સારથી હું (ગઝલસંગ્રહમાંથી ચૂંટેલા શેર) ~ રેખા જોશી
આ તિથિને સુદ ને વદ હોય છે
ચાંદ મારો રોજ બેહદ હોય છે
*
તરસ પણ નથી ઝાંઝવાની હવે તો
બની ગઈ બધાની, કહો ક્યારથી હું?
*
ડૂસકાં, ડૂમા ને આંસુ ખાળવા
આસમાને પણ અહીં બારી કરી
*
સદીને સમેટી હતી સાચવીને
વિખેરાઈ આજે, બધી યાદ કણ-કણ
*
આવો આજે ભાષાનાં છે મંગળફેરા
શબ્દોએ પહેરાવી અર્થોને વરમાળા
*
આ જગતમાં કામને ક્યાં, નામને પૂજે બધા
મૂલ્ય છે એનું જ આજે, વાનને પૂજે બધા
*
દ્રૌપદીને છે પ્રતીક્ષા કૃષ્ણ આવે
નગ્નતા પણ દરબદર છે આજ માધવ
*
નશામાં નહીં હોશમાં પણ નથી હું
અહીંયા હવે બેનજર છું જગતમાં
*
રડે છે સમી સાંજ એના વગર આ
હવે બાંકડો પણ નિરાધાર લાગે
*
જરા તીખો પડ્યો તણખો અને સળગ્યો અહમ રાતે
થયો ભડકો અને આ જાત ખૂની થઈ પથારીમાં
*
મારું વળગણ મારી બા છે
મારું ગળપણ મારી બા છે
મનમાં કાયમ બાળક રમતું
મારું બચપણ મારી બા છે
~ રેખા જોશી
~ સારથી હું (ગઝલસંગ્રહ)
~ મુખ્ય વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર
Tel: 022-2201 7213 | 079-2214 0770
website: www.gujaratipustak.com

ખૂબ સ રસ
ખૂબ સુંદર