મારી Next કવિતા – ભાગ્યેશ જહા

 Next કવિતા લખવી છે,

એનો શબ્દ માસ્ક પહેરીને આવ્યો છે,

એક પગ વિનાના, આંધળા એકકોષીય જંતુનું સૈન્ય ચઢી આવ્યું હોય તેવા

વિશ્વ માટે એક કવિતા લખવી છે.

એક પક્ષી વગરના ઝાડની ડાળ પરથી લટકતા

બોમ્બ-ફળ નીચે બેસીને એના પડવાની

રાહ જોતા એક લઘુત્વાકર્ષણથી પીડાતા

માનસના કાનમાં કહેવા માટે કવિતા કહેવી છે..

એક ટાપુ પર લોહીલુહાણ શબ્દો વચ્ચે

ગુંગણામણ અનુભવતા ઓક્સિજનને

ઉઠાવી જવા સાહસિક બનેલા

એક શબ્દસફાઈકર્મીને અભિનંદવા બે શબ્દો કહેવા છે…

ઈટાલીના એક અજાણ્યા વુદ્ધની લાશ આગળ

બેભાન પડેલા એના છેલ્લા

વાક્યોને મારી અનિદ્રાની આગથી

ઉકેલવા છે,

હું મિલનના મિલન વગરના

મૌનનું છિદ્ર છું,

કો’ક વાંચે તો વંચાઈ જવું છે એવા

શબ્દનું એક કડવું પીણું ઉમેરવું છે,

પ્રવાહિતા માટે…

અમેરિકાની કોઈ એક સૂની શેરીમાં

જઈને મારે જોરજોરથી તરણેતરના

મેળાનું આમંત્રણ દેવું છે.

એક ખાલી પડેલા મહામોલના

ગુફા જેવા હૉલમાં જઈને

સોશિયલ ડિસ્ટન્સીંગમાં ખાલી જગ્યાના

અવકાશના બે ગચ્ચા મારે કવિતાના

હાડ બાંધવા જોઈએ છે….

આ માટે મારી ઝોળીમાં,

મેં હોસ્પિટલમાં નહીં સંભળાયેલી ચીસ,

વૃદ્ધ મા-બાપની આંખો નીચે છુપાયેલા

શ્યામવર્ણા વર્ષાની ઝાંખપ,

એક નવજાત બાળકની આંખોમાં સંતાવા મથતા

સૂર્યની પીઠ પર લટકતા કેલેન્ડરની ગંધ,

અને

મારા * ઘરમાયેલા મૌનની પાતળી ચામડી પર

ઉપસી આવેલી બોખી બારાખડી

ભેગી કરી રાખી છે…

મારી Next કવિતાની પ્રતીક્ષા કરો…

Leave a Reply to Hetal Jagirdar BrahmbhattCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. “અમેરિકાની કોઈ એક સૂની શેરીમાં

    જઈને મારે જોરજોરથી તરણેતરના

    મેળાનું આમંત્રણ દેવું છે.”

    Wah wah Bhagyesh bhai..! Cultural contrast is so beautifully captured!