બેવડી મઝા (નિબંધ) ~ રશ્મિ જાગીરદાર
1972માં અમે કપડવંજથી અમદાવાદ આવ્યા. તે અરસામાં શ્રેયસ ટેકરા પાસે જમીનના કેટલાક પ્લોટ વેચવાના છે તેવી વાત એક મિત્રે કરી. અમે પ્લોટ જોવા ગયાં. અમારે હવે અમદાવાદ જ રહેવાનું હતું અને જમીનના ભાવ અનુકૂળ હતા એટલે અમે પ્લોટ ખરીદી લીધો. બીજા દસ મિત્રોને વાત કરી. તે સૌએ પણ પ્લોટ ખરીદ્યા અને અમે અગિયાર બંગલાની સોસાયટી બનાવી બાંધકામ ચાલુ કર્યું.
ખરી મુશ્કેલી હવે સામે આવી. તે વખતે આ એરિયામાં રસ્તા પણ ન્હોતા અને ચારે બાજુ કેટલાય કિલોમીટર સુધી મકાનો કે વસ્તી ન્હોતી. આવામાં ત્યાં રહેવા જવું જોખમ જેવું હતું. એટલે પ્લીંથ લેવલ સુધીનું બાંધકામ થયા પછી અમે કામ બંધ કરાવ્યું અને આઝાદ સોસાયટીમાં એક એપાર્ટમેન્ટ ખરીદીને અમે રહેવા લાગ્યાં.
થોડા સમય પછી મારા સાસુ સસરા પણ અમારી સાથે આવી ગયાં. અમારા બે બાળકો થોડાં મોટાં થયાં. પહેલેથી અમારૂં ઘર મહેમાનવાળું એટલે જગ્યાની તંગી પડતી હતી. છેવટે અમે પ્લીંથ લેવલે છોડેલું બાંધકામ પુરૂં કરીને ત્યાં રહેવા જવાનું નક્કી કર્યું.
રાતપાળી, દિવસપાળી એમ ડબલ ઝડપે કામ ચાલુ કર્યું. હું અને મારા પતિ સાંજે જોબ પરથી દેખરેખ માટે ત્યાં પહોંચી જતાં. પરંતુ તે દિવસે થોડું મોડું થયું ને છેક સાંજે ત્યાં પહોંચ્યાં.
તે દિવસ અમારા માટે જાણે અદ્ભુત નજરાણું લઈને આવ્યો હતો. અમે કારીગરો સાથે ચર્ચા કરીને સૂચનાઓ આપવામાં વ્યસ્ત હતા. કારીગર કંઈક બતાવવા અમને પાછળ દોરી ગયો. તે પશ્ચિમ દિશા હતી. સાંજ ઢળી રહી હતી. આકાશમાં નારંગી રંગની ઝાંય છવાયેલી હતી અને લાલઘૂમ સૂર્ય ક્ષિતિજમાં ડૂબવાની તૈયારીમાં હતો. અમે બધું કામ પડતું મુકીને તે અદ્ભુત નજારો જોવા બેસી ગયાં!
આકરો અગનગોળો, મનોહર રાતા રંગનો ગોળો બનીને લોભાવી રહ્યો હતો. પ્રત્યેક પળ, નવા રંગીન દ્રશ્યો લઈને આવતી હતી. સૂર્યનો ચોથો ભાગ ક્ષિતિજમાં ડૂબ્યો ત્યારે આકાશમાં સુંદર, રાણી રંગ રેલાઈ રહ્યો. ધીમે ધીમે સૂરજ ડૂબતો ગયો તેમ આકાશી પટલ પરના રંગીન નજારા પણ બદલાતા રહ્યા.
સાંજના આ સમયે પક્ષીઓ પણ પોતાના માળા તરફ પાછાં ફરી રહ્યાં હતાં. એક બાજુ પોતાની સંપૂર્ણ ભવ્યતાથી વિદાય લઈ રહેલા સૂરજદાદા, પાછળ અનેરા રંગોથી આહ્લાદક નજારાભર્યું આકાશ અને એ બધાની આગળ ઊડતાં પક્ષીઓ! ખરેખર કોઈ સમર્થ ચિત્રકારે પૂરી મહેનત અને માવજતથી દોરેલું નજાકત ભર્યુ ચિત્ર હતું કે શું?
