સાઈડ વોકર ! ~ નિબંધ ~ વસુધા ઈનામદાર
જીવન અચાનક એક વળાંક પર આવીને થંભી જાય છે. આપણી ધારણા મુજબ આપણે જીવી શકતાં નથી. એનો અહેસાસ તીવ્રતાથી થાય છે. એક ક્ષણ વીતી ગયેલા સમયના ખડકલાને ફગાવી દે છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિરાટ બનીને તમને ગ્રસી લે છે. તમે તરફડતાં રહો છો, વ્યાકુળ બનો છો. પેલી ક્ષણ વિસ્તરતી જાય છે, ને કાળાં વાદળનાં પડછાયાની જેમ તમને અંધારા તરફ ખેંચી જાય છે. તમારાં બાકીના જીવનનાં આયોજનો પણ થંભી જાય છે. અથવા તો તમારે બદલવા પડે છે.
તમારી હથેળીમાં એક ક્ષણ મુઠ્ઠી વાળીને બેસી જાય છે, એને કૂંપળો ફૂટવા લાગે છે. વેદનાની ……અજ્ઞાત ભયની.…… ! મનના ભંડારીયામાં ગોઠવાયેલો ભૂતકાળ ભૂલી જવાય ને વર્તમાન બેબાકળો બનીને અટવાય !
દર્દના પેલે પારની એક ક્ષણ , ડૂબતાં પહેલા પાણીની સપાટી પર ધબકતી જીવનની ક્ષણ, એટલે કે કેન્સર ! જીવનનાં કિલ્લા પર સુખના કાંગરા હોય છે. માત્ર એક કાંગરો ખરી પડે ત્યારે સુખનો કિલ્લો તૂટી પડી રહ્યાનો ભય લાગવા માંડે છે. એ બાકોરામાં દર્દ ધસમસ્તુ પ્રવેશે છે. તમારા આયુષ્યમાં અચાનક પ્રવેશેલું દર્દ એ તમારા જીવનનાં વૈભવનો ખજાનચી બને છે. હવે એ તમારો અતિથિ અને તમે એના યજમાન બનીને એની સાર સંભાળ લો છો .
આશ્ચર્ય એ વાતનું થાય છે કે દર્દ વહેંચાતું નથી. એ સમય સાથે કપાતું જાય છે. તમારી જીભ બુઠ્ઠી તલવારની જેમ અશબ્દ બની જાય છે. મનના હોકારાં -દેકારાં કોઈને સંભળાતા નથી. શરીરનાં અણુ-અણુમાં કેન્સર જાણે ધબકવાં લાગે છે. ધબક ……ધબક. … ને એક મોટો ધબાકો, ને પછી બધું શૂન્યવત્ !
કેન્સરનું બનેલું લોલક સમયનાં તાલ પર ટિક-ટિક કરતું રહે છે. એક અજ્ઞાત ગૃહમાં તમારો પ્રવેશ થાય છે, ના-ના, તમે ધકેલાઈ જાઓ છો. કેન્સર જીવન સાથી બનીને તમને ડસતો રહે છે, જીવન સાથેનો તમારો નાતો બદલાય છે. એકલતાનાં બીજ ફૂલે-ફાલે છે.
નર્વસ, બ્રેકડાઉન થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય છે. તન, મન સાથેનાં સંબંધોની સાંકળ ઢીલી પડીને તૂટવા લાગે છે. ન ટાળી શકાય એવી, પડઘાતી એકલતા વિસ્તરતી જ જાય છે. અચાનક જીવન સાથે તમને નિસ્બત નથી એવો અહેસાસ થવા માંડે છે , ને પછી નિસ્બત વગરનાં શ્વાસોશ્વાસ લેવાતાં રહે છે. જીવનમાં નક્કી કરેલા ટ્રેક પરથી સરકી પડાય છે ને તમે સંભાળીને સાઈડવોક ઉપર ડગલા ભરવા માંડો છો.
બદલાયેલાં જીવનનો રોડ સાંકડો થતો જાય છે ,ને એ એક પોઈન્ટ પર જઈને અટકી જાય છે. ત્યાંથી તમને દેખાય છે અસ્પતાલનો ઉઘાડ-બંધ થતો દરવાજો. તમને થાય છે કે જ્યારે કેન્સરથી અજ્ઞાત હતાં ત્યારે કેવું પ્રફુલ્લ જીવન જીવાતું હતું. હસતાં હસાવતાં, આયુષ્યની દરેક ક્ષણ પર તમારો અધિકાર હતો. ત્યારે પણ કેન્સરનો રોગ તો તમારી સાથે જ હતો, પણ એનાથી અજ્ઞાત હતા ! અજ્ઞાત હોવાનું ખૂબ મોટું સુખ હોય છે. દુઃખનાં પડછાયા વિનાનું ! એ અજ્ઞાનતા અને અભાનતાનો પડદો ઉચકાય જ, છે અને કેન્સરનું નાટક શરૂ થાય છે.
