અમિતાભ બચ્ચન: મુકદ્દર કા ડોન ~ કટાર: બિલોરી (૮) ~ ભાવેશ ભટ્ટ
આમ તો કોઈ ફિલ્મ ફેસ્ટિવલ પર રિપોર્ટિંગ જેવું લખીને લેખ કરવાનો કોઈ જ આશય ન હતો, પણ અમિતાભ બચ્ચનના એંસીમાં જન્મદિન નિમિતે ભારતભરના પી.વી.આર સિનેમામાં ઉજવાયેલા ‘અમિતાભ બચ્ચન ફિલ્મ ફેસ્ટિવલ’માં ગમતા મિત્રો સાથે થોડી ફિલ્મ્સ જોઈ, તો થયું કે આ રોમાંચક અનુભવ બધા સાથે વહેંચવા જેવો તો છે.

આ પહેલા પણ ‘ફિલ્મ ફેસ્ટિવલ’ આવેલા છે, જોયેલા છે. ફિલ્મ ફેસ્ટિવલમાં મોટેભાગે ઇન્ટલેક્ચ્યુઅલ લાગવા માટે જાતજાતની વેશભૂષાઓમાં આવનારા લોકો જોવા મળતા હતા. જેઓ થિયેટરના પાર્કિંગમાંથી ઓડિટોરિયમ સુધી જતા તેમની નજર કોઈ માણસ ઉપર ન પડી જાય એ બાબતે ચોકન્ના રહેતા હતા.
ફિલ્મ ચાલુ થાય ત્યારથી લઈને પતે ત્યાં સુધી કોઈ વિશ્લેષકના હાવભાવ ચહેરા ઉપર રાખતા હતા. લગભગ પરીક્ષાખંડના કોઈ પરીક્ષક જેમ ચહેરો ગંભીર રાખીને જ ફિલ્મ નિહાળતા. ભૂલથી પણ ક્યાંક આછું હસતા બાજુવાળા ઉપર નજર પડી જાય અને પેલો બિચારો સામું સ્મિત આપવા જાય ત્યાં સુધીમાં તો પાછા સિનેમાના પડદાને ફંફોસવા માંડતા હતા. જે આમની કેટેગરીમાં ન હોય એ બિચારા આખી ફિલ્મ દરમિયાન આમની બીકથી પોતાનો હરખ શોક વ્યક્ત કરતા સંકોચ પામતા રહેતા.
ખૈર મૂળ વાત પર આવીએ તો અમિતાભ બચ્ચનના આ ફિલ્મ ફેસ્ટિવલમાં આ કેટેગરીના લોકો કદાચ આવ્યા પણ હતા તો સંતાઈને રહ્યા હતા, અને ક્યાંય એમનું પોત ન પ્રકાશે તેનું ધ્યાન રાખ્યું હતું. કેમ કે અહીંયા તો મારા તમારા જેવા જે પોતાની સમજ મુજબ સિનેમાને અને બચ્ચનને નિખાલસ પ્રેમ કરે છે એવાનો જ મેળાવડો જામ્યો હતો.

દરેક શૉ ઓલમોસ્ટ હાઉસફુલ રહ્યો. દરેક વયના પ્રેક્ષકોથી ઓડિટોરિયમ શોભતું હતું. મોટાભાગની ફિલ્મ ચાળીસથી પિસ્તાળીસ વરસ જૂની હતી, ફિલ્મના લગભગ સીન અને સોંગ્સ મેક્સિમમ ઓડિયન્સને મોઢે હતા.
આ પરિસ્થિતિમાં ય ફિલ્મ ચાલુ થાય ત્યારથી લઈને તાળીઓ, સીટીઓ અને ચિચિયારીઓના અવાજો ચાલુ થતા હતા અને ફિલ્મના અંત સુધી આવતા જ રહેતા હતા.
જેવું કોઈ ગીત શરૂ થાય કે પ્રેક્ષકો સાથે ગાવાથી લઈને સાથે ડાન્સ કરતા જોવા મળતા હતા. આવો માહોલ એઇટીઝમાં જોયાનું થોડું થોડું યાદ છે, પણ એ અને એનાય પહેલાના ગાળાની ફિલ્મ ઉપર, આજે બે હજાર બાવીસમાં, એઇટીઝના ઓડિયન્સ કરતા બમણા જુસ્સાથી જોતા ઓડિયન્સને જોઈ આંખોમાંથી હરખના આંસુઓ વારેઘડીએ વહેતા રહ્યાં હતાં.

આ બધું કુતૂહલોની ભરમાર જેવું લાગતું હતું. આ કુતુહલમાં એક અનોખો ઉમેરો એવો પણ થયો કે મનમોહન દેસાઈની ‘અમર અકબર એન્થની’ જેવી ફિલ્મ કે જે વાસ્તવિકતાથી આંગળી છોડી સલામત અંતરે ચાલતી હતી, એમાં લગભગ દરેક ઇલલોજીકલ અને અશક્ય લાગતા સીનમાં ઓડિયન્સનું લાફટર આવતું હતું,

પણ ફિલ્મનો સૌથી ચર્ચિત બ્લન્ડર સીન કે જેમાં ત્રણ હીરોનું લોહી એક સાથે લેવામાં આવે અને એક બોટલમાં ભેગું થાય અને બીજી બાજુ એમાંથી જ એમની માને ચઢી રહ્યું હોય, આ સીનમાં ઓડિટોરિયમમાં એકદમ શાંતિ હતી.

