વાર્તાની વાર્તા ~ સ્વાતિ રાજીવ શાહ
ઓફિસથી આવ્યા પછી ચા પીને ‘આજે તો એક મસ્ત વાર્તા લખી જ નાખવી છે’ કરીને હું ડાયરી અને પેન લઈને બેઠો. શરૂઆત કરી, ‘એક…’ ના, લગભગ બધી બાળવાર્તાઓ ‘એક’ શબ્દથી શરૂ થાય છે, જેમ કે એક સિંહ હતો, એક જંગલ હતું, એક રાજા હતો, વગેરે વગેરે. મારે કંઈ બાળવાર્તા નથી લખવી!
થોડીવાર વિચાર્યા પછી કંઈક સૂઝ્યું. મેં ફરી લખ્યું,’ આજે…’ પણ આગળનું વાક્ય ભૂલાઈ ગયું. અરે! આજે આવું કેમ થાય છે? કશું સૂઝતું જ નથી. માંડ સારી શરૂઆત સૂઝેલી. તો વાક્ય ભૂલાઈ ગયું. હવે બધું નવેસરથી વિચારવું પડશે.
મથીમથીને થાકી ગયો પણ મગજની ખાણમાંથી એકેય હીરો જડતો ન હતો. ઘરમાં આવીને બેઠો હતો, નહીં તો એકાદ બીડી પેટાવી લેત તો કદાચ એકાદ તણખો ઝગી જાત. ઘરમાં આવી હિંમત કરવાથી તણખા નહીં, ભડકો થાય, ભડકો.
“વાર્તા, વાર્તા, વાર્તા”નો જાપ કરતાં હું બે હથેળીને એકબીજાની સાથે ઘસતો રહ્યો. જાણે કે હથેળી ચકમકનાં પથ્થર થઈને એકાદ તણખો ઝગવી જાય તો.
કદાચ કંઈ સરસ મજાનું સૂઝી પણ આવત, પણ એટલામાં શ્રીમતીજી હાથમાં વેલણ લઈને આવ્યાં ને કહે, “શું કરો છો ક્યારના?”
બસ એ જ ક્ષણ હતી જ્ઞાનનો તણખો પેટવાની! તે પેટ્યો… કે આમની સામે કંઈ બફાય નહીં, નહીંતર એક વાર્તા તો દૂર, એક શબ્દ પણ ન આવે.
હું ઊભો થયો ને “કંઈ નહીં” એમ કહીને રોજની જેમ ચૂપચાપ રસોડામાં રોટલી શેકવા ઊભો રહી ગયો.
રોજની આદત હતી એટલે હાથ તો યંત્રવત રોટલી શેકવા લાગ્યા પણ જીવ હજુયે વાર્તામાં હતો એટલે ધ્યાન રોટલી પર હતું નહીં. એમાં રોટલી પર જાતજાતની અને ભાતભાતની ડિઝાઇનો બનવા માંડી. અને રંગનું પણ પાછું કેવું વૈવિધ્ય! સાવ જ આછા બ્રાઉન રંગથી માંડીને ઓલમોસ્ટ કાળા જેવો બ્રાઉન કલર પણ.
બ્રાઉનના આટલા શેડ તો કોઈને ક્યાંય જોવા ન મળે! પણ આ પત્ની નામનું પ્રાણી ક્યારેય કદર નહીં કરે! ગમે તેટલા ટેલેન્ટેડ હો, એને છણકા કરવાનો મોકો જ મળી જાય, બોલો!
તમે કંઈ બોલો કે ન બોલો, એ બોલી, “ધ્યાન ક્યાં છે તમારું? આ રોટલી કેમ આવી શેકાય છે? આટલા વર્ષથી રોટલી શેકો છો તોય તમને કદી રોટલી શેકતાં જ ન આવડી. ક્યારે શીખશો, ભાઈસાબ?”
મારું તપોભંગ થયું એટલે કે વાર્તાવિચારભંગ થયો. અચાનક ઝડપાયો એટલે ગેંગેફેંફ થઈ ગયો.
“હેં? ના, કાંઈ નહીં. એ તો થાય ક્યારેક. બાકીના બધા દિવસો તો સારી રીતે જ શેકું છું ને! તારી ટ્રેનિંગ કાંઈ એળે ન જાય હો!”
“શું ધૂળ એળે ન જાય? એળે ગઈ જ. બાકી બીજા કોઈને શીખવવામાં આટલી મહેનત કરી હોય તો મશીનમાંથી નીકળતી હોય એવી એકસરખી રોટલી શેકાય.”
‘લ્યો બોલો! તંય બીજા કો’કની પાછળ જ મહેનત કરવી’તી ને!’ ના ના. આ બધું તો હું મનમાં જ બોલ્યો. મોટેથી બોલું એવો મૂરખ નથી કંઈ!
ચૂપચાપ રોટલી પતી ગઈ, જમવાનું પીરસાઈ પણ ગયું અને જમાઈ પણ ગયું. પણ… પેલો વાર્તાનો કીડો હજુ મનમાંથી ખસ્યો ન હતો.
હવે થયું કે વાક્ય લખવાની શરૂઆત નથી થઈ રહી, તો પહેલાં પ્લોટ વિચારી જોઉં. પછી એની મેળે જ વાક્યો લખાતાં જશે. મારા આઇડિયા પર અને એ આપનાર મારા દિમાગ પર ખુદ જ ઓવારી ગયો.
હવે મનમાં ‘વાર્તા-વાર્તા’ નહીં, ‘પ્લોટ-પ્લોટ’ થવા માંડ્યું. દિવાલ પર નજર ગઈ તો ગરોળી જીવડું પકડવા બસ તરાપ મારી જ રહી હતી. મગજ પર જોર નાખ્યું- આનાં પર કોઈ વાર્તા બને? પણ અફસોસ! કંઈ કરતાં કંઈ સૂઝ્યું નહીં. વધારામાં તરાપ મારતી ગરોળીમાં મને અમારાં એમનો ચહેરો દેખાયો. ખલ્લાસ! વિચાર પડતો મૂક્યો, મૂકવો જ પડે.
આજુબાજુ બીજું તો કંઈ દેખાતું પણ નહોતું. અકળાઈને રૂમમાં ગોળગોળ ફરવા લાગ્યો. પણ જરાવાર પછી સ્હેજ ચક્કર જેવું લાગવા માંડ્યું તે ખુરશી પર બેસી પડ્યો.
મને લાગ્યું કે જરા નાકા પરની પાનની દુકાને આંટો મારી આવું. ત્યાં તો જાતજાતના લોકો આવે ને ભાતભાતની વાતો થાય. પડોશથી લઈને પરદેશ સુધીની પંચાત થાય. દલજિતથી લઈને દિપીકા અને છેક ડાયેના વિશે માહિતી મળે. કોક્રોચથી લઈને ક્રિકેટ, સિનેમાથી લઈને શરતો લાગવા જેવા વિષયો ચર્ચાય. ને વળી જાતજાતનાં પાત્રો તો રૂબરૂ જ જોવા મળી જાય. આવામાં વાર્તાનો એકાદ મસ્ત પ્લોટ મળી જ રહેશે. પેલો તણખો ઝગવવાની લાલચ પણ ખરી.
દબાતે પગલે રૂમની બહાર નીકળ્યો. ચંપલ પહેરવા જ જતો હતો ત્યાં નજર રસોડા તરફ ગઈ… ને સાવ થીજી ગયો. શ્રીમતીજી આ બાજુ નજર કરશે ને મને ચંપલમાં પગ નાખતો જોઈ જશે તો? આગળ વિચારવા જતાં દિમાગ સુન્ન થઈ ગયું. હું ત્યાં જ ચોંટી ગયો, જાણે કોઈએ “સ્ટેચ્યુ!” કહી દીધું હોય.
જમીને રસોડું સમેટતાં શ્રીમતીજીને જોઈને થયું કે એક બીચારી સ્ત્રીની જવાબદારીઓ અને તકલીફો વિશે લખું. પણ મને સામે તાકી રહેલો જોઈને જે રીતે એમણે પૂછ્યું,” શું ડોળા કાઢો છો? કંઈ કામ ન હોય તો ઊંઘી જાવ. મનેય બે ઘડી શાંતિ મળે!” મારું તો મન જ ભાંગી ગયું. આ સ્ત્રી બિચારી? ના હો! બિચારો તો…મનમાં ઘંટડી વાગી.
બિચારા પુરુષ પર જ વાર્તા થઈ જાય! ફીદા, ફીદા, દોસ્ત તારા આઇડિયા પર! ખુદને જરા વધુ પડતી શાબાશી આપી ને અંતે હું એ પ્લોટ પર લખવા બેઠો.
