શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય દસમો ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

સ્કંધ ત્રીજો – દસમો અધ્યાય – “દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન ”
નમો ભગવતે વાસુદેવાય

 (ત્રીજા સ્કંધના અધ્યાય નવમો – “બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ” અંતર્ગત આપે વાંચ્યું કે, બ્રહ્માજીની આ સ્તુતિ સુણીને ભગવાને એમનો વિષાદ દૂર કરવા અને ખેદનું શમન કરવા કહ્યું કે “હે બ્રહ્માજી, તમે વિષાદ અને અવસાદ ને વશ ન થતાં. તમે મારી પાસેથી જે ઈચ્છો છો એ તો હું તમને આપી જ ચૂક્યો છું. તમારે તો માત્ર નિમિત્ત બનવાનું છે. તમે ફરી એકવાર સો દિવ્ય વર્ષો સુધી તપ કરો. અને ભાગવત જ્ઞાનનું અનુષ્ઠાન કરો. આ પ્રમાણે કરવાથી તમે બધાં જ ભુવનોને તમારા અંતઃકરણમાં સ્પષ્ટપણે પામી શકશો. પછી તમે ભક્તિયુક્ત બનીને અને સમાહિત ચિત્તના બનીને મને સમસ્ત લોકમાં અને તમારા પોતાનામાં વ્યાપ્ત જોઈ શકશો, એટલું જ નહીં પણ સમસ્ત લોકને અને સ્વયં પોતાને પણ મારામાં જોવા પામશો. “મારો આધાર કોઈ છે કે નહીં,” એવા સંશયથી તમે કમળનાળ દ્વારા જળમાં મૂળ શોધી રહ્યા હતા. આથી જ પોતાના સ્વરૂપને મેં તમને અંતઃકરણમાં જ દેખાડ્યું છે. હે બ્રહ્માજી, વિશ્વનિર્માણની ઈચ્છાથી સગુણ અને નિર્ગુણ, બેઉ રૂપમાં તમે મારી સ્તુતિ કરી છે, જેથી હું પ્રસન્ન થયો છું. તમારું કલ્યાણ થાઓ. હે બ્રહ્માજી, આત્માઓનો આત્મા પણ હું જ છું અને આત્માઓ માટે પ્રિય લાગતા દેહ-શરીરો પણ હું જ છું. હે બ્રહ્માજી, ત્રણેય લોકની અને જે પ્રજા અત્યારે મારી અંદર વિશ્રામ કરી રહી છે તેની, અગાઉના પૂર્વકલ્પોની જેમ, આપના વેદમય સ્વરૂપથી સ્વયં તમે જ રચના કરો.”

આમ બ્રહ્માજીને સો દિવ્ય વર્ષો સુધી તપ કરવાનું કહીને શ્રી ભગવાન અંતર્ધાન થઈ ગયા. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય દસમો, “દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન”)

 સૂતજી કહે – હે શૌનકાદિ મુનિઓ, પછી વિદુરજી મૈત્રેયજીને પૂછે છે કે બ્રહ્માજીએ પોતાના તન અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ પછી ઉત્પન્ન કરી? વિદુરજીના આ પ્રશ્નનો ઉત્તર આપતાં મૈત્રેયજીએ જે કહ્યું હતું એ હું આપને સૌને કહી સંભળાવું છું.