લોકો આ સીનને એક મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતી પરિસ્થિતિમાં હોવી જોઈએ એવી ગંભીરતાથી જોતા હતા. કોઈ લાફટર કે સીટી નહીં. એ જોઈને મનમોહન દેસાઈને આપણે એક સલામ ચોક્કસ મારી દીધી.
ફિલ્મ્સના કેટલા બધા સીન જોઈને બાળપણમાં રમેલા ફોટાઓ અને ફિલ્મની પટ્ટીઓની રમત યાદ આવી જતી હતી.
‘કાલિયા’ ફિલ્મના બચ્ચનના જેલમાંથી ભાગવા હથકડી તોડતા દ્રશ્યમાં મારી બાજુમાં બેઠેલા ભાઈ જોરથી બોલી ઉઠ્યા કે ‘મારા સ્કુલ કંપાસ ઉપર આ જ ફોટો હતો.’

દરેક આંખમાં બદલાતા દ્રશ્યો અને ગીતોમાં પોતાનો સારો કે ના સારો ભૂતકાળ જીવંત થતો અનુભવાતો હતો. આમ તો આ બધી જ ઘટનાઓના મૂળમાં અમિતાભ બચ્ચનનો જ પાવર હતો કે જે આજે ય અકબંધ છે.
દરેક શૉના ઇન્ટરવલમાં આવતી એડવર્ટાઈસમેન્ટમાં એક બે એડ્સ બચ્ચનની આવતી હતી અને થિયેટરના કોરિડોરમાં ન્યૂ રિલીઝ ફિલ્મ્સના પોસ્ટરમાં એક પોસ્ટર બચ્ચનની ફિલ્મનું જોઈને આ વાત શક્ય જ નહોતી લાગતી કે જેની ચારેક દાયકા જૂની ફિલ્મનો ફેસ્ટિવલ ચાલે છે ત્યાંની એડ્સમાં અને ન્યૂ રિલીઝ ફિલ્મ્સમાં પણ એ નવી પેઢીની સાથે જ હજીયે અડીખમ છે.
ઈન્ટરવલ કે બે ફિલ્મ વચ્ચેના સમયગાળામાં પણ સૌના ચહેરા ઉપર એક તહેવારમાં જોડાયાની લાગણી અને ખુશી જ જોવા મળતી હતી. ક્યાંક કોઈ ગ્રુપની નજીક ઉભા રહીએ તો એમની વાતોમાં એમના આ ફિલ્મ્સ સાથેના જૂના સંભારણા અને ‘બચ્ચન આમ ને બચ્ચન તેમ’ જેવી જ હરખઘેલી વાતો સંભળાતી હતી.

ક્યાંક ક્યાંક તો ‘મારો બચ્ચનિયો એટલે મારો બચ્ચનિયો’ જેવા નિર્દોષ પ્રેમના ઉદગાર પણ સંભળાયા હતા. આ ‘બચ્ચન અને બચ્ચનીયા’ જેવા વિશેષણોને શરૂઆતમાં વાત કરી એ કેટેગરીવાળા કે એમના જેવા લોકો સાંભળી કદાચ સભ્યતા, વિવેક અને સંસ્કારની ટકોર કરે પણ અમિતાભ બચ્ચનને કે કોઈ પણ કલાકારને પ્રેમ કરનારી સામાન્ય જનતાનો આ તુંકારો જ સ્વચ્છ,નિસ્વાર્થ અને દંભ વગરના પ્રેમનો પુરાવો છે. બાકી ‘બચ્ચનજી બચ્ચનજી’ કહી કહીને વાતમાં પોતાની જ સિનેમા અને અભિનય પારખુ શક્તિનું મહિમામંડન થતું જોવા મળે છે.
આ ક્ષણે બાળપણનો એક કિસ્સો યાદ આવે છે કે એક મિત્રના ઘરમાં વિડીઓ પર ચાલતી ફિલ્મમાં ધર્મેન્દ્રની એન્ટ્રી પર એ મિત્ર જોરથી બોલ્યો કે ‘એ ધમો આયો’ અને એ મિત્રના પપ્પાએ તરત એ ફિલ્મ બંધ કરીને પહેલા ધમકાવી અને પછી શાંતિથી પંદર વિસ મિનિટ સુધી સમજાવ્યું કે ‘ધમો આવ્યો’ ન કહેવાય પણ ‘ધર્મેન્દ્ર અંકલ આવ્યા’ એમ કહેવાય.
અમિતાભ બચ્ચન આ સદીની એક મહાનતમ ઘટના છે કે આ સદીનો ચહેરો છે એ નક્કી નથી થતું. એવું કહેવાય છે કે ‘ક્યારેક કુદરત માણસના મોઢે બેસીને બોલે છે.’

1974માં આવેલી ફિલ્મ ‘મજબૂર’ કે જેના એક પરવીન બાબી સાથેના રેસ્ટોરેન્ટ સીનમાં બચ્ચનના મોઢે બોલાયેલા એક ડાયલોગ સાથે આ વાતને વિરામ આપીએ.
‘સા’બ મુજે બુઢા હોને દીજીએ, ફિર દેખીયે, હિંદુસ્તાનભર મેં મેરે જૈસા બુઢા તો કહીં નહીં મિલેગા.’

***
The idea to write about on AB’s film festival is extra ordinary .Very nicely expressed. Congratulations to Bhaveshbhai
” મુકદ્દર કા ડોન ” Perfect……….
સુંદર માહિતી…
Superb article ….enjoyed each word
વાહ! સરળ શબ્દોમાં વહેતી અનુભૂતિ..