હવે બિચારા પુરુષ પર એટલે કે પુરુષનાં બિચારાપણાં પર વિચારવા બેઠો. બીજા પુરુષો વિશે તો શું વિચારવું, મારી જ કથાઓ યાદ કરવા બેઠો.
નાનપણમાં બાપા લાકડીએ લાકડીએ મારતા એનાં વિશે લખું? કે પછી મોટો ભાઈ મીઠાઈનો મારો ભાગ પણ ઝૂંટવીને ખાઈ જતો એનાં વિશે લખું? નિશાળમાં માસ્તર ઊભો કરીને સવાલ પૂછે ત્યારે ક્યારેય ન આવડતું અને આખો ક્લાસ મારા પર હસતો એનાં વિશે લખું? કે પછી લેસન ન કરવા બદલ માર પડતો એનાં વિશે લખું. વિચારી વિચારીને મારું મોઢું અત્યારેય શીયાંવીયાં થવા લાગ્યું.
જવા દો, આ વિષય પર લખીશ તો વાચકો વાંચીને રડવા લાગશે. આ બધું નથી લખવું. મનમાં છૂપો ડર પણ ખરો કે વાચકો સમજી જશે કે નાનપણથી આપણામાં કંઈ રામ નહોતા. ઈજ્જતનો કચરો કરતી વાર્તા થોડી લખાય?
પણ પ્લોટ તો સરસ છે. પુરુષનાં બિચારાપણાં પર વાર્તા તો લખવી જ છે. અચાનક દિમાગમાં ટ્યુબલાઇટ પેટી કે પુરુષનું ખરું બિચારાપણું તો લગ્ન પછી શરૂ થાય છે. ચાલો ત્યારે, લગ્ન પછીના કિસ્સા લખવા બેસીએ.
મોકાણ તો લગ્ન પહેલાંથી જ શરૂ થઈ ગયેલી. રાફડામાંથી કીડીઓ એક પછી એક ઝપાટાભેર બહાર નીકળે એમ મારા મનમાંથી સ્મરણો બહાર નીકળવા માંડ્યાં.
સગાઈ પછી પહેલીવાર સાસરીમાં જવાનું હતું. વાગદત્તાને મળવાની, એની સાથે બે વાત કરવાની કલ્પના રોમાંચિત કરી જતી. કોઈએ સમજાવ્યું કે સાસરીમાં પહેલીવાર જમવા જઈશ ત્યારે સાસુ જમવામાં આગ્રહ બહુ કરશે. એટલે મીઠાઈ તો જલદી ખાતો જ નહીં. વાડકો કે થાળી ભરેલાં જ હશે તો જલદી બીજીવાર મૂકશે નહીં. ભલે કહ્યાં કરે કે તમે તો જમતા જ નથી, મીઠાઈ તો ખાલી કરો!” પણ તારે હાએ હા કરવાની પણ કરવાનું આપણે કરવું હોય એ જ. મનમાં એ વાતની ગાંઠ વાળીને બંદા તો પહોંચી ગયા સાસરે!
ભાવિ પત્નીની આંખોમાં જોતાં જ બધી સલાહો પર પાણી ફરી વળ્યું. સાસુ-સસરાને પગે લાગવાનું પણ એણે ઇશારાથી કહેવું પડ્યું.
જમવામાં મારી એવી ટેવ કે ન ફાવે એ વસ્તુ પહેલી પૂરી કરી દેવી, જેથી ભાવતી વસ્તુનો સ્વાદ છેલ્લે મોઢામાં રહે. જમવામાં રસ, પુરી, ઢોકળાં, ભીંડાનું શાક, લચકો દાળ અને ઓસામણ હતાં. ભીંડાનું શાક મને જરાય ન ભાવે. આપણે તો બે પુરીમાં શાક પતાવી નાખ્યું, જેથી રસની સાથે સબડકા લઈ લઈને પૂરી ખાઈ શકાય. પણ….હાય રે કિસ્મત! “શાકની ના પાડો તો મારા સમ” કરી-કરીને પીરસે. આવો અત્યાચાર મોઢું બગાડ્યા વગર સહેવો પડે એને બિચારાપણું જ કહેવાય ને?
પરણ્યા પછી પત્નીને વારેવારે પિયર ખેંચી જાય અને આપણો તો વિચારેય ન કરે. આને બિચારાપણું ન કહેવાય, સાચું કહેજો!
