પુસ્તક પરિચય ~ “લઘુકથા” ~ સંશોધક: પ્રેમજી પટેલ ~ સંપાદક: પ્રસાદ બ્રહ્મભટ્ટ ~ આસ્વાદ: રિપલકુમાર પરીખ

તારીખ ૨૯ માર્ચ, ૨૦૨૬નો ઐતિહાસિક દિવસ, જે દિવસે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને CGCA, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “લઘુકથા: સર્જન કાર્યશાળા”નું આયોજન થયું હતું.

તે કાર્યક્રમમાં લઘુકથાના ઉત્તમ સર્જક શ્રી રમેશ ત્રિવેદીના હસ્તે તથા શ્રી પ્રેમજીભાઈ પટેલ, શ્રી સુનીતાબહેન ઈજ્જતકુમાર ત્રિવેદી તથા ઘણાં બધાં લઘુકથા પ્રેમીઓની ઉપસ્થિતિમાં  ગુજરાત  સાહિત્ય અકાદમી, ગાંધીનગરની સાહિત્ય સ્વરૂપ મૂલ્યાંકન શ્રેણી અંતર્ગત (૨૧મી સદીની પ્રથમ પચીસીનું ગુજરાતી સાહિત્ય) લઘુકથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગને ઉપસ્થિત સૌ લઘુકથા પ્રેમીઓએ ખૂબ ઉત્સાહથી વધાવી લીધો હતો.

ઉપરોક્ત પુસ્તક લઘુકથા અંગેનું એક સત્તાવાર પુસ્તક ગણી શકાય તેમ છે. પુસ્તકનું ઉત્તમ રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. ઉત્તમ સંશોધક શ્રી પ્રેમજીભાઈ પટેલ સાહેબની મહેનત પુસ્તક વાંચતા અનુભવાય છે.

ગુજરાતીમાં લઘુકથા વિશે ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટે સરસ પ્રકાશ પડ્યો છે. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ લઘુકથાની શરુઆત, તેનું પ્રકાશન તથા અત્યાર સુધીની લઘુકથાની યાત્રા તેમણે વર્ણવી છે.

લઘુકથા તેના બીજા સ્વરૂપો જેમકે ટુચકો, માઈક્રોફિક્શન, પ્રસંગકથા, બોધકથા કરતાં કઈ રીતે અલગ પડે છે, તેની વિસ્તૃત સમજ આ પુસ્તકમાં છે. કાળક્રમે લઘુકથા કેવી રીતે ધીમે ધીમે લોકપ્રિય ઉપરાંત પ્રતિષ્ઠિત થતી ગઈ? લઘુકથાના ઉત્તમ સર્જકો ક્યા ક્યા છે? તેમના પુસ્તકોની વિગતો ઉપરાંત વર્ષ પ્રમાણે તેની  ગોઠવણી ઉત્તમ દસ્તાવેજની ગરજ સારે છે.

લઘુકથામાં પી. એચડી. કરતાં કે કરવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક લઘુકથા પ્રેમી કે જેમને ઉત્તમ લઘુકથા લખવી છે, તે માટે તેમણે શું કરવું અને કેવી રીતે એક સંવેદનશીલ, કલાત્મક તથા  ચોટદાર લઘુકથા લખી શકાય તેની પણ સમજ આ પુસ્તક આપે છે.

વિવિધ સંદર્ભ સાહિત્ય  સાથે લઘુકથાના પ્રકાશિત પુસ્તકો તથા તેના લેખક, તેમની વિવિધ લઘુકથાનો ટૂંકો આસ્વાદ પણ અહીં રસિકજનોને માણવા મળે છે.

સંશોધક શ્રી પ્રેમજી પટેલ અહીં લખે છે: આજના મોબાઈલ યુગમાં વૉટ્સએપ ગ્રૂપ બન્યાં છે જેમાં ‘લઘુકથાની પાઠશાળા’ કે ‘સર્જક પરિષદ’ ગ્રૂપમાં સો કરતાં વધારે વ્યક્તિઓ જોડાયેલી હોય અને સતત દરરોજ  નવી લઘુકથાની ચર્ચા કરતાં હોય છે. ટૂંકમાં, લઘુકથા સ્વરુપ આજે સૌથી વધારે લોકપ્રિય સ્વરૂપોમાંનું એક ગણી શકાય.

૧. લઘુકથા સ્વરુપ ગુજરાતીમાં વધારે ને વધારે લોકપ્રિય થતું જાય છે. તેથી તેનું સર્જન મોટા પ્રમાણમાં થતું રહે છે.

૨. સર્જન- ફાલ વધારે પ્રમાણમાં હોવા છતાં સાચી અને સફળ લઘુકથાઓ તો અલ્પસંખ્ય મળે છે.

૩. આ સ્વરૂપ કદમાં લઘુ હોવાથી અને આજે સમયની કટોકટી છે તેથી વાચક અને સર્જક બંનેને આકર્ષે છે – એ જોતાં આ સ્વરૂપનું ભાવિ  ઉજ્જવળ છે તે નક્કી.

પુસ્તકનું નામ: લઘુકથા
લેખક: પ્રેમજી પટેલ
પ્રકાશક: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
પ્રથમ આવૃત્તિ: ૨૦૨૬

https://gujaratsahityaacademy.com/user/product/subcategory/book/Language/Gujarati
***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.