મનમાં ઉપસેલું એ માનવ રચિત કેન્વાસ પરનું ચિત્ર તો નાનકડું હતું અને આ આકાશી રચના તો અતિ વિશાળ! છેવટે સૂર્ય ધીમે ધીમે સરકતો રહ્યો. રંગીન નજારા પણ બદલાતા હતા. ઘડીમાં કેસરી રંગ, ભૂરા આકાશની ભવ્યતાને વધુ દીપાવતો તો આછા રાણી રંગમાં બોળેલી પીંછી પોતાની રંગીન અદાથી ફરી વળતી!
મનમાં થતું, આ અદ્ભુત દ્રશ્યો, આંખોમાં સમાઈને, સચવાઈ રહે તો કેટલું સારું! પણ પછી તો સૂરજ પુરેપુરો ડૂબ્યો. ત્યાર પછી પણ આકાશ રંગીન હતું. સૂર્યાસ્તનો આ નજારો અમે આબુ કે મસુરીમાં જોયેલા સનસેટ પોઈન્ટના નજારાથી જરાય કમ નહોતો.
પછી તો અમે રવિવારે બાળકોને તેમજ સાસુ સસરાને પણ આ આહ્લાદક પળો માણવા લાવતાં. કેટલાક મિત્રોને વાત કરી તો તેઓ પણ રવિવારે સહકુટુંબ આવતા. આમ વીક એન્ડ પર સરસ આઉટીંગ થઈ જતું.
ઘરનું બાંધકામ પત્યા પછી રંગકામ અને ફર્નિચર પતતાં દોઢ બે વર્ષો થઈ ગયાં. ત્યાર પછી એક અખાત્રીજના દિવસે અમે વાસ્તુપૂજન રાખ્યું.
તે દિવસે પણ સૌ મહેમાનોએ સૂર્યાસ્ત દર્શન કર્યાં અને રાજીપો મેળવ્યો. તે દિવસે રાત્રે મોડા સૂતા પછી સવારે મારી આંખ ખુલી. હું બારી ખોલીને ઊભી તો મેં શું જોયું ?
પૂર્વમાં આકાશ સૂરજદેવને વધાવવાની તૈયારી કરીને તેજસ્વી બની રહ્યું હતું! મેં સૌને ઉઠાડીને બોલાવી લીધાં. સૂર્યની કંકુવરણી કિનારી ક્ષિતિજમાંથી ઉપસીને બહાર આવી. અમે સૌ સ્તબ્ધ બનીને નિરખતાં રહ્યાં. ધીમે ધીમે વધુ ને વધુ ભાગ ક્ષિતિજમાંથી ઉપસતો રહ્યો. ગગન પર રંગીન નજરા રેલાતા રહ્યા. રતુંબડો ગોળો જ્યારે આખેઆખો પ્રગટ્યો ત્યારે અદ્ભુત સિવાય કોઈ શબ્દોને અવકાશ નહોતો! અને છેવટે સોનેરી ઝાંય પાથરતા સૂરજદાદા નિજ રશ્મિઓ પસારી સમગ્ર સૃષ્ટિને આલિંગન આપી રહ્યા.
લો, ઊગ્યું પ્રભાત ફરી ઉગ્યું!
ચાર ચાર પહોર સુધી
ઓઢ્યાં અંધારા ને
હાશ! હવે કંઈક તો સુઝ્યું!
લો, ઊગ્યું પ્રભાત ફરી ઉગ્યું!
તરૂવર સૌ ડોલતાં વેરે ઉત્સાહ
ઓલી પાંદડીઓ મીઠું મલકાતી,
ઝાકળનાં બુંદ બની મોતી હરખાતાં
ને ચમકંતી પંખુડી રાતી,
સમીર સોહામણો ચાલ્યો સુવાસ લઈ
એક એક જણ હવે જાગ્યું,
લો, ઊગ્યું પ્રભાત ફરી ઉગ્યું!
આવા સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શનનો લ્હાવો લેવાની બેવડી મઝા અમને બે વર્ષો સુધી મળી. પણ પછી તો દસ માળિયા, પંદર માળિયા, કોંક્રીટનાં જંગલો પથરાતાં ગયાં તે એટલી હદે કે સૂર્ય નારાયણને જળ ચઢાવવાની જગ્યા પણ શોધવી પડે છે!
~ રશ્મિ જાગીરદાર
સૂર્યદેવનો નજારો વાંચ્યા પછી અમને પણ આવું દ્રશ્ય જોવાની લાલચ થઈ.