|

તેજસ દવેની પાંચ કવિતાઓ

 

તેજસ દવે એટલે વર્તમાન ગુજરાતી કવિતાનું જૂનું થઈ ગયેલું નવું નામ. ગીત તેની કલમને હાથવગાં છે, પરંતુ ગઝલ અને અછાંદસમાં પણ તે સુપેરે ખીલે છે. મંચ પર તેની કવિતા જેટલી ખીલે છે, એટલી જ મનમાં પણ રણઝણતી રહે છે. મૂળ કવિતાનો જીવ. સંચાલન કરે - કવિસંમેલનના, સંગીતસંધ્યાના અને બીજી અનેક ઇવેન્ટ્સનાં. ફિલ્મો માટે ગીતો લખે, સ્ક્રીપ્ટ લકે, નાટક પર પણ હાથ અજમાવે. પણ હૃદયનો તાર તો કવિતાના તાર સાથે જ જોડાયેલો. અન્ય કવિઓની સારી કવિતાને પણ માણી શકે, વહેંચી શકે એવો કાવ્યપ્રેમી કવિ. તેજસ નર્મદની જેમ માતૃભાષાને ખોળે માથું મૂકનાર કવિ છે.  

તેનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત થયો - 'ઓગળતી જિંદગીના સમ'. હવે આ ઓગળતી જિંદગી કોની અને કોના સમ, એ તો એ તો કવિ પોતે જ કહી શકે.  રોડ પર પગરખાં કે પતંગ વેચવાથી લઈને કવિ સુધીની તેમની યાત્રા ઘણા લોકોને પ્રેરણા આપે તેવી છે. 

તેજસ જગદીશ જોશી અને હરીન્દ્ર દવેના કૂળનો કવિ દેખાય છે. તેનાં ગીતોમાં રહેલી સરળતા અને ભાવકક્ષમતા તેની ઓળખ છે. પદ્મશ્રી તુષાર શુક્લએ તેજસ દવેના ગીતસંગ્રહની પ્રસ્તાવનામાં લેખેલું, "તેજસ સ્થળ, સંબંધ, સંવેદન, સમય, સઘળાને વિષય બનાવે છે. તે ગઈ કાલને ચાહે છે અને વર્તમાનથી નિરાશ પણ છે."  તેમની આ વાત ગીતોના વિષય અને કવિને બેચેની બંનેને સાંકળે છે. વળી તેજસની કવિતામાં શું છે તેના વિશે જાણીતા કવિ મુકેશ જોશી પણ લખે છે, "તેજસનાં કાવ્યોમાં કટાક્ષ છે, વેદના છે, શૈશવને પાછું જોવાની મથામણ છે, વતન પ્રત્યેનો પ્રેમ છે, શહેરની વિડમ્બના છે, હરિને કહેવાની અંગત વાતો છે અને જાત સાથેનો સંવાદ પણ છે." 

આજે તેજસ દવેની પાંચ સુંદર રચનાઓ માણીએઃ

કવિતા-1 (ગીત)

પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો હું પણ એક ભાગ હતો યાદ છે?

યાદ છે એ સાંજ? તું બોલ્યા વિના જ મને
તગતગતી આંખથી વઢેલી!
એ ઘટના તો ત્યાંજ હજી બર્ફ જેમ થીજીને
ઊભી છે સાંજને અઢેલી
આથમતા સૂરજના કેસરી એ રંગોમાં ઓગળતાં આપણે એ યાદ છે?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો હું પણ એક ભાગ હતો યાદ છે?

વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો હું પણ એક ભાગ હતો યાદ છે?

– તેજસ દવે

કવિતા-2 (ગઝલ)

તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;
સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,
તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા-
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

– તેજસ દવે

કવિતા-3 (ગીત)

પડતર જમીનમાંય ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલાં દાણે ,
જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે.

રઘવાતી રઘવાતી ઊગે સવાર એવું જોયું કદીય તમે કયાંયે?
બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંયે?

તૂટી તૂટીને થાય ટુકડા ને તેમ છતાં પીડાથી ચીસ જે ના તાણે,
જીવતરનો થાક કદી જેને વર્તાય નહીંએ જ આવી જિંદગીને માણે.

ઘેરાતાં વાદળાંઓ તાળું મારીને કદી નીકળ્યાં છે આકાશે ફરવા?
તરસ્યાં રહેવાનું દુઃખ હોય તોય બોલોને પાણી જાય કોને કરગરવા?

જંગલની વચ્ચોવચ ઝૂંપડી મળ્યાનું સુખ જેને મળે ને એ જ જાણે,
જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે.

તેજસ દવે

કવિતા-4

આખ્ખાયે શહેરમાં વાત થઈ વહેતી ને ચર્ચાતો થઈ ગયો કિસ્સો,
મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો.

સૂરજના તડકાઓ સંગાથો પીધા છે,
મોટા થયા છે અમે એમ;
મારાથી એને જો છુટ્ટો હું પાડું તો
લોક મને ઓળખશે કેમ?
હું ખાલી એ ભરચક, હું ચહેરો એ દર્પણ, હું ખરબચડો છું તો એ લિસ્સો,
મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો.

હું કૂવાનું ઊંડું અંધારું થઈ જીવું
એ અઝવાળું એના પર લીંપે,
એ જ મને મારામાં આવીને રમતો
ને પત્તાની જેમ મને ચીપે;
હું એનાથી હારું, રિસાઉં ને ઝગડું પણ એના વિના છું સાવ ફિસ્સો,
મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો.

– તેજસ દવે

કવિતા-5 (ગીત)

આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ના દીધું,
આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું.

ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની,
દરિયામાં ઊંડે જઈ જોડતી,
સંબંધો રાખવા તો માછલીની જેમ
એ પાણીને કોઈ દી ન છોડતી,
વારતામાં હુંય છું ને વારતામાં તુંય છે ને મળવાનું તોય નહીં સીધું?
આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ના દીધું.

આંસુનું ધોધમાર ચોમાસું આજ તો
આંખોની બહાર ધસી આવતું,
તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને
મારામાં કેમ નથી ફાવતું?
એવું મેં પૂછ્યું તોય વિતેલા દિવસોએ ઉત્તરમાં કંઈ જ નથી કીધું.
આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ના દીધું,

– તેજસ દવે

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment