બાર બાય બાર ~ ધ્રુવગીત ~ ધ્રુવ ભટ્ટ ~ સ્વરાંકન, સંગીત અને કંઠ : જન્મેજય વૈદ્ય

કવિ : ધ્રુવ ભટ્ટ 
સ્વરાંકન, સંગીત અને કંઠ : જન્મેજય વૈદ્ય

બાર બાય બાર જેવી બાથરૂમો હોય
અને પચ્ચી બાય ચોવીના ઓરડા 
એવી મોટી મહેલાતુંને ટક્કર મારે
તે મારાં ચાર-પાંચ નળિયાંનાં ખોરડાં 

ખોરડાંને  આડ નહીં  ફરતે દીવાલ  નહીં  
નજરુંની આડ નહીં  જાળિયું  
તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં
ચોપન દિશામાં એની બારિયું 

બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ
છોકરાંએ ટાંગેલાં દોરડાં 
મારાં ચાર-પાંચ નળિયાંનાં ખોરડાં 

ઘરમાં બેસુંને તોયે સૂરજની શાખ દઈ
ચાંદરણાં તાળી લઈ જાય છે  
કેમનું જીવાય કેમ રીતે મરાય
એવી વાયરાઓ વાતો કહી જાય છે 

એકવાર ફફડે છે હોઠ અને ગહેકે છે
ભીંતે ચીતરેલ બધા મોરલા 
મારાં ચાર-પાંચ નળિયાંનાં ખોરડાં 

~ ધ્રુવ ભટ્ટ 
(કાવ્યસંગ્રહ : ધ્રુવગીત)
(સ્વરાંકન, સંગીત અને કંઠ : જન્મેજય વૈદ્ય)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

8 Comments

  1. ખોરડાં – ખોરડા, છોકરા – છોકરાં… બંને માં ભેદ છે. – ગાયક મિત્ર !

  2. શબ્દો, સ્વરો અને સંગીત સર્વ સરસ.
    જાણે સાંભળ્યા જ કરીયે!

  3. કવિ શ્રી ધ્રુવ ભટ્ટ નુ મધુરું ગીત
    અને
    શ્રી જન્મેજય વૈદ્યનુ મધુરતમ સ્વરાંકન, સંગીત અને કંઠ :
    યાદ આવે
    रहिये अब ऐसी जगह, चलकर जहाँ कोई न हो
    हम सुख़न कोई न हो और हम्ज़बाँ कोई न हो

    बे दर-ओ-दीवार स एक घर बनाया चाहिये
    कोई हमसाया न हो और पासबाँ कोई न हो

    पड़िये गर बीमार तो कोई न हो तीमारदार
    और अगर मर जायें तो, नोहाख़्वाँ कोई न हो