મૈત્રેયજી કહે – હે વિદુર, અજન્મા શ્રી હરિની આજ્ઞાથી બ્રહ્માજીએ સો દિવ્ય વર્ષો સુધી તપ કર્યું અને એમણે તપસમાધિમાં જોયું કે પ્રલયકારી પવન, પોતે જેમાંથી ઉત્પન્ન થયા છે અને જેના પર બિરાજમાન છે એ કમળ અને જળને કંપાવી રહ્યો છે. પોતાના પ્રબળ તપથી એમને સંજ્ઞાન થયું અને તેઓ સૃષ્ટિ રચના માટે ઉદ્યત થયા. તેઓને થયેલા આ વિજ્ઞાનનું જ્ઞાન થકી તેઓ જળની સાથે પ્રલયકારી પવન પણ પી ગયા. પછી એમણે પોતે જેના પર વિરાજમાન હતા એ આકાશવ્યાપી કમળને જોઈને વિચાર કર્યો કે “પૂર્વકલ્પમાં લય પામેલા ભુવનો-લોકોને હું આના થકી જ રચીશ.” આ વિચારથી બ્રહ્માજીએ તે કમળકોશમાં પ્રવેશ કર્યો. તેમણે એ એક કમળકોશના ત્રણ ભાગ કર્યા, ભૂઃ, ભુવઃ અને સ્વઃ.  જોકે, કમળ વિરાટ હતું અને તેના ચૌદ ભુવનો અથવા એનાથીયે વધુ લોકોના રૂપમાં વિભાજિત કરી શકાય એમ હતું, પરંતુ કર્મોથી બંધાયેલા જીવો માટે આ ત્રણ લોક પર્યાપ્ત છે એવું એમણે માન્યું.   

હે વિદુર, કાળનો ગુણ છે સતત પરિવર્તિત થતાં રહેવાનો અને કાળ તો પોતે નિરાકાર, નિર્વિશેષ, અનાદિ અને અનંત છે. આ જગત જેવું છે તેવું પહેલાં પણ હસ્તી ધરાવતું હતું અને ભવિષ્યમાં પણ એવું જ રહેશે. તેનું સર્જન નવ પ્રકારે થયું છે અને પ્રાકૃત-વિકૃતના ભેદને લીધે એક વધુ દસમી સૃષ્ટિ પણ છે.

વિદુરજી ,પ્રથમ તો હું દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરું છું. આમાંથી પ્રથમ સર્જનો પ્રાકૃત સૃષ્ટિ સર્જનો કહેવાય છે, ત્રણ વૈકૃત સર્જનો અને છેલ્લું સર્જન પ્રાકૃત અને વૈકૃત મિશ્ર કહેવાય છે.

પ્રાકૃત સર્જનો-

પહેલું સર્જનઃ મહત્તત્વ સર્જન જે સત્વ વગેરે ગુણોમાં વિષમતા થવી એ જ એનું સ્વરૂપ છે.

બીજું સર્જનઃ અહંકાર બીજું સર્જન છે. જેનાથી પૃથ્વી, પંચભૂતો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે.

ત્રીજું સર્જનઃ ભૂતસર્ગ ત્રીજું સર્જન છે, જેમાં પંચમહાભૂતોને ઉત્પન્ન કરનારો તન્માત્ર-સમૂહ રહે છે.

ચોથું સર્જનઃ શરીરની ઈન્દ્રિયો છે જે જ્ઞાન અને ક્રિયાશક્તિથી સંપન્ન છે.

પાંચમું સર્જનઃ સાત્વિક અહંકારથી ઉપજેલા દરેક ઈન્દ્રિયોના દેવતા છે. માનવીનું મન પણ આ જ સર્જનની અંતર્ગત આવે છે.

છઠ્ઠું સર્જનઃ આ સર્જનમાં તમિસ્ત્ર (અંધકાર) અંધતમિસ્ત્ર, તમ, મોહ અને મહામોહ એમ પાંચ ગ્રંથિઓ સમાવિષ્ટ છે. આ અવિદ્યા જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે.

ત્રણ વૈકૃત સર્જનો-

સાતમું સર્જનઃ  છ પ્રકારના સ્થાવર વૃક્ષો જે નીચે પ્રમાણે છે – જેનું સંચરણ નીચેથી ઉપર તરફ થાય છે.

૧. વનસ્પતિ જે મોર કે મંજરી આવ્યા વિના ફળે છે. ઉ.દા. ગુલમ્હોર, વડ, પીપળો વગેરે.