પત્ની કચરોપોતું કરે ત્યારે ગમે એવી લાગી હોય તોય બાથરૂમ સુધી જઈ ન શકાય એવો એનો ખોફ ને મારું… બિચારાપણું! ચૂંચા કરવા જાઓ તો સાવરણી જ હાથમાં પકડાવી દે એટલે કશું બોલાય પણ નહીં.
એ રોટલી કરે તો આપણે શેકવા જવું પડે.
માએ કદી જાતે ગરવામાંથી રોટલી થાળીમાંયે લેવા નહીં દીધેલી. આમણે ટ્રેનિંગ આપીઆપીને રોટલી શેકતો કરી દીધો. વળી કોઈ જોઈ જાય તો એવું કહે, “આમને કશું આવડતું જ નથી. મારા વગર ખાધે દુઃખી ન થાય એટલા માટે બધું શીખવાડું છું.”
લો, બોલો! આટલુંઆટલું કરવા છતાંય ‘આમને કશું આવડતું જ નથી.’ આને શું કહેવાય? શું કહેવાય, હેં?
સાફ-સફાઈમાં એક્કો, પણ એની પાછળનું કારણ બહુ મોડેમોડે ખબર પડી. ભૂલેચુકે ઘરમાં ક્યાંક વંદો દેખાઈ જાય તો પછી હું વાઘ ને એ બકરી. બસ એ વખતે, માત્ર એ વખતે મને એટલું સારું લાગે કે ન પૂછો વાત! એને જાણી જોઈને હેરાન કરવા વંદો પકડવામાં કે મારવામાં હું જરા વાર લગાડું. આપણું મહત્વ એનેય સમજાવું જોઈએ ને! પણ એટલું પરાક્રમ કર્યા પછીયે આપણે તો સાંભળવાનું જ.
“એક કામ બરાબર કરી શકતા નથી. એક વંદો પકડવામાં કે મારવામાં આટલી બધી વાર હોય?”
બોલો, હવે આને શું કહેવું?
તમારા સમ ખાઈને કહું છું કે આવા તો અનેક કિસ્સાઓ છે. ઓફિસમાં બોસ અને ઘરમાં બૈરી… બંનેની વચ્ચે સપડાતો બિચારો પુરુષ. બીડી પીવાની તીવ્ર ઈચ્છા અને બૈરીના ડોળા વચ્ચે પીસાતો બિચારો પુરુષ. એક બાજુ ભયંકર દબાણ અને બીજી બાજુ તાજું જ મારેલું પોતુ-એ બે વચ્ચે ફસાતો બિચારો પુરુષ. અરે, સ્વપ્નમાંયે અપ્સરાને જોઈને આંખોને ઠંડક પહોંચાડતાં ડરતો બિચારો પુરુષ. પુરુષનું બિચારાપણું તો આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે, શાશ્વત છે.
શબ્દો પછી શબ્દો, વાક્યો ઉપર વાક્યો, ગોઠવાતાં ગયાં. આપણી વાર્તા સડસડાટ આગળ વધતી ગઈ.
એમ થયું કે એક બેઠકે આખી વાર્તા પૂરી જ લખાઈ જશે. અને કસમથી… બધા જ પુરુષો એક અવાજે આ વાર્તાને વધાવશે. કોઈ એકાદો એવોર્ડ પણ આ વાર્તા જીતી જ જશે. આપણો જયજયકાર થઈ જશે. આહાહા! બિચારાપણાંમાથી થોડીક તો બાદબાકી થશે!
“આ શું ક્યારના ડાયરી હાથમાં લઈને ખાલી પાનાંને તાકી રહ્યા છો? અદ્રશ્ય શાહીથી એમાં કોઈ કહાની લખી છે કે શું? કે પછી માત્ર તમને જ દેખાય એવી કોઈ ફિલ્મ ચાલી રહી છે?”
ઝબકીને જાગ્યો. આ સ્ત્રી અંતર્યામી છે કે શું? સાલું આટઆટલું વિચાર્યા પછી પરિણામ શૂન્ય? મારી વાર્તા, મારી પ્રસિદ્ધિ, મારા એવોર્ડનું શું? પણ હું બિચારો..
“હેં, ના ના, કંઈ નહીં. જરા ખુલ્લી આંખે જ ઝોકે ચડી ગયેલો. કંઈ કામ હતું?”
– સ્વાતિ રાજીવ શાહ
suchakswati08@gmail.com