પડદો ખુલતાં જ તમે અંધની જેમ અસ્પતાલની દીવાલો સાથે ભટકાવ છો. એ જડભીંતો તમને ઉદાસીનતાથી જોઈ રહે છે, કોરિડોરમાં તમને દોડી રહેલા મૃત્યુની ગંધ આવે છે. ને એક પ્રકાશનું કિરણ સંકોરાઈને જાણે તમારા અંધકારને દૂર કરવા ઇચ્છે છે. એ પ્રકાશમાં તમને સફેદ કોટ પહેરેલા માનવ દેવ જેવા ડૉક્ટરના દર્શન થાય છે. તે તમારો હાથ પકડી લે છે , હસ્તધુનના બહાને ! આગળ જતાં એ જ તમારો સહારો બને છે. એની મદદથી અજ્ઞાતના પડ ધીરે ધીરે ઉકેલાતા જાય છે. એના દરેક વાક્યને તમે બ્રહ્મ વાક્ય સમજીને શ્વસો છો.
કેન્સર એના કોશેટામાંથી બહાર નીકળી ગયો છે. દુઃખ પડખું ફરે છે. પસંદગીના સુખો તો હોય છે, પણ હવે પસંદગીનું દુઃખ જોઈએ છે. જેને ઝીલી શકાય, સમજી શકાય, ને સુખનાં આછાં પાતળાં પાલવ હેઠળ એને પંપાળી શકાય ! પણ ના, સુખનો પાલવ ટૂંકો પડ્યો. દુઃખ વિસ્તરવા લાગ્યું. હવે જીવતાં રહેવા માટે હવાતિયાં મારવાનું દુઃખ તીવ્રતાથી સ્પર્શવા લાગે છે. સ્નેહી સ્વજનોને દુઃખી કરવાનું દુઃખ. આ કપરી પ્રક્રિયામાંથી પસાર થવાનું દુઃખ. સર્જરી, કીમો, રેડિએશનના વિચારોથી તાંડવ કરતું વિક્ષુબ્ધ મન ! કેન્સરને ધોઈ કાઢવાના પ્રયત્નો થવા લાગે છે.
જીવનમાંથી સહજતા નીકળી જાય છે, ને પછી બધું જ પ્રયત્નપૂર્વક સ્વીકારવાની આદત પડી જાય છે. ક્ષીણ થઈ રહેલી શરીરની શક્તિ તમને પ્રયત્નપૂર્વક જીવાડે છે. તમે શ્વસતાં શ્વસતાં હાંફો છો. હાંફતા હાંફતા શ્વસો છો ! તમને ક્ષણભર જીવનનું કવચ ઉતારી દેવાનું મન થાય છે. પણ આ શું? તમારામાં આથમેલો સૂર્ય રક્તાંકિત પ્રવાહમાં વહેવા લાગે છે. ને આંતરિક ઉર્જાને કારણે તમારું ઉર્ધ્વારોહણ થાય છે.
બધું જ નવપલ્લવિત થતું જાય છે. સમયના ઓસડથી , દુઃખની તીવ્રતા ઓછી થવા લાગે છે. તમે જીવનની નવી ઉષામાં બાખોડિયાં ભરીને આશાભર્યા ડગથી પ્રયાણ કરવા લાગો છો. તમારામાં રહેલો હિમાલય ઓગળી જાય છે. ઔષધિઓની ગંગા નવા જીવનને પખાળ્યા કરે છે. આજનું વિજ્ઞાન સાવિત્રી બનીને યમરાજાની સમક્ષ ઊભું છે. સાવિત્રીનો વિજય હાથવેંતમાં છે. વિનાશ પછીની નિરવતા તમારાં શ્વાસમાં ભળી જાય છે. લાગણીઓનાં પાનખરને સમજણની કૂંપળ ફૂટવા લાગે છે. મુખ્ય રસ્તા પરથી ઉતરી પડીને સાઈડ વોક પર તમે સંભાળીને ચાલ્યા કરો છો. બસ ચાલ્યા જ કરો છો…!!
અસ્તુ….!