૨. અન્ન-ઔષધિ કે જેમાં પોતાનાં ફળ કે દાણાં પાક્યા પછી પોતે નાશ પામે છે, જેવાં કે, ચોખા, ઘઉં, વગેરે

૩. લતા કે જે કોઈનો આધાર લઈને વૃદ્ધિ પામે છે, જેમ કે, બ્રાહ્મી, ગિલોય (અમરવેલ) વગેરે

૪. ત્વક્‍સાર કે જેની છાલ કઠણ હોય છે, જેમ કે વાંસ વગેરે

 ૫. વેલી जे જમીન પર પથરાય છે અને કઠણ હોવાથી ઉપર ચઢતી નથી. ટેટી, તડબૂચ વગેરે.

૬. દ્રુમ કે જેમાં પહેલાં ફૂલ બેસે છે અને પછી ફૂલને સ્થાને જ ફળ લાગે છે, જેમ કે આંબો, જાંબુ વગેરે.

આઠમું સર્જનઃ તિર્યક્ યોનિ (પશુ-પક્ષી વગેરે) જે અઠ્ઠાવીસ પ્રકારની માનવામાં આવી છે. આ યોનિને કાળનું ભાન નથી હોતું.  તમોગુણની અધિકતાને કારણે તેઓ કેવળ ખાવું, પીવું, મૈથુન કરવું, ઊંઘવું વગેરે જ જાણે છે. તેમને સૂંઘવા માત્રથી વસ્તુઓનું જ્ઞાન થાય છે. તેમનામાં વિચારશક્તિ કે બીજી બધી ઈન્દ્રિયોની સમજ નથી.

નવમું સર્જનઃ મનુષ્યો નવમું સર્જન છે. આ એક જ પ્રકારનું હોય છે. તેના આહારની ગતિ મોઢાથી નીચે તરફની હોય છે. મનુષ્યો રજોગુણપ્રધાન, કર્મપરાયણ અને દુઃખરૂપ વિષયોમાં સુખ માનનારા હોય છે.

પ્રાકૃત અને વૈકૃત મિશ્ર

દસમું સર્જનઃ આ સર્જન પ્રાકૃત અને વૈકૃત બન્ને પ્રકારનું છે. સનત્કુમારો વગેરે ઋષિઓનો જે કૌમારસર્ગ પ્રાકૃત અને વૈકૃત

બન્ને પ્રકારનો છે. આમાં પણ આ દેવ સૃષ્ટિ દેવો, પિતૃઓ, અસુરો, ગંધર્વો- અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો, સિદ્ધો-ચારણો-વિદ્યાધરો, ભૂત-પિશાચ, કિન્નરી-કિંપુરુષ-અશ્વમુખ વગેરે ભેદથી નવ પ્રકારની છે.

સૂતજી કહે- આમ મૈત્રેયજીએ દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન વિદુરજીને કહ્યું. પછી મૈત્રેયજી વિદુરજીને આગળ હવે વંશ, મન્વન્તર વગેરેનું વર્ણન કરશે એવું પણ જણાવ્યું.

હે શૌનકાદિ મુનિઓ, આ રીતે સર્જન કરનારા સત્યસંકલ્પ એવા શ્રી હરિ જ બ્રહ્મારૂપે પ્રત્યેક કલ્પના પ્રારંભમાં રજોગુણથી વ્યાપ્ત થઈને પોતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે. ભગવાનની આ લીલાનો પાર સંપૂર્ણપણે પામવો આથી જ અઘરો છે.  

શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, દસમો અધ્યાય – “દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન” સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ખૂબ સરળ રીતે ગૂઢ વાતની રજુઆત
    દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણનમા
    ‘ છ પ્રકારના સ્થાવર વૃક્ષો’ અંગે નવિન જાણ્યું

  2. સૃષ્ટિ સર્જનની ભાગવતની આ પ્રક્રિયાઓ તથા આધુનિક શિક્ષણમાં આવતો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ સરખાવીએ તો ભાગવત વધારે ચોક્કસ અને વિજ્ઞાનનિષ્ઠ લાગશે.