાઈઓનો હીંચકો બનાવી હીંચકું છું. ઊંચે ને ઊંચે હીંચકતા મને શિયાળામાં છલોછલ તળાવ ને ઉનાળાનાં આકરા તડકામાં કોઈ અગોચર વિશ્વમાં સમાઈ જતું સુક્કુંભઠ્ઠ તળાવ દેખાય છે. આ બધું એકસામટું મારા મનને બેચેન બનાવી મૂકે છે. હું નજર ફેરવું છું તો સામે ગંધાતા હવેડા અને પાછળ સ્મશાન દેખાય છે.
સ્મશાનની આજુબાજુ વૃક્ષો વાવતા, વૃક્ષોને પાણી પાતા, ચબુતરે ચણ નાખતા, ગોરઅદા દેખાય છે ને ગોરાણીમા યાદ આવે છે. કોઈએ પૂછેલાં “ગોરાણીમા, મારા બાપા કઈ બાજુ છે?” સવાલમાં ગોરાણીમાનો જવાબ હોય, “તારા બાપા મહાણે ગયા.”
હું હસી પડું છું. મારા હસવાના અવાજથી ધાબે સૂતેલો નથુ ગોદડું ઊંચું કરીને, મારી સામે ઝીણી, નીંદરભરી આંખે જુએ છે. હું ત્યાંથી દૂર ખસી જાઉં છું.
રસ્તાની ખૂણે જીવી રહેલાં એકાદ કરેણનાં પીળાં ફૂલો ખરીને જમીન ઉપર વિખરાઈ ગયાં છે. એ પીળા કરમાયેલાં ફૂલોને જોઉં છું ત્યાં મારા ઘરના ફળિયામાં ઊભો, મારી વાટ જોતો જાંબુડો મને સાદ કરે છે. મારી ભીની આંખો બંધ થઈ જાય છે.
હું જાંબુડાના ઝાડની નીચે ખાટલો ઢાળીને સૂતો છું. ઓસરીમાં બેઠી બા, નાનકાને ઘોડિયામાં નાખી હિંચકાવે છે. મારી આંખો ખૂલે કે પેલું વાદળું ચંદ્રને ફરીથી ઢાંકી દે છે.
અંધારું મારી અંદર ફેલાઈને મને ડરાવે છે. સિમેન્ટનાં આ જંગલમાં મારો શ્વાસ રૂંધાય છે. હું ચારે તરફ નજર ફેરવું છું. મારા ગામની દિશા ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. હું એને શોધ્યા કરું છું, મથ્યા કરું છું.
એક અવળચંડો વિચાર મને વધુ ડરાવવા લાગે છે. શું આગળ ને આગળ વધતું શહેર ક્યાંક મારા ગામડાને ભરખી તો નહિ ગયું હોય ને!
મારો ડર વધતો જાય છે. હું નથુની પાસે ખાલી પડેલી પથારીમાં આડો પડું છું. મારી આંખો ભારે થતી જાય છે. એકસામટું આકાશ મારી આંખોમાં અંજાઈ જાય છે.
આંખોમાં ટમટમતા તારાઓનું અજવાળું મને ફરીથી ખેંચી જાય છે – એ જ ધૂળિયા મારગે, ગામનાં પાદરે, વડલાના હીંચકે, જાંબુડાનાં ઝાડની નીચે આડા પડેલા ખાટલા ઉપર… ને મને સંભળાય છે મારી બાના ગવાતાં હાલરડાનો મધુર અવાજ…
~ દિવ્યા જાદવ